સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

પુત્રજન્મ થી આગળ

‘એમનો’ સ્વભાવ ઘણો વિચિત્ર હતો. ઘરમાં બધી વાત, કામ અને વહેવાર વ્યવસ્થિત રીતે થવાં જ  જોઈએ. વળી સાંજ પડતાં વ્યસન-પૂર્તિનો સમય થાય એટલે તેમને મદિરા જોઈએ જ. મારે તે માટે અગાઉથી તેયારી કરી રાખવી પડતી. ઘરમાં શરાબ ન હોય તો નોકરને મોકલી બજારમાંથી મંગાવીને રાખવાની વ્યવસ્થા મારે કરવી પડતી. સાંજે ઘેર આવીને મદ્યપાન કરવા બેસે તે ઠેઠ રાતના દસ વાગ્યા સુધી ચાલે. મને ઘણો કંટાળો આવતો. વળી મારો નરેન નાનો હતો. મારાથી આ દોડધામમાં જરા જેટલી ભૂલ થઈ જાય તો મારી આવી બને. બધાં છોકરાઓની સામે તેઓ મારું ગમે તેવું અપમાન કરવા લાગી જતા. આવે વખતે મનમાં એવું થતું કે ક્યાંક જઈને જીવ આપી દઉં. ઘરમાં મારી જરા જેટલી પત રહેવા દીધી નહિ. ઘરમાં મારું જરા પણ ચાલતું નહિ. અમારા “બડી દીદી? – મારાં બે નંબરનાં સાવકાં પુત્રીના હાથમાં બધું નિયંત્રણ હતું. એટલે સુધી કે સાસુજીનો કારભાર પણ તેમની પાસે જ હતો. વળી બડી દીદી અને તેમના મોટા ભાઈ (મારા પતિના મોટા પુત્ર)નું એકબીજા સાથે જરા પણ બનતું નહિ. મારાં લગ્ન થયેલાં સૌથી મોટાં પુત્રી ખરેખર ઘણાં જ પ્રેમાળ હતાં. અમદાવાદમાં તેઓ તેમનાં સાસરિયે ખુશ હતાં.

અમારી સાથે સવા વર્ષ રહ્યા બાદ સાસુજી પાછાં અમદાવાદ ગયાં. મારા દિવસ તો એમ જ વ્યતીત થવા લાગ્યા. ન તો મને મનગમતી વસ્તુ મળતી કે ન કદી મારી હોંશ પૂરી થતી. જેવાં મળે તેવાં કપડાં પહેરી લેવાનાં અને જે મળે તે ખાઈ લેવાનું. જોકે ઘરમાં કશાની કમી નહોતી, પણ પ્રેમના બે શબ્દ મને મળી શકતા નહોતા. આમ તો મારી પણ ઉમર કાંઈ મોટી નહોતી – “બડી દીદી’ કરતાં પણ નાની હતી. મારી સાથે એવો ઉપેક્ષાભર્યો અને અપમાનજનક વર્તાવ થતો હતો જાણે મને કોઈ ભાવના જ ન હોય. દરરોજ રાતે તેઓ મદ્યપાન કરતા અને રોજેરોજ આ જ વાતની પુનરાવૃત્તિ થતી. આવા અપમાનજનક વાતાવરણમાં ભોજન સાવ નીરસ બની જતું. હું કદી રાતે સુખેથી બે કોળિયા ભોજન જમી શકતી ન હતી. આમ છતાં મોટાં છોકરાંઓને તેમનું જમણ, નિશાળે જતી વખતે જોઈતી વસ્તુઓ વગેરેમાં મેં કદી ઓછાપણું આવવા દીધું નહિ. તેમના માટે નાસ્તો પણ ભરપૂર બનાવી રાખતી અને કદી કશા માટે ના કહી નહિ, કારણ કે હું પણ મોટા સંયુક્ત પરિવારનો અંશ હતી તેથી બાળકોને કોઈ પણ પ્રકારે ત્રાસ આપવાની મને ભાવના તો શું, એવો વિચાર પણ કદી આવ્યો નહિ.

દિવસ વીતતા જતા હતા. સાસુજીને અમદાવાદ ગયે આઠ મહિના થઈ ગયા હતા. તેમની ચાકરી કરવા “બડી દીદી’ પણ અમદાવાદ ગયાં, કારણ સાસુજીની તબિયત સારી રહેતી ન હતી. અમારા ઘરમાં “એમનો’ તો નિત્યનો ‘કાર્યકમ’ ચાલુ જ રહ્યો. રાતે કદી. જમે, અને કદીક વધુ પડતી પિવાઈ ગઈ હોય તો જમ્યા વગર જ સૂઈ જતા ત્યારે હું પણ જમ્યા વગર સૂઈ જતી. જમવા માટે હું સુંદર વાનગીઓ બનાવતી, પણ શો ઉપયોગ? તેઓ તો મારાં નાનાં નાનાં બાળકો સામે એવું અપમાન કરતા કે મારી ઘરમાં એક કોડીની પણ કિંમત રહી નહિ. ઘરમાં પ્રત્યેક વસ્તુ માટે હું પરતંત્ર હતી છતાં પણ હું મારું કર્તવ્ય કરતી રહી. મને રંજ એક જ વાતનો થતો કે નોકરચાકર અને નાનાંમોટાં બધાં બાળકો સામે મારી એવી નાલેશી કરતા, « પૂછો વાત. મને થતું, એકાંતમાં લઈ જઈને મને બે જૂતાં મારો, પણ બધા લોકોની સામે તો મને ગાળો આપો મા. હું તો “’એમને’ એક જ વાત કહેતી કે આપ આટલો દારૂ ન પીઓ. બસ આટલું કહું અને તે મારા પર વરસી પડતા. કહેતા, “તારા બાપુજી પીવા સિવાય બીજું શું કરતા હતા?’ મારા બાપુજીએ તો નશો કરીને અમારું સત્યાનાશ કર્યું હતું. અને તેમાં તેમણે પ્રાણ પણ ગુમાવ્યા હતા. આને પણ મારા ભાગ્યનો જ દોષ કહેવાય, બીજું શું? મને બીજી કોઈ વાતનું દુઃખ નહોતું, પણ આ વાતથી ઘણો ક્લેશ થતો.

મારા નાના દિયરે અમદાવાદમાં પોણોસો લાખનો બંગલો બંધાવ્યો અને ધામધૂમથી વાસ્તુ શાંતિ કરી. સાસુજીએ. મારાં દેરાણીને ચાંદલામાં છવીસ તોલાની હીરાકંઠી આપી. અમારાથી તો સમારંભમાં જઈ શકાયું નહિ, પણ થોડા દિવસ બાદ અમે તેમનો બંગલો જોવા જઈ આવ્યાં. મારાં દેરાણી મારાં સાસરિયાંનાં કોઈ પણ સગાની સાથે સંબંધ રાખતાં નહિ. દિયરજીની મોટી જાહોજલાલી હતી, અને ઘરમાં ભાતભાતની વસ્તુઓ અને માલસામાન આવતો, પણ સાસુજીને તેમાંથી કદી પણ એક વસ્તુ મોકલી નહિ. વસ્તુઓ ઉકરડામાં ફેંકાતી, પણ પોતાના માણસોમાં કદી વહેંચી નહિ. દિયરજીને પહેલા ઘરની એક દીકરી હતી તેને પણ તેમણે સંભાળી નહિ, તેથી તે મારાં જેઠાણીને ત્યાં જ રહેતી.

સાસુજીની તબિયત હવે સાવ બગડી ગઈ હતી. તેમણે પહેલેથી જ બે પૌત્રીઓ (મારા પતિની પહેલા ઘરની) સૌથી નાની બે દીકરીઓને સોનાની ચાર-ચાર બંગડીઓ અને આઠ-આઠ તોલાની સોનાની ચેન આપી. “બડી દીદી’ને પાંત્રીસ તોલાના સોનાનાં ઘરેણાં આપ્યાં. મારાં સૌથી મોટાં પુત્રીને પણ તેના લગ્નમાં બધી જણસ વ્યવસ્થિત રીતે કરાવી આપી હતી. મને પણ ત્રીસ તોલા સોનું આપ્યું હતું. આમ છતાં તેમની પાસે હજી ઘણું હતું તે “બડી દીદી’ને હસ્તક હતું. પોતાની અંતિમ વિધિ માટેના પૈસા સાસુજી જ્યાં જતાં ત્યાં પોતાની સાથે જ રાખતાં, કારણ કે છેલ્લી ઘડી ક્યાં અને ક્યારે આવે છે તેનો શો ભરોસો? આમ સાસુજી ઘણાં વ્યવસ્થિત હતાં. અને થયું પણ એવું જ.

એક દિવસે તાર આવ્યો કે તેમની તબિયત અત્યંત ગંભીર છે. તાર આવતાં “તેઓ’ રાતની ગાડીથી અમદાવાદ જવા નીકળ્યા. મેં તેમને કહ્યું આવી હાલતમાં મારે પણ ત્યાં જવું જ જોઈએ, પણે ‘તેઓ’ શાના સાંભળે? તેઓ એકલા જ નીકળી ગયા. નસીબ સારાં કે તેઓ સાસુજીને છેલ્લી વારનું મળી શક્યા. પરોઢિયે સાસુજી સૌની સાથે વાતો કરતાં કરતાં જ બધાંને રામ રામ કહી સ્વર્ગે જવા ચાલી નીકળ્યાં. જતાં પહેલાં પોતાની અંતિમ વ્યવસ્થા અગાઉથી જ કરી ગયાં હતાં. મુખમાં મૂકવા માટેનું સુવર્ણ, મોતી, પ્રવાળ, તુલસી તેમણે તેયાર જ રાખ્યું હતું, અને કોઈની પાસેથી વધારે ચાકરી કરાવ્યા વગર ઈશ્વરને ઘેર પ્રયાણ કરી ગયાં. બડી દીદીએ રાતે જ બધી વ્યવસ્થા કરી રાખી હતી. “એમને’ તો આની જાણ કરવામાં આવી ન હતી, તેથી તેમને કેવી રીતે ખબર પડે કે તેમનાં માતુશ્રીની અંતિમ ઘડી આવી હતી? તેઓ પરોઢિયે પહોંચ્યા, અને પરિસ્થિતિ જોઈ તેમણે મને તાર કરીને બોલાવી લીધી. આનાં કરતાં તેમણે મારી વાત માની હોત અને સાથે લઈ ગયા હોત તો હું પણ સાસુજીનું અંતિમ દર્શન કરી શકી હોત. આવે વખતે સાસુજીને મળવાની મારા મનની ઇચ્છા હતી તેની અવગણના કરી તેનો વાંધો નહિ, પણ લોકાચારની દષ્ટિએ તો તેમણે મને સાથે લઈ જવી જોઈએ કે નહિ? લોકો તો એવું જ કહેવાના કે જુઓ, અંતિમ ઘડી આવી હતી છતાં વહુ આવી નહિ. પણ બહારના લોકોને આપણા ઘરના માણસોના સ્વભાવની કલ્પના ક્યાંથી હોય?

સાસુજીનાં ક્રિયા-કર્મ માટે મારાં સાસરિયાંનો સમગ્ર પરિવાર બાર દિવસ સુધી સાથે હતો. પાંચસો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું, અને મારા નાના દિયરે માતા પાછળ અનેક દાન-ધર્મ કર્યા. સાસુજીએ આ કાર્ય માટે ખાસ રકમ જુદી રાખી મૂકી હતી, અને જે દીકરો તેમની ઇચ્છા મુજબ કાર્ય કરાવે તેને તે આપવામાં આવે તેવી જોગવાઈ કરી રાખી હતી. સાસુજી તો બધું કામ વ્યવસ્થિત  રીતે કરી ગયાં હતાં. થોડુંઘણું જે કાંઈ બચ્ચું હતું તેનું શું કરવું તે પણ કહી ગયાં હતાં. સાસુજીનો બધો વહીવટ મારાં બે નંબરનાં દીકરી – “બડી દીદી’ – કરતાં હતાં તેવું સાસુજી મને કોઈ કોઈ વાર કહેતાં, પણ મારા પતિએ કદી પણ મને પારિવારિક સંપત્તિ, ઘરબાર – ગૃહસ્થીમાં શું છે અને શું નથી તેની જાણ થવા દીધી નહિ. હું ઘરની ગૃહિણી હતી. આપણા ઘરની હાલત વિશે મને કંઈક તો જાણ કરવી જોઈએ કે નહિ? એ બધું જવા દો, પણ સાસુજીના અવસાનને પંદર દિવસ થયા કે ‘એમણે’ મને કહ્યું, “તું છોકરાંઓને લઈ વઢવાણ કેમ્પ જા.’ પણ  સાસુજીની પશ્ચાત્‌ મુખ્ય તો ઘર અને બાકીની સંપત્તિની વહેંચણી વખતે એક ગૃહિણી તરીકે “એમણે’ મને સાથે રાખવી જોઈએ કે નહિ?

આમ જોવા જઈએ તો સસરાજીના સ્વર્ગવાસ બાદ અમારી હવેલીની તથા રોકડ-ઘરેણાં અને અન્ય સંપત્તિની વહેંચણી થઈ ગઈ હતી. તેમાં મારા પતિના ભાગે મુખ્ય હવેલી આવી હતી. જેઠાણીને ભાગે ઘણી મોટી ખુલ્લી જમીન (જે અમારા ભાગે આવેલ જગ્યા કરતાં લગભગ ત્રણ  ગણી હતી) તથા પડતર ઘર આવ્યાં હતાં. જોકે તેમાં વિશાળ મકાન બાંધવા માટે અઢળક રોકડ રકમ અને જર-ઝવેરાત મળી સૌથી વધુ સંપત્તિ આપવામાં આવી હતી. પરંતુ જેઠાણીને તો મારા પતિના ભાગે આવેલ મકાન પણ જોઈતું હતું અને તે માટે તેમણે ઘણી જહેમત કરી હતી. હવે સાસુજી ગયા બાદ અમારા ભાગે શું આવ્યું તે “એમણે’ મને બતાવવું જોઈએ કે નહિ? મને તો જાણે કેવળ તેમનાં બાળકોની સંભાળ રાખવા અને તેમની પોતાની સેવાચાકરી કરવા જ આણી હતી, તે ઉપરાંત મને ઘરબાર વિશે કોઈ ખબર જ પડવા દેતા નહોતા. આ વખતે બાળકો સાથે વઢવાણ ન જતાં પરાણે જ અમદાવાદ રહી ગઈ, તેમ છતાં સાસુજીની મિલકતનું શું કરવામાં આવ્યું તે મને જોવા કે જાણવા મળ્યું જ નહિ. જે કાંઈ નાનીમોટી વસ્તુઓ હતી તે છોકરાંઓ માટે અમદાવાદ રાખી અમે વઢવાણ પાછાં આવ્યાં. બડી દીદી’એ અમારી સાથે ન આવતાં અમદાવાદ રહી શિક્ષિકાની ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું.

સમયનાં વહેણ ચાલુ જ હતાં. બાળકો મોટાં થતાં હતાં. કોઈ એક સ્થિરતા હોય તો તે “એમના’ રવભાવમાં હતી. સાચું કહું તો “એમના’ વર્તનથી ઘરમાં મારી જરા જેટલી કિંમત રહી નહિ તેનું મને ઘણું દુઃખ હતું. મારા નસીબમાં પરતંત્રતા જ લખાઈ હતી. કદી પણ મને મનગમતી વસ્તુ તેમણે આણી હોય કે મને ગમે એવી વાત કરી હોય તે મારા સ્મરણમાં નથી. વર્ષની બે સાડી ઉપરાંત ત્રીજી સાડી મને કદી મળી ન હતી. તેમાં પણ મારી પસંદગી કદી પૂછવામાં આવી નહિ. જયારે અમદાવાદ જાય ત્યારે જાડી કિનારની જે સાડી લાવતા તે હું પહેરી લેતી. મારી એક પણ હોંશ, પસંદગી – નાપસંદગી તેમણે જાણવાનો પ્રયત્ન કર્યો નહિ કે ન તો તે કદી પૂરી કરી. યુવાવસ્થામાં એક તરુણીને કેટકેટલી હોંશ હોય, કેટલી ઉમેદ હોય, પણ બધા ૫ર પાણી ફરી વળ્યું હતું. “એમની’ પાસે બેસીને બે વાત કરવામાં પણ મને સંકોચ થતો હતો, કારણ કે મારી ઉમરનાં તેમનાં પુત્ર-પુત્રીઓ હંમેશાં હાજર હતાં ત્યારે શિષ્ટતાની બધી વાતોનો વિચાર કરવો પડતો.

ઉનાળાની રજાઓમાં મારાં જેઠાણીની પુત્રવધૂ અમદાવાદથી આવી ત્યારે તેનાં એટલાં વખાણ થતાં કે ન પૂછો વાત. તે કોઈ પણ વાનગી બનાવે ત્યારે તેઓ મને તરત કહેતા, ‘જો, જો, કેટલું સરસ બનાવ્યું છે! આવું તને કરતાં આવડે છે?’ અને વાત વાતમાં મને શરમિંદી કરી નાખતા. હું પણ પિયરથી બધું શીખીને આવી હતી, બધું કરતી હતી પણ ‘તેઓ’ મને જાણી જોઈને શા માટે ચીડવતા હતા.

મારી તબિયત પર આ બધાંની ઘણી માઠી અસર પડી, અને હું પાછી બીમાર રહેવા લાગી. સાસુજીના અવસાનને લગભગ બે વર્ષ થઈ ગયાં હતાં. મારી તબિયત બગડતી ગઈ તેથી નરેનને સંભાળવા એમણે એક બ્રાહ્મણના છોકરાને રાખ્યો. આ છોકરાની ઘરની પરિસ્થિતિ ઘણી ગરીબ હતી તેથી તેને પણ આધાર મળ્યો. નરેનને સંભાળવા ઉપરાંત તે ઘરનાં નાનાંમોટાં કામ કરી આપતો. અમારા ઘરમાં કામ માટે રાખેલાં જીવીમા – જેમને અમે બધાં જીબા કહીને બોલાવતાં – મારી સંભાળ એક માની જેમ રાખતાં, અને જ્ઞાનની ઘણી વાતો કહેતાં. અમારા મોટા ચિરંજીવને આ ગમતું નહિ અને તેઓ માજીને કહેતા, “જીબા, આમને અમારા વિશે શું શું કહીને ચઢાવો છો? શા માટે તેમને માખણ લગાવો છો?’ જીબાએ મને કદી ખરાબ વાત કહી ન હતી. તેઓ તો હંમેશાં સારી વાત કહેતાં અને સારી શિખામણ આપતાં. મોટા પુત્રની આવી વાતો હું નતમસ્તકે સહન કરી લેતી.

“તેમની’ સેવા હું સાચા હૃદયથી કરતી. આમ તો ‘તેઓ’ ભોળા હતા, પણ જ્યારે બોલવા લાગે ત્યારે તેઓ આગળ-પાછળ જોતા નહિ અને ફાવે તેમ બોલતા અને ગાળો આપવા લાગી જતા. આવું થાય ત્યારે મને એટલું લાગી આવતું અને થતું કે મારા જીવનું કંઈક કરી લઉં. પણ હું એક સારા ખાનદાન પરિવારની દીકરી હતી, આવું પગલું ભરીને મારાં માતા-પિતાના નામને હું કલંકિત કરવા માગતી નહોતી.

મારા મોટા પુત્ર મેટ્રિક પાસ થઈને અમદાવાદ ગયા. હું પરણીને આવી ત્યારથી તેમણે મને કદી પણ તેમનાં ભાઈ-બહેનની જેમ “બાઈ’ કહીને બોલાવી નહિ! “એમનાં’ સૌથી નાનાં ચાર બાળકો જ મારી સાથે સરખી રીતે વાત કરતાં.

નરેનના જન્મ પછી લગભગ બે વર્ષે મને દીકરી આવી. હું હૉસ્પિટલમાં ગઈ ત્યારે રસોઈ કરવા માટે મહારાજ રાખવામાં આવ્યો, પણ આ વખતની પ્રસૂતિમાં મને ભયંકર તકલીફ થઈ. હૉસ્પિટલમાં ફક્ત સૂવાની વ્યવસ્થા હતી. બાકી બધું ઘેરથી લાવવું પડતું. ઘરમાં કોઈ વડીલ વ્યક્તિ ન હોવાથી મને સરખું ભોજન પણ મળતું ન હતું. જમવા માટે સવારમાં નાસ્તો નહિ કે ચા નહિ. બપોરના એક વાગ્યે ખાવાનો ડબો લઈ માણસ આવે. જમવામાં ઠંડા થઈ ગયેલાં દાળ-ભાત હોય. આમ પંદર દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ મને ઘેર જવાની રજા મળી.  દીકરીનું નામ મીના રાખ્યું. એટલું માત્ર કહેવું પડશે કે મારા પ્રત્યે ‘એમનો’ અને અન્ય બાળકોનો વ્યવહાર ગમે તેવો હોય, પણ નરેન અને મીનાને તેઓ બધા ખુશીથી તેડતા અને રમાડતા.

મીના આઠેક મહિનાની થઈ હતી ત્યારે તેની આંખ આવી. “એમણે’ દવાખાનામાંથી આંખમાં નાખવાનાં ટીપાંની શીશી મંગાવી, અને કહ્યું, “હું ઓફિસે જઉં છું. બપોરના મીનાની આંખમાં ટીપાં નાખજે’. સમય થતાં મેં દવાનું કબાટ ખોલ્યું અને જોયું તો ત્યાં બે શીશીઓ હતી. બન્ને એક સરખી અને દવાનો રંગ પણ એવો જ હતો. ઓફિસે જતાં પહેલાં ‘એમણે’ છોકરાંઓને કહ્યું હતું કે બાટલી પર દવાના નામનું લેબલ લગાડીને જ નિશાળે જજો. પણ છોકરાં ઉતાવળમાં આ ભૂલી ગયાં હતાં. બપોરના દોઢના સુમારે મેં આમાંની એક શીશી ખોલી તેનાં થોડાં ટીપાં રૂમાં ભીંજવી એક-એક ટીપું મીનાની આંખમાં નાખ્યું. એક ટીપું પડ્યું શું કે મીનાએ રાડ પાડી અને ચીસો પાડવા લાગી, મેં તેને છાની રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે કેમે કરીને શાંત થતી ન હતી. હું મૂંઝાઈ ગઈ અને મીના પર ગુસ્સો કરવા લાગી. સદ્ભાગ્યે બપોરે બે વાગ્યાની રિસેસમાં બાળકો ઘેર આવતાં હતાં, ત્યારે મેં બે નંબરના દીકરાને કહ્યું, “રવિ, જો તો, મેં આંખની દવાનું એક ટીપું નાખ્યું ત્યારથી આ છોકરી રાડો પાડયા કરે છે. કેમે કરીને શાંત થતી નથી.’

રવિએ દવા જોઈને કહ્યું, “બાઈ, તમે તો આંખની દવાને બદલે મીનાની આંખમાં આયોડિન નાખ્યું છે! હવે હું શું કરું? બાપુજી મારા પર ઘણા ગુરસે થશે. બાપુજીએ ઓફિસ જતાં પહેલાં મને જ કહ્યું હતું કે દવાની બાટલી પર લેબલ લગાડજે, પણ હું ભૂલી ગયો !’ કહી તે ગભરાઈ ગયો. ‘તેઓ’ હંમેશ મુજબ બપોરે ત્રણેક વાગ્યે ચા પીવા ઘેર આવ્યા. અને ઘરમાં આ ધમાલ જોઈ. તેઓ તરત મીનાને લઈ હૉસ્પિટલ ગયા. મીનાની આંખો ચણોઠીની જેમ લાલચોળ થઈ ગઈ હતી. ડૉકટરે આંખ તપાસીને કહ્યું, “છોકરીનાં નસીબ સારાં છે, તેથી તેની આંખ બચી ગઈ. આયોડિનનું ટીપું આંખના ખૂણામાં પડયું હતું. કીકી પર પડયું હોત તો તે કાયમ માટે દષ્ટિ ગુમાવી બેઠી હોત.’. મને લાગે છે કે મીનાનો જીવ પણ બચી ગયો હતો. આંખમાં આયોડિનનું ટીપું પડતાં જે રીતે પીડાથી તેનો શ્વાસ ચઢી ગયો હતો, તે એકાદ સેકંડ પણ વધુ રહ્યો હોત તો તે ગતપ્રાણ થઈ હોત. આઠ દિવસ પછી મીનાએ માંડ માંડ આંખો ખોલી.

નરેનની પણ તબિયત સારી રહેતી નહોતી. તેને તાવ આવે તો ૧૦૫ ડિગ્રી સુધી ચઢી જતો અને આંકડી આવવા લાગતી તે પણ આવી માંદગીમાંથી માંડ માંડ બચ્યો. માંદગીનો સિલસિલો એવો ચાલતો ગયો કે ન પૂછો વાત.

મારા નાના દિયર પર અમદાવાદની કોર્ટમાં કોઈ કેસ ચાલતો હતો તેમાં સાક્ષી આપવા માટે “એમને’ સમન્સ આવ્યો હતો, અને તે દિવસે ચાર વાગ્યાની ટ્રેનમાં તેઓ અમદાવાદ જવા નીકળવાના હતા. બપોરે ત્રણેકના સુમારે મારી તબિયત એકાએક એવી ખરાબ થઈ. મને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયાં તે કોઈ પણ હિસાબે બંધ નહોતાં થતાં. પથારીમાંથી ઊઠવાની પણ મારી શક્તિ રહી નહિ. હું લગભગ મૃત્યુના મુખમાં આવી પડી હતી, કારણ કે આ કોઈ સાદી બીમારી ન હતી – કૉલેરા હતો. ડૉકટર આવ્યા અને તેમણે ઇંજેક્શન આપી ‘એમને’ કહ્યું, “આમને સતત સારવારની જરૂર છે. હું તેમને બચાવવાનો પ્રયત્ન કરું છું, પણ તેમની હાલત જોતાં તેમને મૂકી ક્યાંય જશો નહિ. ગમે તે વખતે કંઈ પણ થઈ

શકે છે. હું રાતે ફરીથી તેમને જોવા આવીશ અને ઇંજેક્શન આપીશ.’ મારી જીવાદોરી મજબૂત હતી તેથી કે કેમ, તે વખતે “એમનાં’ માસી વઢવાણ આવ્યાં હતાં. તેઓ આખી રાત મારી પાસે બેસીને મારા મસ્તક પર બરફ ઘસતાં રહ્યાં અને હું બચી ગઈ. આવી હાલતમાં “તેઓ’ અમદાવાદ જઈ શક્યા નહિ.

અમદાવાદમાં મારાં બીજાં માસી-સાસુ હતાં તેમણે બધે વાત ફેલાવી, “ભાઈનો આટલો મહત્ત્વનો કેસ ચાલતો હતો છતાં આ માણસ આવ્યો નહિ તેનું એક જ કારણ છે. તેની બેરીએ. માંદગીનો ઢોંગ કરીને તેને આવવા દીધો નહિ.’ મને પ્રત્યક્ષ જોનારાઓને ખબર હતી કે હું મૃત્યુમુખમાં પડી હતી. વળી મારા પતિ મારું કશું કહ્યું માને તેવા થોડા જ હતા? લગ્ન કરીને આવી ત્યારથી તેમણે પોતાના પરિવારની કોઈ બાબત વિશે ન કદી મારી સાથે કોઈ વાત કરી હતી, કે ન કદી મેં તેમને કશો અભિપ્રાય આપ્યો હતો. મારી વિના કારણ બદનામી થઈ તેનું મને દુઃખ થાય તેના કરતાં મારા દિયર પ૨ આવી પડેલી તકલીફનો અફસોસ વધુ થયો હતો. તેમના પર એવું ભયકર સંકટ ત્રાટક્યું હતું કે જેનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી. આ તેમના દેવનો દોષ હતો, અન્યથા આવી વિપત્તિ તેમના પર આવી જ ન શકે.

સંકટ કદી કહીને નથી આવતાં. આ અગાઉ પણ એક ભયંકર સંકટ અમારા પરિવાર પર આવી ગયું હતું. નરેનનો જન્મ થયાને થોડા જ મહિના થયા હતા ત્યારે અમારા સૌથી મોટાં પુત્રીની પ્રસૂતિ આવી. તેમને દીકરી આવ્યાના ચોથા દિવસે તેમની પ્રકૃતિ ગંભીર થઈ ગઈ અને તેમના પતિએ “એમને’ તાર કર્યો. તે વખતે “તેઓ’ એકલા જ ગયા અને પુત્રીને છેલ્લી વારનું મળી શક્યા. ત્રણ દીકરીઓ અને એક પુત્રને મૂકી અમારાં પુત્રી અવસાન પામ્યાં. તેમની ચાર દિવસની બાળકીને લઈ ‘તેઓ’ વઢવાણ આવ્યા. મેં નરેનને બાજુએ મૂઠી આ બાળકીને સ્તનપાન કરાવી તેનું સંજોપન કરવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કેમ, તેને  મારું દૂધ કોઠે ન પડયું તેથી અમે તેના માટે બકરીનું દૂધ શરૂ કર્યું અને મારી જ પુત્રી હોય તેમ તેને સ્નેહ આપીને તેની ઘણી સારસંભાળ રાખી. માંડ માંડ બે મહિનાની થઈને આ બાળકી આખરે તેની માતા પાસે ગઈ. મારાં આ મોટાં પુત્રી ઘણા સારા રવભાવનાં હતાં અને તેમનું અંતર ભોળું હતું. પણ સારા માણસો પૃથ્વી પર વધુ સમય રહેતા નથી. તેઓ ગયા અને તેમનાં ત્રણ સંતાનો મા વગરનાં થઈ ગયાં.

અમારા જમાઈએ બીજા લગ્ન કર્યા. અમારા સૌનાં નસીબ સારાં કે તેમનાં બીજાં પત્ની ઘણાં જ સારા સ્વભાવનાં અને સ્નેહાળ હતાં. તેમણે ત્રણે બાળકોને પોતાનાં કરી લીધાં અને “એમને’ તથા મને માતા-પિતાનું સ્થાન આપ્યું. અમે પણ તેમને અમારાં મોટાં પુત્રી તરીકે સ્વીકારી લીધાં. તેમને પોતાનાં સંતાનો થયાં પણ બધાં બાળકોને તેમણે એકસરખો સ્નેહ આપ્યો. દીકરીઓ પરણીને સાસરિયે ગઈ, પણ દીકરો, વહુ અને તેમનાં પોતાનાં સંતાનો સાથે જ રહે છે. અમે પણ તેમને મળવા હંમેશાં આવતાં જતાં રહીએ છીએ.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com