કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

         માથું દુ:ખવું, તાવ તરિયો આવી જવો કે પેટની નાની મોટી ગરબડ ઊભી થઈ જવી-એવું તો હાલ્યા કરે ભાઇ ! એને આપણે બીમારી નહીં પણ “કટેવ થઈ ગઈ”  કહી મનમાંથી કાઢી નાખતા હોઇએ છીએ. પણ ક્યારેક જેની પીડા અને રીબામણીથી કંટાળી જઈ માણસ મરવાનું પસંદ કરી બેસે, એટલી હદે કોઇ જાતની સારવારને ન ગાંઠે તેવા જળોની જેમ ચોટી જાય તેવા દર્દોની સંખ્યા પણ ઓછી નથી.

પંચોતેર વટાવી ગયેલા માનવીને, પછી તે ભાઇ હોય કે બહેન, કાં તો એને મધુપ્રમેહે ફસાવી પાડ્યા હોય, કે લોહીના ઉંચા-નીચા દબાણવાળી હ્યદયને લગતી કોઇ બીમારીનો ભોગ થઈ જવાયું હોય ! જે કોઇ આ બીમારીમાંથી બચી જવા પામ્યા હોય તેવા ભાગ્યશાળીને પગની એડી, ઘૂંટણ, ખભા કે કેડ ફરતો હાડકાંનો દુ:ખાવો ઠોંહા માર્યા કરતો હોય છે.

પહેલાના વખતમાં મધુપ્રમેહનો વાહો [રહેઠાણ] રહેતો વેપારી, સુખી, બેઠાડુ જીવનવાળાને ત્યાં. ખેડુતો, મજૂરો, કે કારીગરો, જેનાં પંડ્ય પરસેવે નીતરતાં હોય, એવી મલ્લમહેનત ભાળીને જ મધુપ્રમેહ આઘો ભાગતો અને હ્યદયરોગ ? એ તો કહે નાની ઉંમરવાળા અને પાતળિયા દેહવાળામાં શું જીવ નાખવો ? એયને જાડા, ખાધેપીધે સુખી અને બેઠાડુ માણહ સાથે જ એને મેળ જામતો !

સમય બદલાયો છે. ;

પણ હવે સમય બદલાયો છે. આપણી રહન-સહનની રીતો પણ બદલાઇ છે. શરીરને પરસેવો વાળવાની વાત ક્યાં કરવી ? થોડું આઘેરૂક જવું આવવું કે શરીરને થોડોકેય આલ પડે તેવી કોઇ પ્રવૃત્તિને આપણે ઢુંકડી જ આવવા દેતા નથી. શરીરશ્રમ ઓછો થઈ ગયો છે તે પણ એક કારણ ખરું આવા રોગોને બોલાવવાનું. અને વધુ વજનદાર કારણ બીજું એ પણ છે કે આપણા ખોરાકની રૂચિ અને રસો પણ બદલાયાં છે. સાજા રહેવું એ તો શરીરનો સ્વભાવ છે. પણ ખોરાકની આપણી પસંદગી અને ખાણીપીણીની ટેવો એવી બગાડી નાખી છે કે જેને બસ માંદા પડવાનો જ પ્રયત્ન કર્યો  ગણી શકાય !

કોણ નાનું છે કે કોણ મોટું ? કોણ પાતળું છે કે કોણ છે લોંઠકું ? કોણ સ્ત્રી છે કે કોણ છે પુરુષ ? અરે, હવે તો કોણ બાળક કે કોણ છે વૃધ્ધ ? કશુંયે જોયા વિના દર્દો એને મનફાવે એ રીતે બેરોકટોક એવી જાળ બિછાવી રહ્યા છે કે ભલભલા એની લપેટમાં આવી જાય છે.

વધુ મહત્વ ખોરાકનું ;

દર્દ મટાડવામાં દવા ઉપયોગી છે, એના કરતાં પણ ખોરાક અતિ ઉપયોગી છે. આપણો ખોરાક જ જો સર્વાંગીણ બળવત્તર અને સુપાચ્ય હોય તો શરીરને તંદુરસ્ત રહેવાનું ખૂબ ફાવે છે. ખોરાક બાબતે યોગ્ય તકેદારી લેવાય તો દર્દનું આગમન થઈ ગયું હોય તો પણ તેની વિદાયગીરીની વેળા વહેલી લાવી શકાય છે. એવા બળવત્તર ખોરાક માધ્યમોને શોધીએ તો નજર “સોયાબીન” પર જઈને ઠરે છે.

ફળોમાં જેમ આમળાં – કઠોળમાં શ્રેષ્ઠ સોયાબીન;

સોયાબીન કઠોળ વર્ગનો પાક છે. તેમાં બીજાં બધાં કઠોળ કરતાં પ્રોટીનનું પ્રમાણ ઉંચેરું છે. અરે, માંસ અને માછલી  [18૧૮ % પ્રોટીન] થી પણ સવાબે ગણું વધારે, એટલે કે 40 % અને એ પણ ગુણવત્તમાં શ્રેષ્ઠ, મનુષ્યને માટે ઉપયોગી એવા બધા જ પ્રકારના એમિનો એસિડથી છલોછલ ! અને છતાં સસ્તુ-કિંમતમાં નાનામાં નાના માણસને પણ પોસાય-પરવડે એવું !

સોયાબીનમાં ૨૦ % જેટલી ચરબી એવા વિશિષ્ટ પ્રકારની છે, કે તેના તેલમાંથી બનાવેલું ખાણું કોલેસ્ટીરોલ ન વધારતું હોવાથી હ્યદયરોગી માટે ખૂબ જ ઉપયોગી છે. કેલ્શિયમ અને લોહ પણ પુષ્કળ પ્રમાણમાં છે. લોહીમાં હીમોગ્લોબીનની ઊણપ કે શરીરમાં હાડકાંની નબળાઇ જણાતી હોય એવા માણસો માટે આનો ખોરાક આશીર્વાદરૂપ છે. જેમને પેટમાં ગેસની તકલીફ હોય તેમણે દૂધ અને દૂધની બનાવટોથી દૂર રહેવું પડતું હોય છે. સોયાબીનમાંથી બનેલી બનાવટોમાં લેક્ટોઝ સુગર નહીં હોવાથી, એવાઓ માટે સોયાબીન અતિ ઉપયોગી છે.

કાર્બોહાઇડ્રેટ્સ ૨૦ % હોવા છતાં સ્ટાર્ચની માત્રા નહિવત હોય છે. સોયાબીનમાંનો 20 % હિસ્સો તો દાણા પરની ફોતરીનો હોય છે. જે ફોતરીના રેસા એવા વિશિષ્ટ ગુણવાળા હોય છે કે જેના લીધે કાર્બોહાઈડ્રેટ્સમાંથી ગ્લુકોઝનું રૂપાન્તર જ ખૂબ ઓછા પ્રમાણમાં થવા દે છે. એટલે સોયાબીનમાંથી બનેલું ખાણું ડાયાબીટીસવાળા માટે ઉપયોગી પુરવાર થયું છે.

અરે ! છેલ્લું સંશોધન તો એમ કહે છે કે સોયાબીનમાં આઇસો ફ્લેવાન નામનું ફાયટો રસાયણ હોય છે, જેથી કેટલાંક વધુકાં વિશિષ્ટ કાર્યો કરવા તે શક્તિમાન છે. દા. ત. તેમાંનું એક ખાસ કરીને સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરને આગળ વધવા દેતું નથી.

વપરાશ કેમ કરવો પસંદગી પોતપોતાની ;

તેને આપણે રોજબરોજના ઉપયોગમાં લેવા બાબતે ઘણી બધી રીતો છે. સોયાબીન લોટ તરીકે, દૂધ તરીકે, દૂધમાંથી દહીં, છાશ અને પનીર બનાવીને, તેને બાફી, તેમાંથી કેન્ડી કે ટોફી બનાવીને, અરે ! શેકી-ભૂંજી-બાફી, તેમાં મસાલા ભેળવી જેમ મગ, મઠ, ચોળા કે ચણા ખાતા હોઇએ એમ પણ ખાઇ શકાય છે. મારા એક સ્નેહી તો ૧૦ કીલો ઘઉંમાં એક કીલો સોયાબીન ઉમેરી, દળી, તેની રોટલી બનાવી ખાય છે. જેથી રોટલીમાં તેલનું મોણ દેવાનો સવાલ હલ થાય છે અને છતાં રોટલી મસ્ત કૂણી કૂણી બની રહે છે-એમ એમનું કહેવાનું છે. સોયાબીન કેમ ખાવું-કેવીરીતે ખાવું તેની પસંદગીના વિકલ્પો ઓછા નથી. આ રીતે વ્યક્તિએ રોજના ૪૦-૫૦ ગ્રામ સોયાબીન લેવાનું રાખ્યું હોય તો ડૉક્ટરથી બચી રહેવાય છે.

ખેડૂતને મન મૂઠી ઉંચેરા મોલની ખેતીની રીત :

“અમૂક પ્રકારની જ જમીન જોઇશે”, “ખાસ જાતનાં જ ખાતરો ફાવશે” એવા ચાળા ને ચાગલાઇ કરનારો શ્રીમંત પાક આ નથી. સોયાબીન તો “કઠોળ” જેવા સરળ અને સોજા માવતરનું છોરું છે. સાવ જ ટુંકી મૂદતમાં તૈયાર થાય, વધારાની કશી જ માવજત માગે નહીં, કે રોગ-જીવાત લાગવાની ફરિયાદ પણ કરે નહીં, અરે ! પાલો અને પાંદડાં પશુઓને ભાવે એવા, અને ઉત્પાદન બાબતેય અન્ય પાકોથી લગરીકેય ઉતરતી નહીં !

પાક રહ્યો કઠોળ વર્ગનો. મૂળમાં હોય રાઇઝોબિયમ બેક્ટેરિયાનો વસવાટ. તેથી સોયાબીનનો છોડવો ખાય થોડું અને આપે વધારે ! હવામાંથી નાઇટ્રોજન પકડી મૂળ વિસ્તારમાં ભેગો કરે. પોતે તો ખવાય એટલો ખાય અને બાજુમાં ઊભેલાને પણ ખવરાવે બોલો !

બીજા ચોમાસુ પાકોની જેમ જ જમીન તૈયાર કરવી અને પોતાની પહોંચ પ્રમાણે ખાતરો આપવાં. ચોમાસામાં વરસાદ થયે વાવણી કરવી. “સૌનું થાય તે આપણું થાય” એવું સદાય મોટું મન સોયાબીનનું ! સેવામાં ખેડૂત તરફથી થતી વધ-ઘટ કે વાવણીમાં થોડું વહેલું-મોડું, એનોયે બહુ હરખ-શોક એને નહીં ! પૂર્તિ ખાતરની તો સામેથી જ ના પાડે એ, અને વરસાદની જેવીતેવી ખેંચ તો એના મનમાંયે નહીં ! વરસાદ વધુ ખેંચાવે અને સગવડ હોય તો અપાયેલ પિયતનું વ્યાજ સહિત ઉત્પાદનના રૂપમાં સાટું વાળી આપે એવો પાક ! જેવીતેવી જીવાતોને ગાંઠે એ બીજા, સોયાબીન નહીં ! રોગો કોઇ ઘાંયતાંય [બનતા સુધી ] ઢુંકડા જ આવે નહીં. ત્રણ-સાડા ત્રણ મહિને તો પાંદ પીળાં થઈ માંડે ખરવા અને જમીન લગોલગથી થડ પર શીંગોની એવી ઠાંહણી કે એની લણણી કરવા દાતરડું ક્યાં દાખલ કરવું એનો વિચાર કરતા કરી દે ! ધ્યાન બસ એટલું રાખવાનું કે શીંગો સાવ પાકીને પીળી દેખાય પછી જ લણણી કરવી, નહીં તો દાણાનો રંગ સફેદને બદલે લીલવર્ણો થાય. થ્રેસર હોય તો ઠીક, નહીં તો ખળામાં નાખી, સૂર્યતાપમાં સારી પેઠે સુકાવા દઈ, ઉપર બળદગાડું કે ટ્રેક્ટર હાંકી ઉપણી લેવાની જૂની રીત એને વધુ ફાવે.

વ્યાપ અને  જાતો :

સૌરાષ્ટ્રમાં તો હજુ એની શરૂઆત થતી આવે છે, એટલે વાવેતરનો વિસ્તાર ઓછો છે. આખા દેશમાં આશરે  ૭૫ લાખ હેક્ટરમાં થતા વાવેતરનું ઉત્પન્ન ૭૦ લાખ ટનનું છે. કુલ ખાદ્ય તેલોમાં તેનું ૧૦ % યોગદાન રહેલું છે. આપણે ત્યાં મધ્ય પ્રદેશમાં ખુબ સારા પ્રમાણમાં વાવેતર થાય છે. જથ્થામાં વધુ અને ઓછા સમયમાં તેની પાસેથી કેમ વધુ ઉત્પન્ન લઈ શકાય, તે માટેના સંશોધનો  પણ ત્યાં ખૂબ પ્રમાણમાં થઇ રહ્યા છે. અહલ્યા-૧ અને અહલ્યા-૨ તથા ટુંકી મુદતમાં પાકતી અને પાક્યા પછી શીંગો ફાટતી ન હોય તેવી અહલ્યા-૩ અને અહલ્યા-૪ તેની જાણીતી જાતો છે. આપણે ત્યાં ગુજરાતમાં જી.એસ.૩૩૫, જે સફેદ દાણાવાળી છે, એ જાત સારી રીતે વિસ્તરતી જાય છે. ગુજરાત સોયાબીન -૧ ઓછા વરસાદવાળા વિસ્તાર માટે અને ગુજરાત સોયાબીન -2 વધુ વરસાદવાળા વિસ્તાર માટે પસંદ કરાય છે. ગુજરાત -૩, ક્લાર્ક-જે-૨૭૨ અને ૨૩૧ જેવી જાતો પણ સોયાબીનમાં પ્રચલિત છે.

ઓળખ :

દોઢથી બે ફૂટ સુધીની ઉંચાઈ અને બાળપણથી જ ઘેરા લીલા મગથી મોટાં એનાં પાન ! જેમ ઉંમર પાક્યે માણસોના વાળ રૂપેરી દેખાય, તેમ પાકટ સોયાબીનના પાન સોનેરી થાય ! એ દ્રશ્ય જોતાં લાગે જાણે ધરતીને પીળી સાડી ઓઢાડી શણગારી હોય !  શીંગો જોઇ હોય તો મધ્યમ પહોળા પટ્ટાની, આમ તો પાપડી વાલોળ જેવી જ. શીંગમાં દાણાની સંખ્યા ૪ થી ૬. દાણા લગભગ તુવેરના દાણાના કદના, પણ સફેદ, લીસ્સા અને ચમકીલા ! જોયા ભેળા આંખમાં વસી જાય તેવા !

ઉત્પાદન :

જૂન-જુલાઇમાં વાવણી કરાઇ હોય, બે હાર વચ્ચે ટૂંકું અંતર એક જ ફૂટનું રાખી, ૩-૪ ઇંચના ગાળે છોડવાની પારવણી કરી હોય, મુખ્ય પાક તરીકે લાગઠ જ લેવાયો હોય અને મન મૂકીને માવજત અપાઇ હોય તો નાના વીઘે ૨૦ મણ [૪૦૦ કીલો ] ઉત્પાદન અવળી આંટીએ [સહેજે-સરળતાથી] લઈ શકાય છે.

ખરા મૂંઝારામાં ભેરૂ આંતરાપાકની અવેજી :

આપણે ત્યાંની ગુજરાતની ખેતીમાં હવે કપાસ એ મુખ્ય પાક બની ચૂક્યો છે. એમાંયે બી.ટી. બિયારણ આવતાં તે બીજા પાકોની સરખામણીએ ખેડૂતને કંઇક ઠીક સુઝાડતા પાક તરીકે ઊભરી રહ્યો છે ત્યારે, તેને લાંબો સમય ટકાવવો હશે તો, એની એ જમીનમાં લગાતાર દર વરસે કપાસ જ વાવ્યા કરવાને બદલે સાથમાં કોઇ બીજા પાકની ભેર લીધા વિના હાલવાનું નથી. પાકની ફેરબદલીનો લાભ મળતો થાય, રોગ-જીવાતમાં રાહત થાય અને સવા-કવા કે વરસાદની અનિયમીતતામાં વરસ સાવ નલ્લે [નિષ્ફળ ] ન જાય તે ગણતરીએ દ્રષ્ટિવાન ખેડૂતોએ મિશ્રપાક તરીકે કપાસની વચ્ચે ‘આંતરપાક’ તરીકે કંઇકને કંઇક, જેવા કે તલ, મગફળી, મગ-અડદ, મકાઇ કે નીચા રહેતા બાજરા જેવા પાકો દાખલ કર્યા છે. પણ જમીનો બધી વધારે પડતા રાસાયણિક ખાતરોના વપરાશ અને નબળા-દુબળા પાણીના વારંવારના પિયતથી થઈ ગઈ છે ખૂબ પિતવાડ અને ચોતરા જેવી કઠ્ઠણ ! કપાસની વચ્ચે મગફળી વાવીને ઉછેરવી બહુ ફાવે છે, પણ તેને ખેંચતી વખતે તે સારી પેઠે તૂટીને જમીનમાં જ રહી જાય છે. જ્યારે તલ ? તલનો પાક હવે થઈ ગયો છે સાવ ફોસરિયો ! [બીકણ-નબળો ] જરીક અમથો વધ-ઘટનો વરસાદ વરસે કે રોગ-જીવાતનો જરી અમથો સાંભળી જાય ફુંફાડો, ત્યાં ફસકીને બેસી જાય છે સાવ પાણીમાં ! બાજરાભાઇની તો વાત જ નહીં કરવાની ! ચિંધ્યું હોય કપાસની સોડ્યમાં રહી વધવાને વિકસવાનું, પણ એનો સ્વભાવ જ એવો, એટલે નીકળી જાય કપાસ કરતાં ક્યાંય ઊંચેરો ! છાંયો ને ઓથ એવા પાડી દે કે કપાસે ‘આંતરપાક’ બની જવું પડે ! બાકી રહ્યા મગ-અડદ જેવા કઠોળ. તો એ બધામાં મળતા ઉત્પાદનના વજનમાં ખાસ ભલીવાર ભળાતી નથી. ક્યો પાક કપાસના બે ચાસની વચ્ચે વાવવો તેની મથામણમાં સૌ ખેડૂતો છીએ.

એવા ટાણે સોયાબીનના છોડવાની નરવાઇ અને એની ઉત્પાદન આપવાની ગરવાઇનો જેમને પરિચય થયો છે, એની વાત કહું તો આપણા ચીલાચાલુ બીજા બધા પાકોમાં કપાસના આંતરપાક તરીકે સરસાઇ ભોગવી શકે એવો આના જેવો  પાક બીજે  ગોતવા ગયે જડશે નહીં, પણ આ તો સામેથી આપણા સૌરાષ્ટ્રના ખેડૂતોને શોધતો આવ્યો છે. તક છે ઝડપી લેવા જેવી – મારું તો એમ ભાર દઈને કહેવાનું છે ભાઇઓ !


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com