– કનુ પટેલ

કનુભાઈ પટેલ ગુજરાતના જાણીતા ચિત્રકાર, અભિનેતા, કળા મીમાંસક છે. હાલમાં તેઓ વલ્લભ વિદ્યાનગર સ્થિત સી.વી.એમ. કૉૅલેજ ઓફ ફાઈન આર્ટ્સના માનદ નિયામક તરીકે સેવા આપે છે.

જ્યારે હું ફાઈન આટર્સ કોલેજમાં ભણતો ત્યારે કલાના ઇતિહાસના પ્રશ્ર્નપત્રમાં એક પ્રશ્ર્ન પુછાયેલો કે શું સાધનોની વિપુલતા કરતાં માનવ શક્તિ દ્વારા વધારે સબળ સર્જનો થાય ખરાં? આજે જ્યારે આ લખવા બેઠો તો ફરી એ પ્રશ્ર્ન મનમાં ચકરાવો લેવા લાગ્યો. કળા એ હંમેશાં માનવીની  સર્જનાત્મકતા, લાગણી અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનું પ્રતિબિંબ રહી છે. પરંતુ જ્યારથી આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (AI)નો  ઉદય થયો ત્યારથી કલાત્મક સર્જનનું એક નવું સ્વરૂપ ઊભરી આવ્યું છે. AI આર્ટ કોમ્પ્યુટર અલ્ગોરિધમ્સ, મશીન લર્નિંગ અને ન્યૂરલ નેટવર્ક્સનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ, ગ્રાફિક્સ, શિલ્પો, ફોટોગ્રાફ્સ અને ડિજિટલ ઇમેજ સહિત અનન્ય અને વૈવિધ્યસભર આર્ટવર્કની રચનાઓ આપણને રચી આપે છે. AI આર્ટ એ તાજેતરનાં વર્ષોમાં કલાકારો, કલાપ્રેમીઓ અને સામાન્ય લોકોનું પણ વ્યાપક રૂપે ધ્યાન આકર્ષિત કરનારો રુચિકર વિષય છે. અરે, ક્યારેક તો AIજન્ય કળાસર્જનો સામે કલાકારો દ્વારા રચાયેલાં સર્જનો ઝાંખાં પડે છે !

તાજેતરનાં વર્ષોમાં AI આર્ટના બજારમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. AI આર્ટ ટેક્નોલોજીની પ્રગતિ અને લોકોના તેની પરત્વેના અભિગમમાં વૃદ્ધિ જોતાં AI-જનરેટેડ આર્ટવર્કને વ્યાપક અને વધુ માન્યતા પ્રાપ્ત થઈ છે. કેટલાંક AI આર્ટ ઊંચી કિંમતે વેચાઈ રહ્યાં છે, જેમાં AI-જનરેટેડ પેઇન્ટિંગ 2021માં એક હરાજીમાં આશરે ચાર લાખ ડોલરમાં વેચાયું છે. જોકે, AI આર્ટનું બજાર હજુ પ્રમાણમાં ઘણું નાનું છે. જે સતત વધે અને કલા બજારનો મુખ્ય ભાગ બની જાય તેવું બને. અલબત્ત, AI આર્ટ ઘણા નૈતિક, કાનૂની અને કલાત્મકતા વિશેના પેચીદા પ્રશ્ર્નો પણ ઊભા કરશે. જેને કારણે કલાની વ્યાખ્યા, કલાકારની ભૂમિકા અને કલાસર્જનના ભાવિ વિશે નવેસરથી વિચારવું પડશે. AI આર્ટની વિશેષતાઓ, લાભો, ખામીઓ, કળાજગત પર અસર અને કલાનું ભવિષ્ય શું થશે તે તો સમયાંતરે ખબર પડશે.

કેમેરાથી ટીવી સુધીની યાત્રાની શીખ

જ્યારે ઓગણીસમી સદીના મધ્યે કેમેરાની શોધ થઈ ત્યારે ચિત્રકલા ખતમ થઈ જશે અને ચિત્રકારો બેકાર થઈ જશે એવી ચર્ચાઓ ચાલી હતી. જેનું ચિત્ર બનાવવું હોય તેણે કલાકાર સામે કલાકો સુધી બેસવું નહિ પડે; માત્ર એક પલકારામાં કેમેરા સામે ઊભા રહીને વ્યક્તિની આબેહૂબ તસવીર તૈયાર થઈ જશે, તેથી વ્યક્તિચિત્ર (પોટ્રેટ) કરવાનું સાવ બંધ થઈ જશે તેમ મનાતું. પરંતુ આપણે જોયું કે સમયાંતરે ફોટોગ્રાફી એક અલગ કળા તરીકે સ્થાપિત થઈ અને કલાકારોએ સર્જનની નવી અને નરવી કેડી કંડારી. કેમેરાએ જગતમાં પોતાનું સ્થાન વિસ્તારીને આજે મુવિંગ અને ડીજીટલ ટેકનોલોજીમાં ખૂબ પ્રગતિ કરી અને નવાં ક્લેવર રચી આપ્યાં. તેના દ્વારા ચિત્રકલામાં પણ તેની ઉપયોગિતા વધી.

આગળ જતાં કેમેરા દ્વારા ફોટોગ્રાફી સિવાય પણ એક નવી કળા- સિનેમાનો જન્મ થયો જેણે કળાસ્વરૂપે ખૂબ ઝડપથી દુનિયા પર પોતાનો જાદુ પાથરી દીધો, એ ઘટનાના આપણે સહુ સાક્ષી છીએ. તે સમયે એમ કહેવાયું કે નાટ્યકળા હવે સિનેમા સામે ટકી નહિ શકે. આજે નાટક પણ પોતાના નવા ક્લેવરથી ચાલે છે. કેમેરાએ અભિનયની સૂક્ષ્મતાઓને રસિકજનો સામે મૂકી આપી. ટીવી આવ્યું ત્યારે સિનેમા ખતમ થઈ જશે એવો વાવર ફેલાયો. આજે બધાં જ કળા સ્વરૂપો અને ટેકનોલોજી પોતપોતાની જગ્યા જાળવીને માનવજીવન સાથે જોડાયેલાં છે. આમ, આજે જ્યારે AI આર્ટની ટેકનોલોજી કલાકારો સામે પડકાર બનીને આવી છે ત્યારે કળા પોતાના નવા સ્વરૂપનો રસ્તો કરી લેશે. દરેક નવી શોધ માનવતા સામે અનેક પ્રશ્ર્નો ઊભા કરે છે અને સમયાંતરે તેના ઉકેલો પણ મળતા રહે છે.

AI આર્ટ અને માનવસર્જિત કળા વચ્ચેનો ભેદ

AI આર્ટ એ ટેકનોલોજી છે, જ્યારે માનવસર્જિત કળા અંતર્જ્ઞાન, વ્યક્તિગત અનુભવો અને ભાવનાત્મક અભિવ્યક્તિનો ઉપયોગ કરીને સર્જવામાં આવે છે. AI આર્ટમાં એક ખાસ પ્રકારની ચોકસાઈ અને સુસંગતતા હોય છે. તેમાં કલાકારના અંગત સ્પર્શ અને વ્યક્તિગત શૈલીનો અભાવ રહે છે. માનવ સર્જિત કળા અ-સપ્રમાણ હોઈ શકે. વધુમાં AI આર્ટમાં ઘણીવાર અતિવાસ્તવ હોય છે. AI આર્ટની એક લાક્ષણિકતા એ પણ છે કે તે મોટેભાગે એકધારી અને પુનરાવર્તિત પેટર્ન ધરાવે છે. AI આર્ટમાં ચોક્કસ થીમ અથવા શૈલી હોઈ શકે છે જેને લીધે રંગ, રચના અને વિષયવસ્તુમાં એકરૂપતા જોવા મળે છે. AI આર્ટ તીક્ષ્ણતા (શાર્પનેસ) અને ઝીણી વિગતો તરફ ધ્યાન આપે છે, જે માનવસર્જિત કળા કરતાં વધુ શાર્પ હોય છે. થોડું પ્લાસ્ટિકપણું પણ AI જન્ય કળામાં વર્તાય છે. આ તફાવતો કલાનાં બે સ્વરૂપોને અલગ પાડવામાં અને દરેકના વિશિષ્ટ ગુણોને ઉજાગર કરવામાં મદદ કરે છે.

કલાકારોના અભિપ્રાયો અને નિસ્બત

AI આર્ટ અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપોને પ્રેરણા આપવાની અને કળાનાં પરંપરાગત સ્વરૂપોને પડકારવાની ક્ષમતા ધરાવે છે. અન્ય લોકો ચિંતા કરે છે કે કળાના નિર્માણમાં AIનો વધતો ઉપયોગ સર્જનાત્મકતામાં ઘટાડા તરફ દોરી શકે કારણ કે કલાકારો ટેક્નોલોજી પર વધુ નિર્ભર રહેશે અને તેમની પોતાની કલ્પના અને કૌશલ્ય પર ઓછા નિર્ભર રહેશે. આખરે, માનવ સર્જનાત્મકતા પર AI આર્ટની અસર કલાકારો તેનો ઉપયોગ કેવી રીતે કરવાનું પસંદ કરે છે અને તેઓ તેને પોતાની કલાત્મક પ્રેક્ટિસમાં કેવી રીતે વાપરે છે તેના પર નિર્ભર રહેશે.

કેટલાક કલાકારોને AI આર્ટના ઉદયથી કળાઉદ્યોગ પર તેની અસર વિશે ચિંતા છે. AI આર્ટ કળાઉદ્યોગમાં બેકારી વધારશે. જોકે, તેની સામે દલીલ એ છે કે AI આર્ટ નોકરીની નવી તકો ઊભી કરશે, જેમ કે AI સિસ્ટમ્સ ડિઝાઇન કરવા માટે, કલાની ચોક્કસ શૈલીઓ ઘડવા માટે અને AI સિસ્ટમને તાલીમ આપવા માટે કલાકારોની જરૂર પડશે. કેટલાકને ડર છે કે AI ટેક્નોલોજીની પ્રગતિ કલા ઉદ્યોગને સ્વચાલિતકરણ (ઓટોમેશન) તરફ દોરીને કલાકારોને લાગણી, વ્યક્તિગત સ્પર્શ અને સર્જનથી દૂર કરી દેશે. તે માનવ દ્વારા સર્જેલી કળાના અનન્ય ગુણોને નષ્ટ કરે અને મનુષ્યની કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાના મહત્ત્વને ઘટાડી શકે. મનુષ્યસર્જિત કળા મનુષ્યની સંવેદનાત્મક અભિવ્યક્તિ હોવાને કારણે તેની લાગણીઓ, મન, મગજ અને સમગ્ર વ્યક્તિત્વના સમત્વપૂર્વકના વિકાસમાં મદદરૂપ થાય છે, જે AI આર્ટમાં સંભવ લાગતું નથી.

કલાની દુનિયામાં AIની ભૂમિકા અંગે કેટલાક કલાકારો અલગ અલગ મંતવ્યો ધરાવે છે. કેટલાક લોકો AIને પ્રેરણા માટેના મૂલ્યવાન સાધન તરીકે, તેમજ પોતાની કળાને વિશિષ્ટ બનાવવા માટેના સાધન તરીકે જુએ છે, જે એકલા હાથે હાંસલ કરવી અશક્ય છે. વળી, કલાકારો સર્જનાત્મક વિચારો ઉત્પન્ન કરવા માટે AI અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. બંને કિસ્સાઓમાં AI આર્ટ કલાકારોને નવીન રીતે ટેકનોલોજી સાથે સહયોગ કરવાની તકો પૂરી પાડે છે.

AI આર્ટ કળાની નવી અને અનન્ય શૈલીઓ સર્જવાની એવી ક્ષમતા ધરાવે છે, જે મનુષ્યની કલ્પનાદૃષ્ટિથી પર અને અદ્ભુત હોય છે. વધુમાં પરંપરાગત કળાને સર્જવા માટે જે સમય લાગે છે તેવી કળા AI આર્ટ પલકારામાં અને ઓછા ખર્ચે બનાવી આપે છે. પણ તેની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં મૌલિકતાનો અભાવ છે. AI ફક્ત તેને જે ડેટા (એટલે કે છબીઓ)થી તાલીમ આપવામાં આવે તેના આધારે જ નવી છબીઓ (ઈમેજ) પેદા કરી શકે છે. વધુમાં, માનવકળાથી વિપરીત AI આર્ટમાં ભાવનાત્મક જોડાણ અને કલાકારના સ્પર્શનો અભાવ હોઈ તે ઓછી પ્રભાવશાળી રહે છે.

આ AI પ્રોગ્રામને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટાસેટ્સમાં શું સમાવવામાં આવ્યું છે તે અંગે માત્ર કલાકારોને જ નહીં, દરેકને  ચિંતા હોવી જોઈએ. એક વેબસાઈટ લોકોને એવાં ચિત્રો અને ફોટા શોધવાની મંજૂરી આપે છે જેનો ઉપયોગ નવીનતમ AI એવાં ચિત્રો અને ફોટા તાલીમ આપવા માટે કરવામાં આવ્યો હોય. આમાં સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વ્યક્તિગત ફોટાઓનો પણ સમાવેશ થાય છે; કોઈ વ્યક્તિ પોતાના ફોટાઓ બીજાને વાપરવાની છૂટ (Access) રદ કરવામાં અસમર્થ હોય તો વ્યક્તિને કૌભાંડોમાં સંડોવવા માટે તેનો દુરુપયોગ સંભવિત છે. તેના કારણે ઘણા કોર્ટ કેસ થયા છે અને આવનાર સમયમાં ઘણી અરાજકતા સર્જાવાનો ભય રહેશે.

AI આર્ટની માલિકી એ એક જટિલ, પેચીદો અને વિવાદાસ્પદ મુદ્દો છે. કેટલાક નિષ્ણાતો એવી દલીલ કરે છે કે AI આર્ટને બૌદ્ધિક સંપદા ગણવી જોઈએ અને કળા પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા AI મોડલના નિર્માતાઓ પાસે અધિકાર હોવા જોઈએ. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જે કલાકાર AI મોડલ પસંદ કરે છે અને તેનો અમલ કરે છે તેની પાસે અંતિમ આર્ટવર્કના અધિકારો હોવા જોઈએ. કેટલાક દલીલ કરે છે કે AI આર્ટ ખરેખર સર્જનાત્મક નથી અને તેમાં મૌલિકતાનો અભાવ છે. જ્યારે બીજા કેટલાક માને છે કે AI મનુષ્યો જેટલી જ સર્જનાત્મક બની શકે છે. આમ, AI આર્ટ માલિકી અને બૌદ્ધિક સંપદા અંગેના અધિકારોના મુદ્દા વિશે નૈતિક પ્રશ્ર્નો પણ ઊભા કરે છે. આ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવું અને કળાજગતમાં AI આર્ટનું સ્થાન શું રહેશે તે સમાજ અને કલાકારોની સમજણ પર નિર્ભર રહેશે.

અંતે, ભારતીય ચિંતને કળાને સાધના કહી છે એ દૃષ્ટિએ આ આખી વાતનું આકલન કરીએ તો જે કલાકારો કળાના વ્યવસાય સાથે જોડાયા હશે તેઓએ આ AI આર્ટના માધ્યમનો આજે નહીં તો કાલે સ્વીકાર કરવો પડશે અને જે કલાકારો કળાને સાધના ગણી તેની આરાધના કરે છે, તેઓએ પોતાના સર્જનની ગતિ અવિરત રાખી આકારથી નિરાકાર તરફ નિજાનંદની યાત્રા કરવી રહી !


સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર: ૯ ઓગસ્ટ ૨૦૨૩