નલિની નાવરેકર
આજે વિશ્ર્વમાં ગંદાપાણીની એક મોટી સમસ્યા ઊભી થયેલી છે. ગામમાં કે શહેરમાં, દરેક ઘરમાં જે પાણીનો ઉપયોગ થાય છે, તેમાંથી ગંદુ પાણી પેદા થવું એ સ્વાભાવિક છે. આ ગંદુ પાણી વધુમાં વધુ પહોંચે છે નદીઓમાં. નદી આપણને ચોખ્ખું-સારું પાણી આપે છે. જ્યારે આપણે એને ગંદુ પાણી પાછું આપીએ છીએ. ઘરઘરનું, કારખાનાઓનું, ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નદીમાં પહોંચે છે. લગભગ બધી જ નદીઓનું પ્રસન્નતા આપનારું શુદ્ધ જળ આપણે મેલું કરી મૂક્યું છે. નદીઓ ગટર બની ચૂકી છે. પાણીની જરૂરિયાત તો બધાને જ છે; તેથી આ જ નદીઓનું પાણી ફરીથી સ્વચ્છ, શુદ્ધ કરીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આજના વિકાસનું આ ઊંધું-ચત્તુ ચક્ર છે.
સવારે ઉઠીને મોઢું ધોવા માટેની ગાંધીજીની જરૂરિયાત એક લોટો પાણીની હતી. એક દિવસ સાબરમતી નદીને કિનારે તેઓ લોટો ભરીને થોડા દૂર ઊભા રહીને મોઢું ધોઈ રહ્યા હતા. વિચાર વિમર્શ માટે તેમની સાથે કોઈ લોકો આવ્યા હતા, વચ્ચે જ ગાંધીજી ગંભીર થઈ ને બોલ્યા, ‘અરે, પાણી તો પૂરું થઈ ગયું ને મોઢું ધોવાનું બાકી રહી ગયું !’ સાથે આવેલા લોકો હસવા લાગ્યા. તેમણે કહ્યું, ‘બાપુ, આપ પણ કમાલ કરો છો, આમાં આટલી ગંભીર થઈ જવાની ક્યાં વાત છે ? આટલી મોટી સાબરમતી સામે વહી રહી છે ! એક લોટો વધુ પાણી તેમાંથી લઈ લેશો તો શું બગડી જવાનું છે ? ગાંધીજીએ કહ્યું, ‘સાચી વાત છે, કેટલી મોટી નદી વહી રહી છે, પરંતુ ‘મારા એકલા માટે નહીં’ – કેટલી સંવેદનશીલતા, કેટલો ઊંડાણપૂર્વકનો તેમજ વ્યાપક અયોજનનો વિચાર તેઓ કરતા હતા !
કદાચ આ વાત સાંભળીને આપણને હસવું આવે. આટલી મોટી નદીમાં ‘એક લોટો’ પાણીનો હિસાબ આપણને સમજાય પણ નહીં. શહેરની દરેક વ્યક્તિ શૌચાલયમાં પાંચ, દસ કે વીસ લીટર પાણી કોઈ વિચાર વગર વાપરે છે; ત્યારે યાદ નથી આવતું કે ગામડાઓમાં દસ-વીસ લીટર પાણી-એક ઘડો ભરીને પાણી મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે.
ગામડામાંથી જે ગંદુ પાણી નીકળે છે તે પ્રતિદિન પ્રતિવ્યક્તિ ૩૦થી ૪૦ લીટર અને શહેરમાંથી ૧૦૦થી ૧૨૦ લીટર જેવું પ્રદુષિત પાણી નીકળે છે. મોટા શહેરોમાંથી તો પ્રતિવ્યક્તિ ૨૦૦ લીટર જેટલું ગંદુ પાણી પણ બહાર પડે છે. જે નદી તેમજ જમીનને પ્રદૂષિત કરે છે.
પાણી માનવજીવનની મૂળભૂત જરૂરિયાત છે. દરેક વ્યક્તિનો પાણી પર સમાન અધિકાર હોવો જોઈએ. દરેક વ્યક્તિને ઓછામાં ઓછું તેની જરૂરિયાત માટેનું પાણી તો મળવું જ જોઈએ. પાણીનો બગાડ થવો જોઈએ નહીં તે જેટલું જરૂરી છે તેની સાથે જ એ પણ જોવું જોઈએ કે ગંદા પાણીનો પણ બગાડ ન થવો જોઈએ. ગંદા પાણીનો યોગ્ય ઉપયોગ કરવાથી સારા (ચોખ્ખા) પાણીની બચત થઈ શકે છે. જો ગંદા (વેસ્ટ વોટર) પાણીનો તરત જ તેમજ નજીકમાં જ ઉપયોગ કરવામાં આવે તો આ પાણી એટલું ‘ખરાબ’ નથી હોતું.
આવી ક્રૂરતા !
ગંદુ પાણી રોગચાળો ફેલાવવા માટેનું કારણ બની શકે છે. તેને કારણે મચ્છરની સંખ્યામાં વધારો થાય છે અને મચ્છરને લીધે મલેરિયા, ફાયલેરીયા, મગજનો તાવ, ડેંગ્યુ વગેરે રોગોનો ફેલાવો થાય છે. ગંદા પાણીને લીધે જે કાદવ થાય છે તેને લીધે હૂકવર્મ (પેટમાં પડનારા એક જાતના જીવડા) થઈ શકે છે. આ ઉપરાંત ગંદુ પાણી જ્યારે એક જગ્યાએ સંગ્રહાયેલું રહે છે ત્યારે તેમાંથી ભયાનક દુર્ગંધ ફેલાય છે.
શહેરોમાં બંધ ગટરોમાં લાખો લીટર ગંદુ પાણી વહેવડાવી દેવાય છે. વચ્ચે વચ્ચે મોટી-ઊંડી ચેમ્બરો (કુંડીઓ) હોય છે. જ્યારે આ સીસ્ટમમાં કંઈ ખરાબી આવે છે ત્યારે મજૂરોને અંદર ઊતરીને સફાઈ તેમજ સમારકામ કરવું પડે છે. આટલા ગંદા તેમજ દુર્ગંધ મારતા ગટરના પાણીમાં ખભા સુધી ડૂબીને / ઊભા રહીને તેઓ કામ કરે છે. આવા કામમાં ઘણી વાર આપણે સંભાળીએ છીએ કે ઘણા મિત્રોનું મૃત્યુ પણ થઈ જાય છે. આ કેવી ક્રૂરતા છે !
આનો ઉપાય શું ?
આ ગંદા થયેલ પાણીનો જ્યાં પણ શક્ય હોય ત્યાં વિકેન્દ્રિત પદ્ધતિથી પુનરુપયોગ કરવો જોઈએ. શહેરોમાં પણ આ થઈ શકે તેમ છે. ગામડામાં તો થઈ જ શકે. ઘરની આસપાસ, સોસાયટીઓમાં કે રસ્તાઓ પર ફૂલઝાડ, શાકભાજી આ ગંદા પાણીથી ઉગાડી શકાય. જ્યાં આ શક્ય ન હોય ત્યાં ગટર તેમજ ચેંબરની સફાઈ મશીન દ્વારા જ કરાવવી જોઈએ, એમાં જ માનવતા રહેલી છે.
વ્યવસ્થાપનની પદ્ધતિઓ :
૧. ઘરના ફૂલ-ઝાડ કે શાકભાજીની ક્યારીઓમાં ઘરવપરાશમાંથી નીકળેલું ‘ગંદુપાણી’ વાપરવું તે સૌથી સારી પદ્ધતિ છે. ઘરની જગ્યા, તેની અનુકૂળતા – વ્યવસ્થા વગેરે જોઈને પાઈપ, ડ્રીપ પાઈપ, નીક, કુંડી વગેરેની મદદથી આવો બગીચો બનાવી શકાય.
૨. શોષખાડો, પાકો શોષખાડો, શોષનીક એ જમીનની અંદર, ગંદાપાણીની વ્યવસ્થાપન માટેની કેટલીક વિકેન્દ્રિત પદ્ધતિઓ છે. પૂરતી જગ્યા હોય તો આની આસપાસ પણ સારી રીતે વૃક્ષ ઉછરી શકે છે. તેમ ન કરી શકાય એવું હોય તો આ પાણી જમીનમાં શોષાઈ જાય છે અને સ્વચ્છ થઈને કુવા, હેંડપંપ વગેરે પાણીમાં મળી જાય છે.
૩. ગામ કે ફળીયાનું પાણી ખાલી જગ્યા હોય તો ત્યાં ભેગું કરીને મોટી સંખ્યામાં ફળ-ઝાડ અથવા ઔષધિઓ કે લાકડા માટેના વૃક્ષો ઉગાડી શકાય. આને માટે વેસ્ટ સ્ટેબિલાઈઝેશન પોંડ (સ્થિરીકરણ તળાવ) જેવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે.
પાણીનો સંયમ
જેમ વસ્તુઓનો અસંગ્રહ કરવો જોઈએ તેમ જ પાણીના ઉપયોગમાં પણ સંયમ રાખવો જરૂરી છે. તેમાં જ શાણપણ રહેલું છે. ઓછામાં ઓછા પાણીથી કામ ચલાવવું, તેને અંગે જાગૃતિ રાખવી એમાં સૃષ્ટિ માટેનો પ્રેમ અને સંવેદનશીલતા સમાયેલા છે અને આધ્યાત્મિકતા પણ છે.
શહેરના લોકોને ચોવીસ કલાક પાણી જોઈએ છે. અને તેમને તે આપવામાં પણ આવે છે. તેથી પાણીની કિંમત તેઓ જાણતા જ નથી. ગાડીઓ ધોવી, રસ્તા ધોવા, વૃક્ષોને નવડાવવા અને કપડા-વાસણ તેમજ શૌચાલયમાં પણ વગર વિચાર્યે પાણીનો વપરાશ બસ કર્યે જ જાય છે. જે ગામોમાં નળયોજના પહોંચી છે ત્યાં પણ નળ બંધ કરવાનું ધ્યાન રાખવામાં આવતું નથી. આમ, પાણીની કિંમત કોઈ સમજતું નથી.
પવનાર (વર્ધા) આશ્રમ પાસે ધામ નદી આવેલી છે. એક દિવસ એક કાર્યકર્તા નદીમાં તરવાનો આનંદ લઈ રહ્યા હતા. ઘણી વાર સુધી તેઓ તર્યા. આખરે વિનોબાજીએ કહ્યું, ‘હવે બસ થયું. હજી કેટલીવાર તરવું છે ?’ કાર્યકર્તા કહે, ‘નદી પોતાની ગતિથી વહી રહી છે. હું તરી રહ્યો છું, તેમાં નુકસાન, ભૂલ શું છે ? વિનોબાજીએ કહ્યું, ‘અરે, અત્યાર સુધી માત્ર નદી વહી રહી હતી, હવે તેની સાથે તમારો સંયમ પણ વહી રહ્યો છે.’
આપણો સંયમ પાણી સાથે વહી રહ્યો છે ? આંતરિક વિકાસ અને સામાજીકતા માટે સંયમ જરૂરી જ નહીં આવશ્યક છે. પાણીનો ઉપયોગ કરતી વખતે સંયમ રાખવો જ જોઈએ. મોટા બંધો હોય, પાણીની મોટી યોજનાઓ હોય કે ઘરના નળનું પાણી – આપણો સંયમ તેમાં વહી જાય છે ! પાણી તેમજ ગંદા પાણીની માત્રા એકબીજા પર આધારિત છે. કોઈ પણ ભોગે પાણીનો ઉપયોગ સંયમથી કરવો જોઈશે. અને ગંદા પાણીનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ.
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ઑક્ટોબર, ૨૦૨૪
