મંજૂષા

 વીનેશ અંતાણી

બાળપણની સ્મૃતિઓ દરેક વ્યક્તિના મનમાં જીવનભર સચવાઈ રહે છે. એને ક્યારેય કાટ નથી લાગતો અને એનો રંગ ઊખડતો નથી. અનેક વાર કહેવાઈ ચૂક્યું છે કે બાળપણ આપણી મહામૂલી મૂડી છે, છતાં મોટા થયા પછી એ વાત પોતાને વારંવાર યાદ અપવવાની જરૂર પડે છે. આપણા ઉપર ઉંમરના થર ચઢતા જાય છે અને આપણે બાળપણથી દૂર થતા જઈએ છીએ. આપણાં સંતાનોને કે બીજાં બાળકોને ચિંતા વિના હસતાં-રમતાં જોઈએ ત્યારે એમાં આપણા બાળપણની ઝલક દેખાઈ જાય છે.

બાળપણમાં બધું નવું હોય છે. નાનામાં નાની બાબત માટે જિજ્ઞાસા, સતત કશુંક નવું કરવાની ઉત્સુકતા અને વિસ્મય બાળપણનાં ચાલકબળ છે. બાળક માટે કશું જ અશક્ય હોતું નથી. મોટા થયા પછી જ આપણે જાતને યાદ અપાવ્યા કરીએ છીએ કે ‘મારાથી આ ન કરાય’ કે ‘આ તો હું નહીં જ કરી શકું’, બંધનો મોટા થયા પછી લાદવા લાગીએ છીએ. બાળપણમાં બધું સંભવ છે, નેપોલિયન બોનાપાર્ટની જેમ બાળકની ડિક્સનેરીમાં ‘ઇમ્પોસિબલ’ શબ્દ હોતો નથી. બાળક ઊડતા ઘોડા પર બેસી પલકવારમાં સાત સમંદર પાર કરી શકે છે, પશુ-પક્ષી સાથે વાતો કરી શકે છે, આકાશમાં વાદળાંના આકારોમાંથી હાથી, સિંહ, જિરાફ, હોડી જેવી કલ્પનાઓ કરી શકે છે. ઉંદરને સાત પૂંછડી હોય છે અને ઢીંગલીઓ જીવતીજાગતી બહેનપણી હોય છે. માણસ વૃદ્ધ થાય પછી ફરી બાળક બની જાય છે, સ્મૃતિના ખજાનામાંથી બાળપણની વાતો યાદ કરી મમળાવવાની મજા આવે છે.

એંસી વર્ષની એકલી રહેતી મહિલાએ એના સેલ ફોન નાનપણની બધી બહેનપણીઓના નંબર સેવ કર્યા છે. એમને ફોન કરે અને કલાકો સુધી એમની સાથે માણેલા નાનપણની વાતો કરે. આ પ્રવૃત્તિથી એને એકલવાયું લાગતું નથી. એ એનું નાનપણ ફરી જીવી રહી છે. અલ્ઝાઇમરનો ભોગ બનેલો સિત્તેર વર્ષનો પુરુષ બીજું બધું ભૂલી ગયો છે, પરંતુ એના નાનપણની બધી વાતો એને યાદ છે. એણે બચેલી થોડી સ્મૃતિઓમાં પોતાનું નાનપણ સાચવી રાખ્યું છે. આજે સાઠ-પાંસઠની ઉંમર વટાવી ગયેલાં લોકોએ નાનપણમાં આંબલીના કાતરા પાડ્યા હશે, ચોરીછૂપીથી કેરીઓ તોડી હશે, તળાવ કે નદીમાં ધુબાકા માર્યા હશે, ઊંચાં ઝાડ પર વાંદરાની જેમ ચઢ્યા હશે, મા-બાપની વઢ ખાધી હશે, દાદા-દાદી પાસેથી વાર્તાઓ સાંભળી હશે, શેરીમાં રમતાંરમતાં ધૂળધૂળ થઈ ગયાં હશે, કટ્ટી કરી હશે અને થોડીવારમાં એકબીજાની ડોકમાં હાથ નાખી ફરી જિગરજાન ભાઈબંધ થઈ ગયાં હશે, પાંચીકા ઉછાળ્યા હશે, કોડીઓ અને લખોટીથી ગજવાં ભર્યાં હશે, ઘાઘરો-ચોળી પહેરી સખીઓની સાથે ગરબા લીધા હશે, ઘરઘર રમ્યાં હશે. બાળપણમાં બધાંએ કોઈ જવાબદારી વિના, આવતી કાલની ચિંતા કર્યા વગર, ક્ષણેક્ષણનો ભરપૂર આનંદ મેળવ્યો હશે, હસતાં-રમતાં જીવનના પાઠ શીખી લીધા હશે અને પછી વિકરાળ જીવનમાં પ્રવેશ કર્યો હશે.

આજનું બાળપણ બદલાઈ ગયું છે. ત્રણ-ચાર વર્ષની ઉંમરે બાળકને મોટા થવાની ફરજ પાડવામાં આવે છે. શેરીરમતો અદૃશ્ય થઈ ગઈ છે, કોડીઓ અને લખોટીઓ ભૂતકાળ બની ગઈ છે. ‘હાલો, ગલૂડિયાં રમાડવા જઈએ’ની મોજ ઘરમાં ભસ્યા કરતા ‘પેટ ડોગ’માં સીમિત થઈ ગઈ છે. મોઢામાં નાખેલી માટીની પેનનો સ્વાદ ચાખવા મળતો નથી. પાટીમાં લખેલું થૂંકથી ભૂંસવાની ‘કળા’ લુપ્ત ગઈ છે. બાથરૂમમાં બેસી શરીર પર પાણી રેડી દેતાં બાળકો તળાવ-નદીમાં ભૂસકા મારવાના રોમાંચથી વંચિત રહી ગયાં છે. આજનું બાળપણ સ્વિમિંગ પુલના બંધિયાર પાણીમાં ડબકડોયાં કરી રહ્યું છે. કબડ્ડી, લંગડીદાવ, ગિલ્લીદંડા જેવી મર્દાની રમતોની જગ્યાએ સ્માર્ટફોનની ‘ગેમ્સ’ આવી ગઈ છે. વિસ્ફારિત આંખે દુનિયા જોવા માગતાં બાળકો નાની ઉંમરે આવી ગયેલાં ચશ્માંના કાચમાંથી ‘કૃત્રિમ’ નજરે દુનિયા જોવા લાગ્યાં છે. આજે બાળકો ‘વાતો’ નથી કરતાં, ‘વ્હોટ્સઅપ’ પર ‘હાઇ’ – ‘વાઉ’ના મેસેજ મૂકવા લાગ્યાં છે.

કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા બાળકોને મળેલું વરદાન છે એ સત્ય આજે ધૂંધળું પડવા લાગ્યું છે. એ વિશે કોઈએ એના બ્લૉગમાં સરસ ઉદાહરણ આપ્યું હતું. એક શાળામાં ચિત્રકામની હરીફાઈ યોજાઈ હતી. નાના ક્લાસનાં બાળકોએ નદીનું ચિત્ર બનાવવાનું હતું. કોઈએ નદીકાંઠે વૃક્ષો દોર્યાં, કોઈએ નદીમાં હોડી તરવા મૂકી. છ વર્ષની એક છોકરીએ નદીને લગતું કશું ન દોર્યું, પણ એક બિલાડીનું ચિત્ર બનાવ્યું. શિક્ષકોએ એને ઝીરો આપ્યો. માતાપિતા દીકરી પર ગુસ્સે થઈ ગયાં અને પૂછ્યું – ‘તેં ચિત્રમાં નદી કેમ દોરી નહીં. એ તો કેટલુ સહેલું છે, છતાં તે બિલાડીનું ચિત્ર દોર્યું? બિલાડીને નદી સાથે લાગે કે વળગે?’ છોકરીએ જવાબ આપ્યો, ‘પણ મમ્મી, મારી બિલાડીને તરસ લાગી હતી એટલે એ નદી શોધતી હતી.’

બાળમાનસ અભ્યાસી અમેરિકાની લેખિકા ઍરિકા ક્રિસ્ટાકિસે બાળક હોવાના મહત્ત્વ વિશે સરસ પુસ્તક લખ્યું છે – ‘Importance of Being Little.’ એણે કહ્યું છે કે બાળકોના ઉછેર અને શિક્ષણપદ્ધતિના સંદર્ભમાં આપણે જોખમી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આપણી એડલ્ટ અપેક્ષાઓ બાળકો પર લાદીને આપણે એમને એમના બાળપણમાં જ ગુમાવી રહ્યાં છીએ.’ બાળકોની દુનિયાને એમની નજરે જોવી જોઈએ, આપણાં બેતાલાં ચશ્મામાંથી નહીં. આપણે બાળકોને બીજું કંઈ આપી ન શકીએ તો ચાલશે, એમનું બાળપણ છીનવી લેવાનું પાપ તો ન જ કરવું જોઈએ.

થોડાં વર્ષો પછી આજનું કોઈ બાળક મોટું થઈને કહેશે – ‘હું જીવનમાં અસાધારણ વ્યક્તિ બનતા પહેલાં સાધારણ બાળક રહેવા માગતો હતો, પણ ‘એમણે’ મારી પાસેથી મારું બાળપણ છીનવી લીધું.’ એ અને એના જેવાં બીજાં બાળકો જેની સામે આંગળી ચીંધી શકે તેવાં ‘એમણે’ની સંખ્યા ઘણી મોટી છે.

૦૦૦

શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.