વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

અનારાધાર વરસાદથી વૃક્ષો ધોવાઈને સ્વચ્છ લાગતાં હતાં. ચારેકોર ફેલાયેલી લીલોતરીથી સૌનાં મન મસ્તીમાં હતાં. શ્રાવણ મહિનો એટલે જાણે ઉત્સવનો માહોલ.. રંગબેરંગી રાખડીઓથી દુકાનોય રંગીન બનતી, પણ સુખદાનું મન ઉદાસ થઈ જતું. દર વર્ષે એ રાખડી ખરીદતી અને રક્ષાબંધનના દિવસે મન મનાવીને સાથે લાવેલા ઢીંગલાના હાથે રાખડી બાંધી ઓવારણાં લેતી. એના માટે એ ઢીંગલો નહીં એકનો એક ભાઈ રંજન હતો. રંજન રિસાયો હતો. નાનો હતો ત્યારેય રિસાતો, પણ જલદી માની જતો.

રંજનની યાદ આવતાં આંખમાં ઉમટેલાં આંસુની વચ્ચેય બાળપણના એ દિવસો નજર સામે તરી આવ્યા.

એકવાર સુખદાના જન્મદિને એક ઢીંગલી મળી હતી, રંજને એ તોડી નાખી. એણે રંજન પરનો ગુસ્સો પેન પર કાઢ્યો, એની પેન તોડી નાખી. બસ પછી તો બંને ઝઘડી પડ્યાં અને ક્યાંય સુધી ઝઘડતાં રહ્યાં.

માંડ માએ શાંત પાડ્યાં. એ દિવસ રક્ષાબંધનનો હતો. મોઢું ચઢાવીને સુખદા રંજન રાખડી બાંધવા બોલાવે એની રાહ જોતી બેઠી. ગુસ્સે ભરાયેલો રંજન પણ સુખદા આવીને રાખડી બાંધે એની રાહમાં બેસી રહ્યો.

“આજના દિવસે બહેન ભાઈને સામે ચાલીને ટીકો કરીને રાખડી બાંધે. સાસરે જઈશ ત્યારે ખબર પડશે કે ભાઈની રાહ જોવાનું કેવું ભારે છે.” મા સુખદાને સમજાવતી.

“ત્યારની વાત ત્યારે. આજે તો રંજન કહેશે તો જ રાખડી બાંધીશ.” સુખદા અકડમાં કહેતી.

“બેટા, આજનો દિવસ તો બહેનનો. એને મનાવી લે અને તું તો પાછો નાનો છું…જા બોલાવ એને.” મા રંજનને સમજાવતી.

સૌના ભાઈઓના હાથે રાખડીઓ જોઈને સુખદાનો જીવ બળતો હતો, પણ હજુ રંજન બોલાવે એવી જીદ હતી.

“અરે ભાઈ, તું નસીબવંતો છું કે તારે બહેન છે. જા જઈને જોઈ આવ, જેને બહેન નથી એ ભાઈઓ કેવા નિમાણાં બનીને ફરે છે.” માએ ફરી રંજનને સમજાવ્યો. અંતે રજને આવીને કહ્યું,

“લે ચાલ રાખડી બાંધી દે.” ત્યારે એ રાજી થઈ. રંજન સુખદા માટે એક ઢીંગલો લાવ્યો હતો. એકદમ રંજન જેવો. સાસરે આવતી વખતે સુખદા એ ઢીંગલો સાથે લઈ આવી હતી.

રંજનને રિસાયે પંદર વર્ષ થઈ ગયાં હતાં. કોણ જાણે ક્યાં સુધી નારાજ રહેશે? સુખદાનાં હૃદયમાંથી નિસાસો સરી પડ્યો. મા સાચું જ કહેતી હતી. સાસરે આવીને રંજનના રિસામણાં આકરા લાગતાં હતાં.

*****

અચાનક ટપાલીનો અવાજ સાંભળીને એ ચમકી. ના, આજ સુધી ખુલ્લી આંખે જોતી એવું એ સપનું નહોતું. સાચે જ ટપાલી ખુશીની ખબર લઈને આવ્યો હતો. આ રક્ષાબંધન પર રંજન આવવાનો હતો. એ ફરી અતીતમાં સરી પડી.

ભાઈ-બહેન અને મા-બાપુ. ચાર જણાંના સુખી પરિવારમાંથી અચાનક મા ચાલી ગઈ. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. હતી તો સુખદા રંજનથી ત્રણ વર્ષ મોટી, પણ મા ગઈ ત્યારથી નાનકડો રંજન એની મા અને દોસ્ત બની ગયો. સુખદાનાં લગ્નની જવાબદારી એણે જ સુપેરે પાર પાડી.

વિદાયની એ ક્ષણો ભાઈ-બહેન માટે વસમી હતી.

સુખદાના પતિ રામદેવ અને બીજા ત્રણ ભાઈઓ વચ્ચે સારી એવી જમીન હતી. સુખી પરિવાર, ગામમાં દબદબો હતો. ભાઈઓનાં વિવાહ પછી ઘરની સાથે જમીન ટુકડાઓમાં વહેંચાતી ગઈ.

પોતાનાં દરેક કામમાં સુખદાની સલાહ લેતો રંજન સમજદારીની સીડીઓ ચઢતો ચઢતો જાતે નિર્ણયો લેવા માંડ્યો. સુખદાને બોલાવવાનું, સુખદા પાસે આવવાનું ઓછું થતું ગયું. અચાનક બાપુના દેહાંત પછી રંજને પોતે એક માત્ર વારસદાર છે એમ અરજી કરીને સંપત્તિ પર પૂરો હક મેળવી લીધો. વાયરો વાત લઈને આવ્યો ત્યારે સુખદાને જાણ થઈ કે હવે કાયદાની દૃષ્ટિએ એ બાપુની વારસદાર નથી.

ગામનાં મોઢે ક્યાં ગરણું બંધાય છે? સગાંસંબંધીમાં ચર્ચા ચાલી કે, સુખદા રંજનની સગી બહેન નથી એનો અર્થ સુખદા અનૌરસ સંતાન છે. ઘરઘરમાં, ગામ આખામાં સુખદા સગી પુત્રી નહીં કોઈનું પાપ છે, એવી ચર્ચા ચાલી. સુખદા પ્રતિ ગામની સ્ત્રીઓનો વ્યવહાર બદલાયો.

સુખદા અત્યંત વ્યથિત થઈ ગઈ.

“અરે, રંજને એક વાર પણ કહ્યું હોત તો સામે ચાલીને એણે પોતાનો હક જતો કર્યો હોત. આવી રીતે તો રંજને જાણે એને જીવતેજીવ મારી નાખી. કોઈને મોં બતાવવા લાયક ન રાખી.”

અંતે પતિના સહકારથી કોર્ટમાં કેસ દાખલ કર્યો. ના, એને સંપત્તિ નહોતી જોઈતી. પિતાનું નામ જોઈતું હતું. એ પિતાના નામથી વંચિત રહેવા માંગતી નહોતી.

કોર્ટનો ચુકાદો આવ્યો. સુખદાને પિતાની સંપત્તિમાંથી એના હકનો ભાગ મળી ગયો. કોર્ટનો ચુકાદો સાંભળીને રંજન બોલ્યો હતો. “ સંબંધોનાં તમામ બંધનો આજે તૂટી ગયાં.”

એ રડી પડી. એને તો માત્ર પિતાનું નામ જોઈતું હતું. સંપત્તિ નહીં. એને સૌ અનૌરસ સંતાન માને એ માન્ય નહોતું અને રંજન આ શું માની બેઠો? એ દિવસથી આજ સુધી રંજને એની સાથે કોઈ સંબંધ નહોતો રાખ્યો. પ્રત્યેક રક્ષાબંધને એ રંજનની રાહ જોતી રહી, રંજન જેવા એના ઢીંગલાનાં હાથે રાખડી બાંધતી રહી.

આજે આટલાં વર્ષે રંજન રક્ષાબંધન પર આવવાનો હતો.

“મમ્મી, કોનો કાગળ છે? દીકરાનો અવાજ સાંભળીને એ વર્તમાનમાં પાછી ફરી. સુખદા, એનો પતિ, પુત્ર સૌ ખુશ હતાં. રક્ષાબંધનને આડે બે જ તો દિવસ બાકી હતા. સુખદા તૈયારીમાં લાગી ગઈ. રક્ષાબંધને પહેરવા નવી સાડી, ભાઈ માટે આ, ભાભી માટે તે…ઓહોહો લાંબું લિસ્ટ હતું.

સુખદાને નવાઈ લાગતી હતી કે, આટલાં વર્ષે રંજન કેવી રીતે માની ગયો હશે, એનાં રિસામણાં કેવી રીતે પૂરાં થયાં હશે?

સુખદાને પોતાની વિપત્તિનો દિવસ યાદ આવ્યો. એને પથરીનાં લીધે પેટમાં ભયંકર દુઃખાવો હતો. ડૉકટરે ઓપરેશન કરવાની સલાહ આપી. પૈસાનો અભાવ હતો. ઘણાંએ વારસામાં મળેલી જમીનનો એ ટુકડો વેચવાની સલાહ આપી. સુખદા ટસની મસ નહોતી થઈ.

“જે મારું છે જ નહીં એને હું કેવી રીતે વેચી શકું?” સુખદાનું હતું નહીં એ એણે જીવની જેમ જાળવ્યું હતું..

‘કોને ખબર રંજન કેવો દેખાતો હશે, એની દીકરી નૈની હવે તો અઢાર-ઓગણીસની થઈ ગઈ હશે!’

રંજનનાં મનમાં પણ વિચારોનો વંટોળ હતો. સુખદાની ઉંમર થઈ ગઈ હશે, કેવી લાગતી હશે? સુખદાએ એને માફ તો કરી દીધો હશે ને, નહીં માફ કર્યો હોય તો કેવી રીતે મનાવીશ? અરે, પગે પડી જઈશ. સુખદા માટે શું લઈ જઉં તો એને ગમશે, સુખદા માટે શું કરું તો એને ગમશે?

દુઃખના દિવસો લાંબા ચાલે સુખની ઘડી પળવારમાં પસાર થઈ જાય. સુખદાને મળવાનું નક્કી કર્યું ત્યારથી આજ સુધીનાં દિવસો ઝડપથી પસાર થઈ ગયા. આજે રંજન સુખદાનાં બારણે ઊભો હતો. સુખદાએ બારણાંથી માંડીને ઘરનો દરેક ખૂણો સજાવ્યો હતો. રંજનને આવકારતા સુખદા એને વળગીને રડી પડી.

રંજનમાં આવેલા સુખદ બદલાવથી સુખદા વિમાસણમાં હોવા છતાં ખુશ હતી.

“દીદી, મને માફ કરી દે. મને જાણ થઈ છે કે, તારાં જીવનમાં કેટલીય તકલીફો આવી છતાં તેં જમીનને હાથ નથી લગાડ્યો. આજે જ્યારે નૈની વસિયતમાં એનો હક માંગી રહી છે ત્યારે મને સમજાયું કે. તેં કંઈ ખોટું નથી કર્યુ.”

સુખદા અવાક! રંજને એનાં આંસુ સાફ કરતા હાથ લંબાવ્યો.

“દીદી, ચલો જલદીથી રાખડી બાંધી દો.”

સુખદા બે અલગ સમયે કહેલી એક વાતનું અંતર અનુભવી રહી.

નાનપણમાં રિસાયેલા રંજનનાં અવાજમાં હઠની સાથે હક હતો. આજે રંજનના સૂરમાં ક્ષમાનો, પ્રેમનો રણકો હતો.

બાળપણની જેમ આજેય સુખદા રાખડી, મીઠાઈનો થાળ લઈને આવી. કંકુ-અક્ષતથી રંજનને વધાવી, આરતી ઉતારી. મોં મીઠું કરાવીને રાખડી બાંધી. રંજને સુખદા માટે લાવેલી ભેટ કાઢી તો એણે દૃઢતાથી રોકી લીધો.

“આજે તું આવ્યો છે. આજે મારે તને કંઈક આપવું છે. તું નાનો છું, મના કરતો નહીં.” કહીને રંજને એક બોક્સ ખોલ્યું રાખડીઓ અને જમીનનાં કાગળ હતા.

“આ એ રાખડીઓ છે જે આ ઢીંગલાના હાથને તારો હાથ કલ્પીને બાંધતી હતી અને આ એ કાગળો છે જેણે બહેનને ભાઈથી અલગ કરી દીધી હતી.

“દીદી, એ જમીન પર તમારો હક છે.” રંજને કાગળો પાછા આપતા કહ્યું.

“મારો જે હક હતો એ તો મને મળી ગયો, હવે આ ભેટ મારાં તરફથી નૈનીને આપજે કહીને સુખદા રંજનને વળગીને રડી પડી.


ડૉ. પદ્મા શર્મા લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.