હકારાત્મક અભિગમ

રાજુલ કૌશિક

થોડા સમય પહેલાની વાત છે. મારી એક અંગત મિત્ર સાથે વાત થઈ રહી હતી. હમણાં જ સાવ જ નજીકના ભૂતકાળમાં એમણે એમના મા કે જેની સાથે આપણું અસ્તિત્વનું અણુ એ અણુ જોડાયેલું છે એમને ગુમાવ્યા. માની વિદાય એટલે જાણે આપણી ચેતનાનું ખોરવાઇ જવું. ક્ષણભર આપણી ચેતના બધિર ન બની જાય તો જ નવાઇ.

સૌ એમ જ માને અને એમ જ કહેતા હોય કે જે ગયું છે એની પાછળ વિલાપ કરીએ તો એના આત્માને દુઃખ થાય. અવશ્ય દુઃખ થતું ય હશે પણ એથી કરીને આપણે આપણી સંવેદનાઓ, આપણી ચેતનાને શા માટે મૂક-બધિર બનાવવી? મા કે કોઇપણ સ્વજન માટે આંખમાંથી રેલાતા આંસુ એ એક સહજ અને સ્વભાવિક પ્રતિક્રિયા છે. એને શા માટે રોકી લેવી? આંસુ તો એમના પર કરેલો લાગણીનો અભિષેક છે. સંસ્મરણોની, સ્મૃતિની માળ પ્રબળતમ બનીને સંવેદનથી છલકાવે ત્યારે જ આંસુ આવતા હોય છે આમ જોવા જઈએ તો આંસુ આપણાં અંતરમાં, એમનું સન્માનનીય સ્થાન સુરક્ષિત રાખે છે

સૌ કહે છે અને સદીઓથી સ્વીકારાયેલું સત્ય છે કે જે આવ્યું છે એ એક દિવસ જવાનું જ છે. આત્મા અવિનાશી છે નજર સામે હતું એ તો માત્ર ખોળિયું હતું જે નાશવંત છે. આ સત્યની સામે એક બીજું સત્ય એ પણ છે કે આપણે મનથી તો આપણી નજર સામે જીવી ગયેલા એ તન સાથે જ જોડાયેલા હતા ને! જેને હવે આપણે ક્યારેય જોઇ કે મળી શકવાના નથી.

આપણે એને જોઇ કે મળી તો શકવાના નથી જ પણ એની સાથે જીવેલી ક્ષણોને તો આપણે નવેસરથી ફરી જીવી જ શકીએ ને? એ વ્યક્તિને આપણા મનમાં સદાય જીવંત તો રાખી શકીએ ને? અને એ તો કેટલી સરળ વાત છે !

મારી મા ને ગમતી દરેક વસ્તુ હું એની રીતે કરી જ શકું ને? કોઇના મનમાં એવો વિચાર આવે કે મા ને લાડુ બહુ ભાવતા હતા એટલે મેં તો લાડુ આખી જીંદગી માટે છોડી દીધા. ભાઇ ! શા માટે?  એના કરતાં મા ને લાડુ બહુ ભાવતા હતા તો એને યાદ કરીને આપણે લાડુ ખાઇએ તો આપણે ય એનો રાજીપો જરૂર અનુભવીશું. લાડુ તો એક પ્રતીક છે. ખરેખર તો આપણે એવા દરેક કાર્ય કરી શકીએ જે એમને પસંદ હતા. આજે એ આપણી સાથે હોત અને એવું આપણે શું કરીએ તો એ ખુશ થાય? આજે એ આપણી સાથે નથી તો શું થયું એમની યાદ તો આપણી સાથે આપણા મન સાથે જડાયેલી તો છે જ ને?

હ્રદય મનમાં શોક કે સંતાપ છે એ કંઇ એકદમ વિખેરાઇ જવાનો નથી અને આપણે એમને સતત યાદ કરીએ તો એમાં કશું ખોટું પણ નથી.

આ ઘટનાની સાથે એક બીજી ઘટના યાદ આવી. વાત છે ૨૦૧૭ના સમયની. ત્યારે બે એરિયામાં દાદાના નામે ઓળખાતા શ્રી હરિક્રિષ્ણ મજમુદારનું દેહાવસાન થયું. એમના પરિવારજનો એ એમની યાદમાં — Remembering Harikrishna Majamundar- “Celebration of Life” નામની એક સાંજ ઉજવી. કેટલી સરસ વાત ! જે વ્યક્તિએ પોતાના સમગ્ર જીવનની એક એક ઘટના યાદગાર પ્રસંગની જેમ જીવી હોય અને લોકમાનસમાં પણ એની યાદ એવી જ રીતે જડાયેલી રહેવાની હોય એમાં શોકસભા કે પ્રાર્થના સભા તો ન જ હોય. એમની યાદ પણ એક ઉત્સવની જેમ જ ઉજવવાની હોય ને?

તનથી વિખૂટા પડેલા સદગત આત્માના સદવિચારોને સાચા મનથી સ્વીકારીને અને સદકાર્યોને આપણા જીવનમાં અપનાવીને પણા અમર રાખી શકીએ તો એ સાચું તર્પણ કર્યું કહેવાય.


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.