હરીન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને
ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી

લહર વમળને કહે વમળ
એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી

નંદ કહે જશુમતીને માતા
વ્હાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

શિર પર ગોરસ મટુકી
મારી વાટ ન કેમે ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી

કાજળ કહે આંખોને
આંખો વાત વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં