બાળકોનો વાર્તાઓ સાંભળવાનો રસ ક્યારેય ઓછો થાય? છેલ- છબો અને બકોર પટેલ, છકો- મકો અને છોટા ભીમ, પેઢી દર પેઢી બાળકોની ઉંમર પ્રમાણે વાર્તાઓ વંચાયા જ કરતી હોય. દાદીમાના ખોળામાં માથું રાખીને સૂતે સૂતે વાર્તાઓ સાંભળતા બાળકો પોતે વિજ્ઞાનકથાઓ અને સાહસકથાઓ વાંચતા થઇ જાય એ વચ્ચેના વર્ષોમાં બદલાતા રસ અને સમજ પ્રમાણે બાળકો કેટલી બધી વાર્તાઓના વિશ્વમાં વિહાર કરી આવતા હોય!
બાળકો વાર્તાઓ સાંભળતાં હોય કે વાંચતા હોય ત્યાં સુધી એમને નવી નવી વાર્તાઓ પીરસતા પણ રહેવું જ પડે ને? એટલે જ મારો ત્રીજો બાળવાર્તા સંગ્રહ ‘પંખીઓના દેશમાં’ બાળકોને આપતાં મને ઘણો જ આનંદ થાય છે. પહેલા સંગ્રહ ‘પતંગિયાની ઉડાન’ ને પ્રતિષ્ઠિત અંજુ નરશી પારિતોષિક મળ્યું અને બીજા સંગ્રહમાં સમાવિષ્ટ વાર્તા ‘ કોનો અભાર માનું?’ને સ્મિતા પારેખ બાળવાર્તા સંગ્રહનું પ્રથમ પારિતોષિક મળ્યું પછી બાળવાર્તાઓ લખવાનો ઉત્સાહ તો વધ્યો જ છે અને સાથે સાથે બાળકો માટે સારું જ લખવું એવો સંકલ્પ પણ દ્રઢ બન્યો છે.
આ સંગ્રહની બધી જ વાર્તાઓ બાળભોગ્ય છે. અહીં પતંગિયાને રંગો આપતાં ફૂલો છે તો એકબીજાને મદદ કરતાં પંખીઓની વાત પણ છે. મમ્મીની ફૂંકથી પીડાને ભૂલી જતું ચુનમુન છે તો શિયાળને હંફાવતા છોટા સસલાની ચતુરાઈ પણ છે. પંખીઓ જૂથના બળની વાત કરે છે અને માણસો માટે ફરિયાદ પણ કરે છે. પશુ અને પંખીઓ ઉપરાંત આમાં બાળકોની પોતાની વાતો તો ખરી જ. પોલીસથી ડરાય નહીં અને શારીરિક દેખાવને માટે આત્મવિશ્વાસ ઓછો કરાય નહીં એવું સમજાવતા મોન્ટુ અને સાર્થક બાળકોને ગમશે જ. ભોલુ આપીને આનંદ મેળવવાનું કહી જશે તો શુભમ વળી ટાઈમ મશીનની સેર કરાવશે. લડતી લડતી બે વાદળીઓ આવીને વરસાદની વાત પણ કહી જશે અને હા, શિયાળની અને કાગડાની ચતુરાઈ કે પછી એક પરીનો જાદુ ન આવે ત્યાં સુધી તો બાળવાર્તાનું પુસ્તક પૂરું કઈ રીતે થાય?
આ પુસ્તક આમ તો સાવ અચાનક જ બન્યું છે. એને માટે સહુથી પહેલા તો આભાર માનું આદરણીય શ્રી મોતીભાઈ પટેલનો[સમણું], જેમણે હું બાળવાર્તાઓ પણ લખું છું એમ જાણીને આ પુસ્તક પ્રકાશિત કરવા માટે પ્રકાશકને પ્રેર્યા. એમને સાદર વંદન કરું છું. અવનિકા પ્રકાશનના શ્રી વિજયભાઈ ભાવસાર એવા નમ્ર અને ઉત્સાહી પ્રકાશક છે જે ઘેર આવીને વાર્તાઓની ફાઈલ લઇ જાય અને પછી કહે કે ‘હવે તમે બધું મારી ઉપર છોડી દેજો. તમારે કોઈ ફિકર નહીં કરવાની.’ અને ખરેખર એ બધી જ જવાબદારી લઈને સરસ પુસ્તક બનાવે. એમના વિના તો ‘પંખીઓના દેશમાં’ જવાનું શક્ય જ ન બનત. આભાર ,વિજયભાઈ.
પીઢ સાહિત્યકાર શ્રી યોસેફ્ભાઈ મેકવાનને મેં આ વાર્તાઓની ફાઈલ મોકલી હતી. એમણે એકે એક વાર્તા એમની કુશળ, અનુભવી દ્રષ્ટિથી તપાસી, જ્યાં જ્યાં ફેરફારની જરૂર લાગી ત્યાં નોંધ, સુધારા કર્યાં અને સ્નેહથી માર્ગદર્શન કર્યું. પોતાના અત્યંત વ્યસ્ત સમયમાંથી મારે માટે એટલો સમય ફાળવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર યોસેફ્ભાઈ. વંદન.
તો ચાલો બાળકો, પકડો આ પુસ્તક હાથમાં અને પહોંચી જાઓ વાર્તાઓની પાંખે ચડીને પંખીઓના દેશમાં.
ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ
સુરધારા-સતાધાર રોડ
થલતેજ
અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન-૮૯૮૦૨૦૫૯૦૯
