સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

એપ્રિલ ૨૦૧૦નો કોઇ દિવસ હતો. લખનૌની એક મહિલા હોસ્ટેલના દરવાને પંદરેક વર્ષની ઉંમરના એક કિશોરને અંદર દાખલ થતો રોકતા કિશોરે હોસ્ટેલની એક મહિલાનું નામ-સરનામું લખેલી એક ચબરખી બતાવી. થોડી વારે દરવાન ૪૨ વર્ષની ઉંમરની એક મહિલાને બોલાવી આવ્યો. કેટલોક સમય તો એ મહિલા અને પેલો કિશોર પરસ્પરને જોતા જ રહી ગયા. આખરે મૌંન તોડીને કિશોરે ગભરાતા ગભરાતા પૂછ્યું “તમે મારા મમ્મી છો?”    મહિલા ભૂતકાળમાં સરી પડી અને અચાનક તેના મગજમાં થયેલા ઝબકારે વર્ષોની લાગણીનો બંધ તોડી નાખ્યો.પોતે કિશોરને ભેટી પડી. બન્ને માદીકરો ખાસ્સો સમય હોસ્ટેલની પરસાળમાં વાતો કરતા બેસી રહ્યા.

કિશોર જે મહિલાને મળવા વર્ષોથી તડપાપડ થઈ રહ્યો હતો તેને આપણે જાબાલી તરીકે જ ઓળખીશું. તેનો જન્મ ઉત્તર પ્રદેશના હરદોઇ ગામમાં થયો હતો. પિતા લશ્કરમાં સુબેદાર. તેથી વારેવારે તેમની બદલી થતી હતી. તેઓ ઇચ્છતા કે જાબાલી કોઇ એક સ્થળે રહીને અભ્યાસ કરે. તેથી ૧૦ વર્ષની જાબાલીને તેમણે હરદોઇથી ૬૧ કિલોમીટર અંતરે આવેલા શાહજહાંપુર નામના કસ્બામાં રહેતી મોટી દીકરીને ત્યાં ભણવા મૂકી. અહીંની હિંદી શાળા જાબાલીને ગમી ગઈ અને ભણવામાં મજા આવવા લાગી. મોટી થઈને પોતે વરદીધારી પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન પણ સેવવા લાગી.

વર્ષ આવ્યું ૧૯૯૪નું ને જાબાલી ૧૨ વર્ષની થઈ. બધું સમુસુતર ચાલતું હતું. પરંતુ એક દુર્ઘટનાએ તેનું સ્વપ્ન રોળીટોળી નાખ્યું . શાહજહાંપુરનું રહેણાક શાળાના નિર્જન રસ્તા પર એક કબ્રસ્તાનની નજીક હતું. શાળાએ જતાઆવતા કેટલાક બદમાશો તેની સામે ખરાબ ચેનચળા કરતા. બદમાશોમાં બે નામચીન ગુંડા- ૨૫ વર્ષનો ગુડ્ડુ હસન અને ૨૧ વર્ષનો નકી હસન નામના સગાભાઇ- પણ હતા. બન્ને ટ્રક ડ્રાઇવર હતા અને જાબાલીના રહેણાકની પાસે જ તેમની ટ્રક પાર્ક કરતા. આ વિસ્તારમાં તેમની એટલી મોટી ધાક હતી કે તેમની સામે કોઇ હરફ પણ ઉચ્ચારી શકતું નહિ. બન્યું એવું કે એક દિવસે જાબાલી ઘરમાં એકલી હતી તેનો ગેરલાભ લઈને આ બે નરાધમોએ તેના પર દુષ્કૃત્ય આચર્યું. નરાધમો આટલાથી અટક્યા નહિ, છ મહિના કરતા વધારે સમય સુધી તેઓ જાબાલીને પરેશાન કરતા રહ્યા. પરંતુ બદમાશોની ધમકી અને ડરના લીધે તે પોતાની બહેનને કે કોઈને પણ કશું કહી શકી નહિ

આ વાતને મહિનાઓ વીત્યા. એક દિવસે જાબાલીને કાંઇક અસુખ જણાતા તેની બહેન તેને ડોક્ટરની પાસે લઈ ગઈ. ડોક્ટરે તપાસીને આખા પરિવાર પર પહાડ તૂટી પડે એવું નિદાન કર્યું કે જાબાલી તો ગર્ભવતી છે. ઉંમર ફક્ત ૧૩ વર્ષ હતી, ગર્ભભાત કરવો શક્ય ન હતો. હવે લોકનિંદાથી બચવા શારજહાંપુર છોડવું રહ્યું. બનેવીએ અહીંથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા રામપુર ગામે પોતાની બદલી કરાવી. અહીં ૧૯૯૫ના ફેબ્રુઆરી મહિનાના એક દિવસે જાબાલીએ એક પુત્રને જન્મ આપ્યો. કોઈ સગાએ નવજાત શિશુને હરદોઇ ગામમાં જ એક યુગલને દત્તક આપવાની ગોઠવણ કરી દીધી. તે સમયે તો જાબાલીને પોતાના પ્રસવની પીડા સિવાય બીજો કશો ખ્યાલ ન હતો. તેનું બળક જીવીત છે કે મૃત તેની પણ તેને જાણ ન હતી. પરંતુ આખરે તો તે એક માતા હતી. થોડા દિવસ પછી તેને પોતાના બાળકનું શું થયું હશે તે બાબતે જિજ્ઞાસા થઈ. પરંતુ ૧૩ વર્ષની કાચી ઉંમરની બાળા પૂછે પણ કોને અને કઈ રીતે?.

અ વાતને ચારેક વર્ષ પસાર થયા અને જાબાલી ૧૭ વર્ષની થઈ. તેના સગાઓએ વારાણસીમાં તેને માટે એક મૂરતિયો શોધીને તેનાં લગ્ન પણ કરાવી આપ્યા. ત્રણેક વર્ષ પછી એટલે કે ૨૦૦૨માં તેને એક દીકરો અવતર્યો. હવે તે ઘણી ખુશ હતી. પોતાના આ દીકરાને ઉછેરવામાં મન પરોવીને સુખના દિવસો પસાર કરવા લાગી.

પરંતુ સુખ લાંબો સમય ટક્યું નહિ. શાજહાંપુરમાં તો કાનાફુસી શરુ થઈ ગઈ હતી અને પછી જેમ વા વાત લઈ જાય તેમ એક દિવસે જાબાલીના ધણી સુધી વાત પહોંચી. તેને જાબાલીના પીયરીયાએ હકીકત છૂપાવીને પોતાની સાથે દગો કર્યો તેમ લાગ્યું. જાબાલીના ઘરના તમામ લોકોનું તેની પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું. તેનું બનાવેલુ કોઇ જમે પણ નહિ. તેના પતિએ તો તેની સાથે વાત સુધ્ધા કરવાનું બંધ કરી દીધું. પોતાના જ પરિવારમાં તે બહિષ્કૃત થઈ ગઈ. પોતાની વ્યથા કહે તો પણ કોને? તેની પાસે પિયરનો કોઈ ફોન નંબર પણ ન હતો. હતું માત્ર સરનામું. આથી તેણે બહેનને પોતાનું વીતક કહેતો પત્ર લખ્યો. જવાબમાં બહેને પોતાનો ફોન નંબર મોકલ્યો. ફોન પર હકીકત જાણી બહેને તેને આશ્વાસન આપ્યું કે તે બધી જ રીતે સહાય કરશે, ઉપરાંત જેમ બને તેમ જલ્દીથી ઘર છોડી દેવા કહ્યું. પતિને તો આટલું જ જોઇતું હતું. તે જાતે જ જાબાલીને પાંચ વર્ષના પુત્ર સાથે બસ સ્ટે‌ન્ડે મૂકી આવ્યો. અહીંથી જાબાલીએ તેની બહેન જ્યાં રહેતી હતી તે ઉત્તર પ્ર્દેશના રેણુકૂટ જવા માટેની બસ પકડી. વર્ષ હતું એ ૨૦૦૭નું.

બહેનબનેવી પર બોજો બનીને ક્યાં સુધી રહેવાશે? તેને બદલે પોતાના પગ પર જ ઊભા રહેવું જોઈએ. આમ વિચારીને તેણે જ્યાં તેને રોજગારીની તક દેખાઈ એ  લખનૌની વાટ પકડી. થોડા સમયમાં તેને નાનુમોટું સીવણકામ પણ મળવા લાગ્યું.

હવે વર્ષ આવ્યું ૨૦૦૯નું. હરદોઇમાં પાલક માતાપિતાને ત્યાં ઉછરતો દીકરો -જેને આપણે સત્યકામ તરીકે જ ઓળખીશું- કિશોર અવસ્થાએ પહોંચી ગયો. પાલક માબાપ તેની ખૂબ જ કાળજી રાખતા હતા. પોતે ઉચ્ચ વર્ણના ન હોવા છતાં મોટા થઈને સત્યકામને સમાજમાં સારુ સ્થાન મળે તે હેતુંથી તેની અટક પણ સવર્ણના જેવી રાખી દીધી. પરંતુ આજુબાજુના લોકો તેને સવાલો કરવા લાગ્યા કે તારી અટક તારા પરિવારથી કેમ જુદી છે? તું દેખાવે તારા પરિવારના લોકો જેવો કેમ નથી? બાકી હતું તો ક્યાંકથી શાહજહાંપુરાની ઘટનાની વાત પણ ગામમાં પહોંચી ગઈ. જો કે પાલક માબાપે તો માત્ર એટલી જ જાણ કરી કે તને તારા માતાપિતાએ કોઇ તકલીફને કારણે અમને સોંપ્યો હતો. સોળ વર્ષનો સત્યકામ હવે આજુબાજુથી પૂછાતા સવાલોથી ત્રાસી ગયો. તેણે નક્કી કર્યું કે કોઇપ્ણ હિસાબે પોતાના સાચા માતાપિતાને શોધી કાઢવા. જેમને તે મામા કહેતો એવા એક ટ્રક ડ્રાઇવરને મળ્યો. મામાએ પણ શક્ય તેટલી મદદ કરવાની તૈયારી બતાવી. ડ્રાઇવીંગના ધંધાને કારણે તેમણે સમગ્ર ઉત્તર પ્રદેશમાં રખડવું પડતું. શાહજહાંપુરમાં તેમણે ઠેક્ઠેકાણે તપાસ કરી. છેવટે લખનૌની એક મહિલા હોસ્ટેલમાં તેમને જાબાલીની ભાળ મળી. અહીંનું સરનામું તેમણે કાગળની એક ચબરખીમાં લખીને સત્યકામને આપ્યું

સત્યકામ અને જાબાલીનું મિલન તો થયું પરંતુ હોસ્ટેલમાં જગ્યાના અભાવે લાંબો સમય ત્રણ જણાએ સાથે રહેવું શક્ય ન હતુ. વળી નાના છોકરાને તો આગંતુક પોતાની માતાના પ્રેમમાં ભાગ પડાવવા આવ્યો હોય તેમ લાગ્યું. તેને થતો અણગમો સત્યકામને સાથેના વર્તનમાં જણાઈ આવતો. પરંતુ સમય જતા ત્રણેય લાગણીના બંધને બંધાઈ ગયા.

જાબાલીએ નાનીમોટી અનેક નોકરી કરવાની સાથે ભણવાનું પણ ચાલું રાખ્યું ને પોલીટિકલ સાય‌ન્સની ડીગ્રી પણ મેળવી. એક મોટી બાંધકામની કંપનીમાં નોકરી પણ તેને મળી. ત્રણેય જણા હવે ભાડાના એક મકાનમાં રહેવા લાગ્યાં. પરંતુ સત્યકામને ચેન પડતું ન હતું. પોતાનો જન્મ કેવા સંજોગોમાં થયો અને શા માટે પોતાને તજી દેવામાં આવ્યો હતો એવા સવાલો તે જાબાલીને કર્યા કરતો. છેવટે એક દિવસે જાબાલીએ આરંભથી અંત સુધી એ દુ:સ્વપ્નની કથા જણાવી દીધી. ૨૪ વર્ષનો સત્યકામ તો સાંભળીને સ્તબ્ધ બની ગયો. થોડો સમય તો સન્નાટો વ્યાપી ગયો. જો કે પછી તો જાણે બધુ ભૂલાઇ ગયું હોય એમ કોઈએ એ વિષય ઉખેળ્યો નહિ. આ વર્ષ હતું ૨૦૧૯નું.

પરંતુ એક દિવસ અગિયારમાં ધોરણમાં ભણતા નાના દીકરાએ કહ્યું કે આપણે એ નરાધમોને શોધી કાઢવા જોઈએ અને તેના પર કેસ ઠોકી દેવો જોઈએ. આ સાંભળીને જાબાલી તો ગભરાઈ જ ગઈ અને કહ્યું કે રહેવા દો, આપણું તેમની સામે કશું જ ચાલશે નહિ. આપણે આ લપમાં પડવાને બદલે જેમ ચાલે છે તેમ ચાલવા દઇએ.. પરંતુ હવે સત્યકામે દોર પોતાના હાથમાં લઈ લીધો. જાબાલી તો દુર્ઘટનાનું સ્થળ, એ નરાધમો અને તેના સબંધીઓથી પણ દૂર રહેવા માગતી હતી. પરંતુ સત્યકામ તેના નિર્ણયમાં અડગ હતો. જાબાલીને તેણે હિમત આપી. બીજે જ દિવસે તે જાબાલીને લઈને શાહજહાંપુરનાં પોલીસ સ્ટેશને પહોંચી ગયો.

હંમેશા કરતી આવી છે તેમ પોલીસ તો સવાલ કરવા લાગી,” અત્યાર સુધી ક્યાં ગયા હતા? બનાવ ચોક્કસ કયા સમયે અને સ્થળે બન્યો? આરોપીનાં નામઠામ શું છે? વગેરે. જાબાલીને તો દુષ્કર્મીઓના સાચા નામોની પણ જાણ ન હત. વળી ૨૪ વર્ષમાં તો શાહજહાંપુરનું એ સ્થળ અને તેની આજુબાજુ ઘણુંબધું બદલાઇ ગયું હતું. વિગતોના અભાવે તપાસ અધિકારી મંગલ સિંઘને તપાસ કેવી રીતે કરવી તેની સૂઝ પડતી ન હતી. ત્યાર પછી જાબાલીએ બેત્રણ વખત પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી પરંતુ તપાસનો દોર આગળ વધી શક્યો ન હતો.

દરેક ગુંડો પોતાના મૂળ નામ ઉપરાંત કોઇ ને કોઇ અલગ નામથી કુખ્યાત હોય છે તેમ આ બદમાશો બાબતે પણ હતું .તેમાનાં એકનું આવું નામ જાબાલીને યાદ આવી ગયું. આ સમયે મહંમદ મુખ્તાર નામનો એક એડ્વોકેટ તેની મદદે આવ્યો. તેણે સેશન કોર્ટમાં કેસ ફાઇલ કરીને પોલીસ તપાસ માટેનો હુકમ કરાવ્યો. ત્યાર પછીના બે વર્ષ સુધી જાબાલી પોતે પણ શાહજાંપુરના આંટાફેરા મારીને એ દુષ્કર્મીઓની તપાસ કરતી રહી. પંદર હજારની આવકમાં દરેક ફેરે ૨,૦૦૦નો ખર્ચ કરવો પરવડે તેમ હતું નહિ. પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા.

એક દિવસે તેની સાથે તેના બન્ને દીકરા, તેની બહેન અને બહેનના સબંધીઓ પણ સાથે રહ્યા. ટુકડી પહોંચી એક મોટરગેરેજમાં. જાબાલીએ ત્યાંના એક કારીગરને કહ્યું કે ફલણા નામના મારા સગા આ કસ્બામાં રહે છે તેમને મળવું છે. જો આપની પાસે તેમનું સરનામું કે ફોન નંબર હોય તો આપી શકશો? પેલા કારીગરે તો સીધો જ ગુડ્ડુ હસનને ફોન જોડીને જાબાલીને આપ્યો. સામા છેડાના અવાજ પરથી જાબાલીને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ આ જ પેલો કાળા કામનો કરનારો છે. હવે પોલીસ માટે કામ સહેલું બની ગયું. ફોન નંબર પરથી તેને અને તેના ભાઈને શોધી કાઢ્યો અને તેના પર સમ‌ન્સ કાઢીને ધરપકડ કરી અદાલતમાં કેસ દર્જ કરાવ્યો. પરંતુ ગૂન્હો સાબિત કરવા માટે પુરાવો તો જોઈએ જ. પોલીસે ગુડ્ડુ હસન, નકી હસન અને સત્યકામ એમ ત્રણેયના ડી એન એ સે‌મ્પલ લીધા. લેબોરેટરી તપાસમાં નકી હસન અને સત્યકામના ડી એન એ મેચ થઈ ગયા. પુરાવો મળી ગયો. આ વર્ષ હતું ૨૦૨૧નું.

અદાલતમાં કેસ ચાલતો હતો તે દરમિયાન એક વખત જાબાલી બસમાં બેસીને લખનૌ જતી હતી ત્યારે બસમાં બદમાશોનો એક સગો જાબાલીને મળ્યો અને પૂછ્યું કે તું હજુ જીવે છે? ઉપરાંત કેસ પાછો ખેંચવા કહ્યું. જાબાલીને આમાં ધમકી દેખાઈ. આ બદમાશ તેનો પીછો નહિ છોડે તેમ લાગતા તે બસમાંથી ઉતરી ગઈ અને બીજો લાંબો રૂટ પકડીને લખનૌ પહોંચી.

કેસ ૨૦૨૪ સુધી ચાલ્યો. અંતે આરોપીઓને ૧૦ વર્ષની જેલ પડી. જિંદગીમાં છેવટે કશુંક તો થયું એ બાબતે જાબાલી આશ્વશ્ત થઈ.

દરમ્યાન નાનો દીકરો બી એ પાસ થઈ ગયો. સત્યકામને ડ્રાઇવરની નોકરી મળી અને લગ્ન કરીને એક સંતાનનો પિતા પણ બની ગયો. પત્રકારે પૂછતા તેણે જણાવ્યું “મારી પત્નીને બધી જ ખબર છે અને તેણે રાજીખુશીથી મને જેવો છું તેવો અપનાવી લીધો છે”

આપણે જાબાલી અને સત્યકામના સંઘર્ષની કથા ભલે પૂરી થયેલી માનીએ. પરંતુ દેશમાં એક જ જાબાલી થોડી છે? દર વીસ મિનિટે એક દુષ્કૃત્યની ઘટના બને છે, તેમાંની મોટાભાગની મહિલા કશું બોલતી નથી. સંઘર્ષ તો માત્ર જીવવા માટેનો કરે છે. ન્યાય મટેનો સંઘર્ષ તો વીરલ જ હોય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં તો સત્યકામને ઋષિપદ આપવામાં આવતું જ્યારે આજે સત્યકામો તો કચરાના ઢગલાને કે અનાથ આશ્રમને હવાલે થાય છે. જાબાલીઓએ તો પોતાનો કોઈપણ દોષ ન હોવા છતાં અપરાધભાવ સાથે જ જીવન ગુજારવું પડે છે.


(૨૨ જૂન ૨૦૨૪ના ઇંન્ડિયન એક્ષ્પ્રેસની શનિવારની પૂર્તિમાં પ્રગટ થયેલા વિધાત્રી રાવ નામની પત્રકારનો લેખ- જે તેણે દિલ્હીની એક હોટેલમાં જાબાલીની લીધેલી મુલાકાતમાં- તેણે કહેલી આપવીતીની આધારે લખ્યા પરથી.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.