વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
વાલીઓમાં તો જ પડે વટ્ટ
ધોળે’દિ આકાશે તારા દેખાડીને ખિસ્સા કરવાના સફાચટ
વાલીઓમાં તો જ પડે વટ્ટ
શિક્ષણ તો બિચારૂ પકડાયેલ માંકડું છે; નાચે નચાવે જેમ નટ
વાલીઓમાં તો જ પડે વટ્ટ
કેજી થી ટ્વૅલ્થ લગી તંગ એક દોરી પર યોજવાની હોય છે આ દોડ
કુમળાં ક્યારામાં “ફર્સ્ટ આવવું” એ વાવીએ ને ઊગી નીકળે છે આખી હોડ.
એમ જ ઉશ્કેરવાના “ઘોડાની રેસમાં જેમ બુક્કી બોલે છે સટાસટ્”
વાલીઓમાં તો જ પડે વટ્ટ
નવ્વાણું પોઇન્ટ નવ્વાણું ટકાઓના હોર્ડીન્ગ લગાડતા શી વાર ?
મોટીવેશનલ કંઈક ભાષણની જાળ ગૂંથી તખ્તા કરવાના તૈયાર
દેખાદેખીમાં ભલે લાગતી આ લાઈનો પણ આપણે નહીં બોલવાનું કટ્
વાલીઓમાં તો જ પડે વટ્ટ
લીલીછમ ડાળી પર ઝૂલતા આ માળામાં ટહુકા નહીં કરવાના વેસ્ટ
ખુલ્લા આકાશે તો જ એન્ટ્રી દેવાની પ્હેલા પાંખોનો લેવાનો ટેસ્ટ
એડમિશન આપવામાં થોડુંક ટટળાવીએ તો કિંમત વધે છે ફટાફટ
વાલીઓમાં તો જ પડે વટ્ટ
