સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
મૂળ વગરની વેલ થી આગળ
મારી હતાશા વધતી ગઈ. કોઈ ઉદ્યમ શીખવા કે આગળ અભ્યાસ કરવાના ઉદ્દેશથી હું અહીં આવી હતી તેનો કે મારાં લગ્ન વિશે અહીં કોઈએ વિચાર ન કર્યો. જે ભાવનાથી હું વડોદરા આવી તેના પર ક્યારનું પાણી ફરી ગયું હતું. ઘરમાંથી બહાર નીકળવામાં પણ અડચણ હતી. શું કરવું તે સમજાતું ન હતું.
મારી બાના દૂરના સગામાં થતા મસિયાઈ ભાઈ પરદેશ રહેતા હતા. એક વાર તેઓ રજાઓમાં વડોદરા આવ્યા હતા અને તેમણે મને “આવડી મોટી’ થયેલી જોઈને બાઈજીમાસીને કહ્યું, “આનાં લગ્ન હું ગોઠવી આપીશ.’ તેમના મામાનાં પ્રથમ પત્નીના અવસાનને સાત વર્ષ થઈ ગયાં હતાં. તેમને ફરી લગ્ન કરવાં નહોતાં, પણ તેમની માના આગ્રહને કારણે તેઓ લગ્ન માટે તૈયાર થયા હતા. અમને મળ્યા બાદ તેઓ સીધા સૌરાષ્ટ્રમાં તેમના મામાને ત્યાં પહોંચી ગયા તથા તેમના કાન પર આ વાત આણી. અને આઠ સંતાનના આ વિધુર પિતા – તેમના મામાનો સંબંધ મારા માટે લઈ આવ્યા! થોડા દિવસ બાદ ‘તેઓ’ મને જોવા આવ્યા અને તેમણે મને પસંદ કરી. તેમનાં અત્યંત સધન એવાં વૃદ્ધ માતા હયાત હતાં અને તેમને દાયજાની કે કરિયાવરની અપેક્ષા નહોતી.
હું મૂંઝવણમાં પડી ગઈ. એટલું ખરું કે જેમના માટે પ્રસ્તાવ આવ્યો હતો તેઓ ઘણા ઊંચા અને પ્રતિષ્ઠિત પરિવારના હતા. તેઓ ત્રણ ભાઈ હતા અને દરેકને પોતાનું સ્વતંત્ર મકાન હતું. આ જોઈ બધાએ મને હા કહેવા માટે ખૂબ સમજાવી. અંતે નાઇલાજ થઈ મારે હા કહેવી પડી. હા કહેવા પાછળ એક કારણ એ પણ હતું કે ઓશિયાળા જીવનથી હું અત્યંત કંટાળી ગઈ હતી. આમ પણ મારી હૂંડી ક્યાંય વટાવાતી નહોતી. નરસિંહ મહેતાની હૂંડી તો કૃષ્ણે વટાવી. મારા જેવી આશ્રિત સ્ત્રીની હૂંડી સ્વીકારવા કોઈ તૈયાર ન હોવાથી સામે આવેલો આ પ્રસ્તાવ મારે આંખ બંધ કરીને સ્વીકારવો પડયો. કન્યાપક્ષ તરફથી કશું પણ લેવાની એ લોકોએ ના કહી હતી. આમ જોવા જઈએ તો મારાં લગ્નમાં મને ફૂટેલું વાસણ આપવા પણ કોઈ આવતું ન હતું. મારા ભાવિ પતિની ઉમર ચાળીસી વટાવી ગઈ હતી અને તેમને પ્રથમ પત્નીથી આઠ છોકરાં હતાં તે વાત મારા કાન સુધી આવવા દીધી ન હતી. આ પ્રસ્તાવનો ઇન્કાર કરવો કે હા કહેવી એ મને તો સૂઝતું નહોતું. લગ્નનો પ્રસ્તાવ લાવનાર ડોક્ટરે મને ઘણી લાલસા આપી અને મને કહ્યું કે આ પ્રસ્તાવને અનુમતિ આપ.
મારાં લગ્નમાં અમારી રસમ મુજબ આપવો પડે તેવો દાયજો-કરિયાવર તો બાજુએ રહ્યો, પણ મારો નવો સંસાર શરૂ કરવા માટે એક ફૂટેલું વાસણ પણ આપવા માટે કોઈ આગળ આવ્યું નહિ. આથી અમારાં લગ્ન કોઈ યાત્રાના સ્થળે કરવાનો વિચાર થયો. નજીકમાં નજીક યાત્રાધામ કેવળ ડાકોર હતું તેથી લગ્નનો વિધિ ત્યાં કરવાનું નક્કી કરવામાં આવ્યું.
મારા ભાવિ પતિની દિવંગત પ્રથમ પત્નીનાં સંતાનોની ઇચ્છા હતી કે તેમના પિતાએ બીજાં લગ્ન ન કરવાં જોઈએ. અને તેમની વાત સાહજિક અને સાચી હતી, એવું મને પણ લાગ્યું. મારાં ભાવિ સાસુમા વયોવૃદ્ધ હતાં, પણ તેઓ એટલાં શ્રીમંત હતાં કે તેઓ કોઈના પર અવલંબીને રહેતાં ન હતાં. તેમણે હઠ કરી હતી કે તેમનો આ વિધુર પુત્ર લગ્ન નહિ કરે તો તેમનો જીવ ગતિ નહિ પામે, તેથી તેઓ મારી સાથે લગ્ન કરવા તૈયાર થયા હતા.
ઓગણીસ વર્ષની ઉમરે ૧૯૩૪ની સાલમાં મારાં લગ્ન થયાં.
લગ્નમાં મારા બાબાને બોલાવ્યા હતા, પણ તેમને આ સંબંધ પસંદ ન હોવાથી તેઓ લગ્નમાં આવ્યા નહિ. હું પણ તેમને છોડીને વડોદરા જતી રહી હતી તેનું તેમને માઠું લાગ્યું જ હશે. વળી આટલાં બધાં બાળકોના પિતાને પોતાની ભત્રીજી આપવાની તેમને જરા પણ ઇચ્છા ન હતી. પણ હું શું કરું? લોકોને ત્યાં કેટલા દિવસ પડી રહું ? માસી તો પોતાની પૌત્રીના લાડકોડ કરવાના વ્યવસાયમાંથી માથું પણ ઊંચું નહોતાં કરી શકતાં. વળી તેમના ઘરમાં રહેતી હોવા છતાં મને કશાની છૂટ ન હતી. મામીને ત્યાં ખાવાપીવાનું ભરપૂર મળતું હતું, પણ માના છત્ર સિવાય બધું વ્યર્થ હતું. જે પણ પરિસ્થિતિમાં મારાં આ લગ્ન થતાં હતાં તે મારાં પૂજ્ય બાની સમક્ષ થયાં હોત તો તેના મનમાં એક સમાધાનની લાગણી રહેત કે ચાલો, લીલાનાં લગ્ન તો થયાં, ભલે તેના નસીબમાં સુખ ન હોય. જમાઈનું મુખ જોવા માટે તેણે ઓછી જહેમત ઉઠાવી હતી? તેણે કેટકેટલા પંથવર શોધ્યા હતા, પણ હું જ કમનસીબ નીકળી. મારા નસીબમાં વિધુર જ લખ્યો હતો તે લેખ થોડા જ ખોટા પડવાના હતા? આ બધું જવા દો. મને એક સારું કુટુંબ મળ્યું તેનો મને સંતોષ હતો. પણ સગાંવહાલાંઓએ ઘણી ટીકાટિપ્પણી કરી. તેઓ કહેવા લાગ્યાં, “બાઈ રે બાઈ, આટલી મોટી ઉમરના આધેડને છોકરી આપી?’ આમ જોવા જઈએ. તો એમની ઉમર એટલી બધી હોય તે જરા પણ જણાતું ન હતું. વધુમાં વધુ આડત્રીસેક વર્ષના હોય તેવા તેઓ લાગતા હતા. અમારા સંબંધીઓને ખ્યાલ આવે તે માટે લગ્ન પછી મેં અમારો ફોટોગ્રાફ ખેંચાવીને વડોદરા મોકલ્યો. તે જોયા પછી લોકોની ટીકા બંધ થઈ અને તેઓ કહેવા લાગ્યા, ચાલો, છોકરી સુખી થઈ!
લગ્નમાં મારાં મામા, મામી અને બનને માસીઓ આવી હતી. કન્યાદાન મામાએ કર્યું. મામીએ. મને કીમતી અષ્ટપુત્રી સાળુ આપ્યો અને નાનાં માસીએ એક ચાંદીની જણસ આપી. લગ્ન જૂની વૈદિક પદ્ધતિથી થયાં અને સમગ્ર કાર્ય નિર્વિેઘ્ન પતી ગયું. લગ્નનો બધો ખર્ચ મારા નાના દિયરે કર્યો.
મારા પતિ મારાં કરતાં ર૫ વર્ષ મોટા હતા. શું કરીએ? મારા નસીબમાંપંથવર જ નહોતો ત્યાં કોઈ શું કરી શકે? બાબાએ મારા માટે યોગ્ય વર શોધવા કાંઈ ઓછા પ્રયત્ન કર્યા હતા? તેમણે કેટલાય પૈસા ખર્ચ્યા, પણ હું જ દુર્દેવી નીકળી. બીજા કોઈનો આમાં દોષ ન હતો.
લગ્નમાં મને ત્રીસ તોલા સોનું અને ઘણી કીમતી સાડીઓ મળી. આટલાં બધાં ઘરેણાં અને મકાન જોઈને મારી વડીલ ગણાતી માસીએ મને આ ઘરમાં આપી, પણ ગમે તેટલું આપો કે કરો, મારા માટે તો એંઠા થાળ જેવો સંસાર મને ધરવામાં આવ્યો હતો ને?
“નવપરિણીતા’ થઈને સૌપ્રથમ હું મારાં જેઠાણીને ત્યાં અમદાવાદ ઊતરી. ત્યાર પછી નાના દિયરને ઘેર બે દિવસ રોકાઈ. નાના દિયર અમદાવાદમાં જ મોટા હોદ્દા પર અફસર હતા. મારા પતિને સૌરાષ્ટ્રમાં નોકરી હતી અને તેમનાં પ્રથમ પત્નીનાં સંતાનો તેમની સાથે જ રહેતાં હતાં. હું પ્રથમ વાર અમદાવાદ આવી હતી તેથી મારી મોટી દીકરી તેનાં ત્રણ છોકરાંને લઈ મને મળવા આવી હતી. મને મોટી દીકરી છે તેની તો મને ખબર જ ન હતી. મને તો ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે “એમને’ પ્રથમ પત્નીથી ત્રણ બાળકો છે! મને તો ઘણું આશ્ચર્ય થયું, પણ જવા દો એ વાત.
મારા નાના દિયર પ્રેમાળ હતા. તેમનો સ્વભાવ ઘણો જ સારો હતો. તેઓ મને અને “એમને’ ફરવા લઈ ગયા. દિયરજીએ મારા માટે એક મોટી પેટી, બે સાડીઓ અને અન્ય વસ્તુઓ ખરીદી આપી, કારણ કે મને બાઈજીમાસીએ એક સારી પેઢી પણ આપી ન હતી. હું તો મારી બાની જૂની ટ્રંક લઈને આવી હતી. બાઈજીમાસીએ તો મને બે જૂની સાડી પણ આપી નહોતી. “એમણે’ તો મને કહી સંભળાવ્યું, “કેમ અલી, તને રોજ પહેરવાની સાડી પણ તારા પિયરિયાંએ આપી નથી?’
હું શું બોલું?
આઠેક દિવસ અમદાવાદ સગાંવહાલાંઓને ત્યાં રહી હું પતિગૃહે જવા નીકળી.
નવવધૂના સ્વરૂપે મેં મારા પતિગૃહે વઢવાણ કેમ્પ ખાતે પ્રથમ વાર પ્રવેશ કર્યો. ઘરમાં આવતાં જ એક પછી એક મારાં છ સંતાનોએ આવીને મને નમસ્કાર કર્યો. મેં પણ આગળ વધીને મારાં સાસુજીને પગે પડી પ્રણામ કર્યા. તેઓ મારા વિનયને જોઈ ઘણાં ખુશ થયાં, પણ ખરેખર તો હું હેબતાઈ ગઈ હતી. આટલાં મોટાં છ સંતાનોના પરિવારની સાર-સંભાળ મારાથી કેવી રીતે થઈ શકશે તેની ધાસ્તીથી હું બીમાર પડી ગઈ. એક તરફ આ ચિંતા હતી, ત્યાં મારા પતિના સાથી અમલદારોની પત્નીઓ મને મળવા આવી, અને મને જોઈને કહ્યું, “અરે, આ તો ઘણાં નાનાં દેખાય છે!! આમ પણ શરીરે હું કાંઈ હૃષ્ટપુષ્ટ નહોતી.
પતિગૃહે એક વાતની નિરાંત હતી કે ઘરમાં રસોઈ કરવા મહારાજ હતો, તેથી આવતાંવેત મને ચૂલો ફૂંકવો પડયો નહિ. પણ કોણ જાણે કેમ, મને અહીં આવતાંવેત તાવ આવવા લાગ્યો. સાસુજી કહેવા લાગ્યાં, “આવી માંદલી વહુ ક્યાંથી લઈ આવ્યો?” પણ ચોવીસ વર્ષના મારા મોટા પુત્રથી માંડી સાત વર્ષની દીકરી જેટલાં સંતાનોને – જેમના વિશે હું સાવ અજ્ઞાત હતી, તે જોઈ કઈ નવપરિણીત યુવતીની ભાવનાને આઘાત ન પહોંચે? અંતે મેં મન મજબૂત કર્યું. આ બધાં છોકરાં હવે મારાં છે, અને તેમની જવાબદારી અને સુખાકારી મારા ૫ર અવલંબે છે તેથી મારે ગભરાયે નહિ ચાલે એવો નિશ્ચય કર્યો અને ઘરમાં સાફસફાઈ કરી, અને ઘર વ્યવસ્થિત રીતે સજાવ્યું. મને આમ કામ કરતી જોઈ સાસુજી ઘણાં પ્રસન્ન થયાં.
મારી બે નંબરની દીકરી – જે મારી ઉમરની જ હતી, તેણે લગ્ન કર્યા ન હતાં, કારણ કે પિતા અને બધાં ભાઈબહેનોની જવાબદારી તેના પ૨ હતી. સ્કૂલ ફાઇનલની પરીક્ષા પાસ કર્યા પછી તેણે ભણવાનું બંધ કર્યું હતું. ઘરમાં મહારાજ હતો, પણ મારા આવ્યા પછી તે કહેવા લાગ્યો, હવે બાઈ આવ્યાં છે તો હું નોકરી શોધવા અમદાવાદ જઉં છું.’
મારા દિયર મને મૂકવા વઢવાણ કેમ્પ આવ્યા હતા, તેઓ અમદાવાદ પાછા જતા હતા. તેમણે ઘણા લોકોને નોકરી અપાવી હતી, અને અમારા મહારાજને પણ નોકરી અપાવશે એવું કહેવાથી તે અમદાવાદ ઊપડી ગયો. હવે આખા ઘરની રસોઈ કરવાની જવાબદારી મારા પર આવી પડી. અન્ય ઘરકામ કરવા માટે એક બાઈ હતાં તે ઘણું બધું કામ પતાવી દેતાં. હું માત્ર ‘એમના’થી ઘણી ગભરાતી હતી. તેમની સામે જતાં પણ હું ડરતી હતી. સાસુમાને હું ઘણું સંભાળવા લાગી. તેમણે અત્યંત સુખમાં જીવન વિતાવ્યું હતું. રોજ રાતે તેમના પગ દબાવ્યા વગર હું કદી સૂવા ગઈ નહિ. રાતના અગિયાર વાગી જાય તો પણ તેમની સેવામાં મેં કદી ખંડ પડવા દીધો નહિ. તેવી જ રીતે બધાં બાળકો માટે પણ બધું કામ કંટાળ્યા વગર કરતી હતી. તે સમયે બધી ચીજ-વસ્તુઓ ઘણી સસ્તી મળતી હતી, તેથી છોકરાંઓ માટે આખો મહિનો ચાલે એટલી મેવા-મીઠાઈ મંગાવી રાખતી. બાળકોએ પણ મને કદી ત્રાસ આપ્યો નહિ. ફક્ત બે નંબરની દીકરી ઘણા કડક સ્વભાવની હતી. મારા આવ્યા પછી પણ ઘર પરનો અંકુશ તેણે પોતાના હાથમાં જ રાખ્યો હતો. તે જે કરવા ધારે તે જ ઘરમાં થતું. કેટલાક મહિના બાદ તે મારાં સાસુજી સાથે અમદાવાદ ગઈ ત્યારે ક્યાંક ઘરનું સૂત્ર મારા હાથમાં આવ્યું.
“એમનો’ સ્વભાવ ઘણો સખ્ત હતો તેથી છોકરાં પણ તેમનાથી ડરતા હતા. મારામાં હવે માતૃત્વનાં લક્ષણ જણાવા લાગ્યાં! ગર્ભાવસ્થામાં મારી તબિયત જરા જેટલી સારી નહોતી રહેતી તેવામાં “એમને’ તેમના અંગ્રેજસાહેબ સાથે માઉન્ટ આબુ જવાનું થયું. છોકરાંને પણ ઉનાળાની રજાઓ હતી, તેથી અમને સહુને તેમણે આબુ લઈ જવાનો વિચાર કર્યો. તે સમયે આબુના પહાડ પર કશું જ મળતું નહોતું. ત્યાં જવાનું થાય તો આખા મહિનાની સીધું-સામગ્રી લઈ જવી પડે તેવું હતું તેથી તેઓ એકલા સાહેબ સાથે આબુ ગયા. તેમણે છોકરાંને અમદાવાદ મોકલ્યા, અને મને વડોદરા મોકલી. થોડા દિવસ નાની અને મામા-મામીને ત્યાં રહી અમદાવાદ સાસુજી સાથે ગાળ્યા અને વઢવાણ કેમ્પ પાછી આવી.
સાસુજી અમારી સાથે ક્વચિત્ રહેતાં. અમદાવાદની મોટી હવેલીમાં જ તેમનું વાસ્તવ્ય રહેતું. મારે એક જેઠાણી અને એક દેરાણી હતાં. જેઠ નાના પુત્રને મૂકી અવસાન પામ્યા હતા. દેરાણી પણ મારી જેમ બીજી વારનાં હતાં. સાસુજીએ તેમના ત્રણે પુત્રોનાં લગ્ન ઘણી નાની વયે કરી નાખ્યાં હતાં. લગ્ન વખતે વહુઓની ઉમર નવ-નવ વર્ષની હતી! અમારા ઘરની પરિસ્થિતિ ઘણી જ સારી હતી. દરેક વહુને સાસુજીએ. સો-સો તોલા સોનું આપ્યું હતું. સોનાનાં ફૂલની વેણીથી માંડી કમરપટ્ટો,ચંદ્રહાર, બિંદી, બંગડી-કડાં સુધીનાં ઘરેણાં દરેક વહુને પહેરાવ્યાં હતાં. તેમનાં પોતાનાં પણ સો તોલા સોનાંનાં ઘરેણાં હતાં. મારા સસરા સૌરાષ્ટ્રમાં ઊંચા પગાર પર સુપરિન્ટેન્ડન્ટ હતા. તે જમાનાની સસ્તાઈ પણ એટલી હતી કે સોનું વીસ રૂપિયે તોલો મળતું. સસરાજીએ, અમદાવાદમાં એક જંગી હવેલી બંધાવી હતી, અને ઘરમાં રાચરચીલું પણ એટલું જ હતું. સાસુજીએ પણ દાન કરીને ઘણી ખ્યાતિ કમાઈ હતી. ઠેઠ કન્યાકુમારી સુધીની ચાર ધામની યાત્રા બે વાર કરી હતી. સ્વભાવે તેઓ ઘણાં ધાર્મિક વૃત્તિનાં હતાં અને કેટલાય ગરીબ વિદ્યાર્થીઓને તેમણે વિદ્યાદાન કર્યું હતું. આટલું બધું કરવા છતાં તેમણે આખી ઈસ્ટેટ સંભાળીને રાખી હતી.
મારી ‘ડિલિવરી’નો સમય નજીક આવતાં ‘તેઓ’ વિચાર કરવા લાગ્યા કે પ્રસૂતિ માટે મને ક્યાં મોકલવી. આખરે તેમણે મને કહ્યું કે વડોદરા જા. બાઈજીમાસીને ત્યાં જવાની મારી જરા પણ ઇચ્છા ન હતી, પણ પતિના નિર્ણય આગળ મારું શું ચાલે? જોકે બધો ખર્ચ “તેઓ’ કરવાના હતા તેથી થોડા દિવસ અમદાવાદ ગાળી મારે વડોદરા જવું એવું નક્કી થયું. આમ હું અમદાવાદ આવી.
મારી ગર્ભાવસ્થાના સમાચાર મારા યેસુબાબાને મળતાં તેઓ મને લેવા સીધા વઢવાણ કેમ્પ પહોંચી ગયા. તેઓ ત્યાં પહોંચે તે પહેલાં મારી રવાનગી વડોદરા થઈ ચૂકી હતી. બાબાને નિરાશ થઈ એકલા જ પાછા જવું પડ્યું. આ સાંભળી મને એટલું દુ:ખ થયું જેનું વર્ણન ન કરી શકું. તેમણે તો મારી ડિલિવરીનો બધો જ ખર્ચ ઉપાડી લીધો હોત. મેં પણ તેમની પાસે જવાનો વિચાર કર્યો હતો, પણ જાળિયા એક નાનકડું ગામ હતું. ત્યાં તો નર્સ પણ ન હતી. હું ત્યાં રહેતી હતી ત્યારે સુવાણીને હાથે ઘણા કેસ બગડી ગયા હતા તે મેં જાતે જોવું હતું. આથી બાબાને ત્યાં ન જતાં મારે સ્વખર્ચે વડોદરા જવું પડયું.
ક્રમશઃ
