નલિની નાવરેકર
જીવનના કયા ક્ષેત્રમાં આજે પ્લાસ્ટિક નથી પહોંચ્યું ? આપણા ઘરમાં પાણી આવે છે – તે પીવીસી પાઈપ દ્વારા. વીજળી પહોંચે છે, તેમાં પણ પ્લાસ્ટિક વપરાય છે. બધાં વાહનોમાં આજે પ્લાસ્ટિક વપરાવા માંડ્યું છે. શૈક્ષણિક સાધનોમાં પણ પ્લાસ્ટિકનો કેટલો બધો વપરાશ છે! વિદ્યાર્થીઓના હાથમાં ઘણો સમય રહેનારી પેન અને જે હાથથી છૂટી જ નથી શકતો તે મોબાઈલ ફોન, લેપટોપ વગેરેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાય છે. બજારમાં જુઓ તો બધો જ સામાન પ્લાસ્ટિકમાં પેક કરેલો હોય છે. અને ઘરની અંદરની તો વાત જ જવા દો ! ટેબલ-ખુરશીથી માંડીને ટૂથબ્રશ સુધીની બધી જ ચીજવસ્તુઓ આજકાલ આપણે પ્લાસ્ટિકની વાપરવા માંડ્યા છીએ. કેવી રીતે ચાલશે આપણને પ્લાસ્ટિક વિના ?
પ્લાસ્ટિકને લીધે આપણું જીવન કેટલું સરળ બની ગયું છે ! સસ્તું છે, હલકું છે, સાફ કરવામાં વળી સરળ. પ્લાસ્ટિકની વસ્તુઓ દેખાવમાં સુંદર અને વળી રંગ તો એકદમ આકર્ષક ! સૌથી મોટી વાત તો એ છે કે એને કારણે અનેક પ્રકારની સુવિધા ઊભી થાય છે. કોઈ પણ કામ માટે પ્લાસ્ટિક સામે હાજરાહજૂર છે. આ યુગ જ પ્લાસ્ટિકનો છે. પરંતુ સાવધાન ! પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. તેના કચરા (નિકાલ)નો પ્રશ્ન બહુ જ મોટો છે.
પ્લાસ્ટિકનો કચરો એક મોટી તેમજ ગંભીર સમસ્યા છે. એ વાત આપણે થોડી-ઘણી જાણીએ છીએ. આ પ્રશ્ર્ન માત્ર આપણો નથી, વિશ્ર્વ આખાનો છે. તેથી તેના ઉકેલ માટે તેમજ વિઘટન પામી શકે તેવું જૈવિક પ્લાસ્ટિક કેવી રીતે બનાવી શકાય તે અંગેનું સંશોધન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તેમાંથી કદાચ સારો ઉપાય માનવજાતને મળી જાય. પરંતુ ક્યાં સુધી ?
આજે પણ પ્લાસ્ટિકના કચરાનું પુનર્ચક્રીકરણ (રીસાઈક્લીંગ) તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ બધા પ્રકારના પ્લાસ્ટિકનું નથી થતું. જે થાય છે તેમાં પણ મર્યાદા રહેલી છે. અને આ પ્રક્રિયામાં પણ પ્રદૂષણ તો થાય જ છે. વિઘટનશીલ પ્લાસ્ટિક બનાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. પરંતુ આ પ્રયોગો હમણાં તો આર્થિક રીતે ખાસ્સા મોંઘા છે. પ્લાસ્ટિકના કચરામાંથી ઈંધણ બનાવવામાં સફળતા મળી છે. પરંતુ તેમાં પણ પ્રદૂષણ તથા અન્ય પ્રશ્નો ઊભા થાય છે. આ બધા પ્રયોગો થઈ રહ્યા છે પરંતુ પ્લાસ્ટિકના કચરાની જે વિકરાળ સમસ્યા છે તેના પ્રમાણમાં ખૂબ જ ઓછા છે. અને મુખ્ય વાત એ છે કે પ્લાસ્ટિકને કારણે માનવસ્વાસ્થ્ય પર તેમજ સૃષ્ટિના સ્વાસ્થ્ય પર જે માઠી અસર પડે છે તે પ્રશ્ન તો જેમનો તેમ જ છે.
પોલીમરાઈઝેશન (પ્લાસ્ટિક બનાવવાની પ્રક્રિયા) વખતે જે રસાયણોનો ઉપયોગ થાય છે તેમાંથી કેટલોક ભાગ બાકી રહી જાય છે. તે પ્લાસ્ટિકમાં ભળી જતો નથી. જ્યારે આપણે એ પ્લાસ્ટિકમાં ભીના કે સૂકા ખાદ્ય પદાર્થ મૂકીએ છીએ ત્યારે તે પદાર્થમાં આ રસાયણ ભળે છે. આ પદાર્થ સાથે તે આપણા શરીરમાં પ્રવેશ કરીને આરોગ્યને હાનિ પહોંચાડે છે. ખોરાકને સંબંધિત (કાપવું, વીણવું, ગાળવું વગેરે) ક્રિયાઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી તેના સૂક્ષ્મકણો આપણા પેટમાં જાય છે. આ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે માંદગી આવે છે.
દુનિયામાં મોટા ભાગના દેશોમાં પીવાના પાણીમાં માઈક્રોપ્લાસ્ટિક મળી આવ્યા છે. પ્લાસ્ટિકની બોટલમાંના પાણીમાં તો તે હોય જ છે. શરીરની સાથે સાથે આપણા મગજ પર પણ આની વિપરીત અસર થાય છે. પ્લાસ્ટિકની બોટલ અથવા થેલીમાંથી દરદીઓને સલાઈન અથવા લોહી ચઢાવવામાં આવે છે, તેમાંથી તે માણસના લોહીમાં પ્રવેશે છે. ફેફસાં માટે આ જોખમકારક બની શકે છે.
જે લોકો નાયલોન, પોલીએસ્ટર વગેરેનાં કપડાં પહેરે છે તે ખરેખર તો પ્લાસ્ટિક જ પહેરે છે. કારણ કે તે પ્લાસ્ટિકનું જ એક ઉત્પાદન છે. અને તેની અસરો પણ પ્લાસ્ટિક જેવી જ છે. આજે જે નવી ગાડીઓ બને છે તેમાંથી જે ગંધ આવે છે તે પણ પ્લાસ્ટિકમાંથી થેલેટ વગેરે વાયુ સ્વરૂપે છૂટા પડે છે તેની જ હોય છે. જે શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ પામે છે.
પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ-જેમ જૂની થતી જાય છે, તેમ-તેમ ‘માયક્રોપ્લાસ્ટીક’ની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે કે પ્લાસ્ટિકના અતિસૂક્ષ્મ કણ તેમાંથી નીકળવા માંડે છે, અને સ્વાભાવિક રીતે જ નાક, મોઢું અથવા ચામડી દ્વારા તે આપણી અંદર પ્રવેશ કરે છે. પ્લાસ્ટિકને બાળવામાં આવે છે ત્યારે ડાયોક્સિન તથા અન્ય પ્રદૂષિત વાયુઓ હવામાં ફેલાય છે. આ કાર્સેનોજેનિક એટલે કે કેન્સર કરનારા વાયુઓ છે. શરીરની અંત:સ્રાવી ગ્રંથિઓ પર તેની સૌથી ખરાબ અસર થાય છે.
આમ, આપણે જોયું કે પ્લાસ્ટિકની આરોગ્ય પર બહુ જ માઠી અસર થાય છે. શ્ર્વસનતંત્ર, મજ્જાતંત્ર તેમજ પ્રજનનતંત્ર વગેરેને તે અસર પહોંચાડે છે. પ્રોસ્ટેટગ્રંથિ મોટી થવી, ડાયાબીટીસ, મૂત્રપિંડના વિકાર, ચામડીના રોગો, કેન્સર, માનસિક બીમારીઓ વગેરેનું તે કારણ બને છે. પ્રતિકારશક્તિનો ઘટાડો પણ પ્લાસ્ટિકની માઠી અસરનું જ એક પરિણામ મનાય છે. પીવીસીનું ઉત્પાદન કરતા કારખાનામાં કામ કરનારા કામદારોમાં યકૃતના કેન્સરનું ઊંચું પ્રમાણ મળી આવ્યું છે.
વધેલું ખાવાનું આપણે પ્લાસ્ટિકની થેલીમાં ભરીને કચરામાં નાંખી દઈએ છીએ. ગાય તેમજ અન્ય પ્રાણીઓ પ્લાસ્ટિકની થેલી સહિત આ ખોરાક ખાતાં તેમના પેટમાં પ્લાસ્ટિક ભેગું થાય છે. જેને કારણે તેમનું મૃત્યુ પણ થતું હોય છે.
જમીન પર થતી અસર
આજે આપણા દેશમાં પ્લાસ્ટિકનો કચરો ન પડ્યો હોય અને પવનથી આમ-તેમ ન ફેલાતો હોય તેવું એક પણ ગામ કે ગલી કદાચ નહીં હોય. આપણાં ગામો-શહેરોના રસ્તાઓને વિરૂપ કરનારું ગંદકીભર્યું દૃશ્ય જ્યાં ને ત્યાં જોવા મળે છે. આવો કચરો જ્યાં પડ્યો રહે છે અથવા દાટવામાં આવે છે ત્યાં સ્વાભાવિક છે કે કશું ઊગી શકે નહીં. ધીરે-ધીરે આ જમીન મૃત:પ્રાય થતી જાય છે. ખેતરોમાં આચ્છાદન અથવા બીજા કોઈ હેતુથી આવેલું પ્લાસ્ટિક ફોટોડિગ્રેડ (ધીમે-ધીમે નાના નાના ટુકડા થવાની પ્રક્રિયા) થઈને જમીનની ઉત્પાદકતા ઘટાડે છે. શહેરોની ગટરોમાં ભેગું થયેલું પ્લાસ્ટિક પાણી વહેવામાં અડચણ પેદા કરે છે. વરસાદના દિવસોમાં આ બાબત પૂર લાવવા માટે કારણભૂત બને છે (વર્ષ ૨૦૦૫નું મુંબઈનું પૂર).
સૌથી વધુ અસર સમુદ્ર પર
વિશ્ર્વભરમાં વપરાતો પ્લાસ્ટિકનો કચરો આખરે પહોંચે છે સમુદ્રમાં. પ્લાસ્ટિકની સમસ્યાનું સાચું (વિકરાળ) સ્વરૂપ જોવું હોય તો સમુદ્ર તરફ જવું પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્વેક્ષણ જણાવે છે કે, આજે મહાસાગરોમાં વીસ કરોડ મેટ્રીક ટન કચરો એકઠો થયો છે અને એવું અનુમાન છે કે વર્ષ ૨૦૩૪ સુધી આ પ્રમાણ બમણું થઈ જશે. પ્રશાંત મહાસાગરમાં ૧૬ લાખ ચોરસ કિ.મી. પ્લાસ્ટિકનો તરતો ટાપુ બની ચૂક્યો છે. આ સૌથી મોટો ટાપુ છે પરંતુ, આવા ઘણા ટાપુઓ વિશ્વભરના સમુદ્રોમાં મોજૂદ છે. પૃથ્વી પરનું જીવન જેના પર નિર્ભર કરે છે તે મહાસાગરોની આ પરિસ્થિતિ છે ! હવાઈ (યુ.એસ.એ.)ના સમુદ્રના તળમાં જે પત્થર છે તેમાં પીવીસી અને પોલીથીન ચોંટી ગયા છે. આંદામાન સમુદ્રના તળિયામાં પણ આવા પથ્થરો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આને કારણે પથ્થરોમાં જેમનું નિવાસસ્થાન છે તે જીવોને ખૂબ નુકસાન થાય છે.
આટલું બધું જાણ્યા પછી પણ શું આપણે એમ જ કહીશું કે પ્લાસ્ટિક વિના તો નહીં ચાલે ? રસ્તાની બાજુમાં અને કચરાના ડેપો (સંગ્રહસ્થાન)માં પડેલા કચરા સામે આંખ બંધ કરીને તો નહીં ચાલે ને ? જળચર, જમીન પરનાં પ્રાણીઓ અને પક્ષીઓની થતી દુર્દશા- પ્રત્યે શું બહેરા બની જઈશું ? કચરો ઉપાડવાવાળા સફાઈ કરનારાઓની પરિસ્થિતિ શું હૃદયશૂન્ય બનીને નજરઅંદાજ કરીશું ? જાણ્યા પછી પણ જડ બનીને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા રહીશું ?
વિકલ્પ શોધીએ
ઘરમાં અને વ્યક્તિગત ઉપયોગ બાબતે ઘણી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વિકલ્પ ખૂબ સહજતાથી મળી શકે તેમ છે. કેટલીક વસ્તુઓ માટે શોધખોળ પણ કરવી પડે. તો કેટલાક વિકલ્પો અંગે વિચાર કરવો પડે. શું પચાસ-સાઠ વર્ષ અગાઉ પ્લાસ્ટિક વિના આપણે સુખી ન હતા ? શું ત્યારે પ્લાસ્ટિક વિના આપણું કોઈ કામ અટકતું હતું ? થોડા લાભ અને સુખ-સુવિધા માટે આપણે લાંબા સમયનાં દુ:ખ તેમજ સમસ્યાઓનો સામનો કરવાનું કેમ પસંદ કરીએ છીએ ?
ગામડાઓ પોતાના અધિકાર વાપરીને પ્રતિબંધ લગાવીને પ્લાસ્ટિક મુક્ત બની શકે છે ! ઘર પણ પ્લાસ્ટિક મુક્ત બની શકે છે. વ્યક્તિ તો જરૂર થઈ જ શકે. મારા એકલાના કરવાથી પણ ફાયદો એ થશે કે મારા આરોગ્ય પર ખરાબ અસર નહીં પડે. અને વિશ્ર્વવ્યાપી સમસ્યાનો હું ભાગ નહીં બનું, તેનું સમાધાન પણ હું લઈ શકીશ.
સુંદરતાની વાત કરીએ. સુતરાઉ કપડાં, લાકડાની વસ્તુઓ વગેરેનો સ્પર્શ, તેને જોવું (દર્શન), અનુભવમાં એક પ્રકારની શીતળતા, સાત્ત્વિકતા, શાંતિ છે. પ્લાસ્ટિકના રંગ તેમજ સૌંદર્ય આક્રમક લાગે છે. જે પ્લાસ્ટિકની આ મોહમાયામાંથી નહીં છૂટી શકે તે સંસારની મોહમાયામાંથી છૂટી શકશે ?
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪
