આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.

પરેશ ૨. વૈદ્ય


હૉર્સપાવર શબ્દથી તો ઘણા વાચકો પરિચિત હશે. મકાન ઉપરની ટાંકીમાં પાણી ચડાવતી કે કૂવામાંથી પાણી કાઢતી મોટરોની શક્તિ દર્શાવતો એ એકમ છે. એમ તો મોટરસાઇકલ કે સ્કૂટરના એન્જિનની કાર્યશક્તિ પણ હોર્સપાવરમાં મપાય છે, પરંતુ રોજિંદા વ્યવહારમાં તેના કદની જ વાત કરીએ છીએ – જેમ કે ૧૨૫ સી.સી. કે ૯૦ સી.સી. (બંને વચ્ચે સીધો સંબંધ પણ છે). હવે, શક્તિનો દર માપવાના એકમમાં ઘોડો ક્યાંથી આવ્યો?

જેમ્સ વોટે અઢારમી સદીમાં વરાળથી ચાલતું એન્જિન બનાવ્યું ત્યારે તેની તાકાત બતાવવા કશીક તુલનાની જરૂર હતી. ત્યારે ઇન્ગ્લેન્ડમાં કૂવામાંથી કોસ દ્રારા પાણી કાઢવા માટે ઘોડા જોતરાતા, જેમ આપણે ત્યાં બળદ વપરાતા તે રીતે. અમુક સમયમાં ઘોડા દ્વારા થતા કાર્યને એન્જિનના કાર્ય જોડે સરખાવી તેણે એન્જિનની ક્ષમતાને ‘હોર્સ’ પાવરમાં ગણી કાઢી. ત્યારથી એ એકમ કાયમ થઈ ગયો.

યંત્રો આવ્યાં તે પહેલાં માણસનાં કામ પ્રાણીઓ કરતાં હતાં. ઇન્ગ્લેન્ડમાં જે સ્થિતિ ૨૫૦ વર્ષ પહેલાં હતી તેવી ભારતમાં ૭૫ વર્ષ પહેલાં પણ હતી જ. ઘોડા ઉપરાંત બળદ, ઊંટ અને ગધેડાં ભાર ખેંચવાનું કામ કરતાં. તેમાં માલસામાનની હેરફેર ઉપરાંત માણસોની આવજાવ (વાહનવ્યવહાર) પણ આવી જાય. શહેરમાં ઘોડાગાડી (ટાંગા) અને ગામડાંમાં બળદગાડાં એ કામ કરતાં જે આજે ઓટોરિક્ષા અને છક્ડા કરે છે.

આજે જે તદ્દન જરૂરી લાગે છે તેવાં સ્કૂટર તો હતાં જ નહીં. ઓટોરિક્ષા અમદાવાદ, વડોદરા અને સુરતમાં દેખાવા લાગી હતી. ઘોડાગાડીનો ઉપયોગ બીમાર અથવા વૃદ્ધ સ્વજનોને ડૉક્ટર પાસે લઈ જવામાં થતો કે સામાન સાથે રેલવે સ્ટેશને જવામાં થતો. તે સિવાય ગામના પ્રતિષ્ઠિત સજ્જનો, જેવા કે, ડૉક્ટરો, ન્યાયાધીશ, વગેરે તેમાં મુસાફરી કરતા.

અમારા ગામની એકમાત્ર કૉલેજ વસતિથી થોડી દૂર હતી. નિવાસની જગ્યા મુજબ વિદ્યાર્થીઓને બેથી ચાર કિ.મી. ચાલવું પડતું. પરંતુ તેની કોઈને નવાઈ ન લાગતી. ઊલટું, જે થોડા સાઇકલથી આવતા એ જ જુદા તરી આવતા. આજે આટલું કોઈ ચાલતું નથી, બલ્કે, કોઈ પણ કૉચિંગ ક્લાસને દૂરથી ઓળખવા હોય તો સ્કૂટીઓની કતારથી ઓળખી શકો છો! સ્કૂટરો ‘૭૦ અને ‘૯૦ના દાયકામાં આવ્યાં અને જે શહેરોનો વિસ્તાર જૂના ગામ કરતાં બહાર વધ્યો હતો ત્યાં તેનું ચલણ વધારે હતું. ક્રમશઃ તેણે લોકોની ચાલવાની આદત કાઢી જ નાંખી!

કોઈ પણ પ્રકારનો ભારી સામાન આજે ટ્રક તેમ જ ટેમ્પો (ત્રણ અને ચાર પૈડાંવાળા)માં લઈ જઈએ છીએ. ફર્નિચર, થોકબંધ કરિયાણું, હોલસેલ શાકભાજી, રિપેર કરવાનું એર-કન્ડિશનર, સિમેન્ટની થેલીઓ, રેતી, પેઇન્ટ – બધું જ. ચાલીસ વર્ષ પહેલાં આ ટેમ્પો ન હતા તો શું થતું? કામ અટકતાં નહીં, બળદગાડી, ઊંટગાડી, ગધેડાગાડી અને ક્યારેક માણસ પોતે ખેંચે તેની ગાડી આ હેરફેર કરી આપતાં. રેતી અને ઈંટો તો સીધાં ગધેડાં ઉપર થેલાઓ ગોઠવીને લઈ જવાતાં. અંદાજ એવો છે કે આ જાનવરો આશરે અરધા હોર્સપાવર જેટલી શક્તિથી કામ કરી શકે છે. પરંતુ એ કામ કરવા માટે એને વીજળી કે પેટ્રોલ/ડીઝલની જરૂર નથી પડતી. એ ઘાસ, ચણા, ગાજર કે ભૂસું ખાઈને આ સેવા આપે છે. વૈશ્વિક ઉષ્મન્ ની ચિંતા કરીએ છીએ ત્યારે યાદ કરવા જેવું છે કે આવાં લાખો જાનવરોને કામ પરથી કાઢી મૂક્યાં તેની કાર્બન ડાયોક્સાઇડ કિંમત કેટલી બધી છે? એવું નથી કે આ પ્રકારનાં વાહનો ઘટવાથી રસ્તાઓ ઉપર શિસ્ત આવી છે. આજેય રખડતી ગાયો, ભૂંડો અને કૂતરાં રસ્તા ઉપર આતંક ફેલાવી રહ્યાં છે.

અંગત મોટરકાર

૧૯૫૦ અને ‘૬૦ના દસકોમાં સામાન્‍ય માણસની મહત્ત્વાકાંક્ષા આ રહેતી – “ઘરની ગાડી અને ફૉર ફિગર સેલેરી’. એટલે કે હજાર રૂપિયાથી વધુ પગાર. અને લોકોક્તિ જેવી આ મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ
જ ન શકે તે પણ સ્વપ્નાં જોનારને ખબર જ હતી. સમય અચાનક કેવો બદલી શકે છે તેનું પણ આ ઉદાહરણ છે. આજે મધ્યમવર્ગમાં ઘણાં ઘરોમાં પોતાની કાર છે અને પગાર પાંચ આંકડામાં તો નીચેની
પાયરીએ મળે છે. ‘ત્યારે’ અમારા ગામમાં માંડ ૧૦-૧૨ અંગત મોટર હશે. અમારા ઘરના વિસ્તારમાં બે જ કાર હતી અને એ બંને સંસદસભ્ય હતા! આ લેખકને અંગત કારમાં બેસવાનો મોકો ૧૪ વર્ષની વયે મુંબઈ ફરવા આવ્યા ત્યારે મળેલો. યજમાનને ઘરે ગાડી હતી. પરંતુ મારા પોતાના શહેરમાં એ ૪૦ વર્ષની વયે જ બન્યું, જ્યારે મિત્રોએ કાર ખરીદી.

જો વાચક પોતાને પ્રશ્ન પૂછે કે, ‘હું અંગત કારમાં પહેલી વાર ક્યારે બેઠો?’ તો તેનો ઉત્તર વાચકની ઉંમર પ્રમાણે બદલશે. આજની પેઢી માટે એ એટલું સામાન્‍ય છે કે પ્રશ્ન જ અસંબદ્ધ લાગશે. જ્યારે જૂની પેઢી માટે એ એવો વિરલ અનુભવ હતો કે એ બરાબર યાદ હશે.

પરગામની મુસાફરી

એક ગામથી બીજે ગામ જવાની વ્યવસ્થામાં જ્યાં રેલવે બનેલી હતી તે નસીબદાર હતા. દિલ્હી-મુંબઈ રેલમાર્ગ આઝાદીથી બહુ પહેલાંનો છે, તેને કારણે દક્ષિણ ગુજરાતને સગવડ સારી જ હતી. સૌરાષ્ટ્ર અને ગાયકવાડી વિસ્તારોને પણ નેરોગેજ લાઇનો હતી. બાકીનો જે ભાગ માત્ર સડકોથી જોડાયેલ હતો તેમની પરિસ્થિતિ આજની તુલનાએ તદ્દન પ્રાથમિક હતી. સાઇકલ અને બદળગાડાં ખરી વાસ્તવિકતા હતાં. મુંબઈ પ્રાંતની એસ.ટી. સેવા જો કે ૧૯૫૦માં શરૂ થઈ ગઈ હતી, પણ કચ્છને તેનો લાભ ૧૯૫૭ પછી જ મળ્યો. લાકડાંનું બૉડી અને લાકડાંની સીટો બસમાં હોય તેવી કલ્પના પણ આજે મુશ્કેલ લાગે છે. રસ્તા પણ કાચા – ડામર રોડ અપવાદ હતા – એટલે બસ પસાર થઈ જાય અને ધૂળની ડમરી ઉડાડતી જાય એ દંશ્ય રોજિદું હતું. ચોમાસામાં એસ.ટી.ની સેવામાં બંધ કરવી પડતી (ચોમાસાનું જુદું સમયપત્રક બહાર પડતું એ જ રસ્તાની હાલતનું રહસ્ય છતું કરે છે!.) ગુજરાતનું રાજ્ય જુદું થતાં રસ્તા અને એસ.ટી. સેવા બંને બહુ ઝડપથી સુધર્યા. આજે તો ખાનગી બસો અને અંગત મોટરકારોથી હાઈ-વે ધમધમતા હોય છે.

એ નોંધવા જેવું છે કે તદ્દન નજીવી વ્યવસ્થામાંથી ઊઠીને ૬૦ વર્ષમાં જે સ્થાને આપણે પહોંચ્યા છીએ તેમાં ટેકનોલોજીનો બહુ મોટો ફાળો નથી. મુખ્યત્વે લોકોની માંગણી સંતોષવાની વહીવટી તંત્રની તૈયારી અને દેશની આર્થિક સ્થિતિમાં સુધારો એ બે કારણો ગણી શકાય. પરંતુ પ્રગતિની કિંમત તો હોવાની જ.
વાહનોની સંખ્યામાં વર્ષે ૧૫ ટકાનો વધારો થઈ રહ્યો છે (વિકસિત દેશોમાં એ અરધાથી ૪ ટકા જેટલો જ છે). તેને અનુરૂપ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ૧૪ ટકાના દરે વધે છે, જેમાંથી ૮૫ ટકા આપણે આયાત કરવી પડે છે. વાતાવરણમાં ૧૯૬૦માં દર લાખે ૩૨ ભાગ કાર્બન ડાયોક્સાઇડ (૩૨૦ ppm) હતો તે અત્યારે ૪૨ ભાગ (૪૨૧ ppm) થઈ ગયો છે. આમાં ગુજરાતનો પણ ફાળો છે. ભારતમાં સૌથી વધુ વાહનો (૪૦ લાખ મોટર, ૨.૧ કરોડ દિચક્રી વાહનો) ગુજરાતમાં છે!

પેટ્રોલ-ડીઝલના દુષ્પ્રભાવોના ઉપાયો તો તંત્રવિજ્ઞાન શોધી રહ્યું છે. ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી મોટર આવી છે; જોકે પ્રચલિત નથી થઈ શકી. એનો લાભ તો જ છે જો એને ચાર્જ કરનારી વીજળી ‘રીન્યુએબલ’ સ્રોતમાંથી મળી હોય. બીજી તરફ ટેકનોલોજી નવું આશ્ચર્ય આપવાની તેયારી કરે છે. ડ્રૉનની ટેકનોલોજી પરથી પ્રેરણા લઈ બેટરીથી ચાલતાં વિમાન બની રહ્યાં છે. એનાથી બહુ લાંબાં નહીં તેવાં અંતર માટે એર-ટૅક્સીની સગવડ ઊભી થશે! બળદગાડાં કરતાં એ કેટલું બધું જુદું હશે!


સૌજન્યઃ નવનીત સમર્પણ * નવેમ્બર ૨૦૨૪


ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.