મંજૂષા
વીનેશ અંતાણી
આમ તો ૧૮૭૬થી ૧૮૯૩નો સમયગાળો યાદ રાખવાનું કારણ નથી, પરંતુ રશિયાની બે વ્યક્તિ વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર પીટર ચાય્કોવસ્કી અને નાદેઝદા વોન મૅકની અદભુત પ્રેમકથાના સંદર્ભમાં એ સમયગાળો અવશ્ય યાદ આવે.

દુનિયાભરમાં અનેક પ્રેમકથાઓ જાણીતી છે. ચવાઈ ગયેલો લાગતો પ્રેમ જેવો વિષય ક્યારેય જૂનો થતો નથી. ક્યારેક અચાનક એવું કશુંક બને છે કે પ્રેમ ચર્ચામાં આવી જાય છે. દરેક પ્રેમપ્રસંગમાં કોઈક વિરલ તત્ત્વ જોડાયેલું હોય છે. પીટર ચાય્કોવસ્કી અને નાદેઝદાની પ્રેમકથા ઘણી રીતે વિલક્ષણ છે.
બંને પ્રેમીઓ વચ્ચે ઘણા વિરોધાભાસ હતા. પીટર મધ્યમ વર્ગનો અને નાદેઝદા ધનાઢ્ય વિધવા. નાદેઝદા પીટરથી નવ વરસ મોટી. પીટર અપરણિત હતો અને નાદેઝદા બાર સંતાનોની માતા હતી. પતિના મૃત્યુ પછી નાદેઝદાએ એમનો વિશાળ કારોબાર સંભાળ્યો હતો. એ કોઈની સાથે સંપર્ક રાખતી નહોતી. એકાંતવાસમાં રહેતી હતી. નાદેઝદાને સંગીતમાં ઊંડી રુચિ અને સમજ હતી. આ સંગીતપ્રેમ એને અને પીટરને નજીક લાવ્યો. પીટર એનું બધું ધ્યાન સંગીતમાં પરોવી શકે તે માટે નાદેઝદાએ એના સંસારની બધા જ પ્રકારની જવાબદારીઓ પોતે ઉપાડી લીધી. જોવાની વાત એ છે કે એમના તેર વરસના પ્રેમસંબંધમાં એ બંને એક પણ વાર રૂબરૂ મળ્યાં નહોતાં. એકબીજાને પત્રો લખતાં રહ્યાં અને એમાં એમનો પ્રેમ વિકસતો ગયો. નાદેઝદાએ પીટરને લખેલા અંતિમ પત્રમાં લખ્યું હતું: ‘મને ભૂલશો નહીં, ક્યારેક યાદ કરજો.’ પીટર નાદેઝદાને ક્યારેય ભૂલ્યો નહોતો. એ મરણપથારીએ હતો ત્યારે સન્નિપાતમાં જેને ક્યારેય મળ્યો નહોતો એ પ્રેમિકાને યાદ કરતો રહ્યો હતો. એમનો સંબંધ અકળ હતો, જાણે બંને પ્રેમીઓને કોઈ સપનું આવ્યું હોય.
કવિ યજ્ઞેશ દવેએ આ પ્રેમકથા એમના પુસ્તક ‘મૈં તો ચુપચાપ ચાહ રહી’માં આલેખી છે. પ્રેમમાં પડવા માટે કોઈ ઉંમર હોતી નથી કે કોઈ ચોક્કસ સમય હોતો નથી. ક્યારેક એ અચાનક થઈ જાય છે, ક્યારેક લાંબા સહવાસ પછી બે વ્યક્તિને સમજાય છે કે તેઓ વર્ષોથી પ્રેમમાં છે, માત્ર એમણે એમના સંબંધને એ રીતે જોયો નથી. સાચા પ્રેમી, લગ્ન પહેલાં અને લગ્ન પછી, એકબીજાના જીવનમાં અઢળક અજવાળું ફેલાવી દે છે. એમાં એમના આત્માનો ઉજાસ ભળે ત્યારે પ્રેમ દૈવી બની જાય છે.
કેનેડાની ફિલ્મ ક્રિટિક ક્રિસ્ટિનાએ કહ્યું છે તેમ એ એના પ્રેમી – પતિ રોઝને ઘણી વાર મળી હતી, પરંતુ એમાં ખાસ બન્યું નહોતું. ઘણા સમય પછી બંને એક ફિલ્મના પ્રેસ-સ્ક્રિનિંગની પાર્ટીમાં આકસ્મિક જ બાજુબાજુમાં બેઠાં. તે સાથે જ એમને લાગ્યું કે તેઓ બે અલગ વ્યક્તિ નથી, એક જ વ્યક્તિ છે. ત્યાર પછી પાર્ટીમાં હાજર બધાં લોકો એમના માટે અપ્રસ્તુત બની ગયાં હતાં. માત્ર ક્રિસ્ટિના હતી અને રોઝ હતો.
આ સંદર્ભમાં પોલેન્ડની મહાન કવયિત્રી વિસ્સાવા શિંબોર્સ્કાની એક કવિતા ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ યાદ આવે. એમાં કહ્યું છે કે બે પ્રેમીઓ કેટલીય વાર એકબીજાની બાજુમાંથી પસાર થઈ ગયાં હતાં. ક્યારેક રિવોલ્વિંગ દરવાજામાંથી અંદર પ્રવેશ કરતાં કે બહાર જતાં, ક્યારેક ભીડમાં, જાણે પ્રેમ એમની સાથે કોઈ રમત રમતો હોય. કદાચ એક થવાનો સમય હજી પાક્યો નહોતો. પછી એક ઘડી આવી જ્યારે નિયતિએ એમને એક કરી દીધાં. મૅટ નામનો એક પુરુષ બારમાં ગયો અને ત્યાં એને બહુ જ ગમતું પ્રેમગીત રજૂ કરવા બેન્ડના ગાયકને ફરમાએશ કરી. ગાયકે સામેની ટેબલ પર બેઠેલી યુવતીને બતાવીને એને કહ્યું કે એણે પણ એ જ ગીતની ફરમાએશ કરી છે. મૅટે એ યુવતીને જોઈ અને પછી તરત એના મિત્રને કહ્યું: ‘હું પેલી છોકરી સાથે લગ્ન કરીશ.’ બન્યું પણ એવું. બંને સંપર્કમાં આવ્યાં, પ્રેમમાં પડ્યાં અને સુખી લગ્નજીવનનો આનંદ માણવા લાગ્યાં.
બૉબ નામનો તરુણ યુવક ૧૯૫૫માં હાઈસ્કૂલમાં ભણતો હતો. એક દિવસ એણે સ્ટડી હોલમાં ઍનેટ નામની છોકરીને પહેલી વાર જોઈ. તે સાથે જ એના પ્રેમમાં પડ્યો. બંને સાથે ફરવા લાગ્યાં. હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો થયો પછી તેઓ અલગ શહેરોમાં ભણવા ચાલ્યા ગયાં. સમય જતાં અન્ય વ્યક્તિઓને પરણી ગયાં. ત્યાર પછીનાં વર્ષોમાં એમની વચ્ચે સંપર્ક રહ્યો નહોતો. બૉબની પત્નીનું અવસાન થયું પછી થોડા સમયે એને ખબર પડી કે ઍનેટનો પતિ પણ ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યો છે અને એ એકલી રહે છે. બૉબના મનમાં ધરબાયેલો પ્રેમ જાગી ઊઠ્યો. ૨૦૧૭માં એક દિવસ એ પાંચસો માઈલ એકધારું ડ્રાઇવ કરી ઍનેટ પાસે પહોંચ્યો. એણે બીજું કશું ન કર્યું, સુગંધિત પુષ્પગુચ્છ એની સામે ધર્યો અને કહ્યું – ‘હું બૉબ.’ તરુણાવસ્થાનાં પ્રિયજનો બાસઠ વર્ષ પછી ફરી મળ્યાં અને અધૂરી પ્રેમકથા પૂરી કરવા સાથે જીવવા લાગ્યાં.
પ્રેમીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ જ નહીં, એનો પડછાયો, એ આસપાસ ક્યાંક છે એવો અહેસાસ માત્ર પ્રિયજનના હૃદયમાં ભરતી લાવી દે છે. હિન્દીનાં કવયિત્રી સંગીતા ગુંદેચાએ એમની કવિતા ‘પરછાઈ’માં એવા જ અહેસાસની કોમળતા ગૂંથી છે. નાયિકા સ્નાન કરવા સરોવરના જળમાં ઊતરી છે ત્યારે એને પાણીમાં, કમળનાં ફૂલો પર, એક પડછાયો દેખાય છે. એ સમજી જાય છે કે પાછળ કોણ ઊભું છે, છતાં એ મોઢું ફેરવીને જોતી નથી. માત્ર કમળની પાંખડીઓને હળવેથી સ્પર્શ કરે છે અને એનો ગુલાબી રંગ એની ભીતર છેક સુધી ઊતરી જાય છે. પ્રેમના અનેક રંગ હોય છે, અનેક સ્પર્શ હોય છે, અનેક સુગંધ હોય છે. પ્રેમીની સ્મૃતિ પણ વ્યક્તિને સભર બનાવી દે છે અને જીવન જીવી જવાનું કારણ આપે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
