ફિર દેખો યારોં
બીરેન કોઠારી
“આ શું સર્કસ ચાલી રહ્યું છે?” વાસ્તવિક જીવનમાં ઘણી વાર કશી અર્થહીન બાબત આકાર લે ત્યારે આવા ઉદ્ગાર સામાન્ય રીતે નીકળતા હોય છે.
ક્રિકેટમાં આજે સામાન્ય બની ગયેલી રાત્રિમેચ, સફેદ રંગનો બૉલ, ક્રિકેટરોનાં રંગબેરંગી ગણવેશ અને ઝાકઝમાળના અસલ જનક હતા ઓસ્ટ્રેલિયાના ધનકુબેર કેરી પેકર. ક્રિકેટ મેચ માત્ર દિવસે જ રમાતી, ક્રિકેટરો શ્વેત ગણવેશ પહેરતા અને બૉલનો રંગ કેવળ લાલ હતો એવે સમયે કેરી પેકરે પોતાનાં નાણાંના જોરે ક્રિકેટને વધુ મનોરંજક બનાવવાનો પ્રયત્ન કરેલો. તેમની એ ચેષ્ટા ત્યારે ‘પેકર સર્કસ’ તરીકે જાણીતી બનેલી. એ જ રીતે રાજકારણમાં કશી મનોરંજક પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ ‘સર્કસ’ શબ્દ પ્રયોજાય છે. દેશની પહેલવહેલી કોંગ્રેસેતર પક્ષની બનેલી જનતા પક્ષની સરકાર માટે પણ પ્રસારમાધ્યમોમાં ‘જનતા સર્કસ’ જેવા શબ્દનો ઊપયોગ જોવા મળેલો.
આ લખનાર જેવા અનેક સર્કસપ્રેમીઓને આવી સરખામણી સર્કસના અવમૂલ્યન સમી જણાય એ સ્વાભાવિક છે. વિચારતાં જણાય છે કે સર્કસ સાથે આવી પરિસ્થિતિની સરખામણી કરવાનો હેતુ સર્કસને ઊતારી પાડવાનો નહીં, પણ સંબંધિત પરિસ્થિતિમાંથી સર્કસની જેમ નીપજતી અર્થવિહીનતા સહિતના મનોરંજનને કારણે હોય છે. સર્કસમાં અનેકવિધ કરતબો દેખાડવામાં આવે, પણ તેનો અંતિમ હેતુ પ્રેક્ષકોના મનોરંજનનો છે. ‘સર્કસ’ સાથે સરખામણીની આવી પૂર્વભૂમિકા જણાવવી સકારણ છે. કેમ કે, અખબારોમાં પ્રકાશિત થતાં સમાચારોનાં મથાળાં વાંચીને એક તરફ ભરપૂર મનોરંજન મળે છે, તો બીજી તરફ આવી ઘટનાઓ સમાચાર બને છતાં કોઈના પેટનું પાણી સુદ્ધાં ન હાલે એ વક્રતા વિષાદપ્રેરક છે.
બે ઘટના જોઈએ, જે તાજેતરની છે. અમેરિકાના પ્રમુખપદે બીજી વખત ચૂંટાયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ બેફામ નિવેદનો અને ચિત્રવિચિત્ર પગલાંના સીલસીલાને કારણે અખબારોનાં મથાળાં ચમકાવતાં રહ્યાં છે. પોતાનો બેફામ અને મૂડીવાદી અભિગમ તેઓ પોતે છુપાવતા નથી. અખબારો પોતાના માલિકોના ઝુકાવ મુજબ ટ્રમ્પ વિશેનાં સમાચારોને વિવિધરંગી ઝાંય આપે છે. આવા માહોલમાં એક ઘટના એવી બની કે ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિકનાં સ્ટાફ કાર્ટૂનિસ્ટ એન ટેલ્નેસે રાજીનામું મૂકવાનું પસંદ કર્યું- આ દૈનિક સાથે છેક ૨૦૦૮થી સંકળાયાં હોવા છતાં! એન ટેલ્નેસ દ્વારા બનાવાયેલું એક કાર્ટૂન પ્રકાશિત કરવાનો અખબાર દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો. સત્તરેક વર્ષથી આ અખબાર સાથે સંકળાયેલાં એન સાથે આવું પહેલવહેલી વાર બન્યું. અલબત્ત, અખબારે નકારેલા એ કાર્ટૂનનું કાચું રેખાંકન એન દ્વારા વિવિધ માધ્યમો પર મૂકાઈ રહ્યું છે, ત્યારે એ જાણવાની જિજ્ઞાસા થયા વિના રહે નહીં કે એવું તે શું હતું એ કાર્ટૂનમાં?

કાર્ટૂનમાં પ્રમુખ ટ્રમ્પનું પૂતળું બતાવાયું છે. એ પૂતળાને ટેક અને મિડીયાના વિવિધ માલિકો નાણાંકોથળી ધરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ પોતાની તરફદારી કરવા માટે પ્રમુખને ધરાવાતો આ ‘ચઢાવો’ છે. આ ધનપતિઓના જૂથમાં ફેસબુક અને મેટાના સ્થાપક- સી.ઈ.ઓ માર્ક ઝકરબર્ગ, એ.આઈ.ના સી.ઈ.ઓ. સામ અલ્ટમેન, એલ.એ.ટાઈમ્સના પ્રકાશક પેટ્રિક સૂ-શિઓંગ, વૉલ્ટ ડિઝની કમ્પની તથા એ.બી.સી.ન્યુઝ અને વૉશિંગ્ટન પોસ્ટના માલિક જેફ બેઝોસને દર્શાવાયા છે.
આ પરિસ્થિતિ આમ તો બંધ આંખે પણ જોઈ શકાય એટલી ઉઘાડી છે, છતાં એને કાર્ટૂનમાં દેખાડવું અખબારમાલિકોને ઠીક ન લાગ્યું. તેમણે એ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો. જે દેશનું અભિવ્યક્તિસ્વાતંત્ર્ય મિસાલરૂપ ગણાતું હોય એ દેશમાં એકવીસમી સદીના આધુનિક ગણાતા સમયમાં આવી ઘટના બને એ નવાઈ કહેવાય!
આ ઘટનામાં કાર્ટૂનને નકાર્યું અખબારમાલિકોએ, તો ભારતમાં ખુદ સરકાર એક કાર્ટૂન સામે ઊતરી આવી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે હતા એ જ સમયે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ત્યાં ગેરકાયદે રહેતા ભારતીયોને હાથપગમાં બેડી પહેરાવીને લશ્કરી વિમાનમાં સ્વદેશ પરત ધકેલી રહ્યા હતા. ભારતના વડાપ્રધાનના તેમની સાથેના મૈત્રીના દાવાનો તેમણે એ પગલા દ્વારા છડેચોક ઊપહાસ કર્યો. આ ઘટના અખબારોમાં ચમકી. પણ તેને ધ્યાનમાં રાખીને તમિલ સામયિક ‘આનંદ વિકટન’ના કાર્ટૂનિસ્ટ હસિફ ખાને આ પરિસ્થિતિ પર એક કાર્ટૂન ચીતર્યું. એમાં એક ખુરશીમાં ટ્રમ્પ અને બીજી ખુરશીમાં નરેન્દ્ર મોદી બેઠેલા બતાવાયા છે. ટ્રમ્પના ચહેરા પર ઊપહાસભર્યું હાસ્ય છે, જ્યારે વડાપ્રધાન મોદીના હાથપગ બેડીઓથી બંધાયેલા છે- બિલકુલ સ્વદેશમાં ધકેલાયેલા ગેરકાયદે ભારતીયોની જેમ! આ સમગ્ર ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ સેવેલી ચૂપકીદી પર કાર્ટૂનમાં કટાક્ષ છે. આ કાર્ટૂન સામયિકની ડીજીટલ આવૃત્તિમાં વેબસાઈટ પર મૂકાયા પછીની સાંજે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી સામયિકને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી કે સામયિકને શા માટે પ્રતિબંધિત કરવામાં ન આવે. સાથોસાથ આ સામયિકની વેબસાઈટને પણ બ્લૉક કરી દેવામાં આવી.
શરમજનક પરિસ્થિતિ ઊભી થાય એ ચાલે, પણ એની પર વ્યંગ્ય ન સહન થઈ શકે એ કેવી વિચિત્રતા! અને આ પગલું કોઈ જૂથ કે સમુદાય દ્વારા નહીં, ખુદ સરકાર દ્વારા લેવામાં આવે ત્યારે એમ લાગ્યા વિના રહે નહીં કે સરકારનું વલણ ‘કીલીંગ ધ મેસેન્જર’નું છે. આ અંગ્રેજી રૂઢિપ્રયોગ એવી પરિસ્થિતિ માટે ચલણી છે જેમાં અણગમતા સમાચારનું વહન કરનાર ખેપિયાને જ મારી નાખવામાં આવે-દુર્ઘટના બની હોવાના સમાચાર પાઠવવા સિવાય તેની કોઈ ભૂમિકા નથી એની જાણ હોવા છતાં!
અલબત્ત, આવી ઘટના કંઈ પહેલવહેલી નથી કે છેલ્લી પણ નહીં હોય. કેમ કે, ઈતિહાસ બહુ ક્રૂર ખેલાડી હોય છે. આપખુદ અને આત્મમુગ્ધ લાગતા શાસકને સારો કહેવડાવે એવા શાસક એ ભવિષ્યમાં પેદા કરતો રહે છે અને ‘આ શું સર્કસ ચાલી રહ્યું છે?’ જેવો સવાલ પૂછવાની તક દરેક યુગે આપતો રહે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬- ૦૩– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
