ચેતન પગી
અપણે ઇન્ડિયનો અદભૂત પ્રજા છીએ. આપણે નક્કી કરીને બેઠા છીએ કે સરકાર ગમે તે સ્કીમ-સુવિધા શરૂ કરે કે કંપનીઓ ગમે એ પ્રૉડક્ટ બહાર પાડે પણ આપણે એનો ઉપયોગ પોતાને ઠીક લાગે એમ જ કરીશું. કંપનીવાળા ભલે મેગી નામે નુડલ્સ બહાર પાડે આપણે એના ભજિયાં બનાવીને વેચી મારીશું. પંજાબ ભણી તો લસ્સી વલોવવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સગા કાને સાંભળ્યું છે. આપણે ત્યાં ઇન્સ્ટાગ્રામની રીલો જોઈને ટૂથપેસ્ટથી વાસણ માંજનારા કે કૉલ્ડડ્રિંક્સનો જંતુનાશક તરીકે ઉપયોગ કરનારા લોકો પણ પૃથ્વીલોકમાં મળી આવશે. આમ તો કંપનીવાળાઓએ ખાણી-પીણીની વસ્તુઓ તાજી રહે એ માટે ફ્રીજ બનાવ્યું છે. પણ આપણે વધેલું ખાવાનું ફેંકી દેતા જીવ ચાલે નહીં એ માટે એને ફ્રિજમાં મુકવાનું પસંદ કરીએ છીએ કારણ કે બે-ત્રણ દિવસ પછી ફ્રિજમાંથી ફેંકી દઈએ ત્યારે જીવ એટલો કચવાતો નથી. હવે તો પુસ્તકો પણ એટલા માટે ખરીદાય છે કે ડ્રોઇંગ રૂમમાં સરસ ગોઠવીને મુક્યા હોય તો ફોટોમાં બેકગ્રાઉન્ડ તરીકે સારા લાગે. ઇમેજીન કરો તમે હેવી મેકઅપ કરીને ફોટો પડાવ્યો હોય અને પાછળ ઝેર તો પીધા છે જાણી-જાણી કે માનવીની ભવાઈ પડ્યાં હોય. આ રીતે તમે સ્વપ્રેમીની સાથે સાહિત્યપ્રેમી છો એ દર્શાવી શકો છો.
આવું જ મોબાઇલ ફોનનું છે. હવે આપણને ફોન વિના ચાલતું નથી (પહેલા રિસાઇ જતા લોકો પહેરેલાં કપડે બહાર નીકળી જતાં. હવે મોબાઇલ ફોન લઈને બહાર નીકળી જાય છે.) જોકે, એવું નથી કે ફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા, ફોટો પાડવા કે ઇન્ટરનેટ વાપરવા માટે કરવામાં આવે છે. જેમ નુડલ્સનાં ભજિયાં બનશે એવું મેગીવાળાઓએ કદી કલ્પ્યું નહોતું એમ મોબાઇલ ફોન બનાવતી કંપનીઓએ પણ લોકો એના કેવા-કેવા ઉપયોગ કરશે એની કલ્પના કરી નહીં હોય. વાંચો મોબાઇલનાં એવાં ફીચર જે ફોન બનાવતી કંપનીઓએ વિચાર્યાં નહીં હોય…
અણગમતાઓને દૂર રાખતું ફીચર: મોબાઇલવાળાઓએ નામ સાથે ફોન નંબર સેવ કરવાની સુવિધા આપે છે. પણ હવે લોકો નંબર એટલા માટે સેવ કરે છે જેથી કૉલ આવે તો ફોન ન ઉપાડવાની ખબર પડે. (જો કે આમાં એટલું સાચવવું પડે કે જેણે તમને કૉલ કર્યો છે એ તમારી આસપાસ ન હોય). બિઝિ છો એવું બતાડવા ઉપયોગી ફીચર: ઑફિસ, સોસાયટી કે જાહેરમાં ઘણીવાર એવી સિચ્યુએશન આવતી હોય છે કે કોઈની સાથે વાત કરવાનો તમારો મૂડ હોતો નથી. કે ઔપચારિકતા ખાતર સ્માઇલ આપીને ‘કેમ છો’ કહેવાની ઈચ્છા હોતી નથી. આ સ્થિતિમાં તમે કોઈનો કૉલ આવ્યો ન હોય તો પણ ફોન કાને માંડીને વાત કરતા હોવાનો ડોળ કરો છો. ક્યારેક કોઈ ફંક્શનમાં તમે એકલા ઊભા છો ત્યારે સાવ બાઘા જેવા ન લાગો એટલા માટે પણ ખાલી-ખાલી ફોન કાને માંડીને વાત કરતા હોવાનો ડોળ કરી શકાય છે.
વેવ કરવાનું ફીચર: ભીડમાં કે જાહેર જગ્યાએ દૂરથી કોઈ મિત્ર કે પરિચિત હાથ હલાવીને ‘હાય’ કરે ત્યારે તમે હાથ નહીં પણ મોબાઇલ ફોન હલાવીને વળતું ‘વેવ’ કરો છો. ખાસ કરીને જ્યારે મોંઘો ફોન હોય ત્યારે લોકો આ ‘ફીચર’નો અવશ્ય ઉપયોગ કરે છે. (અલા, પંચોતેર હજારનો ફોન લીધો છો લોકોને દેખાડવું તો પડે ને?) એકધારા જીવનથી કંટાળી ગયા છો? વૉલપેપર-ડીપી બદલો: રોજ ન્હાઇધોઈને નોકરીએ જવાનું, સાંજે ધોયેલા મૂળાની જેમ પાછા આવવાનું અને ખાઇ-પી, મોબાઇલ મંતરીને સૂઈ જવાનું. અને સવારે જાગીને ફરી પાછા ઑફિસ. આ રુટિન લાઇફમાં ચેન્જ લાવવા માટે બીજા કોઈ ઓપ્શન ન હોય ત્યારે મોબાઇલ ફોનના વૉલપેપર બદલી નાખવા કે વૉટ્સએપમાં ડીપી ચેન્જ બદલતા રહેવું. એનાથી કંઇક બદલાઈ રહ્યું છે એવું લાગ્યા કરશે.
આ તો લેખકે જાતે અજમાવેલા ફીચર છે. આમાં, તમે પોતે ડેવલપ કરેલા ફીચર પણ ઉમેરી શકો છો.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
