અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

વાલ્મીકિ રામાયણમાં રામનો પ્રથમ પ્રવેશ પુત્રના રૂપમાં થયો છે. તરુણાવસ્થાથી જ રામમાં પ્રગટતી ગયેલી પિતૃભક્તિ સમયાંતરે વાલ્મીકિ વ્યક્ત કરતા રહ્યા છે. પિતા તરીકે દશરથે રામને કદી આદેશ આપ્યો નથી. જ્યાં જ્યાં તેમને આદેશ કરતા માનવામાં આવ્યા છે, ત્યાં ત્યાં ખરેખર તો તેમને રાજા તરીકે અથવા તો પરિસ્થિતિની વિવશતાથી નિર્ણય લેવાનો આવ્યો છે. રામે આ પ્રકારની પરિસ્થિતિના સંદર્ભમાં પિતાએ જે કરવું પડે તેમ છે તેને આદેશ ગણીને માથે ચઢાવ્યું છે. વાલ્મીકિએ આવી દરેક પરિસ્થિતિને સૂક્ષ્મ નજરે નિરીક્ષી છે.

રામની પિતૃભક્તિના પ્રાગટ્યની પહેલી જ ક્ષણ છે તાડકાવધનો પ્રસંગ. વિશ્વામિત્રની સાથે રાક્ષસોનો સંહાર કરવા ગયેલા તરુણ રામની સમક્ષ ભયંકર રાક્ષસી તાડકા ઉપસ્થિત થાય છે ત્યારે વિશ્વામિત્ર, રામને તેનો વધ કરવા પ્રેરે છે. વિશ્વામિત્રનાં ઉત્સાહ વધારનારાં વચનોનો સવિનય ઉત્તર આપતાં રામ જણાવે છે : “ભગવન્ ! અયોધ્યામાં મારા પિતા મહામના મહારાજ દશરથે અન્ય ગુરુજનોની ઉપસ્થિતિમાં મને એ ઉપદેશ આપેલો કે ‘બેટા ! તું પિતાના કહેવાથી,પિતાનાં વચનોનું ગૌરવ જાળવવા કુશિકનંદન વિશ્વામિત્રની આજ્ઞાનું નિઃશંક થઈને પાલન કરજે; ક્યારેય પણ એમની વાતની અવહેલના ન કરજે.’ પિતાના એ ઉપદેશને સાંભળીને આપ બ્રહ્મવાદી મહાત્માની આજ્ઞાથી તાડકાવધ સંબંધી કાર્યને ઉત્તમ માનીને હું કરીશ. એમાં શંકા નથી.” વિશ્વામિત્રની આજ્ઞા શિરોધાર્ય કરવા પાછળ પિતાની આજ્ઞાનું રામને મન, વિશેષ મૂલ્ય છે.

રામમાં સ્થાયીભાવે રહેલી પિતૃભક્તિનો ઉછાળ અનુભવાય છે રાજ્યાભિષેક ને રાજ્યવિચ્છેદની ક્ષણે. આગલા દિવસે મંત્રીઓ સાથે પરામર્શન કરીને મહારાજ દશરથે રામને બોલાવીને તેમના રાજ્યાભિષેકની જાહેરાત કરી છે ને બીજી સવારે જ કૈકેયીએ માગેલાં વરદાનથી ત્રસ્ત થયેલ દશરથને કૈકેયીના ભવનમાં રામને બોલાવવાની ફરજ પડી છે ત્યારે ત્યાં આવેલા રામ, પિતાને નીચે મુખે બેઠેલા જોઇને કૈકેયીની પૂછે છે : ‘મારાથી અજાણતાં (જાણતાં તો શક્ય જ નથી) કોઈ અપરાધ તો નથી થઇ ગયો ને જેથી પિતાજી મારાથી નારાજ થયા હોય?.. મહારાજને અસંતુષ્ટ કરીને અથવા એમની આજ્ઞા ન માનીને એમને ગુસ્સે કરીને હું બે ઘડી પણ જીવવા ઈચ્છીશ નહીં .. મનુષ્ય જેને કારણે આ જગતમાં જન્મે છે, એવા પ્રત્યક્ષ દેવતા પિતાની હયાતીમાં એ એને અનુકૂળ વર્તાવ શા માટે ન કરે ?”

પિતાની અપ્રસન્નતાથી જ ખિન્ન થઇ ગયેલા રામ, આવો પ્રતિભાવ આપતી વખતે પોતા પર આવનાર વિપત્તિથી બિલકુલ અજાણ છે. કૈકેયી, રામના આ પ્રકારના પ્રતિભાવને જોઇને કુશળતાથી પોતાની વાતને ગોઠવતાં જણાવે છે: “રામ, સત્ય જ ધર્મનું મૂળ છે. સત્પુરુષોનો પણ આ જ નિશ્ચય છે. ક્યાંક એવું ન થાય કે તારે કારણે મહારાજ મારા પર ગુસ્સે થઈને પોતાનાં એ સત્યનો ત્યાગ કરી બેસે. એમનાં સત્યનું જેવી રીતે પાલન થાય એવી રીતે તારે કરવું જોઈએ. રાજા જે કહેવા માગે છે તે શુભ હોય કે અશુભ, તું જો એનું પાલન કરવા ઈચ્છે તો હું તને સઘળી વાત કહું. રાજાની વાત તારા કાને પાડીને ક્યાંક હતી ન હતી થઇ જાય, તું એની આજ્ઞાનું પાલન કરી શકે તો જ હું તને બધું સ્પષ્ટ કહી શકું. એ પોતે તને કંઈ નહીં કહે.”

કૈકેયીના આ શબ્દોથી વ્યથિત થયેલા રામનો ઉત્તર છે : “અરે ! ધિક્કાર છે ! તમારે મારે માટે આવી વાત મોઢામાં નહીં કાઢવી જોઈએ. હું મહારાજનાં કહેવાથી આગમાં પણ કુદી શકું. તીવ્ર વિષનું ભક્ષણ પણ કરી શકું અને સમુદ્રમાં પણ ઝંપલાવી શકું. મહારાજ મારા ગુરુ, પિતા અને હિતૈષી છે. હું તેમની આજ્ઞા મેળવી શું ન કર શકું ? માટે હે દેવી ! રાજાને જે ઈપ્સિત છે તે વાત મને કહો. હું પ્રતિજ્ઞા કરું છું કે હું તેને પૂર્ણ કરીશ. રામ બે રીતની વાત કરતો નથી.” રામની નિશ્ચયાત્મક પિતૃભક્તિનો પ્રારંભ છે.

રામના કહેવાથી કૈકેયી (દશરથ નહીં) રામને વનવાસ ને ભરતનાં રાજ્યારોહણની માગણી સંભળાવે છે ત્યારે તદ્દન નિર્વિકાર ભાવે ઉત્તર વાળતા રામ, દશરથ ને કૈકેયી –બંનેના પુત્રરૂપે આત્યંતિક રૂપમાં પ્રગટ થયા છે : “મા, બહુ જ સારું. તો એમ થાવ. હું મહારાજની પ્રતિજ્ઞાનું (આજ્ઞાનું નહીં) પાલન કરવા માટે જટા અને ચીર ધારણ કરીને વનમાં રહેવા માટે અવશ્ય અહીંથી ચાલ્યો જઈશ…. હું માત્ર તમારા કહેવાથી પણ મારા ભાઈ ભરત માટે આ રાજ્યને, સીતાને, વહાલા પ્રાણને તથા તમામ સંપત્તિને પણ પ્રસન્નતાપૂર્વક જાતે જ અર્પી દઉં, ત્યાં સ્વયં મહારાજ – મારા પિતા આજ્ઞા આપે અને એ પણ તમારું પ્રિય કરવા માટે- ત્યારે હું પ્રતિજ્ઞાનું પાલન કરતાં એ કાર્ય શા માટે ન કરું ? તમે મહારાજને આશ્વાસન આપો. મહારાજની આજ્ઞાથી આજે જ દૂતો શીઘ્રગામી ઘોડા પર ભરતને મામાને ત્યાંથી બોલાવવા જાય. હું પિતાની વાત પર વિચાર કર્યા વિના ચૌદ વર્ષ વનમાં રહેવા માટે આજે જ ચાલ્યો જઈશ… દેવી, હું ધનનો ઉપાસક થઈને સંસારમાં રહેવા માંગતો નથી. તમે વિશ્વાસ રાખો. મેં પણ ઋષિઓની માફક નિર્મળ ધર્મનો આશ્રય લીધો છે. પૂજ્ય પિતાનું જે પણ કાર્ય હું કરી શકું તેમ છું એને પ્રાણાન્તે પણ કરીશ. તમે એને મારા દ્વારા થયું જ સમજો. પિતાની સેવા અથવા એની આજ્ઞાનું પાલન કરવા જેવું મહત્ત્વપૂર્ણ ધર્માચરણ સંસારમાં બીજું કોઈ નથી.

“જોકે પિતાએ જાતે મને કહ્યું નથી, તોપણ તારા કહેવાથી જ હું ચૌદ વર્ષ સુધી આ પૃથ્વી પર નિર્જન વનમાં નિવાસ કરીશ. તમારો મારા પર સંપૂર્ણ અધિકાર છે. હું તમારી (પણ) પ્રત્યેક આજ્ઞાનું પાલન કરી શકું. તોપણ તમે જાતે મને ન કહીને આ કાર્ય માટે મહારાજને કષ્ટ આપ્યું એનાથી લાગે છે કે તમને મારામાં કોઈ ગુણ દેખાતા નથી..”

દશરથની સાથોસાથ કૈકેયીનાં પણ સંપૂર્ણત: પુત્ર સાબિત થતા રામ, કૌશલ્યાનું દુઃખ કલ્પીને વેદના અનુભવે છે ત્યારે પણ, એમની પિતૃભક્તિ લેશમાત્ર પણ ચલિત થતી નથી. પોતે જે નિર્ણય લીધો છે તે વિશેષ કે ઉદાત્ત છે તેવું તો રામે વિચાર્યું સુદ્ધાં નથી; બલકે પોતા પહેલાં પણ મહાપુરુષોએ આ પ્રકારનું જ આચરણ કર્યું હોઈ, પોતાનો નિર્ણય પુરોગામીઓને અનુસરતો છે એવું રામનું મંતવ્ય છે. આથી જ કૌશલ્યને સમજાવતાં રામ જણાવે છે: ‘દેવી, કેવળ હું જ આ પ્રકારે પિતાના આદેશનું પાલન કરું છું એવું નથી. જેની મેં હમણાં ચર્ચા કરી (સગરપુત્રો, પરશુરામ આદિ) એ બધાંએ પિતાના આદેશનું પાલન કર્યું જ છે. મા ! હું તારાથી પ્રતિકુળ કોઈ નવીન ધર્મનો પ્રચાર કરી રહ્યો નથી. પૂર્વકાળના ધર્માત્મા પુરુષોને પણ આ જ અભિષ્ટ હતું. હું તો માત્ર એમના દ્વારા ચાલવામાં આવેલા માર્ગનું અનુસરણ જ કરું છું. આ પૃથ્વી પર જે બધાંને માટે કરવું યોગ્ય છે, એ જ કરવા હું જઈ રહ્યો છું. પિતાની આજ્ઞાનું પાલન કરનાર કોઈ પણ પુરુષ ધર્મથી ભ્રષ્ટ થતો નથી.

રામના આ સંવાદોમાં જોઈ શકાય છે કે રામની પિતૃભક્તિની વિભાવના એમની જીવનનિષ્ઠા સાથે, વિવેક સાથે સંલગ્ન છે. રામના અભિપ્રાયને સાંભળીને યથાર્થ કહેવાય તેવી દલીલ કરતી કૌશલ્યાનું કહેવું છે તેમ, એ પણ રામની માતા હોઈ, તેનો પણ રામ ઉપર દશરથ જેટલો જ અધિકાર છે, દશરથના વિપેક્ષ, તે એવું ઈચ્છે છે કે રામ વનમાં ન જાય. રામ જો દશરથની વાતનો સ્વીકાર કરે તો તેમણે કૌશલ્યાની વાત પણ સ્વીકારવી જ પડે. રામ જો એવું કરવા માગતા ન હોય તો છેવટે કૌશલ્યાને પણ સાથે લઇ જાય એવો પ્રસ્તાવ કૌશલ્યા મૂકે છે. વિનયપૂર્વક માતાની બંને વાતનો રદિયો આપતા રામનો ઉત્તર માત્ર એક પિતૃભક્તનો ન રહેતાં જીવનધર્મી સંન્યાસીનો બની રહે છે : “જે કાર્યમાં ધર્મ વગેરે બધા જ પુરુષાર્થોનો સમાવેશ ન થતો હોય એવું કાર્ય ન કરવું જોઈએ. જે માત્ર અર્થપરાયણ હોય એવી વ્યક્તિ લોકમાં બધા માટે દ્વેષનું ભજન બને છે. ધર્મવિરુદ્ધ કામમાં અત્યંત આસક્ત રહેવું એ પ્રશંસનીય નહિ, બલકે નીંદનીય છે. મહારાજ મારા ગુરુ, રાજા અને પિતા હોવાની સાથે વૃદ્ધ હોવાથી સમ્માનીય છે. તેઓ ક્રોધથી, હર્ષથી અથવા કામથી પ્રેરાઈને પણ આપણને કોઈ કાર્ય માટે આજ્ઞા આપે તો આપણે ધર્મ સમજીને તેનું પાલન કરવું જોઈએ. જેના આચરણમાં ક્રૂરતા ન હોય તેવો કયો પુરુષ પિતૃઆજ્ઞારૂપી ધર્મનું પાલન ન કરે? આથી પિતાની આજ્ઞાનું પાલન કરવા પ્રત્યે હું બેદરકાર નહીં રહી શકું.” એટલું જ નહીં, જ્યારે ધર્મના પ્રવર્તક એવા મહારાજ હજુ વિદ્યમાન છે અને વિશેષતઃ પોતાના ધર્મમય માર્ગ પર સ્થિર છે એવા સંયોગોમાં માતા એક વિધવા સ્ત્રીની જેમ મારી સાથે ચાલી શકે નહીં એવું લક્ષ્મણ પ્રત્યે રામે જણાવ્યું છે. લક્ષ્મણને સમજાવતાં રામ ઉમેરે છે : “માત્ર ધર્મહીન રાજ્ય માટે હું મહાન ફળદાયક ધર્મપાલન રૂપ સુયશને પાછળ ન ધકેલી શકું. જીવનઅધિક સમય સુધી રહેતું નથી. એના માટે કરીને આજે હું અધર્મપૂર્વક આ તુચ્છ પૃથ્વીનું રાજ્ય લેવા ઈચ્છતો નથી.”

પિતૃઆજ્ઞાને જીવનધર્મ માનતા રામ, વનમાં જતાં જતાં પિતાને પૂરા સમાદારપૂર્વક જણાવે છે : “મને ન આ રાજ્યની, ન સુખની, ન પૃથ્વીની, ન આ સંપૂર્ણ લોકોની, ન સ્વર્ગની અને ન જીવનની ઈચ્છા છે. મારા મનમાં જો ઈચ્છા હોય તો આટલી જ કે આપ સત્યવાદી બનો. (તમારું વચન મિથ્યા ન થાય.) પિતા દેવતાઓનાય દેવતા મનાયા છે. આથી હું દેવતા સમજીને આપની આજ્ઞાનું પાલન કરીશ. નિષ્પાપ મહારાજ ! સત્પુરુષો દ્વારા અનુમોદિત આપની આજ્ઞાનું પાલન કરવામાં જેટલું મારું મન લાગે છે એટલું ઉત્તમ ભોગોમાં કે મારા પ્રિય પદાર્થમાંય લાગતું નથી. આથી આપના મનમાં જે દુઃખ છે તે દૂર થઇ જવું જોઈએ.”

“આજે આપને મિથ્યાવાદી બનાવીને હું અક્ષય રાજ્ય, બધા પ્રકારના ભોગ, વસુધાનું આધિપત્ય, મિથિલેશકુમારી સીતા તથા અન્ય કોઈ અભિલાષિત પદાર્થને પણ સ્વીકારી નહીં શકું. મારી એકમાત્ર ઈચ્છા એ જ છે કે આપની પ્રતિજ્ઞા સત્ય થાવ.” પિતા પ્રત્યેના આદરની રામની ક્ષણોમાં તેમની નિર્મળતા, નિર્મમતા ને દ્રઢનિશ્ચય પણ પ્રતીત થાય છે.

રામને વનમાં છોડવા ગયેલા સુમંત્રને પણ રામ તરત અયોધ્યા પાછા ફરવા જણાવે છે જેથી કૈકેયીને ખાતરી થાય કે રામ વનમાં ગયા છે અને પરિણામે દશરથ મિથ્યાવાદી ન ઠરે.

રામની પિતૃભક્તિ આ પ્રસંગોને લઈને તો વિશેષતઃ પ્રગટી જ છે પણ વાલ્મીકિની કવિ નજરે કેટલીક ઝીણી ક્ષણોમાં પણ રામનો મહાન પિતૃપ્રેમ અભિવ્યક્ત કર્યો છે. મિત્ર ગુહના મહેમાન થયેલા રામનું આતિથ્ય કરતા ગુહે રામ સમક્ષ અનેક પ્રકારના ખાદ્ય – પેય પદાર્થો મૂક્યા છે ત્યારે રામ વનવાસી હોઈને રાજસી ભોજન લેવાની પોતાની અશક્તિ દર્શાવે છે. નિરાશ થયેલા ગૃહ રામની બીજી કોઈ સેવા કરવા અંગે પૂછે છે. આ ક્ષણે રામની પિતૃભક્તિની એક ઝીણી ક્ષણ કવિનજરે પકડાઈ છે. રામ જણાવે છે : “મારા રથના ઘોડા મહારાજ દશરથને બહુ પ્રિય છે. એમના ખાવા-પીવાનો સુંદર પ્રબંધ કરવાથી મારી યોગ્ય પૂજા થઇ જશે.” થોડા જ સમય પહેલાં પિતાની ઈચ્છાથી વનવાસ સેવવા આવેલા રામના હૃદયમાં પિતાના સ્થાનનો વ્યાપ કેવો ને કેટલો છે એનું આ એક જ ઉદાહરણ પ્રમાણ છે.

વનવાસમાં અંતભાગમાં સીતાની શોધ કરીને પાછા ફરેલા હનુમાન સીતાનો ચૂડામણિ લાવ્યા છે એ જોઇને શોકના સમયે પણ રામને ચૂડામણિ સાથે સંકળાયેલ લગ્નપ્રસંગ ને એ સાથે પિતાનું સ્મરણ થાય છે.

રામની પિતૃઆરાધના ને એ નિમિત્તે વ્યક્ત થતી એમની જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા નાની કે મોટી – કોઈ પણ ક્ષણોમાં – વ્યક્ત થઇ છે ત્યારે પુત્રરૂપમાં પ્રગટતા રામ પૂર્ણતઃ પુત્ર પ્રમાણિત થયા છે.

રામની પિતૃભક્તિ ને એ સંદર્ભે તેમના કેટલાક સંવાદો ત્યારની પિતૃપ્રધાન સંસ્કૃતિનો અંગુલિનિર્દેશ કરતા જણાય; પણ રામની માતૃભક્તિ પણ એટલી જ મનનીય છે. વારંવાર કૌશલ્યા – સુમિત્રાની ચિંતા કરતા રામે વનવાસ ને લંકાના યુદ્ધ દરમ્યાન પોતાની માતૃભક્તિ પ્રગટ કરી જ છે. વનમાં આવેલા ભરતને સમજાવતાં રમે માતા-પિતા ગમે તે પ્રકારની આજ્ઞા આપવાનો હક્ક ધરાવે છે એમ કહી ને માતાનુંય સમાન મુલ્ય કર્યું છે. વનવાસની પ્રથમ રાત્રિએ વિલાપ કરતા રામે પોતે કૌશલ્યાને વિરહવેદનામાં છોડી આવ્યાની વેદના લક્ષ્મણ પાસે ગદગદ કંઠે વ્યક્ત કરી છે.

પિતાના આદેશને આત્યંતિક રીતે માથે ચડાવવા પાછળ રામની પિતૃભક્તિ ઉપરાંત રાજનિષ્ઠા ને ધર્મ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ પણ પ્રધાન ફાળો આપ્યો હોય એવું વિશેષ રીતે સ્પષ્ટ થાય છે.


‘અસંગ લીલાપુરુષ’ માંથી લીધેલ


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.