તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
બારમી ફેબ્રુઆરીના દિવસે જોગાનુજોગ ગાંધી શ્રાદ્ધ પર્વે જે. કે. (પ્રો. જયંતી કે. પટેલ) ગયા બાણુમે વરસે. વર્ષોથી એક પ્રકારે ઘરબંધ જિંદગી બસર કરી રહ્યા હતા, પણ એક મસ્તી અને સોશિયલ મીડિયા સાથે એ વ્યાપક સંપર્કોમાંયે હતા. ખાસ કરીને, રેશનલિસ્ટ વર્તુળમાં એ કંઈક ખાસંખાસ જેવા હતા. જોકે, મારો અને એમનો પહેલો પરિચય રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકેનો, અને સ્વાધ્યાય ક્ષેત્રે એ રૂસોના ‘સોશિયલ કોન્ટ્રેક્ટ’ના અનુવાદથી માંડી આગળ ચાલતાં આફ્રિકાના વિશેષ અભ્યાસથી ઝળક્યા.
અહીં ઝળકવાની જિકર કરી તે સાથે એમનો એક ઝબકાર પણ સાંભરી આવ્યો- તેવીસેક વરસ પર બે હજાર બેના ઘટનાક્રમ સંબંધે ત્યારના રાજકીય નેતૃત્વને એમણે પોતાના પૂર્વ વિદ્યાર્થી તરીકે ધરાર ‘ડિસઓન’ કર્યું હતું, સરા જાહેર. રહો, હું અહીં કોઈ વૈયક્તિક વિશેષાંજલિ આપવા નથી ઈચ્છતો. એમ તો, જનતા મોરચાને ધોરણે અમે ૧૯૭૫ની ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે પાટડી-દસાડા પંથકમાં ભીમાભાઈ રાઠોડની ઉમેદવારીને યશસ્વી બનાવવા એ મહિનો માસ મચી પડ્યા હતા એ પણ કેમ ન સંભારું? પણ એમને વિશે નહીં પરંતુ એમને મિશે લખવા કલમ ઉપાડી છે, એતો ગુજરાતમાં એક આખી ચળવળ, નાની પણ રાઈના દાણા શી એક મળતાં મળે એવી બિરાદરી પરત્વે આદર ને કૃતજ્ઞતા વ્યક્ત કરવા વાસ્તે: ‘મહાગુજરાત આંદોલનમાં જયન્તિ દલાલ આદિના સથવારાથી માંડી કટોકટી પ્રતિકાર સહિત આ બધી જે જે. કે.ની સંડોવણી રહી એની પૂંઠે એમનું રેડિકલ હ્યુમેનિસ્ટ હોવું એ ચાલના ઓછેવત્તે અંશે હતી.
આ રેડિકલ હ્યુમેનિસ્ટ વિચારધારાના અગ્નયાયી એમ. એન. રોય (૧૮૮૭-૧૯૫૪) હતા એટલે રોયિસ્ટ તરીકે ઓળખવાનો ચાલ છે. બે શબ્દો કહું રોય વિશે. સ્વાતંત્ર્ય ચળવળના શરૂ શરૂના અંગાર અને બંકિમ-વિવેકાનંદના સંસ્કાર, આગળ ચાલતાં ક્રાંતિકારી ચળવળમાં ભળ્યા અને શસ્ત્રખોજ સારુ દેશ બહાર ગયા. અમેરિકામાં ત્યારે દેશનિકાલ લાજપતરાય પણ હતા. એમણે સંભાર્યું છે કે મને મળેલા ક્રાંતિકારી તરુણોમાં રોય એમની મેધા અને સમર્પિતતાથી જુદા તરી આવતા. આખી દાસ્તાંમાં તો અહીં ક્યાંથી જઈ શકાવાનું હતું, પણ મારતી કલમે એટલું જરૂર કહી દઉં કે એમના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ એક વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડ્યો. મેક્સિકોની સમાજવાદી હિલચાલનું એમનું નેતૃત્વ એમને લેનિન થકી નિમંત્રાઈ કોમિન્ટર્ન (કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ) લગી લઈ ગયું. લાંબા વિદેશવાસ પછી પરત થઈ એ કોંગ્રેસ મારફતે સ્વાતંત્ર્યલડતમાં સક્રિય બન્યા પણ એમનું વિચારવલોણું એમને માર્ક્સવાદની પેલી મેર (બિયોન્ડ માર્ક્સિઝમ) લઈ ગયું અને એમાંથી મૂળગામી માનવવાદ (રેડિકલ હ્યુમેનિઝમ)નો ઉદભવ થયો. કોઈ ઈશ્વરની આસપાસ અગર ‘રાષ્ટ્ર’ની ફરતે અગર તો એવી કોઈ બીજી ‘કલેક્ટિવિટી’માં નહીં પડતાં માનવકેન્દ્રી ચિંતન એ એમનો મૂળગામી અભિગમ હતો.
એમનો આ વિચારઝુકાવ ગુજરાતમાં પહેલવહેલો તૈયબ શેખ મારફતે આવ્યો. શેખ એમના વિદેશવાસ દરમ્યાન સંપર્કમાં આવેલા વિચારબંધુ તરીકે વિકસી રહ્યા હતા. મૂળે કપડવંજના ગુજરાતી, વોરા. અસહકારની ચળવળ દરમ્યાન જેલવાસી થયેલા કેટલાક ગુજરાતી યુવાનોની ભાળ મેળવી, પોતે અંગ્રેજ સરકારના વોરંટ હેઠળ હતા એ દિવસોમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. એ રીતે શરૂઆતમાં રોયમાં ભરતી થયેલા પૈકી ચંપકલાલ ભટ્ટ, ભગવતીપ્રસાદ ભટ્ટ, દશરથલાલ ઠાકર અને ઠાકોરપ્રસાદ પંડ્યા હતા. વાંસોવાંસ, આગળપાછળ, ચંદ્રકાન્ત દરુ ને થોડે અંતરે નડિયાદના વિનુભાઈ પટેલ (બાબુભાઈ જશભાઈના ભાઈ) પણ ખરા. કોંગ્રેસની અંદર એક સમાંતર વિચારકેન્દ્ર તરીકે રોયની પ્રતિભા ખાસી ઊંચકાઈ એ અરસામાં એમણે અમદાવાદનીયે મુલાકાત લીધી હશે. (ઉમાશંકર લાંબા સમય લગી એ એક સોનેરી સંભારણું ટાંકતા કે પોતે એક રૂપિયાની ટિકિટ લઈને પ્રેમાભાઈ હૉલમાં રોયને સાંભળા ગયા હતા.)
આ આરંભકારો કેવુંક ગજું કાઢી શક્યા હશે એનો એક દાખલો આપું. ગુજરાત કોંગ્રેસમાં ડેલિગટની ચૂંટણીમાં દરબાર ગોપાળદાસ અને ભક્તિબાને હરાવીને ચંપકલાલ ચૂંટાઈ આવ્યા હતા! પહેલી ઘાલના રોય સાથીઓમાં એમ તો જેમ દરુ-દશરથલાલ તેમ દુર્ગાશંકર ત્રિવેદી પણ ખરા. સરખેજના આ યશસ્વી સરપંચ પાછા પ્રવૃત્તિ સારુ પ્રેસ ચલાવી જાણે અને પાછલાં વર્ષોમાં જરૂર પડ્યે રોય દંપતીનું દફતર (આર્કાઈવ્ઝ) તૈયાર કરવામાંયે ખૂંપી શકે. પ્રોપાયટરી (દીવાન બલ્લુભાઈ) હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક દરુ કાયદો ભણી બંધારણીય ક્ષેત્રે અકુતોભય વિલસ્યા ને કટોકટી દરમ્યાન ‘ભૂમિપુત્ર’ ને ‘સાધના’ના કેસોમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને મુદ્દે એક રાષ્ટ્રીય સ્તરે પ્રતિમાન પુરુષ તરીકે ઉભર્યા. આ બધા સીનિયર રોયમાર્ગીઓ પછીની અગ્રપેઢીમાં જયંતી પટેલ અને બિપિન શ્રોફનું સહજ સ્મરણ થઈ આવે. કટોકટી પછી બિપિન શ્રોફે પોતાના જિલ્લામાં જનતા નેતૃત્વ સાહ્યું અને તે પછી તરતનાં વરસોમાં પ્રગતિશીલ ને વૈજ્ઞાનિક કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રયોગ પણ કર્યો. છેલ્લાં પંદર-વીસ વરસથી સંયોગવશ ને સ્વાસ્થ્યવશ એ અમેરિકામાં વધુ સમય ગાળે છે, પણ વૈશ્વિક માનવવાદથી માંડી લોકશાહી દૃષ્ટિએ વર્તમાન શાસનસમીક્ષા સહિતની લેખી સામગ્રીની એમની સાતત્યમંડિત સોશિયલ મીડિયાઈ, વધતી વય અને ઘટતી સક્રિયતાના સમીકરણને ભોંઠું પાડે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૫ – ૦૩– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
