સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

પિયરને આખરી વિદાય, પણ ગંતવ્ય ક્યાં? થી આગળ

મનમાં ઘણી ઉમેદ રાખીને વડોદરા આવી. આગળ શું કરવું તે વિશે થોડા દિવસ ઊંડો વિચાર કર્યો અને અંતે નક્કી કર્યું કે હું નર્સ થઈશ. તે સમયે ગાયકવાડ સરકારે સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે ઘણી સારી યોજનાઓ બનાવી હતી અને તે પણ વિનામૂલ્યે મળે તેવી વ્યવસ્થા કરી હતી. નર્સની ટ્રેનિંગ માટે ફક્ત પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હોય તેવી સ્ત્રીઓને ટ્રેનિંગનું પ્રશિક્ષણ અપાતું, વળી તે માટે અંગ્રેજી આવડવું જ જોઈએ તેવી શરત ન હતી. રહેવા ઉપરાંત ભોજનની સગવડ મફત હતી અને ઉપરથી માસિક વીસ રૂપિયા પગાર પણ અપાતો. તેમ છતાં બાઈજીમાસીએ અને મામાએ મને નર્સિંગ સ્કૂલમાં જવાની પરવાનગી ન આપી. હું નિરાશ થઈ, પણ બીજા કોઈ કોર્સ મળતા હોય તેની તપાસ. કરતાં જાણવા મળ્યું કે સરકારે સ્ત્રીઓ માટે ઉદ્યોગશાળા ખોલી હતી, અને માસિક બે આના ભરવાથી ત્યાં દાખલો મળતો. અહીં ગાજ-બટન લગાડવાથી માંડી કપડાં સીવવા અને બીજાં ઘણાં કૌશલ્ય પ્રાપ્ત કરવાનું શિક્ષણ આપવામાં આવતું હતું.

મારાં માસીએ ત્યાં જવાની પણ ના પાડી દીધી.

બાઈજીમાસી આવું શા માટે કરતાં હતાં તેનો મને અંત સુધી ખ્યાલ ન આવ્યો. તે વખતે યુવાન છોકરીઓ અંબોડાને બદલે એક ચોટલો બાંધીને ફરતી, તેની પણ મને તેમણે છૂટ આપી નહિ. મારી બહેનપણીઓ બહાર ફરવા જતી અને સાઇકલ ચલાવવા શીખતી. મને તો બહાર ફરવા જવાની પણ મનાઈ હતી. ભણેલી અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આવેલી સ્ત્રીઓનાં પ્રગતિશીલ વ્યાખ્યાનો કાર્યક્રમ યોજાતો ત્યાં જવાની પણ મને કદી રજા ન આપી. આવાં હતાં અમારાં માસીબા!

એક દિવસ મારી બહેનપણી મને પરાણે સાઇકલ ચલાવવાનું શીખવા લઈ ગઈ. મને ઘણું ગમ્યું, પણ એક દિવસમાં કોઈ થોડું જ શીખી શકે? મને અંગ્રેજી શીખવાનો ઘણો શોખ હતો, પણ ઘરમાં કોઈ એવું માણસ ન હતું જે મને અંગ્રેજી શીખવી શકે. હું તો હવે જીવનથી કંટાળી ગઈ હતી. પણ શું કરીએ?

વડોદરા આવીને મને એક વર્ષ થઈ ગયું. આ સમયમાં ન તો હું કોઈ હુન્નર શીખી શકી કે ન તો મારાં લગ્ન માટે કોઈએ, પ્રયત્ન કર્યો. તેવામાં બાઈજીમાસીની દીકરી આઠ વર્ષની બાળકીને મૂકી સ્વર્ગસ્થ થઈ. જમાઈ તેને બાઈજીમાસીને ત્યાં મુકી ગયા. બાઈજીમાસી માટે હવે હું એક અદશ્ય-અજ્ઞાત વ્યક્તિ બની ગઈ. ત્યાં કાઠિયાવાડમાં દમુને તેના જેઠ હદ ઉપરાંતનો ત્રાસ આપવા લાગ્યા. તેમની પછાત મનોવૃત્તિ તો ઠીક, પણ સ્વભાવ ઘણો વહેમી હતો. બારી પાસે ઊભા રહેવાની પણ આજ્ઞા દમુને ન હતી. તે વખતે મને લાગ્યું કે આવા લોકોના ઘરમાં મારાં લગ્ન ન થયાં તે સારું થયું. આવો ત્રાસ હું કદાપિ સહન કરી શકત નહિ.

મારા એન્જિનિયર મામા હવે વડોદરા રહેવા આવ્યા હતા. હું સાવ નાની હતી ત્યારે બા સાથે હું તેમની સાથે ખાનદેશ રહેવા ગઈ હતી. હવે બાની જગ્યા મેં સંભાળી અને રોજ સવારે વહેલાં ઊઠી, નિત્યકર્મ પતાવી મામીને મદદ કરવા હું તેમના ઘેર પહોંચી જતી. આખો દિવસ ત્યાં રહી રાતે દસ વાગ્યે સૂવા માટે માસીને ત્યાં પાછી જતી. રોજ રાતે મામી મને પહોંચાડવા મારી સાથે આવતાં. મામી એટલાં ભલાં હતાં કે તેમણે કદી મારી સાથે કોઈ જાતનો ભેદભાવ નહોતો રાખ્યો. જે પોતાનાં બાળકોને પીરસતાં, તે જ મને આપતાં. ફક્ત એક જ વાતની તેમને ચીડ હતી; કોઈ વાર સવારે તેમને ત્યાં પહોંચવામાં મોડું થાય ત્યારે જરા ગુસ્સો કરતાં, કારણ કે તેમના ઘરમાં પાંચછ બાળકો અને દસ-બાર મોટા માણસોનો જમેલો હતો. આ બધાંનું ભોજન રાંધવા ઉપરાંત બીજાં ઘણાં કામ મામીને એકલાંને કરવાં પડતાં. આ કારણથી મારે તેમને મદદ કરવા જવું પડતું. અગાઉ મામાની સ્થિતિ સારી હતી ત્યારે રસોઈ કરવા માટે મહારાજ હતા, પણ તેમણે સાબુનું કારખાનું કાઢ્યું તેમાં તેમને મોટી ખોટ આવી. અલકાપુરીમાં તેમનો મોટો બંગલો હતો તે વેચવો પડયો. તેમનો બીજો બંગલો હજી પણ દાંડિયાબજારમાં છે.

બાઈજીમાસીને ત્યાં હવે તેમની પૌત્રી ઉપરાંત જમાઈની અગાઉની પત્નીનાં બે બાળકો – એક દીકરો અને દીકરી પણ રાખ્યાં હતાં. મજાની વાત તો એ હતી કે મારાં સગાં માસી અમારાથી છાનું રાખી ચોરીછૂપીથી પોતાની સગી પોત્રીને સારું સારું ખવડાવતાં! મને બધી ખબર પડતી હતી છતાં મેં તેની કદી પરવા કરી નહિ. તેમનું સંકુચિત માનસ ત્યારે વ્યક્ત થતું હતું જ્યારે તેઓ મારી હાજરીમાં છાશ પણ વલોવતાં નહિ, કારણ કે તેમાંથી માખણ નીકળે તો તે અમે જોઈ જઈએ! મારા બાપુજીના રાજ્યમાં તો નહિ, પણ મારા પરમ પૂજ્ય બાબાને ઘેર અમે બધાંએ. દૂધ, ઘી, મેવા-મીઠાઈ અને ફળફળાદિ ધરાઈને ખાધાં હતાં, તેથી મને તેનો અભરખો જરાયે નહોતો કે નહોતું. મને બાઈજીમાસીના આવા વર્તનનું માઠું લાગ્યું.

ધીરે ધીરે તેમની આ જાતની વૃત્તિ હદ બહાર ગઈ હતી. ચૈત્ર મહિનામાં હળદી-કંકુના આમંત્રણ આવે ત્યારે બધી સ્ત્રીઓ સારી સારી સાડી પહેરીને જતી. મને પણ આમંત્રણ આવતું ત્યારે મને મારાં મામી સુંદર સાડી કાઢી આપતાં. મારી જરૂરિયાતનાં કપડાં પણ મામી જ સિવડાવી આપતાં. માસીએ કદી એક સાડી પણ લઈ આપી નહિ. તેમની કંજૂસાઈની વાતનો અંત જ ન હતો! આમ જોવા જઈએ તો તેમને એક પૌત્રી સિવાય વારસમાં બીજું કોઈ ન હતું. તેના સિવાય માસીના નજીકના સગામાં કેવળ હું અને દમુ હતાં. ઘરની માલિકી નાનીની હતી, પણ તેમનું બાઈજીમાસી સામે કશું ચાલતું નહિ. નાની પણ તેમનાં આશ્રિત જેવાં જ હતાં.

આમ ને આમ મને વડોદરા આવીને બે-ત્રણ વર્ષ થઈ ગયાં. દિવસ વીતતા હતા. એક દિવસ ખબર આવ્યા કે દમુ ગર્ભવતી છે! આ તેનું પ્રથમ બાળક હોવાથી તેણે ડિલિવરી માટે પિયર જવું જોઈએ. દમુનાં ભાગ્ય ખૂલી ગયાં, કારણ કે બાઈજીમાસીએ. તેને ડિલિવરી માટે વડોદરા બોલાવી. દમુ આવી તો ખરી, પણ તેને બાઈજીમાસીનું વલણ અને સંકુચિત વૃત્તિ ક્યાંથી ગમે? એ તો થોડા દિવસ પણ ન રોકાઈ અને ભાવનગર પાછી જતી રહી.

મારા ભાગ્યનો ઉદય હજી થયો ન હતો. બધાંનાં મહેણાંટોણાં ખાઈને દિવસ વ્યતીત કરતી હતી. હું ઈશ્વરને રોજ પ્રાર્થના કરતી કે હે પરમેશ્વર, મને મારી બા પાસે લઈ જા પણ ભગવાને મારી આર્જવભરી પ્રાર્થના સાંભળી નહિ.

પૂરા સમયે દમુને દીકરી આવી, પણ દમુની હાલત ગંભીર હતી. મારો જીવ અધ્ધર થઈ ગયો. મારા બનેવીએ મને દમુને મળવા બોલાવી પણ માસીએ મને મોકલી નહિ. “આટલે દૂર જુવાન છોકરીને એકલી ક્યાં મોકલું?’ કહી વાત ટાળી નાખી. સદ્ભાગ્યે બે દિવસ પછી ભાવનગરથી તાર આવ્યો કે દમુની તબિયત સુધારા પર છે અને મારે ત્યાં જવાની જરૂર નથી. આ સાંભળી મારા જીવમાં જીવ આવ્યો. દમુ અને તેની દીકરીના સમાચાર આવતા ગયા, અને જ્યારે તેની દીકરી આઠેક મહિનાની થઈ ત્યારે મારી ચિંતા દૂર થઈ.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com