પ્રીતિ શાહ-સેનગુપ્તા

કોહિમા છોડતાં વાર નથી થતી. એક કે બે વળાંક અને બસ શહેરની પાછળના કોઈ બીજા પહાડ પર જતી રહે છે. કોહિમાનો પરિસર સરસ છે, પણ વસ્તીએ એને જીવંત નથી રાખ્યું. બહાર નીકળી જતાં જ નિસર્ગનું સૌંદર્ય પાછું મળી જાય છે. બધે હરિયાળું, કમનીય, સ્વચ્છ અને શાંત લાગવા માંડે છે. પણ રહેવાની કોઈ જગ્યા હવે ક્યાંય નથી. પહાડી રસ્તો તૂટી ગયેલો, અને કાદવથી લપસણો બનેલો હતો, અને પર્વતો નજરને રુંધી રહ્યા હતા. તળેટીની નજીક જતાં એ અદૃશ્ય થઈ જાય, અને ટ્રેનના પાટા, નદી વગેરે દેખાતાં થાય.

આ પ્રદેશમાં કોઈ સ્ત્રી ક્યાંય પણ એકલી જતી ના દેખાય. સાથે પુરૂષ હોય, કે બીજી સ્ત્રી હોય, કે પછી કોખમાં છોકરું હોય. આ જ જીવનની રીત અને આ જ નિયમ. આ કારણે મારે થોડું ભોગવવું પડ્યું – ક્યાંક હોટેલમાં રૂમ ના આપે, ક્યાંક રાતે કોઈ બારણું ખખડાવે, ને દરરોજ અજાણ્યાં પાસેથી સાંભળવું તો પડે જ. છતાં હું સુરક્ષિત રહી, મારા દેશની અવનવી જગ્યાઓ જોઈ, ને આનંદ પામતી રહી.

નાગાલૅન્ડની સીમા પરના ચુમુકેડિમા થાણા પર જોયું-ના જોયું કરીને બસને જવા દીધી. ગરમપાની નામનું  આસામનું પહેલું થાણું આવતાં સાથે જ જાણે ચ્હાનાં વાવેતર શરૂ થઈ જાય. માઇલોના માઇલો સુધી, કલાકોના કલાકો સુધી પછી લીલો રંગ પ્રવર્તે. ચ્હાના છોડનો ઘેરો લીલો, અને ડાંગરની ધરુનો પોપટી લીલો. શેરડીનાં ખેતર પણ આવે, અને વૃxo ઊંચાં, ઘટાદાર. સોપારીનાં વન ટટ્ટાર, પાતળાં, લલિત આકારોથી આકર્ષક લાગે. કેળ પણ અહીં ખાસ્સી ઊંચી અને પુષ્ટ છે. જીવંત કુદરતનું આ ચિત્ર મનને અને આંખોને શાંતિ આપે છે.

આસામનાં તો રહેઠાણ પણ સુંદર લાગે. બધે જ ઝૂંપડીઓ સાફ ને તાજી લીંપેલી, છાપરાં કાટ ખાતાં ના હોય, ચોખ્ખાં આંગણ, દિવાળીના દિવસો હોઈ શુકન માટે બારણાંની બે તરફ ઊભી કરેલી કેળ – સુંદરની સાથે શુભનો ભાવ પણ  અનુભવાતો રહે. નાનાં બજારોમાં પણ દરેક દુકાનની બહાર આમ જ કેળ મૂકેલી હતી.

કોહિમાથી કાઝિરંગા સુધીના આઠ કલાક ક્યાંયે નીકળી ગયા. ટૂરિસ્ટ બંગલો પુરાણી બ્રિટિશ શૈલીમાં હતો. તે સાંજે સૂર્યાસ્ત કેસરી થયો, રાત કાળી રહી, આકાશ તારાથી ખચિત બન્યું. તેલ ઘણું મોંઘું હતું, તોયે બંગલોના કાર્યકરોઓએ દીવા સળગાવ્યા, અને ઘણા ફટાકડા ફોડ્યા. હું એકલવાયી ના રહી.

ગાઢ નીંદરમાંથી જાગી તો વરસાદ સંભળાયો. અરે, વાદળ આવ્યાં ક્યાંથી? ને ખરેખર, આસામ માટે કહેવાય છે કે એનું આકાશ નીચે વરસાદ મોકલી આપે છે, પણ વાદળ ક્યાંથી જન્મે છે તે રહસ્ય છતું થવા દેતું નથી. કેટલી ગાજવીજ થઈ, એ વધારે જોરથી વરસ્યો જાણે આકાશને ખાલી કરવા માગતો ના હોય, ને હું ચિંતામાં રહી કે કાલે નૅશનલ પાર્કમાં જવાશે કે નહીં.

સવાર સાફ હતી, ને સૂરજ પણ નીકળ્યો. પરંતુ પાર્કમાં એટલું પાણી પડ્યું હતું કે હાથીની સવારી પર નીકળાય તેમ રહ્યું નહોતું. જીપમાં જ ફરવું પડ્યું. અહીં વરસાદનો જ નહીં, મહાનદ બ્રહ્મપુત્રમાં આવતાં પૂરનો પણ બહુ મોટો ઉત્પાત હોય છે. દર વર્ષે એનાં પાણી કારમી તારાજી સર્જે છે. કાઝિરંગાનો પ્રસ્તાર બાર બાર ફીટ ઊંચા હાથી-ઘાસથી ભરપુર છે. એમાં થઈને જતાં જતાં હાથી, ગેંડા, જંગલી ભેંશ, સૂવર, હરણ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે. અંદરના કાચા રસ્તા એવા કાદવવાળા હતા કે જીપ ફસાઈ જતી હતી. પણ, ફરાયું ખરું. ને અવનવો ભૂ-ભાગ જોવા મળ્યો.

ઉપરાંત, કૉફી પ્લાન્ટેશનમાં નાનાં અસંખ્ય ફળ થયાં હતાં – કાચા લીલાથી માંડીને ઘેરા લાલ રંગનાં. હજી કૉફીની સુગંધ આવવા માંડી નહોતી. રબર પ્લાન્ટેશનના ઊંચાં, જૂનાં ઝાડની વચ્ચે સરસ છાંયડો અને શાંતિ હતાં. જાડું સફેદ પ્રવાહી ભેગું કરી કરીને મોટી મોટી ઘણી થાળીઓમાં સૂકવવા મૂક્યું હતું. લાકડાના પુલની નીચે થઈને વહેતી નાની નદીના ઠંડક આપતા પાણીમાં છોકરાં આનંદથી નહાતાં હતાં, માતાઓ કપડાં ધોતી હતી. બહુ જ સરસ કૌટમ્બિક સાહચર્યનું સાહજિક દૃશ્ય હતું એ.

અઠવાડિયે એક વાર ભરાતા નાના હાટમાં વેચાતાં શાક ખૂબ તાજાં હતાં. ડુંગળી, બટાકા, ફણસી, ભીંડા, લાંબાં પાતળાં રીંગણ, ઉપરાંત પહેલાં નહીં જોયેલાં કંદ હતાં, ને કાચી સોપારી, ઝીણાં લાલ મરચાં વગેરે. દરેકે એક કટકો પાથરી સરસ રીતે ગોઠવેલાં. એક માણસે દસ-બાર ચીજોની સરસ ઢગલીઓ કરેલી. બહુ ભીડ નહોતી. લાક્શણિક કપડાંમાં કેટલીક સ્ત્રીઓ સરસ લાગતી હતી. એક લીંપેલી, ચોખ્ખી હાટડીમાં જઈ મેં આખા દૂધની ચ્હા બનાવડાવી. ખાંડ વગર, જેથી જોઇએ તેટલી હું જાતે નાખી શકું. ને આ રીતે એમનામાંની એક હું થોડી વાર માટે બની પણ શકું ને.

આસામને દૂરને છેડે તેજપુર જવા મેં કાઝિરંગાથી મિનિ-બસ લીધી. એમાં એટલી તો ભીડ કે પહેલાં તો મારે ઊભાં રહેવું પડ્યું. બેસવાની જગ્યા મળી પછી બે છોકરાં સાથે એક દંપતી બસમાં ચઢ્યું. પાતળી, મીઠડી છોકરીને મેં ખોળામાં બેસાડી. તૂટી ગયેલાં બટનવાળું પીળું ફ્રૉક, બે ચોટલામાં બાંધેલા વાળ, આંખમાં આંજણ, કાળી ત્વચા પર પાવડર, ને મામાને ત્યાં જમવા જવાની ખુશી. એનું નામ હતું રૂપામણિ મિયા. અહીં ઇસ્લામ અને હિંદુત્વ વચ્ચે અંતર ખાસ લાગતું નથી.

આવું જ મીઠડું હતું નિસર્ગનું સ્વરૂપ -કમનીય, પરિષ્કાર, આનંદકર. દૃશ્યપટ મૃદુ છે અને જનપદ પણ મૃદુ છે. ઉલ્ફા જેવાં પ્રતિકાર-જૂથ દ્વારા થતાં બૉમ્બ-વિસ્ફોટ, ખૂનખરાબી, અપહરણ વગેરે જેવાં વલણ આસામની અંતર્ગત વ્યક્તિતા સાથે જચતાં નથી. જરાક ઉદાસી મને સ્પર્શી ગઈ.

આસામી ભાષામાં નદીને લુઇત કહે છે. ઉત્તર આસામમાં લુઇત બ્રહ્મપુત્રનો પટ અત્યંત વિશાળ છે, ને રેતાળ માઠનો બનેલો છે. આ સમયે નદી પાણીથી છલોછલ નહોતી. પટમાં વારાફરતી રેત અને પાણીના અટાપટા થયેલા હતા. તેજપુર જવા બ્રહ્મપુત્ર વળોટવી પડે, ને તે હોડી દ્વારા જ થઈ શકતું. પૂર હોય તો હોડીઓ ડૂબે પણ ખરી. છેવટે, એના ઉપર છેક એંશીના દાયકાના અંત દરમ્યાન બંધાયેલો પુલ ત્રણ કિ.મિ. લાંબો ખરો, પણ ખાસ પહોળો નથી. આમ છેક ઉત્તર આસામ સુધી બહુ પ્રવાસી જતાં નથી. હું ગઈ.

પુલ પાર કર્યા પછી સૈન્ય-થાણું છે. જતાં ને આવતાં બધાં વાહનોને ઊભાં રહેવું પડે. હાથમાં રાઇફલ લઈને સૈનિકો ઊભા હોય. એમાંના એક કે બે બસમાં આવીને તપાસે, પૂછપરછ કરે, થેલા ખોલાવે. શસ્ત્ર-હથિયાર માટેની આ સાવચેતી હોય છે.  તેજપુર શહેર શરૂ થાય છે તાલુકા સરકારનાં કાર્યાલયોથી. ન્યાયાલય હોય કે વાણિજ્ય ખાતું હોય- પીળાં રંગેલાં બધાં નીચાં મકાન સાધારણ દેખાય.

નાનું, શાંત શહેર. ઘણાં ઝાડ, વચ્ચે એક તળાવ, મોટરો ખૂબ ઓછી. અહીં સાયકલ-રિક્શા જ કરવી પડે. કેન્દ્રથી ઘણે દૂર, તેજપુર મહાવિદ્યાલયથી આગળ અગ્નિગઢ નામની ટેકરી છે. ઉપર જવા પગથિયાં બનાવેલાં છે. ત્યાંથી નદી અને પુલનું દૃશ્ય દેખાય છે. કહેવાય છે કે અનિરુદ્ધ અને ઉષાનો પ્રેમ આ સ્થાને વિકસ્યો હતો. ઉષા અને સખી ચિત્રલેખાને દર્શાવતું એક દીવાલ-શિલ્પ ત્યાં બનાવાયું છે. તારિખ જોઈ તો છેક હમણાં, ચારેક મહિના પહેલાં જ એનું ઉદ્ઘાટન થયું. બાજુમાં, અશોક ચક્રથી સજ્જ એક ઊંચો સ્તંભ પણ હતો. મને થયું, અહીંથી સૂર્યાસ્ત કેવો સરસ દેખાય. તરત જવાબ પણ મળ્યો, હા, પણ અંધારું થયા પછી આટલે દૂર હોટેલ પર પાછાં કઈ રીતે જવાનું?

અગ્નિગઢથી ઊતરી આવી રિક્શામાં આગળ ને આગળ હું ભૈરવી મંદિરે ગઈ. એ તો ખરેખર શહેરની બહાર હતું. વચ્ચે એક નાની બસ્તી આવી. વાંસના સળિયા બનાવેલી બારીઓવાળી ઝૂંપડીઓ કચ્છ જેવી લાગી. હું ફોટા લેવા ઊતરી. આજુબાજુ રહેનારાં મને જોઈ રહ્યાં. કોઈને ગમ્યું લાગ્યું નહીં. વધારે વખત હું ત્યાં ઊભી ના રહી. રસ્તા એવા ઢાળવાળા હતા કે ચાલકને રિક્શા ખેંચવી પડતી હતી. મેં કહ્યું કે હું ચાલું છું, તો એ ના જ પાડતો રહ્યો.

બીજી એક ટેકરી ઉપર ઘણાં પગથિયાં ચઢ્યા પછી ભૈરવી મંદિર આવ્યું. કેટલાક લોકો પ્રસાદ માટે રાહ જોતા હતા. પ્રતિમા સાવ નાની હતી. તે સિવાય પાષાણનું જે મૂળ સ્વરૂપ હશે તે વસ્ત્ર-શણગારથી ઢંકાયેલું હતું. પાછલી બાજુ ઘણે નીચે નદી બ્રહ્મપુત્ર વહેતી હતી. મેં માન્યું, નદી સુધી જવાતું હશે. ઢોળાવની માટી ખોદી ખોદીને પગથિયાં જેવું બનાવેલું હતું. એ પછી બધે કાંપની માટી હતી. લાકડાના એક ઊંચા થાંભલા પર કોઈ માછીમારે જાળ લટકાવી રાખી હતી. અગ્નિગઢથી આ ભાગ થોડો દેખાયો હતો. નદી વાટે તો ઘણો પાસે હતો. રસ્તે રસ્તે કેટલે ફરીને આવવું પડ્યું. નદીનું પાણી ડહોળું હતું. હજી ભેખડ ચાલુ હતી. એ ઊતરીને છેક પાણી સુધી હું ગઈ નહીં. તદ્દન ખાલી ને નિર્જન હતો એ માઠ, એ પટ.

બીજે કોઈ રસ્તેથી પાછાં જતાં ખાદી અને હસ્ત-ઉદ્યોગ માટેનું કસ્તૂરબા સેવા કેન્દ્ર, ઊંચી દીવાલ અને પોલિસના પહેરાવાળી જેલ, નાનો એક બાગ, બ્રહ્મકુમારી કેન્દ્ર, સરકારી કાર્યાલયો વગેરે જોવા મળ્યાં. બજારની નાની ગલીઓમાં થઈને એકમાં આવેલા મહાભૈરવનું મંદિર જોવા ગઈ.

બે-ત્રણ દિવસ પહેલાં કાલીપૂજા નિમિત્તે કીર્તન-મૃદંગ યોજાયેલાં. અત્યારે તો મંદિરના ઊંચા પ્રાંગણમાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા. પહેલો ઓરડો ખાલી હતો. ગર્ભગૃહમાં ચારેક ફીટ જેટલું ઊંચું શિવલિંગ હતું. કાળા પાષાણાકાર પર લાલ વસ્ત્ર વીંટાળાયું હતું. આ લિંગ સ્વયંભૂ છે, ને કૃષ્ણના વખતનું, સાતેક હજાર વર્ષ પહેલાંનું ગણાય છે. ઉષાના પિતા રાજા બાણ અહીં આવતા, એમ વાયકા છે. અમુક દિવસોએ ભીડ થતી હશે. એ બપોરે તો શિવની કૃપા વાંછનાર હું એકલી જ હતી. બે યુવાનો આવીને ઝટપટ નાનાં કોડિયાં ધરાવી ગયા. પછી વળી મહાભૈરવ મારી સાથે એકલા પડ્યા.

બજારની ગલીઓમાં બે બાજુ હાટડીઓ, ને એમાં બધું મળે-કાપડ, કપડાં, શૃંગારની સામગ્રી, ઘરગથ્થુ ચીજો, અનાજ, શાક-ફળ, વાસણ, છાબડીઓ, પૂજાપો. પણ પચીસ જગાએ પૂછતાં ય ક્યાંયે બિસલરીનું પાણી ના મળ્યું. આસામના લાક્શણિક બે ગામછા લીધા. સફેદ સુતરાઉ કાપડ પર લાલ વણાટના પાલવ. કશા કામમાં નહોતા આવવાના, ને કદાચ લાલ રંગ ઊતરે પણ ખરો. આસામની નિશાની તરીકે રહેશે મારી પાસે. પછીની સવારે નેશનલ હાઇ-વે નં. ૩૭ પર બસમાં ગોવાહત્તી સુધીના બસો કિ.મિ. કાપવાના હતા.


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.