તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

પંક્તિ દેસાઈની પહેલથી અમદાવાદમાં ‘નવજીવન’માં ગુજરાતમાં દલિત પેન્થર આસપાસ યોજાયેલી પ્રદર્શિની (જે હજુ ૨૪મી ફેબ્રુઆરી સુધી ચાલુ છે) ગુજરાતના જાહેર જીવનની એક સમાંતર ધારાને જાણવા, સમજવા અને સંભારવાનો (બને કે સંકોરવાનો પણ) અવસર લઈને આવે છે.

આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે ૧૯૭૪ની ૧૪મી એપ્રિલ ને આંબેડકર જયંતીનો જોગ સાધીને જે. વી. પવાર, રાજા ઢાલે, ભાઈ સંગારે અમદાવાદ આવ્યા હતા. એમનું આવવું ઐતિહાસિક હતું તે એ અર્થમાં કે ૧૯૭૨થી મુંબઈમાં જેનો સૂત્રપાત થઈ ગયો હતો તે ‘દલિત પેન્થર’નો નેજો લઈને એ આવ્યા હતા. મૂળે પવાર અને નામદેવ ઢસાળે આરંભેલ દલિત પેન્થર ચળવળમાં તરતના ગાળામાં રાજા ઢાલે જોડાયા હતા અને જોતજોતામાં એણે મુંબઈમાં કાઠું કાઢવા માંડ્યું હતું. બ્રાહ્મણ નેતાઓ ને દલિત શાખાપ્રમુખો પર કાઠું કાઢી ગયેલ હિંદુત્વનિષ્ઠ શિવસેનામાંથી બહાર એક જુદી ભૂમિકાએ આવવા સારુ દલિત પેન્થર ચળવળે અચ્છું આકર્ષણ પૂરું પાડ્યું. કોંગ્રેસ સિવાયનું એક નવું હૂંફઠેકાણું પણ દલિત તરુણો માટે એ હોઈ શકતી હતી.

એની પૂંઠે એક જે વિશ્વસંદર્ભ કામ કરી રહ્યો હતો તે પણ લક્ષમાં લેવા જોગ છે. પવારે સંભાર્યું છે કે એમણે વિશ્વવિશ્રુત અમેરિકી અઠવાડિક ‘ટાઈમ’માં બ્લેક પેન્થર વિશે વાંચ્યું ત્યારથી એમને એક નવો વિકલ્પ આવી મળ્યાનો તીવ્ર ધક્કો લાગ્યો હતો. અમેરિકાની બ્લેક પેન્થર પાર્ટી, વંશીય અને આર્થિક ભેદભાવો અને ત્યાંના આફ્રિકી-અમેરિકી સમુદાયનો જે ઉત્કટ અજંપો હતો એમાંથી આવી હતી. પવાર અને મિત્રોને સ્વાભાવિક જ એમાં આપણે ત્યાંના દલિતોને માર્ગદર્શક થઈ પડે એવો એક પેરેલલ વરતાયો હતો. આંબેડકરથી પ્રભાવિત પરિવર્તનવાંછુઓ માટે નાનામોટા ઝઘડા ને ગુટબંધીવાળી રિપબ્લિકન પાર્ટી કે પરંપરાગત કોંગ્રેસ રાજનીતિ અગર હિંદુવાદી શિવસેના સિવાયનું એક દ્વાર એનાથી ખૂલતું હતું.

વીસમી સદી અધવચ અમેરિકામાં ખીલી આવેલી સિવિલ રાઈટ્સ ચળવળ તેમજ સાઠનાં વર્ષો ઊતરતે વિયેટનામ યુદ્ધના વ્યાપક સંદર્ભમાં અમેરિકી કેમ્પસો પર વરતાયેલો વ્યાપક છાત્ર ઉદ્રેક, આ બધું જેમ બીજે તેમ હિંદમાં પણ પહોંચું પહોંચું હતું અને એની છાલકે ભીંજ્યા પવાર વગેરે સારુ દલિત પેન્થર શી કોઈ રચના કદાચ દુર્નિવાર હતી. યુવા અજંપાની વૈશ્વિક લહર ગુજરાતના છાત્ર સમુદાયમાં ૧૯૭૩ ઊતરતે ને ૧૯૭૪ બેસતે એની આગવી રીતે પ્રગટી, એને આપણે નવનિર્માણ આંદોલન તરીકે ઓળખીએ છીએ. છાત્ર ઉદ્રેક અને નાગરિક સંધાનનું એ પ્રગટીકરણ દેશની રાજનીતિમાં પરિવર્તનનું કારણ બની રહેનાર જેપી આંદોલન માટે જરૂર એક ઉદ્દીપક બળ હતું. એપ્રિલ ૧૯૭૪માં પવાર, સંગારે અને ઢાલે અમદાવાદમાં આવ્યા ત્યારે પેન્થર ચળવળ માટે એમને મળી રહેલા વડા સાથી રમેશચંદ્ર પરમાર હતા જે રિપબ્લિકન પાર્ટીથી ખસી રહ્યા હતા. નારણ વોરા કે ઝડપથી નેવું નાબાદ તરફ જઈ રહેલા વાલજીભાઈ પટેલ અને બીજાં પણ નામો પેન્થર સહિતની દલિત હિલચાલ સંદર્ભે લઈ શકાય, જેમ કાળક્રમે ભાજપ ભણી ઢળેલ જ્યોતિકર પરિવાર આદિયે ધ્યાનાર્હ છે.

સહેજ પોરો ખાઈ આ લંબાયેલ પ્રસ્તાવનાને લગીર વળ ને આમળો આપી આપણે પાછા પંક્તિ દેસાઈ તરફ વળીએ. અંગ્રેજીનાં આ આધ્યાપિકાનું એક પ્રમુખ શોધકાર્ય લઘુ સામયિકો અંગેનું છે. ‘સંજ્ઞા’ (૧૯૬૬-૬૭), ‘ડ્રાઉ ડ્રાઉં’ (૧૯૬૮-૭૦), ‘યાહોમ’ (૧૯૬૭-૭૦), ‘સંદર્ભ’ (૧૯૬૮-૭૦), ‘હું’ (૧૯૭૧-૭૪), ‘આક્રોશ’ (૧૯૭૮થી) અને ‘કાળો સૂરજ’ (૧૯૭૮થી) વ. જોતાં, ખાસ કરીને પાછલાં બેના પરિચયથી પંક્તિ ખેંચાયાં હશે કે કેમ, પણ એમને ‘પેન્થર’ સામયિક અને પેન્થર ચળવળ બેઉમાં રસ જાગ્યો. આ લઘુ સામયિકો, એક રીતે, સ્થાપિત નહીં પણ સમાંતર ધારાના વાહક ને ઉદઘોષક હતાં.

‘પેન્થર’નું દાયિત્વ રમેશચંદ્ર પરમારનું હતું. મેં એમને પહેલવહેલા જોયાજાણ્યા તે જેપી આંદોલનના દિવસોમાં: ઓક્ટોબર ૧૯૭૪માં બિહાર આંદોલનના સમર્થનમાં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વમાં દિલ્હીમાં નાગરિક કૂચ યોજાઈ હતી. એને અંગેની અમદાવાદના કાર્યકરોની સભામાં રમેશચંદ્ર હાજર રહ્યા એટલું જ નહીં પણ બને એટલા વધુ મિત્રો દિલ્હી પહોંચે તે માટે ખરી દૂંટીની અપીલ પણ કરી હતી. ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામતવિરોધી ઉત્પાતમાં નાગરિક દરમ્યાનગીરી માટે મારે ત્યાં યોજાયેલી એક બેઠકમાં એ સામેલ થયા હતા, બોડીગાર્ડ સમેતની એમની હાજરી એક જુદો જ અનુભવ હતો.

આ આંદોલનોમાં જે દલિત અસ્મિતાનો સાક્ષાત્કાર થયો એનો પ્રારંભિક ધક્કો આગલો દસકો ઊતરતે આવેલી અગનકૂલ શી પત્રિકા ‘આક્રોશ’માં પ્રકાશિત રચનાઓનો હતો. નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી વગેરે તે લઈને આવ્યા હતા. એક અર્થમાં પેન્થર પ્રમુખ તરીકે એની પૂંઠે યોજકત્વ રમેશચંદ્રનું હશે એમ પણ તમે કહી શકો. વિદ્રોહનો અને ન્યાય માટેનો, રચના અને સંઘર્ષનો આ જે સ્વર એમાં ભાનુ અધ્વર્યુએ રુદ્રવીણાનો ઝંકાર નોંધ્યો હતો. પ્રદર્શિનીના ઉદઘાટન પછીની અનૌપચારિક વાતચીતમાં જે. વી. પવારે આઈડેન્ટિટી પોલિટિક્સના અતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ક્યારેક પેન્થર પ્રકારની હિલચાલ સાથે હોઈ શકતા રામદાસ આઠવલેનાં તકવાદી જોડાણો બાબતે પણ એમની સમજ સાફ જણાતી હતી. ગમે તેમ પણ, આ અવસર દલિત હિલચાલને ઝકઝોરે અને કથિત મુખ્ય ધારા અને સમાંતર પ્રવાહો વચ્ચે સંવાદનો સુયોગ સંપડાવે તો એથી રૂડું શું.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૯-૦૨– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.