ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કાયદો કેટલો અસરકારક? કાયદા માટે એક જૂની ઊક્તિ છે કે તે ગધેડો છે. એનો એક અર્થ એ પણ ખરો કે કાયદા પર પુષ્કળ ભારણ હોય છે. આ ઊક્તિને યથાર્થ ઠેરવે એવા બનાવ વિશ્વભરમાં બનતા રહે છે. ડિસેમ્બર, ૨૦૨૩માં ઉત્તરાખંડ રાજ્યમાં ચાલીસેક શ્રમિકો બોગદામાં ફસાયા અને દિવસો સુધી ફસાયેલા રહ્યા એ કરુણ બનાવ સૌને યાદ હશે. અલબત્ત, સુખાંત પુરવાર થયેલી આ ઘટનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ડઝનેક લોકોએ, જે ‘રેટ માઈનર’ તરીકે ઓળખાય છે. ઊંદર જેમ દર કોતરે એ રીતે પોતાના હાથ વડે કાટમાળને કોતરતા કોતરતા આ રેટ માઈનરની ટીમ આખરે ફસાયેલા શ્રમિકો સુધી પહોંચી અને તેમને ઊગારી લીધા. આમાં વક્રતા એ છે કે આપણા દેશમાં ‘રેટ માઈનિંગ’ને કાનૂની રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, જ્યારે ફસાયેલા શ્રમિકોને ઊગારવા માટે ખુદ સરકારે જ આ પ્રતિબંધિત પદ્ધતિનો આશરો લેવો પડ્યો.
આનો અર્થ એમ પણ ખરો કે જે પદ્ધતિ પ્રતિબંધિત કરાયેલી છે તે હકીકતમાં ચલણમાં છે. જાન્યુઆરી, ૨૦૨૫માં આસામના દીમા હસાઓ જિલ્લામાં આવેલી એક કોલસાની ખાણમાં પાણી ભરાવાથી નવેક શ્રમિકો ફસાયા. એ પૈકી ચારનાં શબ કાઢવામાં આવ્યાં છે, જ્યારે બાકીના પાંચનો પત્તો નથી. પ્રતિબંધિત કરાયેલી પદ્ધતિ હજી ચલણમાં હોય તો એ માટે કોને દોષિત ગણવા? આ દુર્ઘટનાએ ઠીકઠીક વમળો સર્જ્યાં છે. આ મામલે ‘સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ’ દ્વારા અદાલતી તપાસ કરાવવાની ઘોષણા કરવામાં આવી છે. રાબેતા મુજબ સરકાર મૃતકોના પરિવારને ચોક્કસ રકમનું વળતર આપશે. બીજી તરફ આવી ૨૨૦ ખાણોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘રેટ હોલ માઈન’ એટલે કે ખાણ સામાન્ય રીતે અતિ સાંકડી હોય છે, જેમાં એક જ વ્યક્તિ પ્રવેશીને કામ કરી શકે. ખાસ કશી સુરક્ષાના પગલાં કે ઉપકરણો વિના શ્રમિકો તેમાં કામ કરે છે. આ પ્રકારની ખાણમાં કામ કરનાર માટે જાનનું જોખમ સતત ઝળૂંબતું રહે છે. ખાણની દિવાલો ધસી પડવાના, તેમાં પાણી ધસી આવવાથી પૂર આવવાના કે ઝેરી વાયુ સૂંઘવાથી મૃત્યુની દુર્ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ બધું જોખમ કોલસો મેળવવા માટે ઉઠાવવામાં આવે છે.
૨૦૧૪થી ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા આ પ્રકારના ખનનકામને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે, છતાં અનેક સ્થળે તે ચાલુ છે. ૨૦૧૮માં મેઘાલયની એક ખાણમાં પંદરેક શ્રમિકો આ રીતે ફસાઈને મરણ પામ્યા હતા. આવી જોખમી ખાણમાં જનારા શ્રમિકોને આકર્ષક વળતર આપવામાં આવતું હોય છે. ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા પ્રતિબંધિત કરાયા પછી પણ ઈશાન ભારતનાં રાજ્યો આ પ્રતિબંધના અમલ માટે ખાસ ઉત્સુક નથી. મેઘાલયની સરકારે તો ૨૦૧૫માં ઠરાવ પસાર કરીને કેન્દ્રને વિનંતી કરી હતી કે બંધારણના છઠ્ઠા અધિચ્છેદ હેઠળ પોતાના રાજ્યને આ પ્રતિબંધથી મુક્ત રાખવામાં આવે. રેટ હોલ માઈનિંગ ચાલુ રહે છે, એમાં દુર્ઘટનાઓ થતી રહે છે અને પૂર્વનિર્ધારીત મેચની જેમ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા રહે છે. આસામ અને મેઘાલયમાં, ખાસ કરીને જયંતિયા પર્વતમાં આ ગેરકાનૂની પ્રવૃત્તિ વ્યાપક છે. એનાથી કેવળ જાનહાનિ જ થાય છે એમ નથી, એ ઉપરાંત જૈવવિવિધતા, જળાશયો અને કૃષિની જમીનને પણ નુકસાન થાય છે.
સવાલ એ છે કે આ પ્રકારનું ખનનકાર્ય પ્રતિબંધિત છે તો એ ચાલુ કેમ રહ્યું છે? એ ચાલુ રહ્યું છે એની કોઈને જાણ નથી? કે જાણ છે, પણ પ્રતિબંધની પરવા નથી? આ કાર્યમાં ખાણમાલિકોની સાથોસાથ સંબંધિત અધિકારીઓ, રાજકારણીઓ સૌ સંકળાયેલા હોય તો જ એ શક્ય બને.
અદાલત પણ આમ જ માને છે. વખતોવખત, એટલે કે કોઈ દુર્ઘટના થાય ત્યારે તે સંબંધિત રાજ્યની સરકારને આ સવાલ પૂછે પણ છે, છતાં તેનો કોઈ સંતોષકારક જવાબ કે ઊકેલ મળતો નથી.
એ બાબત પણ જોવા જેવી છે કે શ્રમિકો પોતાના જાનને પણ જોખમમાં મૂકતાં અચકાતા નથી. ગમે એટલું વળતર કોઈના જીવનના મૂલ્યને આંકી ન શકે. આ હકીકત વળતર ચૂકવનાર પણ જાણે છે, અને વળતર ચૂકવાય છે એ પણ!
કાયદો ગમે એ બાબતે બનાવવામાં આવે, જ્યાં સુધી તેના અમલીકરણની ચુસ્તતા ન ઊભી થાય ત્યાં સુધી તે અસરવિહીન બની રહે છે, અને મોટા ભાગના કિસ્સાઓમાં તે ભ્રષ્ટાચારની નવી બારી ખોલી આપનાર બની રહે છે. અદાલતની ભૂમિકા દંડો પછાડીને વારેવારે પોતાની ધાક જમાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા વડીલ જેવી બની રહે છે, જેનું કામ પોતાના અસ્તિત્વનો પરચો આપવા પૂરતું જ મર્યાદિત બની રહે છે. અદાલતની ટીપ્પણીને રાજકારણીઓથી લઈને સંકળાયેલા સહુ કોઈ ઘોળીને પી જાય છે.
આ પરિસ્થિતિ શું સૂચવે છે એ એક નાગરિક તરીકે વિચાર માગી લેતી બાબત છે. કાયદો ઘડવાનો કશો અર્થ સરે છે ખરો, જો તેના અમલમાં શિથિલતા નક્કી અને ઈરાદાપૂર્વકની હોય? રાજકારણીઓ, અધિકારીઓ અને વગદાર ખાણમાલિકો કાયદાની સાડા બારી ન રાખતા હોય તો પછી એક સામાન્ય નાગરિકને કાયદાનો અમલ કરાવનારા ન્યાયતંત્ર પર કેટલો ભરોસો રહે અને શું કામ રહે?
આસામની દુર્ઘટના પહેલી નથી, એમ છેલ્લી પણ નહીં હોય. મૃતકોને વળતર ચૂકવાઈ જાય એ પછી પણ વિશેષ સમિતિ આ તપાસમાં શું શોધશે? કોને કસૂરવાર ઠેરવશે? અને સૌથી મહત્ત્વની બાબત એ કે વિશેષ સમિતિના અહેવાલનું પાલન કરવું જ પડે એવું ક્યાં લખ્યું છે? અભરાઈની શોધ આખરે શેના માટે થઈ છે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
