નીલમ  હરીશ દોશી

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
હું મારાથી હજી તો  કેટલો દૂર છું.
                                                  હું તારામાં માનું છું એનું શું ?

પ્રિય દોસ્ત,

તું મારામાં માને છે કે નહીં, મારા અસ્તિત્વને સ્વીકારે છે કે નહીં એની મને  પરવા નથી. પણ દોસ્ત, હું ચોક્કસપણે તારામાં માનું છું. બાળક એના પિતાને નકારી શકે પણ એક પિતા એના શિશુને કેવી રીતે નકારી કાઢે ? મારે તો તારી પાસે, મારા શિશુ પાસે કેટકેટલી આશાઓ છે. તારા દ્વારા  કેટકેટલા કામ મારે કરાવવાના છે. તું તો મારી પરમ આશા છે. હું તારો સહારો છું કે નહીં એ તને ખબર. પણ દોસ્ત,  આજે મારે તો તારો જ સહારો છે. તારા સાથ, સહકાર, ઉમંગ વિના હું એકલે હાથે કયાં કયાં પહોંચી વળવાનો હતો ? દોસ્ત, મારા મંદિરે મારા શણગાર જોવાને બદલે, મારી આંખોમાં દ્રષ્ટિ કર. અને જોઇ શકે તો જો.. સમજી શકે તો સમજ કે આખરે મારી ઇચ્છા શું છે ? મને શું જોઇએ છે ? તારા ફેંકેલા પૈસા તરફ તો હું નજર સુધ્ધાં નથી નાખતો. તારા સોના, રૂપાના આભૂષણો મને નથી જોઇતા. મને તો જોઇએ તારો સાથ, તારો સ્નેહ, તારું સત્કર્મ.

દોસ્ત, એક વાતની તને અચૂક જાણ છે કે મોબાઇલમા નવા મેસેજ માટે જૂનાને ડીલીટ કરવા પડે. નવા માટે જગ્યા  કરવી પડે, જૂનાએ જવું પડે. જેમ બહાર જવું હોય તો પહેલા ઘર છોડવું પડે. છોડયા સિવાય કદી નવું મેળવી શકાય નહી.સ્લેટમાં લખાયેલું પહેલા ભૂંસીએ તો જ નવું લખી શકાય ને ? બહું સાદી અને સીધી વાત છે ને ? દોસ્ત, નવા વિચાર માટે, નવા કાર્ય માટે જૂના પૂર્વગ્રહના જાળાઓને, જૂના રાગ દ્વેષ, વેર ઝેરને ડીલીટ કરવા પડે. દોસ્ત, નવેસરથી, નવી રીતે ,કશુંક નવું કરવાની એક અલગ મજા છે. તને જે સારો વિચાર આવે તે અમલમાં મૂકતા ગભરાઇશ નહીં.રસ્તા અનેક છે,બસ ચાલવાની ધગશ હોવી  જોઇએ. શાંતિથી બેસીને વિચાર કરીશ તો સારું કામ કરવાના અનેક રસ્તા આપોઆપ સૂઝશે. અને જે રસ્તો સારો  અને તને અનુકૂળ જણાય તે રસ્તે ચાલવાનું શરૂ કરવું  એ જ  જીવનની એક નવી શરૂઆત છે. કોઇ સાથે ન ચાલે તો પણ દોસ્ત, ડર્યા સિવાય ચાલતો રહેજે, તારું કર્તવ્ય કરતો રહેજે અને મારામાં વિશ્વાસ રાખજે..હું તને દેખાઉં નહીં તો પણ હું હમેશા તારી સાથે જ છું.અને રહીશ. તારી ધીરજની, તારી નિષ્ઠાની કસોટી અચૂક થશે.પણ દોસ્ત, જો મારામાં શ્રધ્ધા રાખીને ધીરજ નહીં ગુમાવે તો હું કદી તારો સાથ નહીં છોડું. બાકી દોસ્ત, ચીલે ચીલે તો સહુ ચાલે, પોતાની અલગ કેડી બનાવવી એ મોટી વાત છે. એ અલગ કેડી બની શકે મુશ્કેલ હોય, શરૂઆત અઘરી લાગે પણ દોસ્ત, અઘરાથી ડરવાને બદલે કોઇ સારા કામની નાનકડી પણ  શરૂઆત કરીશ તો દોસ્ત, હું એક કે બીજા સ્વરૂપે તારી સાથે જ રહીશ એ વિશ્વાસ રાખજે. મને તારા ચાલવાની, એક ડગની પ્રતીક્ષા છે અને હું પણ તારી સાથે ચાલવા આતુર છું.

લિ. ઇશ્વરની યાદ

પ્રાર્થના એટલે રોજ રોજ આપણા શ્રધ્ધાદીપને પેટાવવો.

જીવનનો હકાર..

થેન્કયુ અતીત,તેં શીખવેલા પાઠ માટે, ભવિષ્ય , હુ તારા માટે તૈયાર છું, ઇશ્વર,બીજી તક આપવા માટે આભાર.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે