ફેબ્રુઆરી એટલે પ્રેમનો મહિમા ગાતો સમય. વેલેન્ટાઈનની વાતોનો મહિનો..
 
 
 
(૧) પ્રેમ-બાની લઈને આવ્યો છું. 
 
 
હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છું ,

સિતારાઓ ! સુણો કથની ધરાની લઈને આવ્યો છું .
હજારો કોડ , ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઈને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઈને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઈને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

‘ગની’ ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું .

– ‘ગની’ દહીંવાલા

(૨)

આમ જુઓ તો
તારી ને મારી વચ્ચે કાંઇ નહીં
ને આમ જુઓ તો —
— દરિયો અપરંપાર
આમ જુઓ તો કાંઇ નહીં

ને આમ જુઓ તો —
ભવ આખાનો ભાર.
— સુરેશ દલાલ
 

(૩)  તારો પ્રેમ છે…. 

પાંપણના પડદા પંપાળતાં,
સોનેરી કિરણો પ્રભાતના………….તારો પ્રેમ છે.
કમનીય કાયાને મરોડતો,
જુલ્ફોને રમાડતો સમીર તો……….તારો સ્પર્શ છે.
ચેતના જગાડતી ને પ્રેરતી,
આછી  પાતળી વાદળી…………….તારું વ્હાલ છે.
દિલને ડોલાવતાં લીલાંછમ,
તરુવર ને  પાંદડાના રંગો…………તારી પ્રીત છે.
આકાશમાં આમતેમ ઊડતાં,
પંખીઓનાં સુરીલાં ગીતડાં………..તારો પ્યાર છે.
વ્યોમમહીં ઘેલાં થઈ ઘુમતાં,
નીરભર્યા ઉન્માદી મેઘ…………….તારો નેહ છે.
મનની મોસમે રંગ જામે,
તો લાગે પેલું મેઘધનુ સાચે………તારો સ્નેહ છે.
નિંદરિયે રોજરોજ ઢાળતી,
શમણાં સજાવતી રાતડી…………..તારી હૂંફ છે.
યુગોથી રમાતી પેલી આદિ
ને અંતની  આંખની મીંચોલી……..તારી મમતા છે.
આ પ્રેમમાં છે છૂપી ને ઉંડી એક વેદના,
“તું છે”  એ વાત તો, છે કેવળ કલ્પના !
તોયે…. તરંગી આ મનનો વિશ્વાસ છે,
કે તુલસીના ઝીણાં ઝીણાં પત્તામાં……….તારો પ્રેમ છે,પરમ પ્રેમ છે…
દેવિકા ધ્રુવ

ddhruva1948@yahoo.com