મંજૂષા

વીનેશ અંતાણી

અત્યારના દોડધામભર્યા વર્તમાનમાં ઘણીવાર એવું લાગે છે કે આપણે આપણી જિંદગી પરથી કાબૂ ગુમાવી બેઠા છીએ. કશું જ આપણા હાથમાં રહ્યું નથી. સમય, સંબંધો, લાગણીઓ કશું આપણા નિયંત્રણમાં નથી. ચારેકોરથી ફસાઈ ગયા હોઈએ એવી લાગણી કોરી ખાય છે.

હકારાત્મક અભિગમના પુરસ્કર્તા એક લેખકે આ સ્થિતિને સમજાવવા માટે સાદું ઉદાહરણ આપ્યું છે. એ કહે છે: ‘ધારો કે તમે કાર ચલાવી રહ્યા છો પરંતુ તમારા મગજમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા છે, તમે ચિંતાથી ઘેરાઈ ગયા છો અને તમે બેધ્યાનપણે કાર ચલાવો છો. સ્ટિયરિંગ પર તમારો કાબૂ રહ્યો નથી. પરિણામે તમે ખોટા રસ્તે ચડી જાઓ છો અથવા અકસ્માત કરી બેસો છો.

જીવનનું પણ એવું જ છે. આપણા વિચારો, લાગણીઓ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પર કાબૂ રહેતો નથી. અકસ્માત સર્જાય તે પહેલાં તમારે તમારા જીવનના સ્ટિયરિંગ પર નિયંત્રણ મેળવી લેવું જોઈએ.’ જીવનમાં કશુંય એકસરખું, પહેલાં જેવું કે અત્યાર જેવું, રહેતું નથી. પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. રોજના રસ્તે ક્યારે ડાયવર્ઝન આવી જાય એની ખબર પડતી નથી. જીવનમાં બરાબર ગોઠવાઈ ગયાં હોઈએ, સ્થિરતા આવી હોય ત્યારે જ કશુંક એવું બને છે કે બધું ડહોળાઈ જાય છે. બિઝનેસમાં ખોટ જાય, નોકરી છૂટી જાય, પરિવારમાં માંદગી આવે, મિત્રો અને સહકર્મચારીઓ સાથે વિખવાદ થાય, દાંપત્યજીવનમાં તિરાડ પડે, સંતાનો અભ્યાસમાં ધ્યાન આપતાં ન હોય કે આપણી અપેક્ષા મુજબ વર્તન કરતાં ન હોય. કશુંક પણ બની શકે.

જીવનના દરેક વળાંક પર અલગ જ બનવાની શક્યતા આપણી રાહ જોતી હોય છે. એવા સંજોગોમાં જાત પર અને બાહ્ય પરિસ્થિતિ પર સમયસર કાબૂ મેળવી શકીએ નહીં તો જીવન વેરણછેરણ થઈ જાય છે. દરેક વ્યક્તિ સવારે જાગે ત્યારે આખા દિવસનાં કામોની યાદી એની સામે હોય છે. કેટલાંય અધૂરાં કામ પૂરાં કરવાનાં હોય, નવા કામનો આરંભ કરવાનો હોય, ઑફિસમાં મહત્ત્વની મીટિંગ હોય. આખા દિવસનું પ્લાનિન્ગ કરી રાખ્યું હોય છતાં દિવસ દરમિયાન ગમે ત્યારે કશુંક અણધાર્યું બને અને વ્યક્તિએ નક્કી કરી રાખેલા રોડમેપમાં વિઘ્ન ઊભું થાય. સ્વાભાવિક રીતે વિચલિત થઈ જવાય અને કશું સૂઝે નહીં. લાચારીનો અનુભવ થાય. અનિશ્ચિતતા ઘેરી વળે. ચિંતા અને ડર જેવા નકારાત્મક વિચારો આપણી વિચારશક્તિને ધૂંધળી કરી નાખે. જીવનરૂપી આપણી કાર આડીઅવળી ચાલવા લાગે. એમાંથી શક્ય તેટલી ઝડપે બહાર નીકળી પરિસ્થિતિનો સાચો તાગ મેળવી નિર્ણયો લેવા માંડીએ તો જીવન ફરી એની મૂળ રફતાર પકડવા લાગે છે.

ઘણાં લોકોને વધારે પડતી ચિંતા કરવાનો રોગ હોય છે. વાજબી કારણ હોય કે ન હોય, લોકો ચિંતા કરતા જ રહે છે. ચાળીસની વય વટાવી ગયેલી એક ગૃહિણીને નજીવાં કે કલ્પી લીધેલાં કારણસર ચિંતા કરવાની આદત હતી. એના નાનપણમાં બનેલા કેટલાક બનાવોને લીધે નાની ઉંમરથી એના મનમાં ડર પેસી ગયો હતો કે અચાનક કશુંક ખરાબ બનશે. એ મહિલાએ એની માનસિક હાલત સમજાવતાં કહ્યું હતું: ‘મને સતત લાગે છે કે હું સમુદ્રમાં ઊંચાં ઊંચાં મોજાં વચ્ચે ડૂબી રહી છું. જાણે ચારેબાજુથી ધસમસતાં વિકરાળ પ્રાણીઓ મને ખાવાં ધસતાં હોય! મારા રોજિંદા જીવનમાં બધું બરાબર હોય છતાં હું ડગલે ને પગલે અનેક આશંકોઓથી ઘેરાઈ જાઉં છું. કોઈની સાથે વાત કરું અને મને લાગે કે હું બોલીશ એનાથી સામેની વ્યક્તિને ગેરસમજ થશે. સવારે પતિ ઑફિસ જાય અને સંતાનોને એમની સ્કૂલની બસમાં બેસાડી આવું તે સાથે જ મને એમના વિશે અશુભ વિચારો આવવા શરૂ થઈ જાય છે. એ લોકો સહીસલામત પહોંચી તો જશેને? સમયસર હેમખેમ ઘેર પાછાં તો આવી જશેને?’

એ મહિલા એના મગજમાં બેફામ ચાલતા નિરર્થક વિચારો પર કાબૂ ધરાવી શકતી નહોતી એ કારણે ચોવીસે કલાક તાણવગ્રસ્ત રહેતી હતી. પતિ અને સંતાનો પણ એના એવા સ્વભાવથી કંટાળી ગયાં હતાં. એની અસર એમના સંબંધો પર પડવા લાગી હતી. છેવટે પતિ પત્નીને સાઇક્યિાટ્રિસ્ટ પાસે લઈ ગયો. થોડી સારવાર પછી સાઇક્યિાટ્રિસ્ટે મહિલાને કહ્યું: ‘તમે તમારી જાત પર કાબૂ નહીં મેળવો તો તમને અને તમારા પરિવારને ખૂબ મોટું નુકસાન પહોંડશો.’

વાત યોગ્ય માઇન્ડસેટની છે. ઊભી થયેલી પરિસ્થિતિમાં આપણે પોતાની જાતને કેવી રીતે જોઈએ છીએ એના પર ઘણો આધાર છે. એક યુવકને થોડા દિવસથી રોજ રાતે એકનું એક સપનું આવતું હતું. સપનામાં એને દેખાતું કે એ ખૂબ ઝડપથી આકાશમાંથી નીચે પડી રહ્યો છે. થોડી જ ક્ષણોમાં એ જમીન પર પટકાય છે અને મૃત્યુ પામે છે. એ સપનાની અસર એના જીવન પર પડવા લાગી. એક રાતે એણે બેહુદા સપનાથી બચવાનો નિર્ણય કર્યો. રાતે સૂતાં પહેલાં એણે પોતાને કહ્યું, ‘આજે રાતે સપનામાં મારું મૃત્યુ નહીં જ થવા દઉં.’ બન્યું પણ એવું જ. તે રાતે સપનામાં એ વધારે ઝડપથી નીચે પડતો હતો પરંતુ જાગ્રત અવસ્થામાં એણે કરેલા દૃઢ નિર્ણયથી એને ડર લાગતો નહોતો. એ જમીન પર પટકાયો તે સાથે જ ઊભો થઈ ગયો જાણે એ પંખીની જેમ આરામથી ઊડતો ઊડતો નીચે આવ્યો હોય. એણે એના સપનાની હકારાત્મક બાજુ જોઈ લીધી હતી અને જાત ઉપર કાબૂ મેળવી લીધો હતો.

દરિયાખેડુઓ જાણે છે કે પવન પર એમનો કાબૂ ન હોય, પરંતુ વહાણના સુકાન પર એમનું જ નિયંત્રણ છે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.