ચેતન પગી
કાર્લ માર્ક્સે ક્લાસ સ્ટ્રગલ કે બાબાસાહેબ આંબેડકરે જાતિપ્રથાની વાત કરી ત્યારે એમના મનમાં ચોક્કસ જાતિ-જ્ઞાતિ કે વર્ગના વર્ચસ્વનો ખ્યાલ હતો. આટલું વાંચ્યા પછી ભૂલથી ભળતી કોલમમાં પ્રવેશી ગયા હોય એવું લાગ્યું હોય તો ધીરજ રાખજો. તમે સાચી કોલમમાં જ આવ્યા છો.
વર્ણ વ્યવસ્થાની વાત નીકળે ત્યારે સદીઓ જૂના પેલા ચાર સ્ટીરિયોટાઇપ વર્ણનાં નામ ગણાવી દેવામાં આવે છે. એમાં પહેલા ત્રણ વર્ણનો ઉલ્લેખ ગર્વભેર અને ચોથાનો ‘ઠીક મારા ભૈ’વાળા ટોનમાં કરવામાં આવે છે (હા, ઇલેક્શન નજીક હોય ત્યારે વાત જુદી છે). સામાન્યપણે ‘તમે કેવા’ એવું પૂછવામાં આવે ત્યારે આ ચાર વર્ણના પેટા-વર્ણના પેટાના પેટામાંથી કોઈ એક જ્ઞાતિનું નામ આપવામાં આવે છે. આ સવાલના જવાબમાં ‘હું ગુજરાતી’ કે ‘હું ભારતીય’ એવું કોઈએ કહ્યાનું આજ સુધી નોંધાયું નથી. હવે જ્યારે અમુક ચોક્કસ ટાઇપના લોકોને પાછળ રાખીને ૨૦૨૫ના વરસમાં પ્રવેશી ગયા છીએ ત્યારે સમયની સાથે ચાર વર્ણના પેટા વર્ણોમાં કેટલાક નવા ક્લાસ પણ ઉમેરાયા છે. જેના વિશે અહીં સમાજશાસ્ત્રીય નહીં પણ રમૂજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી છણાવટ (અધ્યાપકોને પ્રિય શબ્દ) કરવામાં આવી છે.
(નોંધઃ આ કેટલાંક સેમ્પલ છે, વાચક મગજને કસીને પોતાની રીતે યાદીમાં ઉમેરો કરી શકે છે.)
એસયુવીવાળાઃ રાષ્ટ્રની સંપત્તિ પર જો કોઈનો સૌથી પહેલો અધિકાર હોય તો એ એસયુવીવાળાનો છે. ફિલ્મ ‘કાલિયા’માં અમિતાભ બચ્ચનના પાત્રના મુખે ભલે કહેવાયું હોય કે ‘હમ જહાં ખડે હોતે હૈ લાઇન વહીં સે શુરુ હોતી હૈ’ પણ સમય જતા બચ્ચને આ એકાધિકાર ગુમાવ્યો છે. હવે એસયુવાળા જ્યાં ઊભા હોય ત્યાંથી લાઇન શરૂ થાય છે. વિમાનની બારીમાંથી જેમ મસમોટી બિલ્ડિંગો ટપકાં જેવી દેખાય છે એમ એસયુવીના ચાલકને પણ સાઇકલ, ટુ-વ્હીલર કે નાની ગાડીવાળાઓ ટપકાં જેવા દીસે છે. એટલે મોટા ભાગના એસયુવાળાવાળા એવું માને છે કે આ ટપકાં પરથી આરામથી ગાડી પસાર કરી શકાય છે. સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ અને હોર્ન વગાડીને ધસમસતી એસયુવી વચ્ચે એક સમાનતા છે. બન્નેમાં ગંભીર રીતે બીમાર હોવાની પૂરેપૂરી શક્યતા છે. તફાવત માત્ર એટલો કે એમ્બ્યુલન્સના દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યો હોય છે. એસયુવીના કેસમાં એવું નથી હોતું.
ખેસવાળાઃ આમ તો આ કોઈ નવો વર્ગ નથી. પણ મિસ્ડ કોલ મારીને મેમ્બર બનવાની સુવિધા પ્રાપ્ત થયા બાદ ખેસધારી વર્ગની સંખ્યામાં મોટો વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે ખભે ખેસ પહેર્યા પછી ગુરુત્વાકર્ષણબળમાં ઘટાડો થઈ જાય છે. એમાં પણ જો જિલ્લા, તાલુકાની જવાબદારી સોંપાઈ હોય કે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય તો હવામાં તરી શકાય એ હદે ગુરુત્વાકર્ષણનો અભાવ વર્તાય છે. આ એક એવો વર્ગ છે જે દોડવાની રેસમાં ખુરશીમાં બેઠા-બેઠા નંબર વન આવી જાય છે. કારના ડેશબોર્ડ પર જો ખેસ પડ્યો હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો પણ ચાલી જાય છે. દરેક ખેસવાળા બીજાને ખેસ પહેરાવવા માટે આતુર હોય છે. અને હવે તો તેમને ટાર્ગેટ પણ અપાય છે. એટલે આવાનારા વખતમાં દેશભક્તો મળે ના મળે. ખેસભક્તો સર્વત્ર મળી આવશે. મેરા ખેસ મહાન.
એમ-ક્લાસવાળાઃ ના, એમ ક્લાસ એટલે તમે ધારો છો એમની વાત નથી. મિડલ ક્લાસ નામે ઓળખાતો આ વર્ગ પણ આમ તો નવો ઊભરી આવ્યો હોય એવું નથી. પણ છેલ્લા કેટલાક વખતમાં, ખાસ કરીને શહેરોમાં નાત-જાતની જૂનીપુરાણી ઓળખ જાળવીને પણ આ વર્ગના પ્રમાણમાં વધારો થયો છે. એમ-ક્લાસના પાછા બે પેટા પ્રકાર પડે છે. જેમાં એક મની ક્લાસ અને બીજો મોંઘવારી ક્લાસ છે. જેમની પાસે મની છે એમને મોંઘવારી નડતી નથી. જેમની પાસે મની નથી તેમની મોંઘવારી જતી નથી. આ વર્ગ આમ તો ઉપર જણાવેલા બે વર્ગ પર નિર્ભર હોય છે. નોકરી, રોજગાર, હપ્તા, વ્યાજ એ તેમની જૂની સમસ્યાઓ છે. જો કે તેના પર એમનું ધ્યાન જાય નહીં એટલે ઘણીવાર એમની આડે એક અન્ય એમ-ક્લાસને ઊભો કરી દેવામાં આવે છે.
લીલી લાઇટવાળાઃ આ એ નવો વર્ગ છે જેમણે જગત નાનું પડી રહ્યું હોવાથી અલગ દુનિયા વસાવી છે. તેઓ ૨૪ કલાક ઓનલાઇન હોય છે. લીલી લાઇટ એ તેમના ઓનલાઇન હોવાનો પુરાવો છે. પહેલાં ડોક્ટર કે વકીલને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી, પણ હવે લીલી લાઇટવાળા તેમને પણ આંટી ગયા છે. હવે જો બેટી ઓનલાઇન હોય તો એની સાથે વાત કરવા માટે મમ્મીએ પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે અને બેટા પપ્પા સાથે જ ત્યારે જ વાત કરશે જ્યારે એનો ડેટા ખૂટી પડ્યો હોય. તેઓ ભલે ગણિતમાં ગમે એટલા કાચા હોય પણ આંકડા એમના અસ્તિત્વનો મોટો આધાર છે. જેમાં લાઇક, શેર, સબસ્ક્રાઇબ કે વ્યૂઝ જેવા આંકડા સામેલ હોય છે. છ આંકડાના વેતન કરતા ચાર આંકડાની લાઇક્સમાં તેઓ વધુ સંતોષ અનુભવે છે. }
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
