તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

પ્રજાસત્તાકના અમૃતપ્રવેશના દિવસો પછી લખી રહ્યો છું ત્યારે હજુ થોડા દિવસ પર જ ગયેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૮મી જયંતી આસપાસ હાલના સત્તાવિમર્શ વિશે થોડા સ્ફૂટ વિચારો ચાલતા અનુભવું છું.

સાંભ‌ળું છું કે તામિલનાડુના રાજ્યપાલ રવિ આઝાદ હિંદ ફોજના હયાત સૈનિકોને સન્માને છે. એમાં રાજીપાનો ભાવ, જેઓ વતનની આઝાદી વાસ્તે લડ્યા એમને અંગે કૃતજ્ઞતાપૂર્વક ઉમેરાતો પણ અનુભવું છું. પણ ત્યાં સહસા એક થડકો વાગે છે. રવિજી કહે છે કે આઝાદી મળી એ કંઈ સન બયાલીસની ઑગસ્ટ ક્રાંતિથી નહોતી મળી. એ તો આઝાદ હિંદ ફોજ અને નૌસેનાના બળવાને આભારી છે. રવિજીનું કહેવું કોઈ એકલસૂર નથી. નવી દિલ્હીના હાલના હુકમરાનોના વૃંદવાદનનો એ કંઈક પ્રત્યક્ષ, કંઈક પરોક્ષ હિસ્સો છે. વરસેક પહેલાં દિલ્હીના ઈતિહાસપ્રતિષ્ઠ લાલ કિલ્લામાં ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમનું સત્તાવાર નવઆયોજન થયું એમાં આઝાદ હિંદ ફોજના ત્રણ સેનાનીઓ પર દેશના બ્રિટિશ શાસને માંડેલા ખટલા સામે બચાવ પક્ષે વરિષ્ઠ કોંગ્રેસમેન ભુલાભાઈ દેસાઈની આગેવાનીમાં જવાહરલાલ નેહરુ સહિતના ધારાશાસ્ત્રીઓ સામેલ હતા. પણ નવા ધ્વનિ-પ્રકાશ કાર્યક્રમમાં નેહરુનું નામ કમી થયું છે. ભાઈ, નેતાજીએ જુદો રાહ લીધો તે પછી એમણે પરદેશથી કરેલાં રેડિયો વક્તવ્યોમાં ૬ જુલાઈ, ૧૯૪૪ના રોજ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. ‘મહાત્મા’ સિવાયની એ પહેલી જાહેર ઓળખ હતી. ફોજની જે ટુકડીઓ હતી એમાં ગાંધી બ્રિગેડ ને નેહરુ બ્રિગેડ પણ હતી. ઑગસ્ટ ક્રાંતિને નિષ્ફળ લેખતી હાલની મંડળીને ઈતિહાસવસ્તુ તરીકે ખબર હોવી જોઈએ કે નેતાજીએ એને ‘મહાકાવ્યોનો સંગ્રામ’ (‘એપિક સ્ટ્રગલ’) તરીકે ઓળખાવેલ છે.

એક વાત અલબત્ત સાચી કે ૧૯૪૭ સુધી પહોંચતા આપણી સેનાના જવાનોનો મિજાજ સ્વાભાવિક જ બ્રિટિશ શાસનથી ફંટાવા લાગ્યો હતો. જાપાને યુદ્ધકેદી બનાવેલ બ્રિટિશ ભારતીય સૈનિકો, નેતાજી સાથે (જાપાનના સત્તાધીશોની અનુકૂળતાથી) આઝાદ હિંદ ફોજ રૂપે જરૂર ગઠિત થયા હતા અને ‘ચલો દિલ્હી’ના નારા સાથે એમણે ઐતિહાસિક કૂચ કરી હતી. આંદામાન-નિકોબારનાં નવાં નામ ‘શહીદ’ને ‘સ્વરાજ’ એ પાડી શક્યા હતા. પણ ફતેહ તો ઢુંકડી નહોતી. જે મહિમા છે તે એમની કુરબાનીનો છે, અને હંમેશ રહેવાનો છે.

નેતાજીના યોગદાનની કદર તેને ઠેકાણે વાજબી જ છે, પણ એથી ગાંધી ને કોંગ્રેસની સ્વરાજલડતને તથ્યનિરપેક્ષ રીતે ભોંઠી પાડવાની શી જરૂર છે, સમજાતું નથી. હાલના સત્તામંડળના ને હિંદુત્વ રાજનીતિમાં આ મુદ્દે જે દ્વૈધી ભાવ રહ્યો છે તે જરૂર તપાસલાયક છે. સાવરકર એમના સારુ સવિશેષ સન્માન્ય છે, અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા ચોક્કસ જ એમનું મહદ્ અર્પણ છે. પણ ૧૯૪૨ના ‘હિંદ છોડો’થી માંડી તે પછીનાં વર્ષોમાં નેતાજીના ‘દિલ્હી ચલો’ની રણભેરીના ગાળામાં સાવરકર અને હિંદુ મહાસભાની સતત હાકલ હિંદુ યુવકોને બ્રિટિશ હિંદની સેનામાં ભરતી થવાની હતી. ૧૯૪૧માં હિંદુ મહાસભાના ભાગલપુર અધિવેશનથી શરૂ થયેલી આ ઝુંબેશ પછીનાં વર્ષોમાં મદુરા અધિવેશન સુધી પહોંચતા એક લાખ જેટલી ભરતીએ પહોંચ્યાનો એમનો જાહેર દાવો ઈતિહાસદર્જ છે.

જાપાન આપણી સીમાએ ત્રાટકે ત્યારે સાબદા રહી કચ્ચરઘાણ વાળવાનો છે- અને, જુઓ કે, જાપાન-દીધા સહયોગથી આઝાદ હિંદ ફોજ આવી રહી હતી! સાવરકર મહિમા મંડન અને હિંદુત્વ રાજનીતિનો આ આંતરવિરોધ સમજાય છે? સ્વરાજલડત અંગ્રેજોથી ભારતની મુક્તિ સારુ છે કે હિંદુઓથી મુસ્લિમોની અને મુસ્લિમોથી હિંદુઓની મુક્તિ સારુ? દઈ જાણે. ઈતિહાસમાં નોંધાયું છે તે તો એ જ છે કે ભારતની અંગ્રેજી હકૂમતમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સરકારી રક્ષા સમિતિ પર હિંદુ મહાસભા ને મુસ્લિમ લીગના સમર્થનપ્રાપ્ત સભ્યો હોંશે હોંશે સહભાગી હતા. નેતાજીનાં પુત્રી અનીતાએ આ દિવસોમાં ભારત સરકાર જોગ જાહેર ગુહાર પેઠે ધા નાખી છે કે હવે આટલે વરસે તો ભારતમાતાના પનોતા પુત્રને અસ્થિરૂપે વતન આવવા દો. ઉપરાઉપરી રચાયેલ એકાધિક તપાસ પંચોએ નેતાજીની મૃત્યુ-વિગતને સાચી ઠરાવી હતી. નરસિંહ રાવની સરકારે તે લક્ષમાં લઈ નેતાજીનો અસ્થિકુંભ ભારત આણવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પણ તે પૂરી થાય એ પૂર્વે એમની મુદત પૂરી થઈ ગઈ. આગલા બધા તપાસ અહેવાલો વેગળા મૂકી ૧૯૯૯માં વાજપેયી સરકારે મુખર્જી પંચ નીમ્યું. મુદતો પાડતા રહી પંચે અનુત્તર તરેહનો હેવાલ ૨૦૦૫માં આપ્યો. નેતાજીના પરિવાર સાથેની ચર્ચામાં એમણે સ્વીકાર્યું પણ છે કે અમે અમુક ખુલાસા ટાળ્યા છે, પણ તે કેમ એનો ખુલાસો એમણે આપ્યો નથી. ૨૦૧૪માં કંગના રાણાવતના મૌલિક સંશોધન મુજબ આપણે ‘આઝાદ’ થયા તે પછી મોદી સરકારે અને પશ્ચિમ બંગાળની મમતા સરકારે આ પ્રશ્ને બધી જ ક્લાસિફાઈડ ફાઈલો ખુલ્લી કરી છે. વડાપ્રધાન મોદીના નિમંત્રણથી નેતાજી પરિવારે સત્તાવાર સત્કાર પણ ઝીલ્યો… પણ મુઈ ફાઈલોમાંથી કશું નેહરુ સરકાર સામું નીકળ્યું નહીં તે ન જ નીકળ્યું.

એક રાજકીય વ્યૂહ તરીકે નેતાજી સામેની કથિત કોન્સ્પિરસીનો ઉકળતો ચરુ ચાલુ રાખવાનું હવે પૂર્વવત્ શક્ય નથી. શોભીતું એ છે કે અનીતાજીએ સૂચવ્યું છે તેમ નેતાજીની વતનવાપસી માટે સત્તાવાર પહેલ થકી ઈતિહાસન્યાયનું નિર્ણાયક કદમ ભરાય. ક્યાં સુધી એ ઈમ્ફાલે ઊભા આપણા દિલને દરવાજે દસ્તક દેતા રહેશે… છતે વતન, જલાવતન!


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૫-૦૨– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.