પ્રીતિ શાહ-સેનગુપ્તા

મેં વિચારેલું કે દિવસ જો સારો નીકળે તો ઇમ્ફાલની બહાર લોકતાક નામના સરોવરને જોવા જઈશ. ગોવિંદજીની કૃપાથી એવો દિવસ નીકળી આવ્યો, ને મેં તળાવ જોવા જવા બસ લીધી.

ઇમ્ફાલ છોડતાં જ ગ્રામ્ય પરિસર શરૂ થઈ જાય છે. રસ્તો એવો તો ઉબડખાબડ કે હાથી પર બેઠાં હોઇએ તેવું લાગે. પણ દૃશ્ય સુંદર. ચોતરફ પહાડો હતા. નજીક હતા તેમની ટોચ પર સફેદ વાદળ હતાં, ને જે દૂર હતા તે લીલા લાગતા હતા. લણાઇ ગયેલાં ખેતરો તો જાણે જળ-તરલ મુકુર. બીજાં કેટલાંકમાં ડાંગરના ઊંચા રોપ લણાવા તૈયાર હતા, તો સૂકાવા મૂકેલા પાકને કારણે, ક્યાંક બીજે ઘેરી જમીન હળદર ને તપખીર રંગનાં ચોકઠાંવાળાં ચિત્ર જેવી દેખાતી હતી. ખાબોચિયાં ને નાની નીકોમાં માછલી પકડવા માટેની ઘણી જાળ ગોઠવેલી હતી. પાસે એકાદ સ્ત્રી કે છોકરી નાનકડી માછલી જાળમાં ભરાય એની રાહ જોતી ધીરજ રાખીને ઊભી, કે બેઠી હોય. કલાકો સુધી આમ એકલાં એકલાં શું વિચારતી રહેતી હશે એ બધી?

એક ઝૂંપડીની બહાર ઊભેલા માણસે જનોઇ પહેરેલી. આ વસ્તી માછલી પકડે છે, પણ હિન્દુ છે. દરેક ગામમાં એક મંદિર હોય જ, પણ નાનું સરખું. પાસે ખુલ્લી બાજુઓવાળો મંડપ હોય. ગાર-ઘાસનું છાપરું લાકડાના ઘણા પાતળા થાંભલા પર ટકેલું હોય. આ મંડપ ધાર્મિક ઉત્સવો માટે તેમજ સામાજિક પ્રસંગો માટે વપરાય. હવા-ઉજાસવાળી જગ્યા ઘણી કામની હતી ગ્રામજનો માટે. ઝૂંપડીઓ વાંસના માળખા પર ગાર-માટી થાપીને બનાવેલી હોય છે. છાપરાં માટે ઘાસને બદલે ટીન વપરાતું થયું લાગે છે. દરેકના બારણાંની બહાર વરસાદનું પાણી એકઠું કરવા માટે એક ઘડો – હવે એલ્યુમિનમનો – મૂકેલો હોય, ને વાંસની લાંબી પત્તીઓથી વણેલી ખાસ્સી મોટી કથરોટ. ચિત્ર કમનીય એવું હૃદયસ્પર્શી પણ ખરું.

મણિપુરની સ્ત્રીઓ એમનાં વસ્ત્ર-પરિધાન પરથી ઓળખાઇ જાય. યુવતીઓએ તો લુંગી તથા ઇન્નફીથી બનતો પ્રથા પ્રમાણેનો વેશ પહેરવો જ પડે. કૉલેજમાં પણ એમને પશ્ચિમી લાગે તેવા પોષાક પહેરવાની છૂટ નથી. જોકે મણિપુરી યુવતીઓ લાગે છે એકદમ લલિત. કદાચ આખા ભારતમાં સૌથી સુંદર. વૈષ્ણવી મહિલાઓ તો આગવી દેખાય જ છે, અને પહાડી પરિસરમાંથી આવતી સ્ત્રીઓ મોઢાં પરથી તેમજ જાતિ જાતિ પ્રમાણેના રંગ અને પટા-વણાટ દ્વારા જુદી પડે. અહીં બધે પણ ગામોમાં ઇમા માર્કેટ બનેલી હતી. મોઇરાંગ ગામની તો સારી એવી મોટી લાગી.

ઇમ્ફાલથી ત્રીસ કિ.મિ. દૂર આવેલા આ મોઇરાંગની ઐતિહાસિક અગત્ય છે. દેશના સ્વાતંત્ર્ય માટેની છેલ્લી લડત અહીં લડાયેલી. દેશનો ત્રિરંગી ધ્વજ આખા દેશના ઇતિહાસમાં સૌથી પહેલી વાર ૧૯૪૪ના એપ્રિલની ચૌદમી તારીખે અહીં ફરકાવવામાં આવેલો. સુભાષચંદ્ર બોઝે ૧૯૪૩માં હકુમતે આઝાદ હિંદના નામે ભારત સરકારની સ્થાપના કરેલી, ને ત્યારે મોઇરાંગ કાન્ગ્લા-એટલેકે મુખ્ય કેન્દ્ર હતું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

અત્યારે મોઇરાંગમાં એક મોટા, પણ જૂના દેખાતા મકાનમાં યુદ્ધ-સંગ્રહાલય બનેલું છે. પચીસ પૈસાની ટિકિટ છે. નીચે બંદૂકો, યુનિફૉર્મ વગેરે મૂક્યાં છે. ઉપર એક ઓરડામાં ૧૯૪૩માં મણિપુરમાં ખેલાયલા યુદ્ધને લગતા ઘણા ફોટા રાખેલા છે. નેતાજીનો છેલ્લામાં છેલ્લો ફોટો, જે ૧૯૪૫ના ઑગસ્ટની સત્તરમી તારિખે વિએતનામના સાયગૉન શહેરમાં લેવાયેલો મનાય છે, તે પણ અહીં જોવા મળ્યો. વાતાવરણમાં દેશભક્તિ અને આદર્શવાદ હજી તરવરતો મને લાગ્યો.

કમ્પાઉન્ડમાં પ્રવેશતાં ગુલાબી આરસનું એક સ્મારક છે. એના પર લખ્યું છે – ઇત્તફાક, ઍતમાદ, કુરબાની. સ્મારક પર નેતાજીની પ્રતિમા પણ છે. આ સંગ્રહાલય તથા સ્મારકનું ઉદ્ઘાટન ઈન્દીરા ગાંધીએ ૧૯૬૯માં કરેલું. દેશમાં છૂપું એવું રાષ્ટ્ર-ગૌરવનું આ સ્થાન છે. હું જોવા પામી, તે ભાગ્ય જ ને.

મોઇરાંગ પહોંચ્યા પછી નજીકમાં અત્યંત વિશાળ એવું લોકતાક સરોવર આવેલું છે. એને વીંટળાઇ રહેલા પર્વતોમાં ઘણી વાર ઇમ્ફાલ ઊતરવા જતાં વિમાન તૂટી પડે છે, એમ મને કહેવામાં આવેલું. મારાવાળું ના તૂટ્યું એ પણ ભાગ્ય. આ સરોવરની અંદર જમીનના નાના તરતા અંશો પર બનેલી ઝૂંપડીઓ મેં વિમાનમાંથી જોયેલી. ઘર ગણો તો ઘર, હોડી ગણો તો હોડી. ક્યાંક નાના ટાપુ થયેલા છે. એમના પર વાવેતર થાય છે, માછલી પકડાય છે, અને ઘણા વાંસ ખોસી ખોસીને એમને સ્થગિત ને સ્થિર બનાવાયા છે. ત્યાં થોડી લાંબી, પાતળી હોડીઓ સરકતી હતી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

કિનારે એક તરફ કાદવ જેવી જમીન પર સાત-આઠ ઝૂંપડીઓ હતી. એક ટેકરી પર ટૂરિસ્ટ લૉજ બનેલો હતો. લીલા ને ભૂરા રંગનું દૃશ્ય મનોરમ હતું. સરોવરના પાણીમાં ભૂરા આકાશ અને સફેદ વાદળનું પ્રતિબિંબ આકર્ષક હતું. મને જેવું ઇમ્ફાલ શહેર ગમી ગયેલું તેવો જ મણિપુરનો બહારનો પરિસર પણ ગમી ગયો. દેશ મારો જ હતો, પણ જુદું જ હતું અહીં એનું સ્વરૂપ.

+                                           +                                         +

ઇમ્ફાલથી નીકળીને આ પછી મારે નાગાલૅન્ડ જવું હતું. થોડો વખત દૃશ્ય લીલું, સરસ, શાંત, સંતુષ્ટ જેવું રહ્યું, પણ ઉત્તરે જતાં ભૂમિનો દેખાવ બદલાયો. પાણીથી છલછલતાંને બદલે ખેતર સૂકાં થયાં. ખાબોચિયાં અને માછલીની જાળ પણ જતી રહી. પછી તો આવ્યા કેવળ પહાડ, અને શું આશ્ચર્યકર બન્યો દૃશ્યપટ. જમીન લાલ, બધા ઢોળાવ લીલા, નીચાં સોપાન-ક્શેત્રોમાં ડાંગરની તાજી ધરુ, સપાટ પટવાળી નદીઓ અને છીછરાં ઝરણાં, પહોળી ખીણો, ને પછી આવી લાગેલા ઊંચા ને મોટા અનેક પર્વતો.

દિવસ સ્વચ્છ અને સૂરજથી ચમકતો હતો, તેથી પ્રયાણ તેમજ પ્રકૃતિ માણી શકાયાં. હાઇવે નં. ૩૯ બહુ પહોળો નહોતો, પણ જતાં-આવતાં ખાસ કોઈ વાહનો જ નહોતાં. વળી, રસ્તો બહુ ઊંચે ચઢતો કે બહુ વળતો જતો નહોતો. ક્યાંક પેલી વાંસ-પત્તીની કથરોટમાં ડાંગર સૂકવવા મૂકેલી, ક્યાંક રસ્તાને કિનારે જ પાથરી દીધેલી. એક ઝરણા પાસે એક સ્ત્રી કપડાં ધોતી દેખાઈ, એક છોકરી કોઠી જેવા આકારના પાત્રમાં પાણી ભરતી દેખાઈ. અહીં, નાગાલૅન્ડમાંના દરેક ગામની અંદર ચર્ચ હતાં. સાદાં મકાન, પણ ક્રૂસ સ્પષ્ટ નજરે ચઢે. અહીં હિન્દુ નહીં પણ ખ્રિસ્તી ધર્મ કઈ રીતે ટકી ગયો હશે? વળી, બધે વીજળી આવી ગઈ હતી. ઊંચા ઊંચા પર્વતોમાં થઈને એ કામ કેટલી મુશ્કેલીથી પાર પડ્યું હશે.

પણ મેં જોયું કે રસ્તાનું સમારકામ કરનાર, તેમજ દુકાનો ચલાવનાર બધા બિહારીઓ હતા. આ પર્વતીય લોકોમાં ધંધાની આવડત ઓછી હશે. ખળખળ વહેતા બીજા એક ઝરણા પાસે કપડાં ધોતી એક રૂપાળી સ્ત્રી મને પૂછે, આસામથી આવ્યાં કે બિહારથી? આ બેની વસ્તી અહીં ખરી, ને હું આસામી-બિહારી જેવી વધારે લાગું. નાગાલૅન્ડના લોકોની મુખાકૃતિ ઊંચા ગાલ અને ઝીણી આંખોને લીધે જુદી પડી જાય.

સમારકામ ચાલુ જ રહેતું લાગ્યું કારણકે રસ્તાની નજીકના, કાંકરા અને કાચી માટીના બનેલા પહાડો ધોવાઈને  કેટલીયે જગ્યાએ ધરતી પરના ઉઝરડા જેવા લીસોટા બનતા રહે છે. પોચી જમીન ધસી આવીને રસ્તા દાટી-દબાવી દે છે. ઘણી વાર તો ફરી નવો, જુદો જ રસ્તો બનાવવો પડે છે. મણિપુર છોડતાં અને નાગાલૅન્ડમાં પહોંચતાં -એમ બે સરહદ-ચૅક પોઇન્ટ આવેલાં, પણ કોઈએ પરમિટ સરખી જોઈ પણ નહોતી.

નાગાલૅન્ડમાં ક્ષિતિજ સુધી, ને તે પછી વાદળાંની પાછળ પણ પર્વત હતા. ઊંચાં શિખર પછી શિખર – સમર્થ ત્રિકોણાકારોનો બહુલ સંચય. લોકો ક્યાંના ક્યાં રહેતા હશે. હું જ ક્યાંની ક્યાં આવેલી હોઉં એમ લાગતું હતું. દેશના બીજા ઘણા પહાડો ક્યાં નથી જોયા? છતાં આ બહુગિરિ-પરિસર તદ્દન જુદો જ લાગતો હતો. તીક્શ્ણ શૃંગો ને પાષાણી મહત્પ્રમાણો. દેશની સરહદને અનુરૂપ જ લાગે તેવું આ સ્વરૂપ હતું અહીંની પૃથ્વીનું.

છેવટે કોહિમા દેખાયું. વધતું વધતું એ કેટલાયે પહાડોના ઢોળાવો પર પથરાયું છે. કહોવાતા, કટાયેલા લાગતા ટીનનાં છાપરાંનું બનેલું લાગે. સુંદરતા વગરનું હિલ-સ્ટેશન. ગામડું યે નહીં, ને શહેર પણ નહીં. ખેર, આ તો હજી અછડતી નજર હતી. એમ તો એ પણ સાનંદાશ્ચર્ય નોંધેલું કે દરેક ઘરની કોટની દીવાલો પર ને વરંડામાં અનેક કૂંડાં મૂક્યાં હોય છે. પહાડોના ઢોળાવો પર બગીચાની તો જગ્યા જ ક્યાં? તેથી ફૂલ-છોડનાં આ કુંડાં. અંગ્રેજોનો આ વારસો હશે? સરસ લાગે. ઢોળાવ પર માટીનાં પગથિયાંની લાંબી હાર હોય. એમનાં પર થઈને ઘેર જવાનું.

ઊંચે ઊંચે જતાં બસને ઘણી તકલીફ પડેલી. પછી કોહિમા શહેરના રસ્તાઓમાં ઘણા ખાડા. એમાં પાણી ભરાયેલાં. બધે કાદવિયું થયેલું. જીપ ગાડીઓ સતત જાય. ને સાંજનું ગાઢ અંધારું. માંડ માંડ હોટેલમાં જગ્યા મળી, ને સાથે બહુ જ સાચવવાની ચેતવણી તથા ઉત્તર-પૂર્વ છોડીને જલદીમાં જલદી જતાં રહેવાની સલાહ. આખા રાજ્યની વસ્તી દસેક લાખ જેટલી હશે. ભણતર પચાસેક ટકા. વધારે લોકો અંગ્રેજી જ બોલે. હિન્દી બોલનારાં બહારનાં ગણાય. કોહિમામાં ફરતાં મેં બિહાર ને આસામ ઉપરાંત કેરળ, બંગાળ, ઉત્તર પ્રદેશ ને પંજાબથી આવેલા લોકો જોયા. વળી, ખ્રિસ્તી દેવળો ઉપરાંત એક દિગંબર જૈન દેરાસર, એક મસ્જિદ અને એક ગુરુદ્વારા પણ અહીં દેખાયાં.

જોવામાં એક સંગ્રહાલય હતું. એના ત્રણ માળમાં નાગાલૅન્ડની ચાન્ગ, લોથા, યિમચન્ગ્રુ, ઝેલિયાન્ગ જેવી જુદી જુદી જાતિઓને લગતી સામગ્રી ગોઠવેલી હતી. પોષાક, ઘરેણાં, આયુધ, થોડાં ચિત્ર, થોડાં કાષ્ઠશિલ્પ વગેરે રસપ્રદ હતાં. રસ્તામાં વેચાતી હાથ-વણાટની રંગરંગીન શાલો જોવી ગમતી હતી. નવાઈ લાગેલી એક સામટા પાનના વીસ-ત્રીસ ગલ્લા જોઈને. સોપારી ને પાનની બહુ કુટેવ છે અહીં. એ જ રીતે મોચીઓ પણ હારબદ્ધ સામટા બેઠેલા. એ બધા ઉત્તર પ્રદેશથી આવીને અહીં વસેલા.

ખાસ તો,  જેમ ઇમ્ફાલમાં જોવા ગયેલી તેમ અહીં કોહિમાની એક ટેકરી પર આદરપૂર્વક બનાવાયેલું દફન-સ્થાન જોવા જરૂર ગઈ. ૧૯૩૯થી ૧૯૪૫ દરમ્યાન દેશની સરહદ પરનું આ રાજ્ય બીજા વિશ્વયુદ્ધમાં ઘણું સંડોવાયેલું. ઢોળાવોને સપાટ કરીને પહોળી પગથીઓ પર લાઇનસર બનાવેલી, યુવાન અંગ્રેજ તથા ઇન્ડિયન સૈનિકોની અગણ્ય ખાંભીઓની  આસપાસ વ્યવસ્થિત કાપેલું લીલું ઘાસ હતું. વચમાં એક ઊંચો ક્રૂસ બનાવેલો હતો. છેલ્લી લડાઇ અહીં થયેલી. જાપાની સૈન્ય અહીંથી આગળ વધી નહોતું શક્યું. એક ઝાડ પર આ માહિતીની તકતી લગાડેલી હતી. વિશ્વના ઇતિહાસમાં આ સ્થાન કેટલું મહત્વનું છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

કોહિમા દિવસે કકળાટિયું લાગતું હતું, પણ રાતે ત્યાંનું આકાશ એવું તો સ્વચ્છ અને શાંત બનતું. તેજસ્વી અસંખ્ય તારા દેખાતા, અને આકાશગંગા પણ એકદમ સ્પષ્ટ દેખાતી. આ એની સૌથી મોટી ભેટ હતી.


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.