લલિત ખંભાયતા

ગીત એ કંઈ હથિયાર નથી કે જેનાથી કોઈને કાપી શકાય કે ભડાકે દઈ શકાય… છતાંય સંગીતથી લડી શકાય એ વાતનો ઈતિહાસ સાક્ષી છે. આઝાદીની લડતમાં તલવાર કે જામગરી બંદૂકો કામ નથી કરી શકી એ કેટલીકવાર ગીત-સંગીતે કર્યું છે.

* * *

અવંતિકાબાઈ વાયોલીન વગાડે. તુલસીદાસના ભજન પણ ગાય. શરૂઆતમાં તો સ્ત્રીઓ એ સંગીત કાર્યક્રમથી છેટી જ રહેતી. પણ ધીમે ધીમે અવંતિકાબાઈએ એમને આવતી કરી. સંગીતમાં રસ લેવો એ તો નિમિત હતું, પણ મૂળ વાત એ મહિલાઓમાં જાગૃતિ લાવવાની હતી. ત્યાં લાજ કાઢવાની પ્રથા એટલી બધી આકરી હતી કે વહુ સાસુને પણ મોઢું દેખાડતી ન હતી. એ સંજોગો વચ્ચે મહિલાઓ બહાર નીકળીને અવંતિકાબાઈને સાંભળે, એ પણ સાંજના સમયે એ સામાજિક પરિવર્તનની શરૂઆત જ હતી. અવંતિકાબાઈ જ્યાં ગીત-સંગીત રજૂ કરતી એ સ્થળ એટલે ચંપારણ, વર્ષ ૧૯૧૭નું. આફ્રિકાથી આવેલા ગાંધીજી ચંપારણમાં સત્યાગ્રહનો ઝંડો ખોડવા ગયા ત્યારે લોકો તેમને જોઈને પણ ઓળખતા ન હતા. મહિલાઓમાં ન્હાવાનું પ્રમાણ અત્યંત ઓછું હતું. દારુણ ગરીબી પણ હતી. એ બધા વચ્ચે એ હકીકત હતી કે જો એમને એક કરવામાં ન આવે તો ચંપારણમાં અંગ્રેજો દ્વારા થતા અન્યાય સામે લડી ન શકાય. અવંતિકાબાઈના સૂર અને સંગીતે મહિલાઓને જાગૃત કરી અને છેવટે ચંપારણ સત્યાગ્રહ સફળ થયો.

* * *

અંગ્રેજોની ગુલામી લગભગ બસ્સો વર્ષ ચાલી. વત્તા ઓછા અંશે એમની સામે લડત ચાલતી રહી પણ વીસમી સદીની શરૂઆતથી લડત વધારે આક્રમક બની. એ લડત દરમિયાન ગીત-સંગીતે… લોકોને કોઈ એક સ્થળે એકઠા કરવાનું લોકો પહેલેથી એકઠા થતા હોય તો તેમને જાગૃત કરવાનું જાગૃત હોય તો તેમની વચ્ચે એકમતી લાવવાનનું કોઈ રીતે વિરોધ ન કરી શકાય એમ હોય ત્યારે વિરોધ કરવાનું પોતાની જાતને સાંત્વના આપવાનું ફાંસીએ લટકવાનું હોય તો એ પહેલાં ગીત ગાઈને મનને પ્રફુલ્લિત રાખવાનું જે વાત વિરોધ ભાષણ કરીને, કૂચ કરીને, લખીને… કહી ન શકાતો હોય એ કહેવાનું એ બધાં જ કામો ગીત સંગીતે કર્યા છે પણ સંગીતના સૂરની માફક અદૃશ્ય રહીને. ગુજરાત અત્યારે પરદેસી સંગીત બેન્ડ કોલ્ડપ્લેના તાલે ઝૂમી રહ્યુ છે. એ જ સંગીતની અસર બતાવે છે.

* * *

આઝાદીની લડતમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતી દાંડીકૂચનું એક ચાલકબળ તેનું સંગીત હતું. દાંડીકૂચનો કર્નલ બળવંત ભટ્ટે પાડેલો ફોટો બહુ જાણીતો છે. એમાં ગાંધીજીની બાજુમાં જ તંબુરો લઈને ચાલતા સાથીદાર જોવા મળે છે.

ગાંધીજીને પહેલેથી જ કોઈ કારણસર સંગીતમાં રસ હતો. એટલે અમદાવાદમાં આશ્રમજીવન શરૂ કર્યુ ત્યારે પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કર પાસે કુશળ સંગીતકારની ડિમાન્ડ કરી. એમણે નારાયણ મોરેશ્વર ખરેને મોકલી આપ્યા. એમનું પુસ્તક ‘આશ્રમ-ભજનાવલી’ પણ ગાંધીજનોમાં અજાણ્યું નથી. પ્રભાતફેરી તો આઝાદીની લડતના ઈતિહાસનો મોટો હિસ્સો છે. સવારના પહોરમાં લોકોને ઊંઘમાંથી જગાડવાનું અને ગુલામીના ઘેનમાંથી જગાડવાનું એમ બંને કામ એ ફેરીએ કર્યા હતા. એટલે આજેય ક્યાંય ક્યાંક પ્રભાતફેરીનું ચલણ જોવા મળે છે.

* * *

લાહોરનું પૂંછ હાઉસ. તારીખ હતી ૧૯૩૦ની પાંચમી જુલાઈ. એસેમ્બલી બોમ્બ કાંડના આરોપી તરીકે કામચલાઉ અદાલતમાં ભગતસિંહ, બટુકેશ્વર દત્ત અને તેમના સાથીદારો દાખલ થયા. અંગ્રેજો માત્ર પોતાની વાત સાંભળે એ હેતુથી ભગતસિંહ અને ટીમે એસેમ્બલીમાં ખાલી ફૂટે પણ નુકસાન ન કરે એવો બોમ્બ ફેંક્યો હતો. અંગ્રેજો કોઈ પણ ભોગે ભગતસિંહને ફાંસીએ લટકાવવા માંગતા હતા. એમાં આ કારણ મળી ગયું. અદાલતમાં દાખલ થતી વખતે તો ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા લાગતા હતા, પણ એ પછી ભગતસિંહના કંઠમાંથી ગીત સરી પડ્યું

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ.
વક્ત આને દે બતા દેંગે તુજે આસમાં,
હમ અભી સે ક્યા બતાયે ક્યા હમારે દિલ મેં હૈ..

આ ગીત એટલા જોશપૂર્વક ગવાયું કે જજ કોલ્ડસ્ટ્રીમ પોતે પ્રભાવિત થયા. એમણે વકીલ ગોપાલપ્રસાદને કહ્યું કે ગીતને અંગ્રેજી કરીને મને સમજાવો. એમાં એવુ શું છે કે ભગતસિંહના ચહેરા પર લાલાશ તરી આવી છે અને બંને અંગ્રેજી જજો પણ શબ્દો સમજ્યા વગર તેના ભાવપ્રવાહમાં તણાઈ રહ્યા છે. એ હતી ગીત-સંગીતની અસર.

* * *

ડંકો વાગ્યો રે… પરેશ રાવલ જેમાં સરદાર પટેલ બન્યા છે એ ફિલ્મમાં ગીત આવે છે.

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે શૂરા જાગજો રે
કાયર ભાગજો રે ડંકો વાગ્યો ભારતની બ્હેનો જાગજો
રે બ્હેનો જાગજો રે વિદેશી ત્યાગજો રે

આ રચના જરાય અજાણી નથી. ફિલ્મમાં છે, કેમ કે આઝાદીની લડતમાં તેનો ભરપૂર ઉપયોગ થયો હતો. સૂરા હોય એ જાગો અને કાયર હોય એ ભાગો એ સંદેશો એમાં અપાયો છે. આઝાદી વખતે ફેરીમાં નીકળતા લડવૈયાઓ આ ગીત ગાય ત્યારે લોકો ઘરમાંથી બહાર નીકળતા અને અંગ્રેજો સામે લડતા હતા. ગાંધી આશ્રમમાં રહેતા વઢવાણના ફૂલચંદ બાપુજી શાહે રચેલું એ કાવ્ય આઝાદીની લડતનું જાણે અમર ગીત બની ગયુ હતું. આજે પણ ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વખતે એ વાગે છે, ગવાય છે, રજૂ થાય છે અને ભજવાય છે. સરદાર પટેલને રાષ્ટ્રીય ઓળખ મળી ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહથી. સત્યાગ્રહના એક વિરાંગના હતા જ્યોત્સનાબહેન શુક્લ. એમણે ગીતો-કવિતા લખ્યાં જે એ સમયે તો બહુ ગવાતાં હતાં.

* * *

આપી નહીં ચેતવણી લગાર,
આજ્ઞા દીધી ના વિખરાઈ જાવા,
ન શિષ્ટ આચાર જરા ય પાળ્યો,
નિ:શસ્ત્ર ટોળાં પર અગ્નિ છાંટ્યો.

જોયા ન બાલ વળી વૃદ્ધ અશકત કાય, જો
યાં નહિ કુતૂહલે કંઈ આવનારા,
જોયું નહિ દોષિત કોણ રહિત દોષ,
માર્યા પ્રજાજન અશસ્ત્ર જ એકધારે.

આ કાવ્ય પંક્તિ જલિયાંવાલા હત્યાકાંડ પછી તેની વ્યથા રજૂ કરવા માટે લખાઈ છે. પંક્તિ બહુ જાણીતી નથી થઈ પણ તેના સર્જક ગુજરાતી નવલકથા જગતમાં અમર નામ ધરાવે છે. નામ એમનું રમણલાલ વસંતલાલ દેસાઈ. તો ખૂબ લડી મર્દાની વો તો જાંસી વાલી રાની થી.. કવિતાથી પ્રસિદ્ધ સુભદ્રાકુમારી ચૌહાણે પણ જલિયાંવાલા વિશે કવિતા લખી હતી.

યહાં કોકિલ નહીં, કાગ હૈ,
શૌર મચાતે, કાલે કાલે કીટ,
ભ્રમર કા ભ્રમ ઉપજાતે.
તડપ તડપ કર વૃદ્ધ મરે હૈ ગોલી ખા કર,
શુષ્ક પુષ્પ કુછ વહાં ગીરા દેના તુમ જા કર.

* * *

૧૯૩૦ની દાંડીયાત્રા વખતે ઝવેરચંદ મેઘાણીનો દેશભક્તિગીત સંગ્રહ ‘સિંધુડો’ પ્રસિદ્ધ થયો. ‘સ્વતંત્રતાની મીઠાશ’, ‘છેલ્લી પ્રાર્થના’, ‘શિવાજીનું હાલરડું’, ‘બીક કોની મા તને’, ‘તરુણોનું મનોરાજ્ય’, ‘કવિ તને કેમ ગમે’, ‘મોતનાં કંકુઘોળણ’, ‘ગાઓ બળવાનાં ગાન’, ‘કાલ જાગે, ઊઠો, નવ કહેજો’, ‘ઝંખના, ભીરુ’, ‘યજ્ઞ-ધૂપ’, ‘વીર જતીન્દ્રનાં સંભારણાં’ જેવાં ગીતો તેમાં હતાં. અંગ્રેજો એ ગીતોથી જ ડરી ગયા. એ સંગ્રહ જપ્ત કરી લીધો, પ્રતિબંધિત પણ કરી દીધો. મેઘાણીભાઈને કોર્ટમાં ઊભા કરી દીધા. ત્યાં એમણે પોતાના બચાવવમાં લાંબી દલીલ કરવાને બદલે પોતાનું એક ગીત લલકાર્યુ=

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓઃ
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!

કોર્ટમાં હાજર સૌ કોઈની આંખમાં આંસુડાં છલકણાં. એ પછી તો એ ગીત આઝાદીની લડતનું ચાલકબળ બની ગયું. વિરોધ કરવો હોય ત્યાં કશું કહેવાને બદલે પંક્તિ રજૂ કરવાની… એ ગીત-સંગીતની અસર.

* * *

૧૯૩૧ના ધ્રોળ ઝંડા સત્યાગ્રહ વખતનો પ્રસંગ છે. ૩૦મી મેના દિવસે ભાવનગર, વઢવાણ, ધોલેરા વગેરે સ્થળોથી લડવૈયાઓ ધ્રોળના માંડવી ચોકમાં પહોંચ્યા. સત્યાગ્રહીઓ તડકામાં બેઠા હતા એટલામાં વાદળી વરસી. મકાનના છાપરામાં ભરાયેલો કચરો પાણી સાથે વહેવા લાગ્યો. સત્યાગ્રહીઓ પર પણ વરસાદ પડતો હતો, પણ ઊભા થવાનું મન થતું ન હતું. સામે સંબોધન યુદ્ધકવિનું બિરુદ પામેલા મોહનલાલ મહેતા ‘સોપાન’ કરતા હતા. એમણે વરસાદ સાથે જુગલબંધી કરતા હોય એમ સ્વરચિત ગીત ઉપાડ્યું

ખબરદાર ઓ સૈનિક વીર, અબ આસનસે મત ઊઠના,
ચાહે મેઘ આવે યા અગ્નિ બરસે, આસનસે મત હિલના…

સૈનિકો બેઠા હતા તેમની નીચેથી પાણીની નીકો વહેવાં લાગી, પણ કોઈ પોતાના સ્થળેથી હલ્યા નહીં. એ ગીત-સંગીતની અસર

 * * *

અંગ્રેજ સરકારના કલેક્ટર બંકિમચંદ્રએ ૧૮૭૫માં ગીત લખ્યું. 1૮૯૩માં એમણે સંન્યાસીઓની અંગ્રેજો સામેની લડત આધારિત નવલકથા લખી. એ કથાનું નામ ‘આનંદમઠ’ અને તેમાં અગાઉ લખાયેલું ગીત સમાવ્યું એનું નામ ‘વંદે માતરમ્’. ૧૯૦૫ની બંગભંગ લડત વખતે એ ગીત ખૂબ પ્રસિદ્ધ થયું. અંગ્રેજો સામેની લડતનું હથિયાર બની ગયું. એટલું જ નહીં ગીત ન આવડે એ તેના પહેલા બે શબ્દોથી જ કામ લેતા હતા. એટલે ‘વંદે માતરમ્’ ભારતની આઝાદીના સંઘર્ષનો નારો પણ બની ગયો. 1૯૦૭માં બારીસાલ (હવે બાંગ્લાદેશમાં) ખાતે કોંગ્રેસનું અધિવેશન ચાલતું હતું. આ ગીત ગવાયું. ગાનારાઓ પર અંગ્રેજોએ લાઠી ચલાવી. ૧૯૦૭માં મેડમ કામાએ પ્રથમવાર ત્રિરંગો તૈયાર કર્યો ત્યારે તેમાં આજે છે એવું ચક્ર ન હતું, ‘વંદે માતરમ્’ શબ્દો લખેલા હતા.

India’s flag designed by Bhikaji Cama, VD Savarkar and Shyamji Verma (Image: X)

એ ગીત-સંગીતની અસર.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘સમયાંતર’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ