ચેતન પગી

આજકાલ પોલીસથી લઈને મંત્રી અને મંત્રીના પી. એ. સુધી બધા નકલી મળી આવે છે. ભવિષ્યમાં જો અસલી ઈતિહાસકાર બચશે તો હાલના સમય પર નકલી યુગ નામે અલગ ચેપ્ટર લખી નાખશે એ નક્કી છે. નકલી અધિકારી, નકલી ડોક્ટર વિશેના અસલી સમાચારોની ભરમાર વચ્ચે વાંચો કેટલાક એવા નકલી સમાચાર જે ક્યારેક સાચા પડી જાય તો પણ કંઇ કહેવાય નહીં.

  • સાઇડ લાઇટ બતાવનાર રિક્ષાચાલકનું ટ્રાફિક પોલીસ દ્વારા સન્માનઃ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ‘રિક્ષા અમારી, સલામત સવારી’ નામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે સાઇડ લાઇટ બતાવીને રાષ્ટ્રનિર્માણમાં ઉત્તમ યોગદાન આપનાર રિક્ષાચાલકનું સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અભિયાન અંતર્ગત રાજમાર્ગો પર સાઇડ લાઇટ બતાવનાર રિક્ષ ચાલકને શોધવા પ્રયાસો હાથ ધરાયા નહોતા. પ્રયાસોમાં સફળતા નહીં મળતા સાઇડ લાઇટ ચાલુ કરવાની ફરજ પાડ્યા બાદ એક રિક્ષાચાલકનું સન્માન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ રિક્ષાચાલક યુનિયને સન્માનિત રિક્ષાચાલકનો સામાજિક બહિષ્કાર કર્યો છે.
  • સૂત્રોના મોટા હવાલા કૌભાંડનો પર્દાફાશ, ચાર પત્રકારો રંગે હાથે ઝડપાયાઃ દિલ્હી પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કૌભાંડમાં સામેલ વિવિધ ન્યૂઝ ચેનલના ચાર પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દાવો કર્યો છે કે આરોપીઓ ‘સૂત્રો કે હવાલે સે પ્રાપ્ત જાનકારી અનુસાર..’’ એવું કહીને સમાચાર આપતા હતા. તપાસ દરમિયાન આ ‘સૂત્ર’ એક કાલ્પનિક પાત્ર હોવાનો ઘટસ્ફોટ થતાં ‘હવાલા કૌભાંડ’ સામે આવ્યું હતું. કાર્યવાહીના પગલે અન્ય પત્રકારોએ રાતોરાત પોતાના ‘સૂત્ર’નું વિસર્જન કરી નાખ્યું છે.
  • પોલીસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈ ભાવવિભોર બનેલા નાગિરકને પોલીસ સ્ટેશન પહોંચ્યાં બાદ હૃદયરોગનો હુમલોઃ શહેરના એક સંવેદનશીલ નાગરિક હાલ આઇ. સી. યુ.માં સારવાર હેઠળ છે. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે તેમણે સોશિયલ મીડિયા પર ગરીબને ભોજન આપતા કે સિનિયર સિટિઝન સાથે ગરબા રમતા પોલીસ જવાનોના વિડીયો નિહાળ્યા હતા. આ વિડીયોમાં પ્રેમાળ તથા મદદ માટે સદૈવ તત્પર પોલીસ જવાનોને જોઈને તેઓ ભાવવિભોર બની ગયા હતા. બાદમાં તેઓ તત્કાળ મારતા સ્કૂટરે પોલીસ મથક પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર પોલીસ જવાનોનું તદ્દન અલગ સ્વરૂપને નિહાળીને તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હાલ સંવેદનશીલ નાગરિકની તબિયત સુધારા પર છે. ભાનમાં આવ્યા બાદ તેમણે સૌથી પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી સાઇન-આઉટ કર્યું હતું.
  • અચાનક જાહેરમાં દેખાયેલા જનપ્રતિનિધિને ચોર સમજી લોકોએ માર માર્યોઃ પંચાયતના સભ્ય, કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય-સંસદસભ્ય જેવા જનપ્રતિનિધિઓએ ચૂંટણી આવવાની હોય ત્યારે જ દર્શન આપવા એવી પરંપરા રહી છે. જોકે, હાલમાં જ એક કોર્પોરેટરે આ પરંપરાનો ભંગ કરીને ચૂંટણી નહીં હોવા છતાં જાહેરમાં દેખા દેતા લોકોએ આઘાત સાથે મૂંઝવણ અનુભવી હતી. નગરમાં ચોર ફરી રહ્યા હોવાની અફવાઓના પગલે લોકોએ ઓચિંતા પ્રગટેલા કોર્પોરેટરને ચોર સમજીને તેમની સાથે મારપીટ કરી હતી. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ ‘આ તો આપણા કોર્પોરેટર છે’ એવો ફોડ પાડતાં મારામારી અટકી હતી. બાદમાં કોર્પોરેટરનું ગલગોટાનો હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોર્પોરેટરે વધુ એક બાંકડો મુકાવવાનું વચન આપી વિદાય લીધી હતી.
  • નિવૃત્ત અંકલે ૮૫ વર્ષની વયે ‘વોટ્સએપ યુનિવર્સિટી’માંથી પીએચ. ડી. કરી યુવાનો સમક્ષ દાખલો બેસાડ્યોઃ હાલના સમયમાં જ્યારે આપણું યુવાધન રીલો જોવામાં સમય વેડફી રહ્યું છે ત્યારે એક સિનિયર સિટિઝને ૮૫ વર્ષની વયે ‘વોટ્સએપ યુનિવર્સિટી’માંથી પીએચ. ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી છે. નિવૃત્ત એવા આ સિનિયર સિટિઝને સોસાયટીથી લઈને બગીચા સુધીના દરેક બાંકડે બેસીને ‘વોટ્સએપ યુનિવર્સિટી’માં નિરંતર અભ્યાસ કરીને ‘સામાજિક મૂલ્યોમાં ધોવાણ વચ્ચે રાષ્ટ્રનિર્માણનું મહાઅભિયાન’ વિષય પર સંશોધન કર્યું હતું. ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ‘વોટ્સએપ’ પર ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ, સામાજિક પરિવર્તનો વિશે પોસ્ટ પ્રસારિત કરતા વિવિધ આઇ. ટી. સેલના સભ્યોનો આભાર માન્યો હતો. સમાચાર સમાપ્ત થયા.

સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ