પ્રિયકાન્ત મણિયાર

એ લોકો કાપડના તાકાના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય
ત્યારે વાર વાર વેચે છે.

એ લોકો ધાનના ગોદામો ભરી રાખે છે.
પછી જ્યારે ભૂખ્યા માણસ સડી જાય
ત્યારે કિલો કિલો વેચે છે.

એ લોકો દવાની શીશીઓ ભરી રાખે છે.
પછી જ્યારે માણસ મરી જાય
ત્યારે ટીપે ટીપે રડે છે.

એ લોકો નથી – એ તો છે
ચલણી નોટો ખાતી ઉધઈ.

મારે કવિ નથી થવું – મારે તો થવું છે
ઊધઈ મારવાની અસરકારક દવા.

(૨)

અવિનાશ વ્યાસ


દયાના સાગર થઇ નેકૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવડાવો
પણરામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણરામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમેક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જેણે
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ  રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
દશમંથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો