સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

આષાઢમાં આકાશ તૂટ્યું‘થી આગળ

છ-સાત મહિના ગયા. લોકો બાબા પાસે મારા માટે પ્રસ્‍તાવ લાવવા લાગ્યા. કોઈકે છ સંતાનવાળો વિધુર બતાવ્યો! આ જાણે ઓછું હોય તેમ તેમની ઘરની પરિસ્થિતિ ઘણી પાતળી હતી. મેં ભગવાન પાસે પ્રાર્થના કરી અને માનતા રાખી, “હે ઈશ્વર, જિંદગીભર મારાં લગ્ન ન થાય તો ચાલશો, પણ આ જગ્યાએ તો મારાં લગ્ન કદી થવા ન દેશો.’ ભગવાને મારી પ્રાર્થના સાંભળી. મારાં નસીબ એવાં કે મારા માટે આવા ને આવા જ પ્રસ્‍તાવ આવવા લાગ્યા. હું ઘણી કંટાળી ગઈ. સોના જેવા મારાં ચાર ભાંડુડાં ગયાં તેને બદલે ભગવાને મને બોલાવી લીધી હોત તો કેટલું સારું થાત!

હવે તો અમારો ઓર્ડરલી પણ મારી ટીખળ કરવા લાગ્યો. ‘મોટી બહેનનાં લગ્નમાં ડબ્બા ખખડાવીશું, અને દમુબહેનનાં લગ્નમાં મોટો બૅન્ડ લાવીશું.’ મને ઘણો ગુસ્સો આવતો, અને કહેતી, “અરે, એવું હોય તો ઘાસલેટના ડબ્બા ખખડાવવા જેવો યોગ કરી લાવ ને! હું તો એમાં પણ રાજી થઈશ.’

આવો યોગ આવ્યો નહિ.

બાબાની નિવૃત્તિની તારીખ નજીક આવવા લાગી. તેમને મારાં લગ્ન ઘણા હોંશથી કરવાં હતાં. તેમણે ઘણા પ્રયત્નો કર્યા, છતાં ક્યાંય સફળતા ન મળી. હું પણ એવી અભાગણી કે ક્યાંક વાત ચાલે કે કોઈક અડચણ વચ્ચે આવતી. મારાં લગ્ન તો ન થયાં, પણ બાબાની રિટાયરમેન્ટની તારીખ આવી ગઈ. અમે બધાં વિજાપુર ગયાં.

મારા પિતરાઈ કાકા જે અમારી કોંકણની જમીનનો વહીવટ જોતા હતા તેમનું વડોદરા ખાતે અવસાન થયું. તેમને બે દીકરા અને એક દીકરી હતાં. અમારા પિતરાઈ કાકાની પશ્ચાત તેઓ જ અમારી જમીનનો વહીવટ જોતા હતા. બાબાએ વિચાર કર્યો કે ગામ જઈને જમીનની હાલત જોઈ આવીએ. અમને બધાંને બાઈજીમાસીને ઘેર મૂકી બાબા, કાકી અને બા વતન ગયાં. ગામ જઈને તેમણે જમીનો જોઈ. અમારાં મકાન તો વેરો ન ભરાવાને કારણે સરકારમાં ખાલસા થયાં  હતાં. જમીનની દુઇ જોઈ તેમને ઘણું દુઃખ થયું. વંશપરંપરાગતની જમીનો હોવાથી બધાં ખેતરો અને વાડીઓની હજી પણ અમારા પિત્રાઈઓ સાથે સંયુક્ત માલિકી હતી, તેથી તે લોકો કોંકણ આવીને જે મળે તે ઊપજ લઈને બેસી જતા હતા. અમારા તરફથી જોનારું તો કોઈ હતું નહિ, અને મારી બા અને બાબાએ તો તેમના પર પૂરો વિશ્વાસ મૂક્યો હતો.

બાબાએ ઝીણવટથી જમીનના કાગળપત્ર અને દસ્તાવેજ જોયા ત્યારે ખબર પડી કે અમારાં કેટલાંક ખેતર પિતરાઈએ. ગિરવી મૂક્યાં હતાં, જેની અમને કોઈને ખબર પડવા દીધી નહિ. એક મહિનો ત્યાં રહ્યા પછી બાબા, કાકી અને બા પાછાં વિજાપુર આવ્યાં, અને મને અને દમુને વડોદરાથી બોલાવી લીધાં.

અમને વિજાપુર જઈને માંડ થોડા દિવસ થવા હશે ત્યાં બાઈજીમાસીએ બાને સંદેશો મોકલ્યો કે લીલાને લઈને તાબડતોબ વડોદરા આવો. તેમણે મારા માટે એક મુરતિયો નક્કી કર્યો હતો, અને તે લોકો મને જોવા માગતા હતા. બાબા આ સાંભળીને ખુશ થયા અને બાની સાથે મને તરત વડોદરા જવાની વ્યવસ્થા કરી આપી.

અમે વડોદરા પહોંચ્યાં અને ઘેર જઈને જોયું તો બાઈજીમાસી અમે પહોંચીએ તે પહેલાં જ ત્યાંથી પલાયન કરીને મુંબઈ જતાં રહ્યાં હતાં! બાને એટલો સખત આઘાત લાગ્યો કૈ તે માંદી પડી ગઈ. સતત તાવ આવવો શરૂ થઈ ગયો.

બાઈજીમાસી પર બાબા ઘણા ગુસ્સે થતા. બાની પાછળ પડીને તેમણે અમારું વડોદરાનું ઘર વેચાવ્યું તેની બાબાને ખબર પડવા ન દીધી. એટલું જ નહિ, પણ ઘર વેચ્યા બાદ આવેલી રકમમાંથી બચેલા બધા પૈસા નાનાજીનું ગિરવી રાખેલું મકાન છોડાવવાના સબબથી બાઈજીમાસીએ લઈ લીધા હતા અને તેમાંની પાઈ પણ પાછી આપી ન હતી. વળી નાનાજીને ઘેર જેટલો વખત રહ્યા તે દરમિયાન બાને ગૌરવથી જીવવાની તક આપી ન હતી. અંતે અમને આશરો બાબાએ જ આપ્યો. કેવળ આશ્રય નહિ, બા મોટાં ભાભી હતાં તેનું માન રાખી માતા જેવું સ્થાન આપ્યું હતું. અમારા માટે બાબા અને કાકીએ જેટલું કર્યું એટલું કોઈએ ન કર્યું. જ્યારે બાઈજીમાસી – મારાં સગાં માસીએ પોતાનો સ્વાર્થ સાધવા સારાસાર વિવેક બુદ્ધિને તિલાંજલિ આપી હતી.

બીમાર બાની સાથે અમે વડોદરા બાઈજીમાસીની પાછા આવવાની રાહ જોઈને બેસી રહ્યાં. તેઓ તો પાછા આવવાનું નામ જ લેતાં નહોતાં, તેથી બા અને હું બાના પિતરાઈ ભાઈને ઘેર રહેવા ગયાં. બાનો તાવ ઊતરતો નહોતો તેથી તે મામીને ઘરકામમાં જોઈએ એટલી મદદ કરી શકતી ન હતી. પરિણામે તેને મામીનાં મહેણાંટોણાં અને આડકતરી રીતે બોલાતા અપમાનજનક શબ્દો સાંભળવા પડતા. આની પરાકાષ્ઠા થવા લાગી અને મને તેનું અત્યંત દુઃખ થતું. જ્યાં સુધી બા તનતોડ મહેનત કરી લોકોને મદદ કરી, તેમનાં બધાં ઘરકામ સંભાળી લેતી હતી ત્યાં સુધી તે તેમને વહાલી લાગતી હતી. આમાં મીઠી વીરડી સમાન અપવાદ ફક્ત મારાં બાબા અને કાકી હતાં. તેમણે તો બાને માતા ગણીને સ્નેહ આપ્યો હતો અને મને અને દમુને દીકરીઓનું સ્થાન.

બાની સ્થિતિ જોઈ મને અપાર દુઃખ થયું. મારે લીધે જ તેને આ વિટંબણા સહન કરવી પડી હતી. અને માંદી પડી ગઈ હતી. પિતા પાસેથી અમને રતીભાર સુખ નહોતું મળ્યું. બા બધાંનાં મન અને માન સાચવીને અમને સંભાળતી હતી. એના દુઃખનો આજે વિચાર કરું છું તો મન અને હૃદય કંપી ઊઠે છે, વિદીર્ણ થઈ જાય છે. લગ્નની ઉમરે પહોંચેલી બે સમજુ અને શાણી દીકરીઓનાં અવસાન તેણે જોયાં હતાં. દિયરનાં નાનાં નાનાં બાળકોનાં નિધન તેણે જોયાં હતાં. આ જાણે ઓછું હોય તેમ તેના નસીબમાં હું હતી. મારાં લગ્ન થતાં નહોતાં તેની તેને ઊંડી વ્યથા હતી. મારા માટે બાની છાયા એક વિશાળ વટવૃક્ષ જેવી હતી. થતું, ભલે મારાં લગ્ન ન થાય, ભલે મારી પાસે બીજું કશું ન હોય, પણ મારી પાસે મારી મા છે ને! પણ હું ક્યાં એટલી ભાગ્યવાન હતી!

મારા કમભાગ્યે બાની માંદગી વધવા લાગી. બાઈજીમાસીના કોઈ સમાચાર નહોતા. અમે હજી મારા પિતરાઈ મામાને ઘેર હતાં. પરાયા ઘરમાં માંદા પડેલા મહેમાનને પથ્ય-પાણી ક્યાંથી મળે? મામા પર મારો વધારાનો બોજો હતો એવું

લાગતાં બાને તેમની પાસે મૂકી હું એકલી વિજાપુર ગઈ.

બાબા બાહોશ પોલીસ અધિકારી હતા, તેથી સૌરાષ્ટ્રના એક નાનકડા દેશી રજવાડાએ તેમને ફોજદાર તરીકે તેમના રાજ્યમાં કામ કરવા નિમંત્રણ આપ્યું. હું તો એકદમ ગભરાઈ ગઈ બાને એકલીને વડોદરા મૂડીને સૌરાષ્ટ્ર જવાનું થાય તો તેનું કોણ ધ્યાન રાખે? અમારા ‘મહાન’ બાઈજીમાસી થોડાં જ તેને પોષવાનાં હતાં? અને થયું પણ એવું જ. બાબાને સૌરાષ્ટ્રમાં નોકરી મળી છે એવું સાંભળતાં જ બાઈજીમાસી તાબડતોબ મુંબઈથી વડોદરા પાછા આવી ગયાં અને બાની હાલત ગંભીર હતી તો પણ તેને લઈ વિજાપુર મૂકી ગયાં. અમારા બાબા પોતાનાં માતૃતુલ્ય ભાભીને કોઈની પાસે છોડીને જાય તેવા હતા જ નહિ, તે બાઈજીમાસી જેવાં માણસ કેમ સમજે? એક તો બાની બધી મિલકત માસીએ. પચાવી પાડી હતી, અને બાની આવી બીમાર હાલતમાં જબરજસ્તીથી વિજાપુર મૂકીને જવા લાગ્યાં ત્યારે બાથી રહેવાયું નહિ. બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો. નાનાજીનું ઘર છોડાવવા માટે બાઈજીમાસીએ પૈસા લીધા હતા તેમાંની એક પણ. પાઈ તો તેમણે બાને આપી નહિ તે નહિ જ, પણ બાના પૈસાથી છોડાવેલા નાનાજીના મકાનની પછીતમાં મોટી ખુલ્લી જમીન હતી તે પણ. તેમણે ચૂપચાપ વેચી નાખીને ઘણા પૈસા ઊભા કર્યા હતા જેનો તેમણે કોઈને – અરે, પોતાની સગી માને – મારાં નાનીને – પણ હિસાબ આપ્યો નહોતો.

બાએ. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારા પૈસા મને મળવા જ જોઈએ. બાઈજીમાસીએ, ઘણી આનાકાની કરી. અંતે તેમણે ચારસો રૂપિયા કાઢચા, પણ બાને આપવાને બદલે તેમના પિતરાઈ ભાઈને આપ્યા અને તેમને કહ્યું, “આ પૈસા લીલાનાં લગ્ન માટે રાખજો.’ બાકી હિસાબ આપવાની વાત માસીએ. ઉડાવી નાખી,

બાને રડતી મૂકી વડોદરા ઊપડી ગયાં, આવાં હતાં અમારાં સગાં માસી!


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com