ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

જિગીષા દિલીપ

મિત્રો,

તમે પંખીની ભાષા જાણો છો? આજે એક સરસ વાક્ય વાંચવામાં આવ્યું “તમારે પંખીની ભાષા જાણવી હોય તો તેમને પાંજરાંમાં ના પૂરો પણ ઝાડ વાવો.” કેટલી સરસ વાત ! પાંજરાંમાં તમારે એક જ પક્ષી સાથે વાત થાય, તે પણ તેને ગુલામ બનાવીને એટલે તેના સ્વતંત્ર મિજાજની મજા તો તમે માણી જ ન શકો.

સમુદ્રાન્તિકેમાં ધુ્વદાદાનો નાયક ઘોડા પર સવારી કરી દરિયા કિનારે ફરવા નીકળે છે.

ત્યાં તેમને દરિયાનાં ખારાપાટ પર બાવળની વાડ કરી હતી એ નૂરભાઈ મળી જાય છે. પહેલાં પક્ષીઓને બેસવા ત્યાં એકે ઝાડવું નહોતું. હવે આ બાવળની વાડ પર બગલા બેસે છે. બાવળનાં ઝાડમાં બુલબુલ પણ માળા કરે છે. પોતે બાવળની વાડ કરી અને તેનાં પર પક્ષીઓ બેસે – એ નૂરભાઈને ખુદાને કહેવા જેવું કામ કર્યું હોય તેમ લાગે છે. પોતાના પિતાના સમયમાં અહીં લીલાછમ્મ  જંગલ હતા જે અત્યારે લગભગ વેરાન જેવા થઈ ગયાં છે, કહીને તે ઉદાસ થઈ જાય છે.

આ સીધા સાદા માનવીઓમાં જંગલો, વૃક્ષો અને પ્રકૃતિનો પ્રેમ તો જુઓ ! પોતે આ કાંટાંની વાડ કરી તેને અલ્લાતાલ્લાની ખેરાત ગણાવે છે. જંગલ અને ઝાડવાં સાથે પ્રેમ છે માટે એમ વિચારી શકે છે કે, ‘ઝાડ હોય તો જ પક્ષીઓ આવે.’

નાનકડા ઘાટીલા, કાળા, લાંબી પૂંછડીવાળા કાળોકોશીની વાત નૂરભાઈ પાસેથી જાણીને તો આપણે પણ ખુશ થઈ જઈએ.

તેમની પાસે કાળોકોશીની વાત સાંભળીને મને થયું કે, દરેક સ્ત્રીએ કાળોકોશી બનીને જીવવું જોઈએ. નૂરભાઈ કહે છે, ”કાગડા,સમડાં, અરે! શિકારી બાજ-બિલાડો આવી જાય તો પણ આ પંખીડું બાખડે. કાં પોતે મરે કાં શીકારી બાજ-બિલાડાને ભગાડે” નૂરભાઈ કાળોકોશીનું બીજું નામ જમાદાર છે એનું કારણ આપતા સમજાવે છે કે, એ દાદાગીરી કરતું પંખી છે એટલે એને જમાદાર નથી કહેવાતું પણ એ જમાદારની જેમ પોતાનાં માળાની રખેવાળી કરવાની સાથે સાથે બીજા શિકારી પંખીથી ડરતાં હોય એવાં નાનાં પંખીઓની પણ રક્ષા કરે છે એટલે મોટાભાગે નાનાં પક્ષીઓ કાળોકોશીના માળાની નીચે પોતાનાં માળા કરે છે.

કાળોકોશીને ઉદ્દેશી નૂરભાઈ કહે છે” કાતિલથી બીવે નૈં ,ને કોઈ નાનાંને રંજાડે નૈ, એનું નામ જમાદાર” અને તે સાથે જ માણસની વાત કરતાં પૂછે છે “કોઈથી બીવે નૈં ,ને કોઈને બીવરાવે નૈં એવા આદમી આ મલક માથે કેટલા જડે?”

ગામડામાં રહેતા માણસોની વાતો કરતા નાયકના શબ્દો દ્વારા ધ્રુવદાદા જાણે પોતાના મનની વાત કરતા હોય એમ કહે છે, “પ્રકૃતિનાં આ નાનાં -નમણાં સર્જનો તરફ નૂરભાઈ જે રીતે સંબંધ અનુભવે છે તેવો હું અનુભવી શકતો નથી.”

બીજી સરસ વાત નૂરભાઈ કહે છે ,”વરસાદ આવે ત્યારે જો દૂધરાજ પક્ષી જોવા મળે તો તેમના માટે અલ્લાની રહેમ થઈ કહેવાય.”

નૂરભાઈ પક્ષીઓને કેટલું વહાલ કરે છે તે તેમનાં એકજ વાક્યમાં સમજાઈ જાય તેમ છે.એ બોલે છે, ”એક પરિંદુ ઊડેને આંખો મલક જીવતો થઈ જાય, ઈ કાંય ઓછો જાદુ છે.”

નૂરભાઈનો પક્ષીપ્રેમ જોઈ મને પેલું જાવેદ સાહેબે રેફયુજી પિક્ચરમાં લખેલું ગીત અને ગીત પહેલાનાં ડાયલોગ યાદ આવે છે, ”ભગવાનનાં બધાં સર્જનમાં આપણે માનવને ઉત્તમ ગણીએ છીએ, પણ તેના બીજા સર્જનો પણ અનોખા છે તેને સમજીએ ,જાણીએ તો ઘણું બધું સમજાય. જાવેદ સાહેબના જ શબ્દોમાં જોઈએ,

“ઉપરવાલેને અપની મહોબત કે સદકેમેં ,
હમ સબકે લિએ યે ધરતી બનાયી થી,
પર મહોંબતકે દુશ્મનોને ઉસ પર લકીરેં ખીંચકે સરહદેં બના દી
પંછી નદિયા પવનકે ઝોકેં ,કોઈ સરહદ ન ઈન્હેં રોકે
સરહદ ઈન્સાનોકે લિયે હૈં,
સોચો તુમને ઔર મૈનેં ક્યા પાયા ઈન્સા હો કે,”

 પક્ષીઓની ભાષા જાણીએ તો આપણને પણ સમજાઈ જાય કે ઉપરવાળાનાં દરેકે દરેક સર્જનમાં પ્રભુએ નોખી જ ભાત ભરી છે.

નાયકનાં શબ્દો દ્વારા ધ્રુવદાદા નૂરભાઈને પક્ષી વિશારદ કહે છે.અને નૂરભાઈનાં પક્ષીપ્રેમ પર વારી જાય છે.આ સમુદ્રને કિનારે વસતાં લોકોનો પ્રકૃતિપ્રેમ જોઈને  ધ્રુવદાદા પણ ગાઈ ઊઠે છે,

‘ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ
કવિઓ તો અઘરું ને જાજું બોલે છે,
ચાલ સહેલું ને થોડું કંઈ માણીએ

ટિટોડી કકળીને કહેતી પણ હોય કે આ આખું તળાવ મારું આણું
એમાં જો કલકલિયો ઊંધો પછડાય અને સોંસરવું પાડી દે કાણું
કાળોકોશી તો એને શીખવવા બેસે કે ચાલો કલકલિયાને મારીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ

બગલાનું કહેવું કે આખા તળાવ કોઈ આણાંમાં માંગે એ કેવું?
ચકલી કે’ અમને તો આટલુંક આપેલું, ધૂળ મહીં નાહ્યાની જેવું
પોપટ કાં પારેવાં બોલતાં રહે કે આવા ઝઘડાઓ ઘરમાં ના ઘાલીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ.’

ધ્રુવદાદાએ આ એક નાના ગીતમાં તળાવ કિનારે બેસી ટિટોડી, કલકલિયો ,કાળોકોશી, બગલો, ચકલી, પોપટ, પારેવા બધાંની અંદર અંદરની વાત કહી પંખીનાં મેળાની મોજ આપણને કરાવી દીધી છે. દરેક પક્ષીની આગવી વિશેષતા જણાવી તેમની ભાષા સમજાવી દીધી છે.પંખીની ભાષા જાણવાની મોજ જુદી જ છે.