હરેશ ધોળકિયા

જુઓ તો ખરા ! ૨૦૨૪નુ વર્ષ પણ પૂરું થઇ ગયું. હજી તો કાલે આનંદ થતો હતો કે આહા, ૨૦૨૪નુ વર્ષ શરુ થયું છે અને આ વર્ષ ખૂબ માણશું. અને હજી તો માણવાની શરૂઆત કરીએ ત્યાં તો તે પૂરું પણ થઇ ગયું. અને લ્યો, નવા વર્ષના પણ એકવીસ દિવસ ચાલ્યા ગયા.

ખેર ! તો હવે કલ્પના કરીએ કે આ ૨૦૨૫નુ વર્ષ કેવું જશે !

આજ સુધીના બધા વર્ષોનું પૃથકકરણ  કરીએ તો ખ્યાલ આવશે કે બધા વર્ષો લગભગ સમાન જ જાય છે. જતા હોય છે. એટલે, એ સંદર્ભમાં, નવું વર્ષ પણ લગભગ એવું જ જશે. એ જ ઘોંઘાટ, એ જ લડાઈઓ, એ જ સંકુચિતતાઓ, સંસદ અને વિધાનસભાઓમાં તીવ્ર રાગ દ્વેષો, ધર્મમાં ગાદી માટે કોર્ટ કચેરીઓ, રાજકારણમાં ચારિત્ર્ય હનન, વિવિધ પદો માટે હુંસાતુંસી, ઝડપી પૈસા મેળવવા માટે ટૂંકા રસ્તા શોધવા અને પછી પસ્તાવું, વગેરે.

સમગ્ર જગતમાં આવું બધું જ રહેશે.  છાપા અને ટી.વી આ બધાથી જ ઉભરાશે અને વાચકો અને જોનારાઓને ત્રાસ આપશે.

પણ હા, વિજ્ઞાન અને ટેકનોલોજી વાત કરીએ તો આ વર્ષ દરમ્યાન હજી પણ નવી નવી શોધો કરવાનું ચાલુ રાખશે. વિજ્ઞાન શોધોનું ભૂખ્યું છે. તેને પળે પળે નવા નવા અજાણ્યા      વિસ્તારોમાં જવાની અને સંશોધન કરવાની જબરી જિજ્ઞાસા છે. એટલે, આ વર્ષ દરમ્યાન માનવ જીવનમાં હજી પણ નવી સગવડો વધશે. આરોગ્ય ક્ષેત્રે પણ રોગોને દૂર કરવાની અને માનવને ઝડપથી સ્વસ્થ કરવાની શોધો થશે. આ વર્ષે કેન્સર મટાડવાની દવા આવે તેવી મોટી શક્યતા છે. સાથે માણસનું આયુષ્ય વધારવાના પણ તીવ્ર પ્રયાસો ચાલે છે. તેમાં પણ કૈંક ઉત્તમ પરિણામ મળશે એવી પણ આશા રાખી શકાય. એક જ વિજ્ઞાન એવું ક્ષેત્ર  છે જે માનવ કલ્યાણ માટે સતત વિચારે છે. અલબત, આ શોધો જાય છે અભણ અને સ્વાર્થી લોકોના હાથમાં, એટલે તેનો દુરુપયોગ થાય છે જે ફરી માણસને જ નુકશાન કરે છે. પણ તેમાં  વિજ્ઞાનનો વાંક નથી. માણસની બેવકૂફી જવાબદાર છે. એટલે આ વર્ષ દરમ્યાન માનવ જીવનમાં સુખ  સગવડો વધશે એ ખાતરી.

પાયાનો મુદો છે વ્યક્તિગત જીવનમાં સુખ અને આનંદ વધશે ?

ફરીથી, બહારના સંદર્ભમાં તેને જોશું તો તે વધશે પણ અને નહિ પણ વધે. જ્યાં સુધી વ્યક્તિ “બીજા” પર પોતાના સુખનો આધાર શોધશે, ત્યાં સુધી સુખ મળશે જ તેની ખાતરી ન આપી શકાય. વડીલોને તેના બાળકો વૃદ્ધાવસ્થામાં  સાચવશે કે ઘરડા ઘરમાં મૂકી આવશે તે નક્કી ન કહી શકાય. વૃદ્ધો જો સામેથી જ, સંતાનો પાસેથી કોઈ જ આશા રાખ્યા વગર, વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જશે, તો દુ:ખી નહિ થાય અને સંતાનો પ્રત્યે કડવાશ નહિ જન્મે. નવી પેઢીના સંતાનો, તરુણો, માતા પિતાને સતત તાણમાં રાખશે એ પણ નક્કી છે. તેમની અપેક્ષાઓ બહુ જ ઉંચી છે અને વડીલોની આવક તેને સંતોષી શકે તેવી નથી. સંતાનને ભણવું છે પરદેશમાં અને બાપની આવક તો સરકારી શાળા કે  કોલેજમા ભણાવી શકે તેટલી જ છે. આ મુદો સંઘર્ષ જન્માવશે. સંતાનને નેવું હજારનો મોબાઈલ જોઈએ છે, જે લઇ દેવાની વડીલ પાસે તાકાત જ નથી. એટલે વડીલ પણ સતત તાણમાં રહેશે કે કઈ પળે બાળક કઈ માગણી કરશે. અને માગણી પૂરી થયા પછી પણ બરાબર ભણશે કે કેમ તેની તો શંકા જ રહેશે. તો બાળક એટલે તાણમાં  રહેશે કારણ કે વડીલ પોતાની અધુરી ઈચ્છા બાળક પૂરી કરે તેવો હઠાગ્રહ રાખશે. આમ ત્રણે પેઢીમાં સતત તાણ જ રહેશે. કદાચ વધશે.

સમાજનો એક વર્ગ જ્ઞાતિ કે જાતિ કે ધર્મના રિવાજો વગેરે જળવાય તે માટે જરૂર પડશે તો ઝનૂની બનવા તૈયાર રહેશે. અને દિન પ્રતિદિન કોમવાદ વધતો જ જાય છે, એટલે તે પણ સમગ્ર પ્રજાને તાણમાં રાખશે. સત્તાધારીઓ તેને સળગાવતા રહેશે. ધર્મ અને સંસ્કૃતિના નામે પણ સૂક્ષ્મ ત્રાસ ફેલાતો રહેશે. એના કારણે સૌથી વધારે હેરાન તટસ્થ અને બુદ્ધિશાળીઓ રહેશે. તેમના પર સતત ભય રહેશે. આ સાથે ક્યાંક વધતી વસ્તી અને ક્યાંક ઘટતી વસ્તી પણ સમસ્યાનો મુદો રહેશે. જ્ઞાતિઓને અને બજારને ચિંતા છે કે વસ્તી ઘટશે તો જ્ઞાતિઓ નાબૂદ થઇ  જશે અને અર્થકારણને નુકશાન  જશે. એટલે તેઓ વધારે બાળકોનો  આગ્રહ રાખે છે. તો નવી પેઢીને પોતાની કારકિર્દી બનાવવી છે અને તેમાં બાળકો આડા આવે છે. માટે બાળક હોવા જ ન જોઈએ તેમ માને છે. નવી પેઢીની છોકરીઓ તો કારકિર્દી ખાતર લગ્ન કરવાનું પણ ઠેલે છે. કદાચે કરે અને પતિ પોતાના વિચારને અનુકૂળ ન થાય તો છૂટાછેડા લેવા પણ તૈયાર થઇ જાય છે. આ બધાના કારણે કુટુંબ જીવન સતત ભૂકંપના આંચકા   અનુભવશે . નવી, બજારલક્ષી, કારકિર્દીલક્ષી વિચારસરણી નવી પેઢીને નવી જ રીતે જીવવા પ્રેરે છે અને જૂની પેઢીને આંચકા પર આંચકા આપે છે. સમાજની બધી જ બાબતોનું શીર્ષાસન થઇ ગયું છે. ત્રણમાંથી એકે પેઢી નથી સમજી શકતી કે સત્ય  શું છે.

એ સંદર્ભમાં ૨૦૨૫નુ વર્ષ લગભગ માટે તાણયુક્ત જશે. બહારથી કદાચ હસતું મોઢું રાખશે, પણ અંદરથી સતત ખળભળતા  રહેશે. બહારથી આધુનિક દેખાતું દરેક ઘર અંદરથી તાણયુક્ત અને ચિંતાગ્રસ્ત હશે. વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક  અને આર્થિક બાબતો વચ્ચે કેમ સંતુલન રાખવું તે જ બધાનો આ વર્ષ દરમ્યાન મહત્વનો મુદ્દો હશે.

પણ  હા, આ બધા વચ્ચે જે લોકો તટસ્થ રહેશે, સાદગીભર્યું જીવન પસંદ કરશે, તુલનાત્મક જીવન નહિ જીવે, વિચારશીલ રહેશે, વિશાળતાને પસંદ કરશે, ધર્મ , જ્ઞાતિ, જાતિ, પક્ષ વગેરેથી દૂર રહેશે, કોઈ પણ ભેદભાવ વિના બધાને નિસ્વાર્થ ચાહશે, તેઓ ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ મસ્તીથી જીવશે. પાસબુક બદલે જેઓ ગીતાને પસંદ કરશે, તેઓ તો ખૂબ આનંદથી જીવશે. સાક્ષીભાવથી જીવશે, તેઓ વર્ષ દરમ્યાન આવનારી તકલીફો વચ્ચે પણ શાંતિથી જીવશે. પૈસા અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની આવશે અને પ્રેમને પસંદ કરશે તો પણ આનંદથી જીવશે. રાજકારણ અને શેરબજારથી અંતર રાખશે તો કોઈ તાણ નહિ ભોગવવી પડે. હા, બંનેને દૂરથી માણી શકે છે.

૨૦૨૫નુ વર્ષ આગળ લાખો વર્ષ ગયા તેવું જ જશે. શુભ અશુભ મિશ્રિત ! શું  સ્વીકારવું તે બાબતે વ્યક્તિની  પસંદગી જ તેને સુખી કે દુઃખી  રાખશે.

એટલે દરરોજ સવારે ભવિષ્ય ન વાંચવું, પણ  પોતાના મનનું અવલોકન કરવું. તો દિવસ કેવો જશે, અને વર્ષ પણ, તેનું પોતે જ ભવિષ્ય કથન  કરી શકશે,..

પોતે જ પોતાના દીવા બનવું એમ ભગવાન બુદ્ધ કહે છે.


( કચ્છમિત્ર : તા: ૫-૧-૨૦૨૫ : રવિવાર )

૦૦૦

શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com