ભીતરની દ્રષ્ટિ ખોલીશું ?

નીલમ  હરીશ દોશી

ગગનભણી શું ? બ્રમ્ભાંડોની પાર નીરખ ને
નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને

પ્રિય સખા,

હું નિરાકાર છું કે સાકાર..એવી કોઇ ચર્ચા શા માટે ? તને જે સ્વરૂપે ગમે એ સ્વરૂપે તું મને નિહાળી શકે છે. મને નિરાકારને તેં અનેક આકાર આપ્યા છે. જે બધા મેં હોંશે હોંશે સ્વીકાર્યા છે. દોસ્ત, મારે માટે મહત્વ સ્વરૂપનું નથી. મહત્વ છે તારી ભાવનાનું. હું તો વિદૂરની ભાજી કે શબરીના એઠા બોર પણ ખુશીથી ખાનારો. મારે તારા છપ્પનભોગની લાલસા નથી. પણ જો તું  મારા એકાદ ભૂખ્યા બાળકને પણ  પેટ ભરીને ભોજન કરાવી શકે તો મને તારા  છપ્પનભોગ પહોંચી ગયા એ સમજ. મારે તારા અન્નકૂટનો કોઇ ખપ નથી એ વાત મેં તને અનેક રીતે સમજાવવાની કોશિશ કરી છે. છતાં હજુ એ બધા દેખાડા આજે પણ અનેક જગ્યાએ થયા કરે છે અને એ પણ મારે નામે. દોસ્ત, તું જ જવાબ આપ..તારું કોઇ શિશુ ભૂખ્યું હોય ત્યારે તને એને મૂકીને સાત પકવાન આરોગવા ગમે ખરા ? તો મારા અનેક સંતાનો ચપટી અનાજ માટે ટળવળતા હોય ત્યારે કયા સુખે હું તારા ભોગ આરોગી શકું ? આ સાદી સીધી વાત દોસ્ત, મારે તને કયાં સુધી સમજાવ્યા કરવાની છે ?

દોસ્ત, તને જાણ છે કે  તારી  ઇન્દ્રિયો બહિર્મુખી અને અંતર્મુખી પણ છે. તને અહેસાસ છે કે તારી  ભીતર પણ કશુંક છે. જેમ જેમ એ અહેસાસ સઘન બનતો જશે તેમ તેમ તારી ભીતરની સૃષ્ટિ ખૂલતી જશે અને તને જાતે સમજાતું જશે કે તારું  અસલી રૂપ તો  કંઇક જુદુ જ છે. અને  જયારે  તને તારા  અસલીપણાની સહેજ પણ ગંધ આવતી થશે ત્યારથી તારે  માટે તારા પદ, નામ રૂપ પ્રતિષ્ઠા બધું ગૌણ બનતું જશે.

હે મારા પરમ મિત્ર, તારા ભીતરના રૂપાંતરની આ પ્રક્રિયા  વિસ્ફોટક  ઘટના છે. તારા ચિત્તતંત્રમાં પહેલાં એક સ્ફોટ થાય છે અને એ આગમાં અહંની સાથે બીજુ ઘણુ હોમાઇ જાય છે. ઇંડાનું કોચલું તૂટે છે, અને અંદરનું પ્રવાહી પાંખો ફફડાવતુ પંખી બનીને બહાર નીકળે છે. આ બીજ સ્ફોટક છે. બીજ ફાટે છે અને ભીતરથી કૂંપળ ફૂટી નીકળે છે. બીજમાં જ વૃક્ષ અને વૃક્ષમાં બીજ.એમ ચિત્તમાં જ ચૈતન્ય અને માનવચેતનામાં જ પરમ ચેતના છૂપાયેલી છે એ ભેદ ખૂલે છે. મૂળ સ્વરૂપને પામવા નવી દ્રષ્ટિ ખીલવવી પડે છે.હે મારા પરમ સખા, બસ આટલી વાત તું સમજી લે તો તારી જીવન નૌકાને કોઇ તોફાન અટકાવી નહીં શકે. એ સડસડાટ કરતી યોગ્ય દિશામાં વહેતી રહેશે. જયાં હું તારી પ્રતીક્ષામાં યુગોથી ઉભો છું. મારા દોસ્ત,તું  સાચી દિશા પકડ એની જ મને પ્રતીક્ષા છે.

લિ.ઇશ્વરના આશીર્વાદ

પ્રાર્થના એટલે…. જેમાં કશી જ માગણી ન હોય, હોય ફકત પરમાત્મા સાથેનો સંવાદ.

જીવનનો હકાર….

બંધ દરવાજાની ચિંતા કર્યા સિવાય ચાલતા રહો…નવો  દરવાજો આપોઆપ ખૂલશે.