વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
આથમતા સૂર્યના કિરણો નારિયેળીના વૃક્ષોની વચ્ચેથી ચળાઈને સાગરનાં પાણી પર રેલાઈ રહ્યા હતા. આકાશમાં ઘેરાયેલાં વાદળો જુદીજુદી આભા રચતાં હતાં. ક્યારેક જ્વાળા જેવા ભડકીલા તો ક્યારેક મોતની કાલિમા જેવા. ક્યાંક સોના જેવી ચમક તો ક્યાંક રક્તિમ લાલિમા.
ત્રાવણકોરના સાગરનું અફાટ સૌંદર્ય સૌને આકર્ષતું. આ ક્ષણે એ સૌંદર્યની જાદુઈ અસર મારાં મનનેમુગ્ધ કરી રહી હતી. ક્યારેક પશ્ચિમની હવાથી સાગરનું સ્થિર પાણી બાળકનાં ચહેરા પરનાં સ્મિતની જેમ આંદોલિત થઈ ઊઠતું. ક્યાંકથી વહી આવતા માછીની બંસરીના ધીમા સૂર સંભળાતા હતા.
મારી જેમ આ વાતાવરણથી સંમોહિત એવા મારા નાવિકે ખુલ્લા સાગર વચ્ચે આવીને હલેસાં પરથીહાથ હટાવી લીધા. નાવ એની મરજીથી હાલકડોલક થતી રહી. હું, એ નાવિક અને સાગર ખામોશ હતા. આ ખામોશી તોડવી ન હોય એમ હવાએ પણ જાણે શ્વાસ રોકી લીધો.
આથમતા સૂર્ય તરફ એકીટકે નાવિક જોઈ રહ્યો હતો. હવે તો ગામની વસ્તીથી, નારિયેળનાં ઝૂંડથી પણ દૂર, જાણે વર્તમાનથી પાછળ અજાણ્યા યુગ સુધી પહોંચી ગયા હતા. ઉપર વિશાળ ગગન, નીચે સાગરના ગહન પાણીની વચ્ચે એક નાની નાવ, આદમના જમાનાનો હોય એવો અર્ધ નગ્ન નાવિક અને હું.
નાવિક બુઢ્ઢો નહોતો છતાં ચહેરા પરની કરચલિયો જોઈને લાગ્યું કે, કોણ જાણે એણે કેવી લીલીસૂકીજોઈ હશે!
ત્રાવણકોરમાં ભાંગીતૂટી અંગ્રેજી બધા બોલતા, પણ એ સરસ હિંદુસ્તાની બોલતો હતો. મારે શોરબકોરથી અલગ એકલા જ રહેવું હતું. મને આ નાવિક માફક આવી ગયો.
નમી રહેલો સૂર્ય એની લાલિમા સમેટીને પળવારમાં પાણીમાં ગરક થઈ ગયો. જમીનથી આસમાન સુધી શ્વાસ રૂંધાય એવો મોતની કાલિમા જેવો અંધકાર ફેલાઈ ગયો. પળવાર પાછા ફરી જવાનું મન થયું, એટલામાં દૂરથી એક લાલટેન વહી આવતું દેખાયું.
નાવિકે હળવેકથી નાવ એ તરફ લીધી. દૂરથીય કળાયું કે, એ નાવમાં કોઈ સ્રી હતી. જરા પાસે જતા નાવિકે એ સ્ત્રી દેખાય, પણ એ અમને જોઈ ન શકે એવી રીતે નાવ થંભાવી.
પેલી સ્ત્રીએ નાવ થંભાવી હતી. લાલટેનના ઉજાસમાં મેલી સાડીમાં લપેટાયેલી દુબળી કાયાવાળી સ્ત્રીનો ચહેરો દેખાતો હતો. બીમાર હોય એવા પીળા ચહેરા પર, સૂકા હોઠો પર સ્મિત હતું. ચહેરો અંતરના ઉજાસથી ચમકતો હતો. ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ભગવાનના દર્શનની ઝંખનામાં પ્રતીક્ષા અને વિશ્વાસ હતો. એ કોઈ મલયાલી લોક ગીત ગાઈ રહી હતી.
“કોણ છે એ અને શું ગાય છે?”
“પ્રેમીની પ્રતીક્ષામાં આખી રાત દીપ પ્રગટાવીને ગવાતું અમારું લોકગીત છે.”
“આજે એનો પ્રેમી કે પતિ આવવાનો હશે નહીં?”
“એ આજે, કાલે કે ક્યારેય નહીં આવે. એને મરે વર્ષો થઈ ગયા. એ જાણે છે, પણ માનતી નથી. એણે હજુ આશા નથી છોડી. એનો પ્રેમી આવે તો રસ્તો ચૂકી ન જાય એ માટે કેટલાય વર્ષોથી એ લાલટેન લઈને આવે છે.”
નાવિકના અવાજમાં વ્યથા હતી.
“આ પ્રેમકથાની સાથે હિંદુસ્તાનની આઝાદીની દાસ્તાન જોડાયેલી છે. ૧૯૪૨માં જ્યારે દેશભરમાં ઇન્ક્લાબનો જુવાળ જાગ્યો ત્યારે ત્રાવણકોર એમાંથી બાકાત નહોતું. વિદ્યાર્થીઓથી માંડીને મજૂર, ખેડૂત, નાવિકો, માછીમારો રાજાશાહીની સામે થઈ ગયા. કોઈલોનના સાગરનું પાણી ભલેને અમારા લોહીથી રંગાઈ જતું, પણ અમે કામ નહીં કરીએ કહીને અહીંના હજારો નાવિકોએ હડતાલનું એલાન કર્યું. હજારો અનપઢ નાવિકો વતી જેણે એલાન કર્યું એ કૃષ્ણા અમારો નેતા હતો. એ ભણેલો હતો છતાં અમારી જેમ નાવ ચલાવતો. ત્રિવેન્દ્રમાં રહીને લીડરોની વાતો સાંભળીને એય ભાષણો આપતો. ખડતલ અને દેખાવડો હતો. કોઈલોન ટાપુથી ત્રણ માઇલ તરીને રાધાને મળવા આવતો. એનું નામ રાધા નહોતું, પણ કૃષ્ણા એને રાધા જ કહેતો. ખરેખર રાધા–કૃષ્ણ જેવી જોડી હતી. બંનેના વિવાહ થયાં ત્યારે એકને છોડીને સૌ ખુશ હતા” કહીને, ચૂપ થઈને નાવ ચલાવતો રહ્યો.
હવે મારી ધીરજ રહી નહીં.
“વર્ષો પહેલાં રાધા અત્યંત સુંદર દેખાતી હશે નહીં?”
“અત્યંત સુંદર હતી. લાંબો સુડોળ દેહ, ચમકદાર ચહેરો, આંખોમાં આ સાગર જેવી ગહેરાઈ, અહીં તો શું આસપાસના ગામમાં એનાં જેવી કોઈ સુંદર યુવતી નહોતી.”
“પછી થયું શું?” મને રાધાના સૌંદર્ય કરતા કૃષ્ણાના અંજામ વિશે જાણવામાં રસ હતો.
“થવાનું શું હોય? કૃષ્ણાના જોશીલા ભાષણોને લીધે પોલીસ એની પાછળ પડી. એને પકડવા કેટલાય પ્રયાસો કર્યા, પણ એ હાથ ન લાગ્યો. સંતાતો રહીનેય એ કામ કરતો રહ્યો. અંધારામાં તરીને એ રાધાને મળવા આવે છે અને સવારે પાછો વળી જાય છે એની પોલીસને ખબર નહોતી. દિવસો સુધી એને શોધતી પોલીસ લોકોની મજાકને પાત્ર બની..
“કૃષ્ણાને સૌનો સાથ હતો સિવાય એક. એ એક જેને રાધા પ્રત્યે ખૂબ પ્રેમ હતો એટલે એ કૃષ્ણા માટે સતત ઈર્ષાથી સળગતો રહેતો.”
“પછી?”
“અમાસની રાતે એને રસ્તો દેખાય એટલે આજે આવી એવી રીતે રાધા લાલટેન લઈને આવી. એ રાતે કૃષ્ણા રાધાને મળવા એ આવ્યો તો ખરો, પણ રોશની નહોતી. રાધાનું લાલટેન ઓલવાયેલું હતું.”
“કેમ, સાગરમાં તોફાન હતું?”
“બસ, એવું જ કંઈક. પણ એ તોફાન સાગરમાં નહીં એક બેઈમાન આદમીના મનનું હતું. એણે દગાખોરીથી લાલટેનની રોશની ઓલવીને દોસ્તને મોતના હવાલે કર્યો.”
“અરે, પણ આવી દગાખોરી કોઈ કેમ કરે?”
“પ્રેમ માટે. એ પ્રેમ નહીં બીમારી હતી. પાગલપન હતું. એને ખબર હતી કે, રાધા કૃષ્ણા સિવાય કોઈની સામે પણ નહીં જુવે. છતાં ઈર્ષાની આગમાં એણે દોસ્તની હત્યા કરી દીધી.”
“ઓહ, તો કૃષ્ણા ડૂબ્યો નહોતો, એની હત્યા થઈ હતી?”
“એ રાતે લાલટેન ઓલવવું એ હત્યા જેવું જ હિચકારું કામ હતું. એને ખબર હતી કે, કૃષ્ણાના મોતથી એનું ભલું નથી થવાનું અને હવે એ અધમના અપરાધનું ભૂત એના મન પર હાવી થઈને દિવસની શાંતિ અને રાતની ઊંઘ હરામ કરી રહ્યું છે.
“કૃષ્ણાના મોત પછી પોલીસના ખોફથી સૌએ હડતાલનો અંત આણ્યો.”
“રાધાને એના મોતની જાણ થઈ તો એણે શું કર્યું?”
“આજ સુધી એણે કૃષ્ણાના મોતની વાત સ્વીકારી નથી. આજ સુધી કૃષ્ણાની લાશ પણ મળી નથી. એ રોજે નાવમાં લાલટેન લઈને આવે છે, પાછી જઈને આખી રાત ઝૂંપડીમાં કૃષ્ણાની રાહ જુવે છે.”
“જેણે કૃષ્ણાને મોતને હવાલે કર્યો, આઝાદીની લડત સામે દગાખોરી કરી અધમનું શું થયું?”
નાવિક સવાલનો જવાબ આપ્યા વગર નીચા મોઢે, ચૂપચાપ નાવ ચલાવતો રહ્યો, પણ એની ખામોશીમાં જાણે ગુનેગારની છાયા અને કૃષ્ણાના મોતનો ઓથાર હતો.
કિનારે નાવ ઊભી રહી ત્યારે આસમાનમાં હજારો તારા ચમકતા હતા. સાગર તરફ જોયું તો અધવચ્ચે કૃષ્ણાની પ્રતીક્ષામાં રાધાનું લાલટેન એક તારાની જેમ ચમકતું હતું. રાધા આજે, કાલે, એ પછી પણ આમ જ પ્રતીક્ષા કરતી રહેશે અને એનો પ્રેમ તારાની જેમ ચમકતો રહેશે.
હંમેશાં…..હંમેશાં….
અંધકારમાં હું કૃષ્ણાને એના મજબૂત હાથોથી પાણી ચીરતો રાધાને મળવા જતો અનુભવી રહ્યો.
ખ્વાજા અહમદ લિખીત વાર્તાનો ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
