કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
ન કરે નારાયણ ને આપણે બીમાર પડી જઈએ, તો પ્રથમ અનુભવે સમજાયેલા ઘરગથ્થુ ઉપચારોથી સ્વસ્થ થઈ જવાના પ્રયત્નો કરતા હોઇએ છીએ. અને એ જો કારગત ન નીવડે તો આયુર્વેદ કે એલોપોથીના ટીકડા, કેપ્સ્યુલ, ફાકી, ઇંજેક્શન કે સિરપ લેવાની જરૂર પડી જાય છે. અને એ બધું મળે છે તો મેડિકલ સ્ટોરમાં જ ને ? પણ તે લેવા આપણે સીધા દવાઓની દુકાને ન જતાં ડૉક્ટરો પાસે કેમ જઈએ છીએ ? કારણ કે રોગનું નિદાન કરાવ્યા વિના દવાઓ ભલે તે બહુ કિંમતી ગણાતી હોય, પણ લઈએ તો નુકસાન કરે છે. મુખ્ય તો રોગનું નિદાન થવું જરૂરી છે. મેડિકલ સ્ટોરો દવાઓ વેચે છે. નિદાન કરવું તેની શક્તિ બહારનું કામ છે. છતાંએ કોઇ મેડિકલ સ્ટોરનો સેલ્સમેન ડૉક્ટરોના પ્રીસ્કીપ્શન વગર દવાઓ આપવા માંડે તો એ લેવાની આપણે મુર્ખાઇ કરીશું ખરાં ? એને તો પોતાનો માલ વેચવો છે. આપણા રોગની દવા એની પાસે ન હોય તોયે એ ‘ના’ નહીં પાડવાનો ! અને ક્યારેક એ લેવાની ગાંડાઇ કરી વાળી હોય તો એવુંયે બનવાનો પૂરો સંભવ ખરો કે ઉધરસની પીડા મટાડવા જતાં હાથ ધોરણું [ઝાડા] થઈ જાય ! એટલે આવી ગાંડાઇ તો આપણે નહીં જ કરવાના ખરું ને ! પણ મિત્રો ! આપણે ખેડૂત ભાઇઓ આવી ગાંડાઇ કરીએ છીએ. કેવીરીતે સમજાવું.
મનુષ્ય જેવું જ વનસ્પતિનું : આપણે ખેડૂત ભાઇઓ વાડીમાં ઊભેલ મોલાત, પછી તે કપાસ હોય કે કારેલા, મગ હોય કે મગફળી, ફૂલછોડ હોય કે ભલેને હોય ફળઝાડ ! આખરે તો બધાં છોડવા કે ઝાડવાં છે તો જીવતાં જ ને ! માણસોમાં જેમ નાના-મોટા દર્દો ક્યારેક વાતાવરણના બદલાવથી, તો ક્યારેક ખોરાકી ચીજોના વધુ-ઓછા વપરાશથી ઊભા થતા હોય છે. તેવું જ આપણા પાલતુ પાકોમાં તેને અપાતાં પોષણ-પાણીની છત-અછત કે વાતાવરણીય ફેરફારો અને પાકની અંદર ફરતી-ભમતી ઝીણી-મોટી જીવાતો કે ફુગ-વાયરસ જેવાના અતિક્રમણથી તેનાં મૂળ, ડાળી, છાલ કે ફૂલ-થડ સુધ્ધાંને નાના મોટી ઇજાઓ થઈ,તેના વ્યવસ્થિતરીતે ચાલી રહેલા જીવનચક્રને ખોરંભે પાડે તેવાસંકટોનું આવી જવું સાવ સહજ છે ભલા !
આપણો ભય : આવા વખતે આપણને એવો ભય લાગી જવો સ્વાભાવિક છે કે આપણા મોલને જો આ મુસીબતમાંથી નહીં ઉગારીએ તો એના થકી મળનારાં ઉત્પાદનમાં ફટકો પડ્યા વિના નહીં રહે ! આપણે એને તકલીફથી મુક્ત તો કરવો જ પડે.
આપણે શું કરતા હોઇએ છીએ ? આવું બને કે તરત આપણે ઝટ ઝટ એગ્રો [દવા-બિયારણની દુકાન] વાળાની પાસે પહોંચી જવાના ! અને ચીજ વસ્તુનું વેચાણ કરવા બેઠેલ વ્યક્તિ જે દવાઓ આપે તે લઈને છાંટવા વળગી પડવાના.
એક અનુભવ : અમારી વાડી પંચવટી બાગે જતાં રસ્તાની બાજુએ ગુંદાળા ગામની સીમ આવે છે. 2013 ના ચોમાસે એક દી’ વાડીએ જતાં એ સીમવાળાએ મને વચ્ચે રોક્યો, અને તેઓ તેમનો કપાસ જોવા લઈ ગયા તો મોટાભાગનો કપાસ લંઘાતો-મૂરજાતો ભળાયો. મેં પૂછ્યું- “આમ થવાનું તમને ક્યુ કારણ જણાયું છે ? અને તમે આ શું છાંટો છો ?” તો કહે, “ એગ્રોવાળાએ ફુગ લાગી હોવાનું કહીને આ ‘બાવીસ્ટીન’ દવા છાંટવા આપી છે, તે છાંટીએ છીએ.” “ તમે કોઇ નવીન સારવાર આપી હતી ? ક્યારથી આમ લંઘાવા માંડ્યો છે કપાસ?” એમ પૂછ્યાથી કહે, “ બસ ! આજ ત્રીજો દિવસ છે. ઓણ સાલ કપાસ બેક નાનો રહી ગયો છે એટલે યુરિયા થોડું વધારે આપ્યું છે. પણ ખાતર દીધા ભેળી આ મોંકાણ શરૂ થઈ છે.” મેં ઘડીભર થોડો વિચાર કરી, બે-ત્રણ છોડ ખેંચી તેનાં થડ તપાસ્યાં, અને થડ પર પડી ગયેલા ડાઘા જોઇ પૂછ્યું “ યુરિયા છોડવાના થડિયાને અડકે એમ તો નહોતું આપ્યુંને ?” તો તેઓ કહે-“ હા, હા, એમ જ ! અમે તો છોડવો ખાતર જલ્દી ઉપાડે એટલે જુઓને આઠ દી’ પહેલા વરસાદના વળતા દિવસે પવન ખૂબ ફુંકાયેલો તે છોડવાને ફેરવી ફેરવી,થડિયાં ફરતે ગોળ ગોળ જે કુંડાળા-ખાડા થઈ ગયા હતા એમાં જ યુરિયા ભરી દીધું હતું.” …… વાત સમજી શકાય એવી છે ને કે થડની ફરતે, થડને અડીને આપેલ યુરિયાની થડ પર દાહક અસર થઈ. દુ:ખતું હતું પેટ, ને કુટાવ્યું માથું ! વાંધો યુરિયાની દાહક અસરનો અને છંટાવ્યું બાવીસ્ટીન ! કપાસનું અને ખેડૂતનું જે થવું હોય તે થાય-પોતાની દુકાનેથી માલ વેચાયો એટલે રાજા ! એની પાસે જે માસ્ટરી છે તેમાં તે થઈ જાય પાસ !
આ તે ક્યાંનો ન્યાય ? મેં સર્વે કર્યો છે. તમે પણ કરી જોજો ! એગ્રો ચલાવનારાઓમાંના બે-પાંચ ટકાને બાદ કરતાં બાકીના બધાં એગ્રોનોમી, ઇંસેક્ટીસાઇડ્ઝ કે પેસ્ટીસાઇડ્ઝના જાણકાર નથી હોતા. હા, તેઓની પાસે એની નીપુણતા જરૂર હોય છે કે દુકાનમાં વેચાતી વસ્તુઓ ક્યાંથી અને કોની પાસેથી ખરીદી હોય તો સસ્તી મળે અને કોને, કઈ રીતે અને કેવા પ્રલોભનો આપી વેચી હોય તો વધુમાં વધુ નફો મળે ? એની સમજાવટની કળા તો જૂઓ ! “ આ બેય બાટલામાંથી બે બે ઢાંકણાં દવા અને એક બાકસનું ખોખું આ ધોળો પાવડર પંપમાં નાખી છોડવાને ધમારી નાખો ! જીવડાં ન મરે તો હું બેઠો છું તમ તમારે !”
આવાના આધારે ચાલીએ અને જીવાત ન હટે તો દોષ કોનો ? આપણા નફામાં તો દવા છાંટવા ખભા તોડ્યા અને નાણાંનો વેડફાટ કર્યો એ જ રહ્યું ને ! નિદાન વિના દવા કરાવનારા મૂરખાઓમાં આપણે ખેડૂત ભાઇઓ ખરા કે નહીં ?
હવે સમજાયું હશે કે પાક “કંઇક માંદો થયો છે” એવું ઊભડું નિદાન કરી, એગ્રોવાળા વગર જોયે જે ચીંધે તે દવા છાંટવી કે પાકને રોગ લાગ્યો છે કે જીવાત, કે તેને ખોરાક-પાણી બાબતે અડચણ પડી છે ? તે વિશે પાક્કું નિદાન કરવું ?
પોતે જાણકાર બનવું : મોલાતની અંદર આંટો મારતા કે માવજતના કાર્યો કરતાં પહેલી નજરે એવું જોવા મળે કે “માળું ! મોલાતમાં જે રંગ, રૂપ, કોળ અને પોરહ ભળાવા જોઇએ એ કેમ ભળાતાં નથી ? એનાં ડોકાં કેમ હરખાતાં નથી ? અરે, એનાં પાંદડાં કેમ ઢીલાં પડી ગયાં છે ? અરે…અરે ! આ પાંદડાં અને ડાળીઓ પર જીવાતોની હરફર દેખાય છે કે શું” ? આવો કોઇક ને કોઇક અણઘટતો ફેરફાર થયેલો ભળાય એટલે તરત એની નજદીક જઈ, ઝીણવટથી તેનાં અંગ-ઉપાંગો તપાસી તેને શું તકલીફ પડી રહી છે તે તપાસવું પડે. ખરું કહીએ તો પોતાના મોલના પોતે જ ડૉક્ટર બનવું પડે ! ખબર છે ને મિત્રો ! લડાઈ લશ્કર નહીં, સેનાપતિ જ લડતો હોય છે. રેસમાં ઘોડો નહીં, એનો અસવાર જ દોડતો હોય છે. અસવાર બદલાઇ જાય તો સારામાં સારો ઘોડો પણ હારી જાય. ખેતી કેવી થશે એનો આધાર ખેતી કરનાર ખેડૂત કે વ્યવસ્થાપક ખેતીની આનુસંગિક બાબતોમાં કેટલી તજ્જ્ઞતા-સક્ષમતા ધરાવે છે તેના પર નિર્ભર હોય છે મિત્રો !
વનસ્પતિમાં બીમારી આવવાનાં કારણો : સામાન્યરીતે આવાં ચાર કારણો એની બીમારી પાછળ રહેતાં હોય છે.
[1] ……હવા-પાણી અને પ્રકાશમાં વધુ પડતી ઘટ કે વધ ઊભી થવી.
[2]…….જીવન જરૂરી મુખ્ય,ગૌણ અને સુક્ષ્મ ખોરાકી તત્વોની લભ્ય માત્રામાં કમી ઊભી થવી. [3]…….પાક પર નભનારાં કેટલાંક જીવડાં\કીટકો દ્વારા તેને થતું નુકસાન.
[4]…….ફુગ, વાયરસ કે બેક્ટેરિયા જેવાના નુકસાનકારક રોગી હુમલા.
એટલે જાગૃત ખેડૂતે ઉપરોક્ત કારણોમાંથી ક્યા કારણસર આપણો મોલ મુશ્કેલીમાં મુકાયો છે તેનું પાક્કું નિદાન કરવું પડે અને નિદાન થયા પછી તેનો શો ઉપાય હોઇ શકે તેની માહિતી આપણી પાસે હોવી ઘટે. હા, આવું બનવાની પૂરી શક્યતા છે કે આપણામાં આવા રોગો અને મુંઝવણોને ઊંડાણથી પારખવાની ક્ષમતા શરૂ શરૂમાં ન પણ હોય ! તો આવા વખતે શું ? મુંઝાઇને બેસી રહેવું ?
તેના નિષ્ણાંતોનો અભિપ્રાય લઈએ : જો આપણી જાણમાં કોઇ, સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો ઉપાય કરવો તેની વિગત મેળવીએ. અને નહીં તો તાલુકા કે જિલ્લાના ખેતી વિસ્તરણ વિભાગો, કૃષિ યુની.ના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રના વિષય નિષ્ણાતોની ટીમ કોઇ પણ જાતનો ચાર્જ લીધા વિના જરૂરી માર્ગદર્શન આપવા ખડેપગે તૈયાર હોય છે. આપણે તેનો લાભ લેવાનું ગોઠવવું પડે.
આજે એવા કેટલાય કૃષિ વિષયક સલાહકેંદ્રોના ટેલીફોનના ફ્રી નંબરો ઉપલબ્ધ છે. આપણી પાસે લેંડલાઇન ફોન, અરે ! હવે તો દરેક પાસે ફોટા પાડી શકાય તેવા મોબાઇલ ફોનની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે આંટો મારતાં નજરે ચડેલ તકલીફવાળા છોડ-ઝાડની બીમારીનું વર્ણન કરવું, અને જરૂર જણાય તો બીમાર મોલાતના ફોટા પાડીને પણ તેને મોકલી શકાય. અરે ! ક્યારેક વધુ મુંઝવતા અણીના સમયે છોડ-ઝાડના દર્દવાળા ભાગોના જીવંત નમૂના લઈને રૂબરૂ જવું પડે તો જઈને પણ તેની સલાહથી મળનારા લાભની સરખામણીએ ખર્ચેલું ટીકીટભાડું અને વિતાવેલ સમયની કિંમત નહીંવત ગણાય.
એકવાર જો નિદાન પાક્કું થઈ જાય કે મોલાત અમુક ચોક્કસ જીવાત કે કોઇ ચોક્કસરોગનો ભોગ બની છે, એટલે તેને કાબૂમાં લેનારું બાણ નિશાન ચોક્કસ વીંધે છે.તેથી આપણે ખ્યાલફેર કદી ન થવા દઈએ કે એગ્રોની દુકાન એ એકમાત્ર ખેડૂતો માટેનું સલાહકેંદ્ર નથી. એ ખેતીને લગતી ચીજ-વસ્તુઓ વેચતી દુકાન છે. જરૂર પડે રોગ-જીવાત અંગેનું નિદાન તો નિષ્ણાત પાસે જ કરાવાય, અને એણે ચીંધેલા પોષકતત્વો, હોર્મોંસ કે રોગ-કીટકની દવા એગ્રોમાંથી લાવી, તજજ્ઞશ્રીએ સૂચવેલા પ્રમાણ અને કહેલ રીત પ્રમાણે ઉપયોગમાં લેવાય.તો ઓછા ખર્ચે અને ઓછી મહેનતે પાકને નરવ્યો કરી શકાય.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
