હરેશ ધોળકિયા

ભારતના એક ઉત્તમ વ્યક્તિ એવા ડો. મનમોહનસિંહે વિદાય લીધી.

સ્વતંત્રતા પછી રૂઢીચુસ્ત ભારતને આધુનિક ચહેરો આપવાનું કામ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કર્યું. તેમની આજે સમજ્યા વિના ખૂબ ટીકા થાય છે કે તેમણે સમાજવાદની વિચારસરણી અપનાવી દેશને નુકશાન કર્યું. દેશને પછાત રાખ્યો. પણ આજે જે ક્ષેત્રોમાં દેશ ગૌરવ લે છે, અવકાશ, અણુ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઈન્સ્ટટયુટ ઓફ મેનેજમેન્ટ વગેરે, તે બધા નેહરુએ શરુ કર્યા. ઉત્તમ ડેમો બાંધ્યા. બીજી પણ અનેક ઉત્તમ સંસ્થાઓ સ્થાપી અને ઉત્તમ લોકોને તે સોંપી ઉત્તમ કામો કર્યા. અને ટીકા કરનારાઓ ભૂલી જાય છે કે તેમણે જયારે દેશનું સુકાન હાથમાં લીધું, ત્યારે દેશ અનેક કટોકટીથી પીડાતો હતો. પાંચ હજાર વર્ષની પરંપરાઓનો બોજો હતો. મોટા ભાગની પ્રજા તદ્દન રૂઢીચુસ્ત અને નિરક્ષર હતી. મોટા ભાગના નેતાઓને, જેમાંના કેટલાક તો તેમના જ પ્રધાન મંડળમાં મંત્રી હતા,  તો જુનવાણી ધર્મગ્રસ્ત રાજ્ય વ્યવસ્થા જ  જોતી હતી. આ બધાનો તેમને સતત સામનો કરવાનો હતો. નાણાકીય સ્થિતિ પણ ખરાબ હતી. વિભાજનના કારણે ભયંકર પ્રશ્નો હતા. લોકશાહી દેશ માટે અજાણ્યી બાબત હતી. આવા વાતાવરણમાં નેહરુએ ધીમે ધીમે લોકોને તૈયાર કર્યા. શાંત ચૂંટણીઓ કરાવી. ક્રમશ: વિકાસ થતો ગયો. તેમના બદલે બીજો કોઈ સામાન્ય નેતા હોત તો ભારતની લોકશાહી ટકી શકી હોત કે કેમ તે પણ શંકા છે. નેહરુ અને સરદારે ભારતને અને લોકશાહીને બરાબર મજબૂત કર્યા. તેમના વિઝનના કારણે આજે આપણે પ્રગતિ કરી શકયા  છીએ.

અને તેમના પછી બીજા આવ્યા નરસિંહરાવ. તેમણે  મનમોહનસિંહની બુદ્ધિની મદદથી ભારતની સમગ્ર આર્થિક સ્થિતિને નવો જ વળાંક આપ્યો. દેશને સમાજવાદથી ખસેડી ઉદારીકરણ અને વૈશ્વિકરણ તરફ દોર્યો. તેના કારણે આજે આપણે વિશ્વ કક્ષાએ સ્વસ્થ રીતે પ્રગતિ કરી શકીએ છીએ. પછીની સરકારોને આ બધાનો લાભ મળ્યો અને પ્રગતિ ઝડપી બની છે. આપણે પ્રગતિમાં ત્રીજા ક્રમે આવી ગયા છીએ. અવકાશ વગેરેમાં તો કલ્પનાતીત કામ કરીએ છીએ. પણ આ બધાનો યશ મનમોહનસિંહને અને તેમના કલ્પનાશીલ વિઝનને જાય છે.

અને છતાં બિચારા મનમોહનસિંહ સતત ગાળો ખાતા રહ્યા. સતત તેમની ટીકા જ નહિ, નિંદા પણ થતી રહી. તેમનું જેટલું ચારિત્ર્યહનન થાય તેટલું કરાયું. પણ તે શાંત અને ચૂપ રહ્યા. તે  કોઈ રાજકારણી તો હતા નહિ કે સામે ગાળાગાળી કરે. તે તો પૂર્ણ સજ્જન વ્યક્તિ હતા. તેમને ખબર હતી કે પોતે શું કામ કર્યું છે અને તેના શું લાભ દેશે ભોગવ્યા છે.

પણ  જેવી તેમણે  વિદાય લીધી કે ગાળો આપનારાઓને ભાન થયું કે પોતે ખોટી નિંદા કરી હતી. એટલે એ બધાનો અચાનક હૃદય પલટો થયો અને તેમની પ્રશંસા કરવા  લાગી ગયા. જેણે તેમના પર હાસ્યાસ્પદ ફિલ્મ[1] બનાવી હતી તેણે  પણ માફી માગી.

પ્રતિભાશાળી લોકોની આ જ નિયતિ છે. તેમના સમયમાં તેમની પ્રતિભાને મોટા ભાગના સામાન્ય લોકો ઓળખી શકતા નથી. તેમની પ્રતિભા સામે પોતાની સામાન્યતા ખુલ્લી પડી જાય છે એટલે આવા તદ્દન સામાન્ય લોકો રઘવાયા થઇ જાય છે અને પરિણામે તેમનું સતત ચારિત્ર્યહનન કર્યા કરે છે. અને આ નેહરુ કે ગાંધીજી કે મનમોહનસિંહ પુરતું જ નથી. વિશ્વના બધા જ પ્રતિભાશાળી લોકો માટે છે. રામ, કૃષ્ણ કે યુધિસ્થિરથી માંડીને આજના ગાંધીજી કે વિનોબા કે રઘુ રાજન સુધી આ બાબત ચાલુ રહી છે.

કારણ એક જ. સમાજમાં એસી ટકાથી વધુ લોકો સામાન્ય બુદ્ધિથી જીવે છે. વિચાર કરવાની કે વિઝન જોવાની કે વિશાળ થવાની તેમને તાલીમ જ નથી મળતી. કુટુંબ, જ્ઞાતિ કે ધર્મના સાંકડા વર્તુળમાં  તેઓ જીવ્યા કરે છે. તેને જ તેઓ પૂર્ણ માને છે. કૂવાના દેડકા જેમ કૂવાને જ મહા સાગર માને છે. અને જયારે મહા સાગરના દેડકા સાથે ભેટો થઇ જાય છે અને મહા સાગરની વિશાળતાની વાતો સાંભળે છે, ત્યારે તેમને મહા સાગર જોવાની ઈચ્છા તો નથી થતી, પણ મહા સાગરના દેડકાને હેરાન કરવાની અને, બને તો, મારી નાખવાની ઈચ્છા થાય છે જેથી પોતાનું  સંકડાપણું જળવાઈ રહે. પણ હમેશ તો બધાને મારી ન શકાય, એટલે તેમનાં ચારિત્ર્યનું સતત હનન કરે છે.

પણ આ સામાન્ય લોકોને એ ખબર નથી કે તેમની આ દુષ્ટ પ્રવૃતિથી પ્રતિભાશાળી લોકોને એક ક્ષણ ગેરફાયદો નથી થતો. તેઓ તો પ્રતિભાશાળી જ રહે છે, પણ તેમની આ હરકતોથી  સમાજ પછાત રહે છે. સમાજ અને દેશની પ્રગતિને હાની પહોંચે છે. અને, હાસ્યાસ્પદ બાબત તો એ છે કે, ગમે તેવી નિંદા પછી પણ સામાંન્યોને પ્રતિભાશાળી કે તેમના વિચાર વિના એક પળ પણ ચાલતું નથી. મનમોહનસિંહની બધી જ યોજનાઓને ઉતારી પડ્યા પછી પણ છેવટે તો એ બધી જ, નીચા  મોએ,  ચાલુ રાખવી પડી છે.  નેહરુના બધા જ કાર્યો આજે પણ ચાલુ છે અને તેના કારણે જ દેશનું ગૌરવ વધે છે. ગાંધીજીના વિચારોને ફરજિયાત અપનાવવા પડે છે.

કારણ ? કારણ કે આ બધું પ્રતિભાશાલીઓના ભેજામાંથી નીકળ્યું હતું. એ શાશ્વત હતું. આજે પણ શાશ્વત છે. તેમને અપનાવ્યા વિના છૂટકો નથી. તાલીબાનો સામે પણ બંદૂક તકાય છે ત્યારે તેમને પણ ગાંધીજી જ યાદ આવે છે.

બસ, આ જ પ્રતિભાશાલીઓની મજા છે. સામાંન્યો માટે તેઓ અનિષ્ઠ હોવા છતાં અનિવાર્ય છે. એટલે જ જયારે તેમની નિંદા થતી  હોય છે, ત્યારે કુદરત હસતી હોય છે.

મનમોહનસિંહ પોતાની પ્રતિભાની મદદથી ભારતની સિકલ ફેરવી ગયા છે. તેમણે  જે એક પછી એક યોજનાઓ આપી, જેવી કે મનારેગા, આધાર કાર્ડ, માહિતીનો  અધિકાર, વગેરે, તે બધી જ આજે પણ એટલી જ ઉપયોગી છે. તેની મદદથી જ આજે દેશની અનેક યોજનાઓને આગળ વધારવામાં આવે છે.  મનમોહનસિંહ ભારતને વૈશ્વિક ચહેરો આપી ગયા છે. અત્યારે જે પ્રગતિ થાય છે, તે તેમના ખભા પર થાય છે.

આજે પણ અદ્ભુત પ્રગતિ થાય છે, પણ, લોકોના મનમાં ઠસાવવામાં આવે છે તેમ,  એ કોઈ મૌલિક કે પહેલી વાર થતી પ્રગતિ નથી. આગળના વડાઓના કાર્યોને નવા સંદર્ભમાં આગળ વધારવામાં આવે છે. લાખો વર્ષ પહેલા કોઈ ગુફાવાસીએ અગ્નિ સળગાવ્યો  કે પથ્થર ગબડાવ્યો, તેના પરિણામે આજે અણુની શોધ થઇ છે કે બીજા ગ્રહોમાં જવાના પ્રયત્નો થઇ શકે છે. દરેક પછીની પેઢી   આગળની પ્રતિભાશાળી પેઢીના વિચારોને તત્કાલીન સંદર્ભમાં આગળ લઇ જાય છે.

એટલે કોઈ પ્રતીભાશાલીની નિંદા એ હકીકતે તો નિંદા કરનારની ક્ષુદ્ર બુદ્ધિનો જ પરિચય આપે છે. અને એટલે જ એ પોતાની  ક્ષુદ્રતાને સમજી શકતો નથી.

આવા સામાંન્યો  માટે જ ઈશુ ખ્રિસ્તે કહ્યું છે ને કે, “ પ્રભુ તેમને માફ કરો, કારણ કે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા  છે. “   એવાઓની દયા ખાવી !


                                                        ( કચ્છમિત્ર : તા : ૧૯-૧-૨૦૨૫ : રવિવાર)

૦૦૦

[1]


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com