સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘ પૂર્વાષાઢા ‘થી આગળ
હું વડોદરા આવી ત્યારે થોડી આશા હતી કે હું નિશાળે ફરીથી જઈ શકીશ. પણ માસી તો પોતાના કામમાં અને બાળકોમાં મશગૂલ હતાં. તેમને મારી જરા પણ પડી નહોતી. તેમને ત્યાં ગયા બાદ ન તો તેમણે મારા શિક્ષણનો વિચાર કર્યો કે ન તો નિશાળમાં દાખલ કરાવી. દરરોજ સવારે હું મામાને ઘેર મામીને મદદ કરવા જતી, અને સાંજે પાછી માસીને ત્યાં. મારા દિવસ આમ વ્યતીત થવા લાગ્યા. આમ ને આમ છએક મહિના કાઢયા બાદ મને બા, વેસુબાબા અને કાકીને ત્યાં પાછા જવા મળ્યું. થોડા દિવસ બાદ કાકીને બીજો દીકરો જન્મ્યો. તેનું નામ રજનીકાંત રાખ્યું. રમાકાંત અને રજનીકાંત એવા રૂપાળા હતા, જાણે રામલક્ષ્મણની જોડી જોઈ લો!
મારા બાબા ફોજદાર હતા. તે જમાનામાં એવો રિવાજ હતો કે દિવાળી જેવા તહેવારે ગામના મોભાદાર લોકો એકબીજાને ત્યાં મીઠાઈના થાળ અને ખોખાં ભરીને ફટાકડા મોકલતા. અમારે ત્યાં પણ એટલા પ્રમાણમાં મીઠાઈ આવતી કે ઘરમાંના મોટા મોટા ડબા છલોછલ ભરાઈ જતા. અહીં અમને ખાવા-પીવાનું ઘણું સુખ હતું, પણ અમારા આનંદના દિવસોનું ખરું કારણ અમારાં કાકી હતાં. તેમનો સ્વભાવ અત્યંત સુંદર અને પ્રેમાળ હતો તેથી અમારો તેમને ત્યાં નિભાવ થયો. બાનું વય કાકી કરતાં ઘણું મોટું હતું, તેથી બા તેમને પોતાની દીકરીની જેમ સાચવતી. કાકી પણ મહત્ત્વનાં બધાં કામ બાને પૂછીને જ કરતાં. રમાકાંત મારી બા સાથે એટલો હળી ગયો હતો કે ન પૂછો વાત. આખો દિવસ તે બા પાસે જ રહે. પ્રસંગવશાત્ બાને વડોદરા જવું પડે તો તે પણ બાની સાથે જતો. હવે અમારા સુખના દિવસ આવ્યા હતા. મને ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ કરી, પણ થોડા દિવસ બાદ મારે પાછા વડોદરા જવું પડયું. બાઈજીમાસીની દીકરી – મારી મોટી મસિયાઈ બહેનને મુંબઈ જવાનું થયું, તેથી તેના સથવારા તરીકે મને બોલાવી લીધી. છ મહિના મુંબઈ રહીને પાછી વડોદરા આવી, અને ત્યાંથી પાટણ. ભણતર એક બાજુએ. રહી ગયું, પણ તે વખતે શિક્ષણ કરતાં કૌટુંબિક કાર્યમાં છોકરીઓ મદદે જાય તે વધારે મહત્ત્વનું ગણાતું.
બાબાની બદલીનો સમય થઈ ગયો હતો અને તેમની બદલી પાછી વિજાપુર થઈ. અમને વિજાપુર વધારે ગમતું. ઘરકામ કરવા માટે બે ઓર્ડરલી હતા. વિજાપુરમાં પાણીના નળ ન હોવાથી કૂવેથી પાણી ભરી લાવવું પડતું. આ કામ માટે પણ બાબાએ એક માણસ રખાવ્યો હતો.
અમે હવે વેસુબાબાને પિતા સમાન માનવા લાગ્યાં હતાં, અને હવે તેમને જ બાબા કહીને બોલાવવા લાગ્યાં હતાં.
બાબાએ મને ફરીથી નિશાળમાં દાખલ કરાવી. કાકી દરરોજ મારા વાળ ઓળી આપતાં, અંબોડામાં વેણી બાંધી આપતાં અને ઘણું વાત્સલ્ય આપ્યું. પ્રદેશ ફળદુપ હોવાથી દરેક સીઝનમાં થતાં ફળ બાબા ભરપૂર પ્રમાણમાં મંગાવતા. અમને ઘણી મજા આવતી. અમે ગમે ત્યારે કંઈ પણ ખાઈએ, ગમે તેટલું ખાઈએ. તો પણ કાકી કદી. નારાજ નહોતાં થતાં. ઘરમાં કશાને તાળું નહોતું લગાડતાં. અમે તો ધરાઈને ખાતાં હતાં, પણ કાકી તો આડોશીપાડોશીને ત્યાં પણ વસ્તુઓ મોકલતાં. બાબા તો ઘડો ભરીને દૂધ-ઘી મંગાવતા. બાપુજીના રાજમાં અમને ખાવા-પીવાનું સુખ કદી લાધ્યું નહોતું, તે હવે અમને બાબાના રાજ્યમાં મળવા લાગ્યું.
બાબા અમારી બાને ઘણું માન આપતા. બા અત્યંત પ્રેમાળ હતી અને કામઢી પણ એટલી જ. ઘરનું બધું કામ સહારય વદનથી કરતી અને સ્નેહથી બધાંનાં મન તેણે જીતી લીધાં હતાં. મારાં કાકી વયમાં નાનાં હોવાથી ઘરનાં સૂત્રો બાના હાથમાં સોંપી દીધાં હતાં. આજના યુગમાં વહુઓ સાસુને પણ ગણકારતી નથી, તો જેઠાણીની કોણ પરવા કરે? મારાં કાકી સાવ જુદી માટીનાં ઘડાયેલાં હતાં. તેઓ ઘણાં સમજુ અને ખાનદાન વૃત્તિનાં હતાં. નાનપણમાં તેમનાં મા સ્વર્ગવાસી થયાં હતાં. બાને તેનો ખ્યાલ હતો, તેથી બાએ તેમને એક માતાનો સ્નેહ આપ્યો. હવે તો તેઓ પણ અમારી બાને ‘બા’ કહીને બોલાવવા લાગ્યાં હતાં.
બાબાએ અમને ઘણો સ્નેહ આપ્યો, પણ તેમના વિચાર થોડા જૂની ઘરેડના હતા. આથી “ચોથી ચોપડી’ પાસ કર્યા બાદ અમે ઘેર બેસી ગયાં. છોકરીઓ બહાર જાય તે બાબાને ગમતું નહિ. કાકીને પણ કદી બહાર જવા મળતું નહિ. વરસેદહાડે ગામમાં કોઈ નાટકકંપની આવે ત્યારે અમને પાસ આવતા, અને. કંપનીનો મૅનેજર અમને પરાણે લેવા આવે ત્યારે અમે નાટક જોવા જતાં. આમ અમારા દિવસ આનંદથી વહેવા લાગ્યા.
અમારાં એક મોટાં ફોઈ વડોદરામાં રહેતાં હતાં. તેમની દીકરીને બાળક આવવાનું હતું તેથી ફોઈબાએ મારાં મોટાં બહેન વત્સલાબાઈને મદદ માટે બોલાવ્યાં. બહેન બે મહિના વડોદરા રહ્યાં અને સખત માંદાં પડ્યાં. બાબા તેમના માટે સારો વર શોધી રહ્યા હતા ત્યાં બીમાર હાલતમાં જ ફોઈબાએ વત્સલાબાઈને વિજાપુર પાછા મોકલી આપ્યાં. બે મહિનાની માંદગીમાં તો મારાં અઢાર વર્ષનાં પ્રેમાળ વત્સલાબાઈ પરલોક સિધાવી ગયાં. આમ બાની પાંચ દીકરીઓ તેની નજર સામે જ અવસાન પામી. બાના વિદીર્ણ થયેલા મન પર શી વીતી હશે તેની હું કલ્પના નથી કરી શકતી.
આમ સુખ અને દુઃખના ચક્રમાં અમારા દિવસો વ્યતીત થતા હતા.
મને હવે સોળમું વર્ષ બેઠું. બાબા મારા માટે “સ્થળ’ શોધવા લાગ્યા. તેઓ કહેતા, “જ્યાં સુધી હું અમલદાર છું ત્યાં સુધીમાં લીલાનાં લગ્ન નક્કી થાય તો તેનાં લગ્ન ઘણી હોંશથી ઊજવીશું.’
વડોદરાથી બાઈજીમાસી ખબર મોકલે કે તેમની નજરમાં કોઈ છોકરો છે કે અમે ત્યાં પહોંચી જતાં. ત્યાર બાદ મારી “વધૂ-પરીક્ષા’ થાય, વરપક્ષ તરફથી મને જોવા આવેલા લોકો મિજબાની જમે અને “નકાર’ આપીને જતા રહે. આમ દસેક જગ્યાએથી નકાર આવ્યા. બાબા વરપક્ષવાળા જેટલો માગે એટલો દાયજો અને રોકડા પૈસા આપવા તેયાર હતા, પણ ક્યાંય ઠેકાણું પડયું નહિ.
લોકો પણ કેવા સ્વાર્થી અને વિઘ્નસંતોષી હોય છે! એક વાર મને જોવા માટે વડોદરાથી કેટલાક લોકો વિજાપુર આવ્યા. અમારા ઉતારા પર બે દિવસ રહ્યા, મિજબાની જમ્યા અને કર્યું, વડોદરા જઈને અમે નિર્ણય જણાવીશું.’ તેમને નીકળવાને વાર હતી ત્યાં મારા નજીકના સગામાં એક માસી વિજાપુરમાં જ રહેતાં હતા. તેમણે કહ્યું, તમારા મહેમાન અમારા સગા થાય છે, તો તેમને અમે ચા-નાસ્તા માટે બોલાવવા આવ્યા છીએ.” મારી બા તો સરળ સ્વભાવની હતી, તેણે પોતાની માસીની દીકરી બહેનને કહ્યું, ઊ’એમાં પૂછવા જેવું શું છે? હું જ તેમને કહું છું.’ કહી તેમને આ નિમંત્રણ આપ્યું.
મહેમાનને ચા પીવાના બહાને લઈ જઈને મારાં આ મસિયાઈ માસીએ પોતાની લગ્નલાયક દીકરીની “વધૂ પરીક્ષા’ કરાવી નાખી! છોકરી વાને ગોરી હતી અને માસીએ. મીઠી મીઠી વાતો કરી તેમને પટાવી લીધા. આ વાતની અમને ગંધ પણ આવવા દીધી નહિ અને માસીએ. ચૂપચાપ સગાઈની તેયારી કરી નાખી.
અહીં અમે રોજ અમારા આ “મહેમાન’ના જવાબની રાહ જોતાં હતાં. આઠેક દિવસ બાદ આ જ લોકો વિજાપુર સગાઈ માટે આવ્યા ત્યારે અમને આ ષડ્યંત્રની જાણ થઈ. હદ તો ત્યારે થઈ કે વિજાપુરમાં તેમનાં લગ્ન લેવાયા ત્યારે અમને તેનું વિધિપુરઃસરનું આમંત્રણ આવ્યું, અને સંબંધને કારણે મારે તેમાં હાજરી આપવી પડી. મને તો થયું હતું કે આવાં સગાંનું મોં પણ ન જોવું, પણ બાની સગી માસીની દીકરીને ત્યાં લગ્ન હતાં, ત્યાં ન જઈએ તો અમારી ખાનદાની અને શિષ્ટતા લજાય. કમનસીબે. આગળ જતાં આવું ચાર-પાંચ વાર થયું. જ્યાં મારી વાત ચાલતી હોય ત્યાં મારી ફોઈની દીકરી માટે કે તેની બહેનપણી માટે મુરતિયો ઝડપી લેવામાં આવતો, અને પોતાનો સ્વાર્થ સાધી લેવાતો. આખરે કંટાળીને મારા માટે મુરતિયો શોધવાની મોહિમ સ્થગિત કરવામાં આવી.
મારાં કાકીને ત્રીજી દીકરી આવી. તે એક વર્ષની થઈ ત્યારે વિજાપુરમાં શીતળાનો ચેપ ફાટી નીકળ્યો. અમારા ઘરમાં પહેલો ભોગ બન્યો તે અમારો પાંચ વર્ષનો ભાઈ રજનીકાંત. ચોથા દિવસે એક વર્ષની નાની બહેનને. બાબા ડિસ્ટરિક્ટમાં ગયા હતા. દવાદારૂને બદલે ઘરમાં શીતળામાતાની પૂજા અને શાંતિ શરૂ થયાં.
ઠેઠ અમદાવાદથી પૂજા માટે કેટલો બધો. સામાન મંગાવ્યો અને જાપ શરૂ થયા. અમારો પાંચ વર્ષનો ભાઈ ઘણું સમજતો હતો. વારંવાર કહેતો હતો, “બેબીને મારી પાસે લાવતા નહિ. મને બીજા કોઈ ઘરમાં લઈ જાવ.’ ઘરમાં બધાં વિચાર કરવા લાગ્યા, બાબાના શરીરે માતા નીકળ્યાં છે, તેવામાં બીજા કોઈના ઘરમાં કેવી રીતે લઈ જવાય? ચોથા દિવસે બહેનની હાલત વણસી ગઈ. પ્રથમ તો તેની આંખો ગઈ, અને રાત પડતાં સુધીમાં તો તે ગુજરી ગઈ.
રજનીકાંતનો તાવ વધવા લાગ્યો. માતાને શાંત કરવા માટે સુવાસિનીઓ (સૌભાગ્યવતી સ્ત્રીઓ)ને ભોજન કરાવ્યું, પણ કશો ફાયદો થયો નહિ. બાબા હજી ડિસ્ટ્રિક્ટમાં જ હતા. નવમા દિવસે રજનીની તબિયત ગંભીર થઈ. એક સરખો પૂછતો હતો, “બાબા આવ્યા?’ સાંજે પાંચ વાગ્યાના સુમારે તેણે પ્રાણ ત્યજ્યા.
બે દિવસમાં અમારા પરિવારનાં બે બાળકો ગયાં. માતાજી ઘરમાં હોય ત્યારે રડવું અશુભ ગણાય તેથી દીકરી ગઈ ત્યારે કાકી રડી પણ શક્યાં નહોતાં, કારણ કે તે વખતે માતાજી પુત્ર રજનીકાંતના દેહમાં હાજર હતાં! જેમ તેમ કરીને અશ્રુનાં પૂરને અમે રોકી રાખ્યાં હતાં. મન રુદન કરી રહ્યું હતું, અને અમે તેને ગમે તેમ કરી શાંત રાખવાનો પ્રવત્ન કર્યો હતો. શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા – અમે ઘણી પ્રાર્થના કરી, પણ આ ભાઈલાએ અમને ધોખો આપ્યો. આટલા રૂપાળા, ગભરુ બાળને ભગવાન અમારી પાસેથી લઈ ગયા.
થોડી વારે બહાર રમવા ગયેલો તેનો મોટો ભાઈ રમાકાંત આવ્યો અને પૂછવા લાગ્યો, “બા, રજુ ક્યાં ગયો?”
રમાકાંતને સમજાવવાનો અમે ઘણો પ્રયત્ન કર્યો, પણ આટલા નાના બાળકને જીવન-મૃત્યુની સમજણ કેવી રીતે પાડી શકાય?
તેવામાં બાબા ડિસ્ટ્રિક્ટનું કામ પતાવી ઘેર પાછા આવ્યા. ઘરમાં વાતાવરણ એટલું દુ:ખપૂર્ણ હતું કે તેનું વર્ણન કરવું અશક્ય છે. બાબા ભાંગી પડ્યા. બાએ તેમને અને કાકીને ઘણું સાંત્વન આપ્યું. વિધિના લેખ કોણ ટાળી શકે છે? દિવસો વીતતા ગયા. અમે બધાં રમાકાંતને જોઈ દુઃખ વીસરવાનો પ્રયત્ન કરતા હતા.
છ મહિના બાદ દિવાળી આવી. રમાકાંતને ખાતર અમે દિવાળીની થોડીવસ્તુઓ ખરીદી. કાળી ચૌદશના દિવસે અમે બહેનોએ. મળી અમારા નાનકડા ભાઈલાને ઉબટન અને સુગંધી તેલ લગાડીને સ્નાન કરાવ્યું અને સુંદર કપડાં પહેરાવ્યાં. ભાઈ તૈયાર થઈને બાબા સાથે બહાર ફરવા ગયો.
બપોરના બારેકના સુમારે તેઓ ઘેર પાછા ફરતા હતા. જે રસ્તા પરથી તેઓ આવતા હતા, તેનો કોણ જાણે કેમ, લોકો ભાગ્યે જ ઉપયોગ કરતા. ભરબપોરનો સમય હતો. રસ્તામાં એક તરફ કૂવો હતો. અચાનક રમાકાંતે બાબાને કહ્યું, બાબા, જુઓ, કૂવાના કાંઠલા પર બેઠેલી પેલી બાઈએ કૂવામાં ભૂસકો માર્યો!
બાબાએ કહ્યું, ‘એક શબ્દ પણ બોલીશ મા, અને ચૂપચાપ મારી સાથે ચાલવા લાગ.’ પણ પેલું પિશાચ રમાકાંતની પાછળ પાછળ આવ્યું, કારણ ઘરમાં પેસતાંવેત રમાકાંતને સખત તાવ ચઢયો. દિવાળીના દિવસે તેની સ્થિતિ ભયંકર થઈ અને બોલવા લાગ્યો, “બાબા, જુઓ તો! પેલી કૂવામાંની બોબડી મારી પડખે બેઠી છે!’
અમને ત્યારે ખબર પડી કે આગલા દિવસે શી બીના બની હતી. વર્ષો પહેલાં એક સ્ત્રીએ પેલા કૂવામાં પડીને આપઘાત કર્યો હતો, અને લોકવાયકા હતી કે તેનું ભૂત ત્યાં હંમેશાં દેખાતું હોઈ કોઈ તે રસ્તાનો ઉપયોગ કરતું નહોતું. જે આ ભૂતને જોઈ જાય તેનો જીવ આ પિશાચીની લીધા વગર રહેતી નહિ, અને તેણે ઘણા લોકોના પ્રાણ લીધા હતા.
બેસતા વર્ષની પરોઢે અમારો સાત ખોટનો રૂપાળો ભાઈ પ્રભુદ્વારે ગયો. હજી તો એ સાત જ વર્ષનો થયો હતો.
દેવતાસ્વરૂપ બાબાને આ વયે રત્ન જેવા પુત્રના અવસાનનું દુઃખ ભોગવવું પડ્યું તેનો શોક આખા ગામને થયો. અરે, છ મહિનાની અંદર ત્રણ સંતાનો ગુમાવવાં એ કાંઈ નાનીસૂની ઘટના ન હતી. અમે બધાં શોકસાગરમાં ડૂબી ગયા. એટલો રૂપાળો અમારો ભાઈ હતો, અને અમે તેનાં કેટલાં લાડ લડાવતાં હતાં!
બે ટ્રંક ભરીને તો તેના માટે કપડાં સિવડાવ્યાં હતાં. કાળે રમાકાંતને લઈ જઈ અમારા કાળજાને ડામ આપ્યા. કાકીને નાની ઉમરે આટલું બધું દુઃખ ઝીલવું પડયું.
આમ અમારા દિવસો વહેવા લાગ્યા. સુખેદુઃખે દિવસો જતા હતા. બાબાના પહેલા ઘરની મોટી દીકરી હતી. રમાકાંત ગયા પછી કાકીને એક પછી એક ત્રણ દીકરીઓ આવી. સમય વીત્યા બાદ અમને થોડી કળ વળી હતી. હવે મારા માટે વર સંશોધનનું કામ ફરી હાથ પર લેવાયું. કમનસીબે જ્યાં જઈએ ત્યાંથી નકાર આવતો. વળી વધૂપરીક્ષા લેવા આવનારા “વડીલો’ મારી ખરેખર પરીક્ષા લેતા હોય તેમ મારી પાસેથી પુસ્તક વંચાવતા. છોકરીને ગાતાં તો આવડવું જ જોઈએ, તેથી મને ગીત ગાવાનું કહેતા. ત્યાર પછી મિજબાની જમી, ઘેર પાછા જઈ નનૈયો મોકલાવે! આમ જોવા જઈએ તો હું કુરૂપ નહોતી કે નહોતી. મને કોઈ ખોડખાંપણ. તેમ છતાં મારું કોઈ ઠેકાણું પડ્યું નહિ. આ મારા ભાગ્યનો દોષ, નહિ તો શું!
મારી બધી બહેનપણીઓનાં લગ્ન થઈ ગયાં હતાં, અને સાસરિયે પહોંચી ગઈ હતી. મારા મનમાં દુઃખનો પાર નહોતો. રૂઢિચુસ્ત વિચારોને કારણે બહાર આવવા-જવાની બંધી હતી તેથી આગળનું શિક્ષણ સુધ્ધાં બંધ થઈ ગયું હતું.
બાબાની ફરીથી બદલી થઈ. હવે અમે મહેસાણા આવ્યાં. અહીં પણ અમને સારો મજાનો બંગલો મળ્યો હતો. ઓર્ડરલી પણ ભલો માણસ હતો. પણ વિજાપુર જેવી અહીં મજા નહોતી. ગામડાગામમાં જે માનપાન મળતું તે આ મોટા શહેરમાં ક્યાંથી મળે? અહીં તો બધા જ મોટા અમલદાર હતા.
થોડા દિવસ એમ જ ગયા અને ફરીથી એક આઘાત લાગ્યો. બાબાના પહેલાં ઘરની દીકરી હતી તે હવે બાર વર્ષની થઈ હતી. તેને પોતાની જનેતાની સ્મૃતિ હતી અને તેમના પર અત્યંત સ્નેહ હતો. માતા ગયા પછી કોણ જાણે તેમની પાછળ ઝૂરતી હતી કે કેમ, પણ હંમેશાં બીમાર રહેતી. બા અને બાબાએ તેને એટલી સાચવી હતી કે ન પૂછો વાત. મા વગરની છોકરીને નાનાં કાકી અને અમે બહેનો ખૂબ સંભાળતાં, પણ અમારું વહાલ તેને કોઠે પડ્યું નહિ. બીમાર અવસ્થામાં જ તેનું નિધન થયું. અહીં એક વાત કહું. તેને લેવા ખુદ યમરાજ આવ્યા હતા. અમે બધા તેની અંતિમ ઘડીએ. તેની નજીક બેઠા હતા, તેણે બાબા તરફ મુખ કરી કહ્યું, “બાબા, જુઓ તો, પાડા પર બેસીને આ માણસ આવ્યો છે, અને મને કહે છે, મારી સાથે ચાલ.’
બાબાએ. અશ્રુમય સ્વરે કહ્યું, “દીકરી, ભગવાનનું નામ લે! તે જ વખતે તેણે પ્રાણ ત્યાગ્યા.
બાબા ફરીથી શોકસાગરમાં ડૂબી ગયા. તેમના દુઃખની સામે અમારા દુઃખની કોઈ વિસાત ન હતી.
અમારા માટે છેલ્લા કેટલાક મહિના કેવળ આષાઢની વાદળી સમા નહોતા. આષાઢ અને ભાદ્રપદ એકસાથે વરસ્યા હતા. તેમાં ફક્ત શ્રાવણ નહોતો. અશ્વિન શું લાવશે તેનો વિચાર કરવો વ્યર્થ હતો.
ક્રમશઃ
