આનંદ મઝગાંવકર

લોકશાહી એ કોઈ ‘પરફેક્ટ’ પૂર્ણપણે દોષમુક્ત વ્યવસ્થા છે એમ તો ન કહી શકાય. પણ આ વિશ્ર્વમાં સૈન્ય શાસન હોય કે  સરમુખત્યારશાહી હોય, એવાં ઘણે ઠેકાણે લોકો લોકશાહી માટે તડપે છે, લડે છે, જેલમાં જાય છે, યાતનાઓ ભોગવે છે, શહીદ થાય છે. અલબત્ત કેટલાક લોકોને લોકશાહી જન્મના અકસ્માતને લીધે મફતમાં, વારસામાં મળે છે અને તેથી જ તેમને તેની કદાચ ઓછી કિંમત છે. લોકશાહી એ એક સ્થિર, નિયમ-નિયંત્રિત વ્યવસ્થાને બદલે સતત પરિવર્તનશીલ, ક્રમશ: સુધરતી-વિકાસ પામતી વ્યવસ્થા હોવી જોઈએ.

લોકશાહીની વિભાવના : સ્વસ્થ લોકશાહીના પાયામાં લોકોની ભાગીદારી, પારદર્શિતા, જવાબદેહીતા, જાહેર ટીકા-ટિપ્પણીને અવકાશ- આ બધું હોવું જોઈએ. પણ તેથી આગળ વધીને એમ કહી શકાય કે:

  •  લોકશાહી એટલે માત્ર નિયમો, વ્યવસ્થા, તંત્ર, પોલીસ, કાયદાના પાલન માટે ચોકી પહેરો અને ન્યાય માત્ર જ નહીં પણ સ્વસ્થ, જવાબદાર નાગરિક અને તેમની સામૂહિક માલિકી (કલેક્ટીવ ઓનરશિપ)વાળી વ્યવસ્થા.
  •  નાગરિક ઉત્તરોત્તર વધારે જાગૃત, સક્રિય, જવાબદારી લેનાર, જાહેર નિર્ણય પ્રક્રિયામાં ભાગ લેતા થાય, તેમનો અવાજ સંભળાય.
  •  રાજ્ય વધુ પારદર્શી અને જવાબદેહ બનતું જાય.
  •  જ્યાં નાગરિક અને રાજ્ય વચ્ચે કોઈ પ્રશ્ર્ન ઊભો થાય ત્યારે તટસ્થ અને સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા હોય જેના પર રાજ્યની સત્તાનું દબાણ પ્રભાવી ન થાય. નાગરિકોની સંગઠિત શક્તિના આધારે રાજ્યની શક્તિ મપાય, નહીં કે શાસનની શક્તિના આધારે નાગરિકોની શક્તિ.
  • લોકશાહીની એ પૂર્વ શરત હોય કે નાગરિક સાથેના સંબંધમાં રાજ્ય વધુ ને વધુ મજબૂત થતું જાય અને નાગરિકની શક્તિ ક્ષીણ થતી જાય એવું હરગિજ ન બને, એ ન જ ચલાવી લેવાય. એમ થતું હોય તો તેને લોકશાહી વ્યવસ્થા ન કહી શકાય પરંતુ રાજ્યે લોકશાહીની વિરુદ્ધ દિશા પકડેલી કહેવાય.

આ છે આશરે ૨૫૦૦ વર્ષમાં વિકસેલી લોકશાહીની વિભાવના! ગાંધી અને વિનોબા દુનિયામાં રાજકીય વિચારક (પોલિટિકલ ફિલોસોફર) તરીકે બહુ જાણીતા નથી પણ એમણે લોકશક્તિ વિકસે તે માટે અદ્ભુત પ્રયોગો કર્યા. પરંતુ દુનિયામાં ક્યાંય આવી આદર્શ લોકશાહી છે ખરી? ગયાં ૨૫૦ – ૩૫૦ વર્ષની લોકશાહીની યાત્રામાં રાજાશાહી, સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચેનો મુખ્ય તફાવત માત્ર ચૂંટણી છે. બાકી ઘણી રીતે વ્યવસ્થા ગમે તે હોય રાજ્ય વધુ ને વધુ બળવત્તર થતું જાય છે, નીતિ ઘડવામાં નાનકડા વર્ગનું જ ધ્યાન રખાય છે. એક નાનકડો વર્ગ વધુ શ્રીમંત અને મજબૂત થતો જાય છે. નીતિ નિર્ધારણ પર બજાર, પૈસો અને સત્તા હાવી થતાં જાય છે.

લોકશાહીમાં બીજો એક ફરક એ પણ છે કે, રાજ્ય એવો દેખાવ કરી શકે છે કે તે લોકાભિમુખ, ન્યાયી, પારદર્શી અને જવાબદેહ છે અને એ દેખાડા માટે પ્રચાર દ્વારા છાપ-છબી ઊભી કરવાના, લોકમાનસ ઘડવાના ખેલ ચાલતા હોય છે. આમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની કે ઓસ્ટ્રેલિયા જેવા કહેવાતા લોકશાહી દેશોમાં ય ઝાઝો ફેર નથી. બધે જ પૈસાનું પ્રભુત્વ છે અને  ટેક્નોલોજી અને સમાચાર માધ્યમો દ્વારા લોકમાનસને વશમાં રાખવાના જુદા-જુદા કીમિયા અજમાવાય છે. જો લોકશાહી પર બજાર, લોકોને લોભાવવા  માટે પ્રચાર (માર્કેટિંગ), પી.આર., મૂડી, કોર્પોરેટ પ્રભાવ હાવી થઈ ગયાં હોય (અને હાવી થાય તે સ્વાભાવિક છે) તેટલા અંશે તે નબળી, અર્થવિહિન અને આત્માવિહીન ગણાય.

રાજનીતિ શાસ્ત્રના જાણકાર વિચારકોના સિદ્ધાંત  પ્રમાણે લોકશાહીની યાત્રા એટલે ભાગીદારી, પારદર્શિતા અને સત્તાનું વિકેન્દ્રીકરણ. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે વ્યવહાર થાય છે તે રાજ્યને કેન્દ્રીકરણની દિશામાં લઈ જાય છે. કારણ કે રાજ્યના મોટાભાગના વ્યવહારોને બજાર નિયંત્રિત અને નિર્ધારિત કરે છે; જેમ કે, મૂડી રોકાણ શેમાં કરાય, વિજ્ઞાન કઈ દિશામાં જાય, કેવી ટેક્નોલોજી વિકસે વગેરે. બજારને મૂડી અને નફા સાથે નિસ્બત છે, લોકશાહી સાથે કંઈ લેવા-દેવા નથી. (ટેક્નોલોજીએ બજારને જન્મ આપ્યો કે બજારે ટેક્નોલોજીને એ વળી ચર્ચાનો જુદો વિષય છે).

ટેક્નોલોજીનું ચરિત્ર : ટેક્નોલોજીનું પાયાનું ચરિત્ર એ છે કે તે ગ્રાહક માટે કોઈ પણ વસ્તુને નાની-નાની ક્રિયાઓમાં રૂપાંતરિત કરે છે. દા.ત. ગાડી ચલાવનારનો સંબંધ એન્જિન (ડિઝાઇન, એન્જિન કામ કેવી રીતે કરે છે) સાથે ઓછો હોય પણ સ્ટીયરીંગ વ્હીલ, ક્લચ, બ્રેક અને એક્સીલરેટર સાથે વધારે હોય અથવા ગ્રાહકનો સંબંધ વીજ ઉત્પાદન કેવી રીતે થાય તેના કરતાં સ્વિચ પડે તો ગોળો સળગે છે કે નહીં તેની સાથે વધુ હોય છે. તે જ રીતે ચૂંટણીમાં લોકો મુદ્દા સમજીને, ચર્ચા કરીને, વિકલ્પોનો વિચાર કરીને કે લાંબું જોઈને મત નથી આપતા પરંતુ કોઈ નેતાની સમાચાર માધ્યમો સમેતના પ્રચારતંત્ર દ્વારા ઊભી થયેલી તેની છબીને આધારે વોટિંગ મશીનનું બટન દબાવે છે. ગઈ કાલના સંચાર માધ્યમો (Mass Media) જેમ કે છાપાં, રેડિયો, ટી.વી. માહિતી આપી, વિશ્ર્લેષણ કરી ભાગીદારીનો ભ્રમ ભલે ઊભો કરે પણ હકીકતમાં તો તે પોતે જ લોકમત બનાવે, તૈયાર કરે, ઉપજાવી કાઢે અને ઉત્પન્ન (Manufacture)) કરે છે. આપણે જોઈએ છીએ કે આખી દુનિયામાં સમાચાર માધ્યમો સ્વતંત્ર, તટસ્થ અને સંતુલિત રહેવાને બદલે પોતાના માલિકનો, સત્તાનો, પૈસાનો અજેન્ડા આગળ વધારવાનું જ કામ કરતાં હોય છે.

દા.ત. સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન વગેરેની સરકારો ઇરાક પાસે સંહારક શસ્ત્રો છે એવો પ્રચાર કરવા માગતી હતી. આખી દુનિયાની મુખ્ય ધારાનાં સમાચાર માધ્યમોએ એ વાત ફેલાવી, યુદ્ધ થયું, લાખો લોકો મર્યા પણ શસ્ત્રો મળ્યાં નહીં ! પણ પાછળથી એ વાત બહાર આવી ગઈ કે સરકારોને પહેલેથી ખબર જ હતી કે ઇરાક પાસે શસ્ત્રો નથી પણ તેને ઇરાક પર કબજો જમાવવા યુદ્ધ કરવું હતું તેથી જુઠ્ઠાણું ફેલાવેલું. સંયુક્ત રાજ્ય અમેરિકા તેમજ બ્રિટન વગેરે દેશોમાં સાચી લોકશાહી હોત તો યુદ્ધ કદી થયું જ ન હોત કારણ કે કરોડો લોકોએ તેનો વિરોધ કર્યો હતો.

ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિ (AI), ગોપનીયતા અને લોકતંત્ર:

ગઈ કાલનું માસ મીડિયા જે કરતું હતું તે જ આજનું ઇન્ટરનેટ આધારિત મીડિયા, નવી ટેક્નોલોજી આધારિત  સોશ્યલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યૂટ્યૂબ વગેરે કરે છે! એટલું જ નહીં, તે વધુ ખતરનાક રીતે કરે છે. ટ્વિટર, ફેસબુક જેવાં નવાં માધ્યમો ભાગીદારીનો ભ્રમ ઊભો કરે છે પણ હકીકતમાં તો તેના પર અનેક નિયંત્રણો લદાયેલાં હોય છે. ટીકા સહન ન કરી શકનારી સરકારો આ મીડિયાને પોતાના પ્લેટફોર્મ પર શું ચાલવા દેવું અને શું ન ચાલવા દેવું તેના આદેશ આપે છે, જે કંપનીઓને માનવા પડે છે. દા.ત. હાલમાં જ ટ્વિટરના ભૂતપૂર્વ વડા જેક ડોર્સીએ કહ્યું કે અમારે સરકારોના આદેશ પાળવા પડે છે.

ઇન્ટરનેટ અને તેના પર આધારિત સોશ્યલ મીડિયા વિષે એક એવી છાપ છે કે, તે વાપરનારા બધા સભ્યો સરખા ભાગીદાર છે, તેના પર કોઈની માલિકી નથી અને તેથી તે સંબંધોનું, વહેવારોનું, બજારનું અને સમાજનું લોકતંત્રીકરણ કરે છે. આજે હવે સમજાય છે કે આ વાત બિલકુલ સાચી નથી. આ એક ભ્રમ માત્ર છે.

એટલું જ નહીં, અલ્ગોરિધમ, મશીન લર્નિંગ અને ઓટોમેશનના આધારે ચાલતાં માધ્યમ એવાં છે કે તે વાપરનાર વિષે બધી માહિતી ભેગી કરે છે. સોશ્યલ મીડિયા વાપરનાર દરેક ઉપભોગતા પોતે અને તેને વિષેની બધી માહિતી એક વેચાણની વસ્તુ બની ગઈ છે. તેના પર વૈશ્ર્વિક સ્તરની મહાકાય કંપનીઓનું નિયંત્રણ છે. આજે સોશ્યલ મીડિયા મુક્ત વિચારોના આદાન-પ્રદાનનું મંચ રહ્યું નથી. તેના પર સેન્સરશીપ છે, સાથોસાથ તે મહદ્ અંશે બળૂકા લોકો, પૈસા ખર્ચે તેવા લોકોની વાતને જ ધ્વનિવર્ધિત કરે છે. આ બધું લોકતંત્રનાં મૂળિયાં ઉખાડનારું છે.

શું AI આ શૃંખલાની આગલી કડી કરતાં કંઈ વિશેષ છે ખરું? અઈં અને આનુષંગિક ટેક્નોલોજી વાપરીને  ફેસબુક, ટ્વિટર, એમેઝોન, માઈક્રોસોફ્ટ, ગૂગલ જેવી મહાકાય કંપનીઓ પાસે અમર્યાદિત ક્ષમતા અને સત્તા આવી ગઈ છે.

AI જેવી ટેક્નોલોજીના ખતરનાક ઉપયોગો અને પરિણામો :

(૧) ખોટા સમાચાર, ફેક ન્યુઝ, અફવા, સમાચારથી ઉત્તેજના ઊભી કરવાની ક્ષમતા હવે ભયંકર પ્રમાણમાં વધી ગઈ છે. પહેલાં જુઠ્ઠાણાં અને અફવાઓ ફેલાતાં નહોતાં એવું નથી, પણ તેની પહોંચ ઘણી મર્યાદિત હતી. અઈંને કારણે કોઈ લિખિત સમાચાર, ફોટા, વિડિઓ, કોઈનો સ્વર વગેરે બધું મેસેજમાં પરિવર્તિત કરીને આખી દુનિયામાં ફેલાઈ  શકે છે. ટેક્નોલોજી એટલી વિકસી છે કે વિડિઓ-ફોટા-સ્વર ખરેખર કોઈ હયાત વ્યક્તિના છે કે તે અઈંથી તૈયાર કરેલા છે તે સામાન્ય વ્યક્તિને ખબર પણ ન પડે. એમ કહેવાય છે કે સત્ય પથારીમાંથી ઊભું થાય તે પહેલાં અસત્ય અડધી દુનિયા ફરી ચૂક્યું હોય છે! આ જ કારણે વર્ષ ૨૦૨૦માં સંયુક્ત રાજ્ય અમેરિકાની ચૂંટણી ટ્રમ્પ જીત્યા કે બાઈડન જીત્યા એ વિવાદ આજે ય જીવિત છે!

(૨) ધિક્કારની ખેતી : સોશ્યલ મીડિયાને કારણે આજે સમાજમાં અને રાજકારણમાં ઘોંઘાટ, ધૃવીકરણ અને અસહિષ્ણુતા અમર્યાદપણે વધ્યાં છે અને તેને કારણે હિંસા પણ વધી છે. આવું ભારતમાં, અમેરિકામાં, બ્રિટનમાં બધે જ જોવા મળે છે.

(૩) વ્યક્તિ વિષે માહિતી (ડેટા) ભેગી થાય છે, વ્યક્તિનું પૂરે-પૂરું profiling (સંપૂર્ણ માહિતી) થાય છે. વ્યક્તિના વ્યક્ત-અવ્યક્ત વિચારોનું અનુમાન થાય છે. કોઈ વ્યક્તિ પોતાની જાતને જેટલી ઓળખે એના કરતાં વધારે સારી રીતે AI તેને ઓળખી બતાવે છે. વ્યક્તિની ચામડી નીચે, શરીરમાં, મનમાં શું ચાલી રહ્યું છે તેનું આકલન કરી શકે છે. વ્યક્તિના રસ-રુચિના વિષય, ઉપભોગની વસ્તુઓ, હરવા-ફરવાની જગ્યાઓ, તે કઈ વાતથી ખુશ કે નારાજ થાય છે વગેરે બધું જાણવાની ક્ષમતા તે ધરાવે છે અને તે માહિતી રાજ્યને, ચીજ-વસ્તુઓ બનાવનારી કંપનીઓને, બેન્કોને, પોલીસને, રાજ્યને, ગુનેગાર ટોળકીને – ગમે તેને વેચી શકે છે, વેચે છે.

આપણે ત્યાં પહેલાં આધાર કાર્ડ બનાવવાની ફરજ પાડવામાં આવી, પછી તેને પાન કાર્ડ સાથે જોડવાની ફરજ પાડવામાં આવી, પછી બેન્કના ખાતાને આધાર સાથે જોડવાની, મોબાઈલ સિમ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની અને હવે ફાસ્ટેગ વાપરવાની ફરજ. આને ચહેરાની ઓળખ (Face Recognition) વગેરે સાથે જોડીએ તો વ્યક્તિના જીવનમાં કોઈ જ જાતની ગોપનીયતા ન રહે !

(૪) જાસૂસીની ક્ષમતા : આ ટેક્નોલોજીથી માત્ર ગુનેગાર જ નહીં પરંતુ દરેક નાગરિક જાસૂસીનો ભોગ બને છે. કોઈ એવી દલીલ કરી શકે  કે જો કોઈ ગુનો ન કર્યો હોય તો ડરવાની જરૂર શી? પણ વાત એમ છે કે રાજ્ય પાસે પહેલેથી જ ખૂબ સત્તા રહેલી છે. દરેક વ્યક્તિ રાજ્ય અને આ મહાકાય કંપનીઓ સામે ઉઘાડી હોય છે. શું રાજ્ય પાસે દરેક નાગરિકના અંગત જીવનમાં પ્રવેશવાની સત્તા હોવી જોઈએ ખરી? દુનિયામાં આ બાબતે અમર્યાદિત સત્તાને કારણે માઠાં પરિણામો આવ્યાનાં અનેક ઉદાહરણ મોજૂદ છે કારણ કે રાજ્ય પોતે જ દૂધનું ધોયું નથી હોતું!

પોતાની મંજૂરી વગર કઈ વ્યક્તિ પોતાને વિષેની બધી માહિતી કોઈ સંબંધ ન હોય તેવી વ્યક્તિને આપવા તૈયાર થાય? ચહેરો ઓળખનારી ટેક્નોલોજી, બેંકે વ્યક્તિનું કરેલું આર્થિક આકલન (ક્રેડિટ રેટિંગ/ક્રેડિટ સ્કોર) વગેરે વ્યક્તિની મંજૂરી વિના અપાય તે ચાલે? આ વિગતોને સરમુખત્યારોએ, એકહથ્થુ સતાધારીઓએ અને સૈન્યશાસને વ્યક્તિના અધિકાર છીનવવા, બદલો લેવા, તેને સજા કરવા વગેરે માટે વાપરી છે.

કહેવાય કે ટેક્નોલોજી ગુનેગારને પકડવા વપરાશે, પણ ઘણી વાર તે વપરાય છે જાસૂસી માટે, સામાન્ય નાગરિક પર નિયંત્રણ રાખવા, તેના પર દેખરેખ રાખવા માટે. જે વ્યક્તિની સ્વતંત્રતા પર મોટું આક્રમણ હોઈ શકે. દા.ત. થોડાંક વર્ષ પહેલાં એવો ઘટસ્ફોટ થયો કે ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડ્યા પછી અમેરિકાની સરકારે જાસૂસી ફક્ત ગુનેગારો પર કરી એટલું જ નહીં, આમ નાગરિકો પર પણ કરી, આ ઉપરાંત અન્ય દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય આગેવાનો પર પણ જાસૂસી કરવામાં આવી હતી.

(૫) ટેક્નોલોજી અને દમન : હોંગકોંગમાં લોકશાહી માટે લડનારા કર્મશીલોની સતામણીમાં ચહેરાની ઓળખની ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવું જ ચીનમાં વિઘર લઘુમતી સાથે થાય છે અને હજારો વિગર લોકો જેલ અને દમનનો ભોગ આજેય બની રહ્યા છે.

(૬) ચૂંટણીમાં હસ્તક્ષેપ : AI ટેક્નોલોજી દ્વારા દરેક વ્યક્તિને અનુરૂપ મેસેજિંગ (ટેલર્ડ મેસેજિંગ) શક્ય બને છે જેના વડે એક જ સમયે કોઈને કહેવાય કે આ રાત છે અને બીજાને કહેવાય આ દિવસ છે! ઘણી ચૂંટણીઓમાં ૨-૫%નો ફેર ખૂબ મહત્ત્વનો હોય છે; ત્યારે અફવા, ઉશ્કેરણી અને જુઠ્ઠાણાંનું ખૂબ ખતરનાક પરિણામ હોઈ શકે. વ્યક્તિના profilingની મદદથી ભેગી થયેલી માહિતીનો ઉપયોગ કોઈને મત આપવા અને કોઈને મત ન આપવા પ્રોત્સાહિત કરી શકાય છે. દા.ત. એમ કહેવાય છે કે, ૨૦૨૬ની સંયુક્ત રાજ્ય અમેરિકાની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનના ટેકેદારો મત ન આપે એવા પ્રયત્નો થયા હતા !

વર્ષ ૨૦૧૦ના દાયકામાં, બ્રિટિશ કન્સલ્ટિંગ પેઢી કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકના લાખો વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા તેમની સંમતિ વિના એકત્રિત કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ મુખ્યત્વે રાજકીય જાહેરાતો માટે કરવામાં થયો. જેમ કે, બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે તેમાંથી નીકળી જવું તેનો જનમત (Brexit) લેવાવાનો હતો ત્યારે. એમ પણ કહેવાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકાની વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં રશિયાએ ટ્રમ્પની તરફેણમાં હસ્તક્ષેપ કર્યો હતો.

અલબત્ત, એવા ય જૂજ કિસ્સા જોવા મળશે જેમાં આવી ટેક્નોલોજીથી કર્મશીલોએ આંદોલનને મજબૂત બનાવ્યું હોય, તેને લોકશિક્ષણ કરવામાં અને પ્રજાના અવાજને મજબૂત કરવામાં વાપરી હોય, સરકારની નીતિઓને યોગ્ય દિશા આપી હોય! AI ટેક્નોલોજી એક પ્રકારનું કેન્દ્રીકરણ કરે છે. જે સત્તાધીશોને માફક આવે છે. કારણ કે તેનાથી મેનીપ્યુલેશન (Manipulation) કરવું સરળ બને છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું AI ટેક્નોલોજીથી લોકશાહીને બચાવવી હશે તો માત્ર નિયમનો (Regulations)થી કામ થશે ખરું?


સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩