મંજૂષા

વીનેશ અંતાણી

ઇસરાયલના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ થોડાં વર્ષ પહેલાં ‘સેપિયન્સ’ નામનું મહત્ત્વનું પુસ્તક આપ્યું. એમાં એમણે પાષાણયુગથી આજ સુધી માનવજાતે કરેલા વિકાસની વિગતો આપી છે. હવે એમનું નવું પુસ્તક ‘નેક્સસ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે. એમાં એમણે છેક પ્રાચીન સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના સમયમાં વિકસેલાં માહિતીના પ્રસારણ માટેનાં માધ્યમોનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે. સાથેસાથે ચારે બાજુ પ્રવર્તમાન માહિતીના પ્રવાહોનાં સારાં અને માઠાં પરિણામોની વિશદ ચર્ચા કરી છે.

એ વાત જાણીતી છે કે કોઈ પણ નવી ટેક્નોલોજીની શોધ પાછળ માનવોની સુખાકારીનો ઉદ્દેશ હોય છે, પરંતુ એનો ઉપયોગ આપણા બદઈરાદા માટે કરીએ ત્યારે એ દૂષણ બની જાય છે. માહિતીઓનાં આદાનપ્રદાનનું નેટવર્ક પણ એમાંથી બાકાત રહ્યું નથી. યુવલ નોઆ હરારીએ ‘નેક્સસ’ લખવા પાછળની ભૂમિકા સમજાવતાં કહ્યું છે કે અઢળક માહિતી એકઠી કરીને આપણે ખરેખર બુદ્ધિશાળી બન્યા હોઈએ તો આટલાં બધાં વિનાશકારી કામો શા માટે કરીએ છીએ? માહિતીઓના ધોધથી માનવોને અઢળક તાકાત પ્રાપ્ત થઈ છે, પરંતુ એ તાકાત આપણને કઈ દિશામાં લઈ જાય છે તે સમજવું બહુ જરૂરી છે.

‘નેક્સસ’ પુસ્તકના પાછલા કવર પર આવા મતલબનું લખ્યું છે – મૌખિક પરંપરાની વાર્તાઓ માનવસંસ્કૃતિના વિકાસ માટે આપણને નજીક લાવી, પુસ્તકોએ નવા વિચાર આપ્યા, ઇન્ટરનેટ દ્વારા અસીમ જ્ઞાન પ્રાપ્ત કરવાનું વચન આપવામાં આવ્યું. ઓનલાઇન પ્રવૃત્તિઓથી આપણા અંગત ડેટા ખાનગી રહ્યા નથી અને આપણે એકબીજાની સામે ઊભાં રહી ગયાં છીએ. અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એનાં શાં પરિણામો આવશે એ જાણવાનું હજી બાકી છે. જૂના સમયમાં સંદેશાવ્યવહાર માટે કે માહિતીઓનાં આદાનપ્રદાન માટે આજ જેવાં સાધનો કે નેટવર્ક ઉપલબ્ધ નહોતાં. વાણી અને ભાષાનો ઉપયોગ થવા લાગ્યો તે પહેલાં માનવો સાંકેતિક ઇશારાથી વાતચીત કરતા હતા. દૂર સુધી માહિતી પહોંચાડવા માટે તેઓ ધુમાડો કરતા, ઢોલ વગાડીને સંદેશો પહોંચાડતા, અમુક પ્રકારે સીટી વગાડી સંદેશા મોકલતા. કબૂતરો દ્વારા માહિતી પહોંચાડવાની પદ્ધતિ ઘણી પ્રચલિત હતી. એનો ઉપયોગ પ્રેમીઓથી માંડી યુદ્ધમાં લશ્કર દ્વારા પણ કરવામાં આવતો. ટેક્નોલોજીની હરણફાળથી વર્તમાનમાં માહિતીનાં આદાનપ્રદાનનાં અનેક માધ્યમો હાથવગાં થઈ ગયાં છે. એમાં ઇન્ટરનેટનું પ્રદાન સવિશેષ છે. આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં પળનાય વિલંબ વગર જોઈતી માહિતી મેળવી શકીએ છીએ. આપણે માની લીધું છે એ માહિતીઓ હંમેશાં સાચી જ હોય છે. માહિતીનો ખજાનો પ્રાપ્ત કરી માનવ વધારે શક્તિશાળી બન્યો હશે, પરંતુ એ તાકાત આપણને ક્યાં લઈ જશે તે આપણે જાણતા નથી.

હરારી કહે છે તેમ માનવોએ હજી ઘણું જાણવાનું બાકી છે. પ્રકૃતિ અને માનવચિત્તનાં અનેક રહસ્યોને આપણે હજી ભેદી શક્યા નથી. એમનો પ્રશ્ન છે કે આજે માનવો આટલી બધી માહિતી મેળવી શકે છે છતાં એ જાતજાતના ભ્રમમાં શા માટે ભટકે છે? હકીકતમાં માહિતીનાં માધ્યમો સાચી માહિતીની સાથે જૂઠી માહિતીઓ આપણા સુધી પહોંચાડે છે. લોકોએ જાતે ઊપજાવી કાઢેલી જૂઠી માહિતીઓનો ધોધ વહેવા લાગ્યો છે. ગેરમાહિતી ફેલાવતાં માધ્યમો આજના સમયમાં વધારે સક્રિય જણાય છે. જૂઠી માહિતીઓનો સામનો કરવા માટે એથીય વધારે જૂઠી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. ચારિત્ર્યહનન જાણે મનોરંજન બની ગયું છે. એમાં ભોગ લેવાયો છે માહિતીની પ્રમાણભૂતતાનો. ચારેકોર પ્રવર્તતા વાતાવરણમાંથી જૂઠાં સત્યોની ગંધ આવવા લાગી છે. એક અસત્યના અનેક પડઘા પડે છે અને લોકો જૂઠને સાચું માનવા લાગે છે.

માહિતીનાં માધ્યમો મહાનાયક બની ગયાં છે. એ ધારે તે કરી શકે છે. આપણાં મગજ ખોખલાં કરી એમાં બિનજરૂરી અને જૂઠી માહિતીઓનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. પ્રશ્ન એ છે કે માહિતી આપણને ઉચ્ચ વૈચારિક કક્ષાએ લઈ જાય છે કે સ્વતંત્રપણે વિચારવાની આપણી શક્તિ બુઠ્ઠી કરી નાખે છે? આજે આપણે એકબીજાથી વિરોધી માહિતી પ્રવૃત્તિમાં ફસાઈ ગયા છીએ. લોકો માહિતીનો વિનાશક શસ્ત્રની જેમ ઉપયોગ કરવા લાગ્યા છે. આપણે પ્રાપ્ત કરેલી માહિતી પર ઊંડો વિચાર કરી એમાં સમાયેલાં સત્ય અને જૂઠને અલગ કરવાની આવડત કેળવીએ તો કદાચ તથ્યોની નજીક પહોંચી શકાય.

વર્તમાન સમયમાં લોકો માહિતીઓના ઢગલા હેઠળ કચડાઈ ગયા છે અને ઉપલક, અધૂરી, અધકચરી અને જૂઠી માહિતીને જ્ઞાન માની લેવાની હદ સુધી નીચે ઊતરી ગયા છે. જે માહિતી આપણી વિચારધારા અને માન્યતાઓને જ ટેકો આપતી હોય એનો સ્વીકાર કરવાનું પસંદ કરીએ છીએ, અન્ય પ્રકારની માહિતીનો અસ્વીકાર જ નથી કરતા, એનો તિરસ્કાર પણ કરીએ છીએ. કોઈએ બહુ સાચી વાત કહી છે કે કશી જ મહેનત વિના બારોબાર મેળવેલી માહિતીનું પોત બહુ પાતળું હોય છે. એમાં આપણો જાતઅનુભવ ઉમેરાય તો જ એ સઘન બને છે.

કહેવાતી માહિતીઓના ધોધમાં આપણે ડહાપણ ગુમાવી દીધું હોય એવો વહેમ જાય છે. સામાન્ય માણસ કઈ માહિતીને સાચી માનવી અને કઈ માહિતીને ખોટી માનવી એમાં ગૂંચવાઈ ગયો છે. એ કારણે જૂઠા અને બનાવટી સમાચારો ફેલાવવાનો ભ્રષ્ટાચાર વધ્યો છે. અફવાઓ સત્ય બની ગઈ છે. જૂઠી માહિતીઓનો પ્રચાર માનવમૂલ્યો પર કુઠારાઘાત સમાન છે. આજનો સમય ‘માહિતીનો યુગ’ કહેવાય છે, પરંતુ એક વિચારકે કહ્યું છે તેમ ‘વાસ્તવમાં આજનો સમય માહિતીનો યુગ નથી, માહિતીને ‘મેનેજ’ કરવાનો યુગ છે.’ આજે આપણે બદઈરાદાઓને અનુકૂળ આવે એવી માહિતીઓને આપણી ઇચ્છા મુજબ ઢાળવાના સમયમાં જીવી રહ્યા છીએ.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.