હરેશ ધોળકિયા
૨૦૨૪નુ વર્ષ પૂરું થયું.
કેવું ગયું આ વર્ષ ? ઉત્તમ, મધ્યમ કે તદ્દન સામાન્ય ?
જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી ત્રણે પ્રકારનું ગયું. આ વર્ષે ઉત્તમ શોધો થઇ અને અનેક નવા નવા પરિવર્તનો જગતમાં આવ્યા છે. જગતના લોકોની સ્થિતિમાં અનેક સુંદર પરિવર્તનો આવ્યા છે. સુખ સગવડો પણ વધી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ના કારણે જગતના દેશો વધારે નજીક આવ્યા છે. ભૌગોલિક અંતર તો ઘટ્યું જ છે, પણ સાથે વૈચારિક સામીપ્ય પણ આવ્યું છે. દેશોના અને જગતના પ્રશ્નો જાણે એકસરખા જ હોય તેવા લાગે છે. જેવા વિચારો અમેરિકાના લોકો કરે છે, તેવા જ વિચાર પછાત કહેવાય તેવા આફ્રિકાના લોકો પણ કરે છે એ દેખાય છે. ભારતના યોગ અને ધ્યાન હવે સમગ્ર જગતને પસંદ પડે છે. ક્રિકેટ અને ફિલ્મો કે ઓ.ટી.ટી. બધાને લગભગ સરખા જ વિચાર કરાવે છે. જાહેરાતોએ માણસને યંત્ર કરી દીધો છે. પશ્ચિમની છોકરી અને બિહારની આદિવાસી છોકરી શું પહેરવું કે કેમ શણગારવું તે સમાન રીતે જ વિચારે છે. ટૂંકમાં, જગત એક રોલર કોસ્ટર જેમ ચાલે છે. વિવિધતા દેખાય છે, પણ હકીકતે બધા બજાર કહે છે તેમ જ વિચારે અને વર્તે છે.
જગતના રાજકારણ તરફ નજર કરાય તો નિરાશા થાય છે. સૌથી મોટો ફટકો અત્યારે લોકશાહીને પડે છે. જે દેશોને લોકશાહીના પાયાના દેશો કહેવાય છે, ત્યાં પણ લોકશાહી ખૂબ જ નબળી પડતી જાય છે. લોકશાહી પર રાષ્ટ્રવાદ, કોમવાદ, ધર્મ, સંરક્ષણવાદ વગેરે જબરી અસર કરે છે અને આ દેશો , જેઓ અત્યાર સુધી વિશાળતા દર્શાવતા હતા, તેઓ અચાનક સંકુચિતતા દર્શાવતા જોવા મળે છે. સંકુચિત મુદાઓને લઈને આ દેશોમાં ઝનૂન વ્યક્ત થતું દેખાય છે. બહુમતી, લઘુમતીની સમસ્યા વધતી દેખાય છે. દરેક દેશોમાં લઘુમતીઓ પર દબાણ અને ત્રાસ વધતા દેખાય છે. ધર્મ ઝનૂન પણ યુરોપના અનેક દેશોને પીડી રહ્યું છે. જે સત્તાધારીઓ છે તેઓ લોકશાહીના અંચળા હેઠળ સૂક્ષ્મ સરમુખત્યારશાહીના પ્રયોગ કરતા જોવા મળે છે. મુક્ત અભિવ્યક્તિ ઘટતી જાય છે. સ્વતંત્રતાને કોઈના કોઈ બહાના હેઠળ દબાવવામાં આવે છે. બધા જ દેશો બજારના અર્થકારણને વશ થઇ ગયા છે અને મૂડીવાદના ગુલામ બનતા જાય છે. એટલે સામાન્ય માણસ, ગરીબો કે વંચિતો તરફ ઉદાસીનતા વધતી જાય છે. ભલે બધાને મદદરૂપ થવાની અનેક યોજનાઓ જાહેર થતી દેખાય છે, પણ તેનું અમલીકરણ નબળું પડી ગયું છે. એટલે જ અનેક દેશોમાં ખેડૂતો, મજૂરો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓની ચળવળ જોવા મળે છે. સતાધારીઓ સામે અનેક દેશોમાં વિરોધ પ્રગટ થતો જોવા મળે છે. મોટા ભાગના દેશોમાં દેખાતા સુખો વચ્ચે લોકોમાં નિરાશા જોવા મળે છે.
તો વ્યક્તિગત જીવનમાં ?
એક સંદર્ભમાં તપાસ કરીએ તો વ્યક્તિગત જીવનમાં સુખો વધતા જાય છે. સામાન્ય કહી શકાય એવા લોકોના ઘરોમાં પણ આધુનિક સગવડો આવી ગઈ છે. વાહન વ્યવહાર વગેરેની સગવડો પણ વધી છે. કહેવાતો માધ્યમ વર્ગ પણ હવે હવાઈ મુસાફરી કરતો થઇ ગયો છે. વ્યક્તિ દીઠ કારનું પ્રમાણ વધતું દેખાય છે. ચારે બાજુ સુખ જ સુખ જોવા મળે છે.
પણ લોકો સુખી છે ?
ભૌતિક સંદર્ભમાં છે ! પણ માનસિક સંદર્ભમાં છે કે નહિ તે વિવાદનો મુદો છે. વિવિધ સર્વે કહે છે કે જગતના લગભગ એસી ટકા લોકો તાણમાં જીવે છે. કારણ એ છે કે આ લોકોની માસિક આવક આશરે વીસ હજાર છે. પણ તેઓ તુલનાત્મક જીવન જીવતા હોવાથી, એટલે કે પૈસાદારો સાથે હરીફાઈ કરતા હોવાથી, તેમના જેવા થવા માગતા હોવાથી, તેમની ક્ષમતા કરતા વધારે ખર્ચ કરે છે. પરિણામે તેમને સતત ઉધારીમાં જીવવું પડે છે. સતત લોન વગેરે લેવા પડે છે. તેના હપ્તા ચુકવવા માટે પુરતી આવક નથી. એટલે તેઓ તાણમાં રહે છે.
બીજું વ્યવસાયી જગતમાં પણ તીવ્ર હરીફાઈ વધતી જાય છે. ત્યાં કામ કરવા માટે પુરતી જગ્યાઓ છે, પણ તે જગ્યાઓ પર સારી રીતે કામ કરવા માટે જે કાર્યક્ષમતા જોઈએ તે બહુ ઓછા ઉમેદવારોમાં છે. એટલે કે યુવાનો વ્યવસાયિક રીતે સજ્જ નથી. એટલે અત્યારે મુદો બેરોજગારી નથી, પણ રોજગારક્ષમતાનો છે. એનું કારણ એ છે કે શિક્ષણ વ્યવસ્થા નબળી પડી ગઈ છે. તે યુવાનોને રોજગાર માટે સજ્જ કરતુ નથી. માટે બેકારી વધે છે. પણ આ બેકારી યુવાનોમાં હતાશા વધારે છે અને તેઓ નકારાત્મકતા બાજુ વળે છે. રાજકારણીઓ અને ધર્મ નેતાઓ તેનો દુરુપુયોગ કરે છે.
સમાંતરે કુટુંબ વ્યવસ્થા પણ તૂટતી જાય છે. વડીલોનો અને સમાજના અગ્રણીઓનો પ્રભાવ ઘટતો જાય છે. તેઓ સંતાનોને જરૂરી કેળવણી આપી શકતા નથી. પરિણામે બાળકો અને તરુણો મોબાઈલમાં જે “ કેળવણી” મળે છે, તેને સાચી માની લે છે. તેમાં તો ફેક ન્યુઝ, નગ્નતા વગેરે જ રાજ કરે છે. તેના પરિણામે વ્યભિચાર, ગુંડાગીરી, બેદરકારી, અશિસ્ત વગેરે વધતા જાય છે. કાયદો અને વ્યવસ્થા પણ તદન નબળા છે, એટલે તેમને નિયંત્રિત કરી શકતા નથી. સમાજોમાં એક જાતની સૂક્ષ્મ અવ્યવસ્થા વધતી જાય છે જેનો ઉપાય કોઈ પાસે નથી. સરકાર, વડીલો, અગ્રણીઓ લાચારીથી જોયા કરે છે. દેશ કે જગત પાસે ગાંધીજી જેવા કોઈ સશક્ત નેતા નથી જેનો પ્રભાવ હોય. સમાજો સતત ખળભળે છે. લગભગ બધા દેશો અસ્વસ્થ છે. માટે સર્વત્ર યુદ્ધો કે વિરોધો કે અવ્યવસ્થાઓ જોવા મળે છે.
તો શું આખું વર્ષ ખરાબ જ ગયું ?
ના, એમ પણ ન કહી શકાય. આ વર્ષ દરમ્યાન જેઓ આ બધી પરિસ્થિતિ વચ્ચે માનસિક રીતે સ્વસ્થ રહ્યા છે, તેઓ અવ્યવસ્થા વચ્ચે પણ મસ્ત જીવ્યા છે. જેઓ આ બધા વચ્ચે સર્જનાત્મક રહ્યા છે, તેઓ પણ કશુક નવું સર્જન કરતા રહ્યા છે. જેઓ વિવેકયુક્ત વિચારતા રહ્યા છે, તેઓ પણ સ્વસ્થ રહ્યા છે. જેઓ સતત જ્ઞાન પ્રેમી અને જિજ્ઞાસુ રહ્યા છે, તેઓ તાજા રહ્યા છે. જેમણે ધિક્કાર વચ્ચે પણ સતત બધાને પ્રેમ કર્યો છે, તેઓ સંવેદનશીલ રહ્યા છે અને જગતનું સૌન્દર્ય માણ્યું છે.
એટલે બહારથી જગત ઉત્તમથી સામાન્ય વચ્ચે ઝોલા ખાતું રહ્યું છે, પણ તે વચ્ચે પણ દુનિયાના હજારો લોકો આંતરિક સ્વસ્થતાના પ્રભાવે સ્વસ્થ અને શાંત રહ્યા છે. તેમણે જગતના આનંદનો લાભ લીધો છે. લેતા રહે છે. તેમને બરાબર ખબર છે કે જગત તો આવું જ રહેવાનું છે, સામાન્ય, પણ, તેઓ ધરશે તો, તે વચ્ચે આનંદમાં રહી શકશે.
એટલે વર્ષ કેવું ગયું છે, તેનો જવાબ બધા માટે અલગ અલગ હોવાનો.
એટલે તમારું વર્ષ કેવું ગયું, હેં ?
( કચ્છમિત્ર : તા: ૨૯-૧૨-૨૦૨૪ : રવિવાર )
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
