ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
અકૂપારમાં ડોકિયું કરીને આપણે ગીરનાં લોકોનાં હૃદયની સરળતા, સહજતા અને પારદર્શીતાને માણી. તેમની બોલીની મીઠાશને અને ગીરની મહેમાનગતિ માણી. એવું લાગે કે જાણે આખું ગીર એક જ કુંટુંબનું ન બનેલું હોય !
માણસોનું એકબીજા સાથેનું તાદાત્મ્ય તો ખરું જ, પણ ગીરની પ્રકૃતિ, સાવજ, રોઝડા, ગિરવણ ગાયો, ભેંસોં સાથેનું અનોખું જોડાણ પણ જાણે જીવન જીવવાની નવી રીત શીખવી ગયું. આપણે પણ ધ્રુવદાદાની જેમ આ જગતને “વસુધૈવ કુટુંમ્બકમ્” ની ભાવનાથી જોતાં શીખી જઈએ તો આ યુદ્ધો, વેરઝેર સૌ શમી જાય અને સર્વત્ર શાંતિ ફેલાઈ જાય.
ચાલો, હવે આપણી યાત્રા આગળ વધારીએ દરિયા તરફ ને વાત કરીએ સમુદ્રાન્તિકેની એટલે કે સમુદ્રકિનારે વસતા લોકોની.

વાત કરીએ ધ્રુવદાદાનાં પ્રિય એવા અગાધ, અફાટ, નિત્ય નવીન દેખાતા, મોજ કરતા અને મોજ કરાવતા દરિયા વિશેની.
ધ્રુવદાદાનું બાળપણ જાફરાબાદનાં દરિયા કિનારે થોડો સમય વિતેલું એટલે દાદાને દરિયો ખૂબ ગમે. એકવાર તે તેમના પિતા સાથે દરિયા કિનારે ચાલી રહ્યા હતા. બાળક ધ્રુવે વિસ્મય સાથે તેમના પિતાને પૂછ્યું કે, આમ આગળ ને આગળ ચાલ્યાં જ જઈએ તો ક્યાં પહોંચાય ? તેમના પિતાએ કહ્યું કે, એ તો જઈએ તો ખબર પડે ! અને આ જઈએ તો ખબર પડે તેમાંથી જ ક્યાંક શરૂ થઈ દરિયા કિનારાની ધ્રુવદાદાની સફર.
તેઓ દરિયા કિનારેથી, દરિયાને માણતા માણતા, દરિયા પાસેથી, દરિયા કિનારાનાં લોકો પાસેથી જે કંઈ શીખ્યા તે અનુભવની વાત એટલે સમુદ્રાન્તિકે.
મિત્રો સાથે તેમણે પ્રથમ જાફરાબાદથી પૂર્વ તરફ ગોપનાથ અને તેની વિરુદ્ધ દિશામાં પશ્ચિમ તરફ દીવ, સોમનાથ, ચોરવાડ,પોરબંદર, હર્ષદ, દ્વારકા સુધી પ્રવાસ કર્યો. તેમની પ્રવાસની શરત એ રહેતી કે ખડકો અને કાદવ ન હોય, જ્યાં સમુદ્ર અને કિનારો ભેગા થતાં હોય એ સ્થળે ચાલવું. રાત્રે જ્યાં પહોંચાય ત્યાં રોકાવું અને જે મળે તેનાથી ચલાવી લેવું. સમુદ્રાન્તિકેમાં દરિયો કથાનું પાત્ર કહો તો પાત્ર અને પૃષ્ઠભૂમિ કે પૃષ્ઠભૂ કહો તો તે છે.
દરિયાની સાથે ચાલતા ધ્રુવદાદાએ દરિયા સાથે રહીને શું અનુભવાય છે તેનું સુંદર ગીત પણ લખ્યું છે, તો ચાલો પહેલાં વાંચીએ દરિયાનું ગીત.
દરિયાની કોઈ વાત વાયકાઓ હોય નહીં , દરિયે દરેક વાત સાચી.
ઘર ઘર સચવાઈ હોય નોખી નોખી ને તોયે દરિયાની જાત એક પાકી.
કોઈ કહે મોજામાં આવે તે વેદના તો કોઈ ગણે ઊભરાતી મોજ.
દરિયો દિલદાર તમે માનો તે સાચ કહી આવતો રહેશે રોજ રોજ.
પીર કહે કે પથ્થર તે ભીતરની વાત જેને આવડે તે જાણી લે આખી.
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
દરેક માનવ પોતાના મનનાં પ્રતિબિંબની જેમ જ પ્રકૃતિને નિહાળે. દરિયાનાં મોજાંને ઉછળતું ,કૂદતું કિનારા પર આવી ફીણ ફીણ થઈ વેરાઈ જતું જોઈને કોઈક દુ:ખીયારાને દરિયો પોતાની વેદના ઉલેચતો હોય તેમ લાગે તો મનમોજી માનવીને દરિયામાં ધ્રુવદાદાનાં પેલા ઓચિંતા મળેલા માણસને જીવનમાં લાગે છે તેવી મોજ ઉભરાતી દેખાય.
ધ્રુવદાદાને દરિયાની એટલે કે દરિયા કિનારે વસતા લોકોની કોઈ વાત સામાન્ય વાયકા નહીં પણ દરેક વાત સાચી લાગે છે.
સમુદ્રાન્તિકેની વાત ટાંકીને કહું તો, તેનો નાયક એક સરકારી ઓફિસરના પરિવેશમાં, કેમિકલની ફેક્ટરી કરવા દરિયા કિનારે જમીન જોવા આવ્યો છે.
એનામાં મહાનગરની સભ્યતા છે. તેને પેલી નાનકડી જાનકીની વાડીના કૂવામાંથી પાણી લેવું છે એટલે જાનકીને પૂછે છે, ‘બહેન, પાણી ભરવા તારી ડોલ લઉં?
ત્યારે એ નાનકડી જાનકી સાવ સહજ અને સરળ રીતે જવાબ આપે છે, “તે લૈ લે ને ,આંય તને કોઈ ના નો પાડે.”
એ બાળકીનાં તુંકારામાં નાયક તેની પદવી, તેની શહેરી સભ્યતા, કેળવણી બધું ભૂલી, જાણે ઘોડિયે સૂતેલાં બાળક જેવો બની જાય છે. નાયક રૂપે રહેલા ધ્રુવદાદા સમગ્ર ચેતનામાંથી મુક્ત, નિર્બંધ બની વાડીનાં લીલાંછમ પર્ણોની લીલાશમાં ભળી લીલોછમ્મ આનંદ મનભરી માણે છે. કૂવામાંનાં પાણીના સ્પર્શમાં પણ તેમને કોઈ અલૌકિક સુખ અનુભવાય છે.
જ્યારે જાનકીની મા મહેમાન નાયકના દુ:ખણાં લે છે ત્યારે આ અત્યંત ગરીબ પણ દિલનાં અમીર લોકોની શહેરનાં લોકો સાથે સરખામણી કરતાં ધ્રુવદાદા તેમનાં હૃદયની પ્રેમ નીતરતી સચ્ચાઈ પર વારી જાય છે. જેની સાથે કોઈ લેવાદેવા નથી એવી વ્યક્તિનાં દુ:ખ પણ દુ:ખણા લઈ પોતાને શીરે લઈ લેતાં આ માનવીઓની માનવતાથી દાદા પ્રભાવિત થઈ તેમનાં હૃદયની ભાવના પર ઓવારી જાય છે અને તેમના મુખમાંથી ગીત સરી પડે છે,
“દરિયાની વાત કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.”
આગળ ધ્રુવદાદા ગાય છે,
“પીર કહે કે પથ્થર તે ભીતરની વાત જેને આવડે તે જાણી લે આખી.”
પથ્થરમાં પીર કે ભગવાન જોનાર માણસ પણ ભગવાનને પોતાની ભીતર જોતાં શીખી લે છે ત્યારે તે જીવનની સચ્ચાઈ જાણી લે છે. આમ દરિયા સાથે, તેના મોજ ભરેલા મોજાં સાથે એક બની દાદા તેમનાં જીવનચિંતન, મનનનાં હિલોળાં લે છે તેમાં અદીઠ, અગમ્ય અંતર્ધ્વનિનો અનુભવ કરી આપણને પણ તે અનુભવ કરવા પ્રેરે છે.
આપણે જે આજકાલ આવીને ગોત્યાં તે છીપલાંને કાંઠો કહેવાય નહીં,
ખારવાના દરિયા પર આવડા ભરોસાને વારતા ગણીને રહેવાય નહીં.
દરિયો તો જુગજૂનો જોગંદર જાગતો ને આપણી તો આવરદા કાચી.
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
દરિયા કિનારે રહેતાં ખારવાઓ દરિયાને દેવ ગણે છે. તેમને તેમના દેવ પર અતૂટ વિશ્વાસ છે. દાદા તે વિશ્વાસને અકબંધ રાખતા દરિયાને જૂનો જોગી કહી ખૂબ સરસ વાત કરે છે. કહે છે. જન્માંતરથી અવિચળ, અનંત વહેતો હાજરાહજૂર દરિયો અવિનાશી છે તો આ જોગંદરની બધી વાતો સાચી જ હોય ને? ધ્રુવદાદાની સાથે આ સમુદ્રની સફર કરતાં તેમના ગીતોને સાંભળતાં આપણે પણ ચિંતનનાં દરિયે પહોંચી મૌનની ભાષાને ઉકેલવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. સાગરની સાથે ભીતરમાં રહેલી કોઈ અનોખી સંવેદનાઓની મોજને અનુભવી ,અવિનાશી અહાલેક સાંભળી તરબતર થઈ જઈએ છીએ. દરિયો આપણને પણ સાદ કરી બોલાવતો સંભળાય છે. આપને પણ આવો અનુભવ કરવો હોય તો વાંચો તેમના પુસ્તક અને ગાઓ તેમના ગીત.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
