કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
આપણને દેખીતી રીતે ગરમ લાગતો ‘તડકો’ એ તડકો નથી પણ ‘શક્તિ’ છે. એ બાબત પૃથ્વી પર વસનારા જીવોએ, અને ખાસ કરીને જેનું મગજ વિકસ્યું છે અને બુધ્ધિ ચલાવી શકે છે તેવી મનુષ્ય જાતિમાંથી એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય તેવી સંખ્યા કેટલી ? સૂર્યમાંથી નીકળતા એ અવિરત શક્તિધોધને કેમ માણી લેવો, તેને આપણા રોજીંદા ઉપયોગમાં કેમ વણી લેવો , તેનો વધુમાં વધુ કસ જીવન જરૂરિયાતના ઉત્પાદનમાં કેમ ગંઠી લેવો તે વિષે ગંભીરતાથી વિચાર્યું છે ક્યારેય ?
સૂર્યશક્તિને રોજીંદા વપરાશના કામમાં મદદરૂપ થવા રૂપાંતરિત કરવાના કેટલાક સોલાર ઉપકરણો બનાવવા બદલ વાંહો થાબડવા જેવું વિજ્ઞાનીઓનું કામ રહ્યું છે. પણ ખેતીવાડીના ક્ષેત્રમાંયે એ વિષયના રસજ્ઞોએ આ બાબત ઊંડાણથી વિચારવું પડશે તેવું નથી લાગતું ?
ખરું કહીએ તો સૂર્યપ્રકાશનો ખરો ઉપયોગ તો કરી જાણે છે વનસ્પતિ ! એની આવડત તો જૂઓ ! પોતાના પાંદડાંના લીલા રંગની ઝાળમાં સૂર્યપ્રકાશને એવો તો ફસાવી દે છે કે મૂળિયાંએ ચૂસેલો કાચો ખોરાક અને હવામાંથી ભેગા કરેલા અંગારવાયુની સાથે રાંધણું કરી, ખોરાકને પોતાને ખાવાયોગ્ય ન બનાવી દે ત્યાં સુધી છુટો નહીં કરવાનો બોલો ! સૂર્યપ્રકાશ એટલે વનસ્પતિનો “રસોયો” જ સમજોને !
પણ એતો થઇ વનસ્પતિ જગતની તાકાતની વાત ! એમાં આપણું શું ? આપણે પણ કંઇક આપણાપણું ન દેખાડવું પડે ? વનસ્પતિની ભેરે ચડી, તે સૂર્યપ્રકાશનો વધુમાં વધુ કેમ ઉપયોગ કરી શકે તેવા કોઇ ઇલમો યોજી શકીએ તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય ! વનસ્પતિની પોતાની સૂર્યશક્તિ વાપરવાની ત્રેવડ અને એમાં ભળે આપણો ખેડૂતોનો ઇલમ ! પરિણામ ? પરિણામમાં–ઉત્પાદન મળે અઢળક ! સૂર્યપ્રકાશને ખેત ઉત્પાદનમાં વણી લેવાની વાત લાગે છે જટ ગળે ન ઉતરે એવી.ખરુંને મિત્રો ! પણ આ નવી લાગતી વાતને બરાબર ઊંડાણથી સમજીએ તો જરાય અચરજ પમાડે એવી નહીં લાગે.
સૂર્ય સમગ્ર જીવસૃષ્ટિનો પિતા ગણાયો છે. આપણા પ્રત્યેની કૃપારૂપી સૂર્યપ્રકાશના ઉમદા કિરણોનું પ્રદાન આપણા ખેતી વ્યવસાય પર અમાપ છે. પણ તે પ્રકાશનો થઇ શકે તેટલો વધુ ઉપયોગ કરવાનું ગોઠવી શકીએ તો હજુએ મબલખ ઉત્પાદન મેળવી શકવાના પૂરા ચાંસ રહેલા છે.
સૂર્ય પ્રકાશ બાબતે આપણે ‘સારાવાળા’ છીએ =
આપણો ભારત દેશ વિષુવૃતની વચ્ચે આવેલો હોઇ સૂર્યભગવાનના કિરણોનો લાભ ભરપૂર મળે છે. તેમાંયે ગુજરાત-મહારાષ્ટ્રની લાઇનના અને દક્ષિણના રાજ્યોને કાશ્મિર અને પંજાબની અપેક્ષાએ ખૂબ વધારે- રોજના ઓછામાં ઓછા દસ કલાક સૂર્યપ્રકાશ મળવો તે સામાન્ય બાબત છે. ખેતી અંગેની એકદમ આધુનિક અને આગોતરી સૂઝ ધરાવતા મહારાષ્ટ્રના કૃષિ વિજ્ઞાની સ્વ. દાભોલકરજી કહી ગયા છે કે આટલી સૂર્યશક્તિ કેવળ એક ચોરસફૂટ પર એટલી ઉર્જા પાથરે છે કે એના દ્વારા એક જણનું એક ટંકનું ભોજન તેમાંથી બની શકે, બોલો !
એને જરા ગણિતમાં જોઇએ તો =
સામાન્ય કામ કરનારો માણસ રોજની ૨,૫૦૦ કિલો કેલરી શક્તિ વાપરે છે. પૃથ્વી પર પડતા એ આખા દિવસના સૂર્યપ્રકાશને પૂરેપૂરો ઝીલવામાં આવે તો એક ચોરસફૂટની જગ્યા ઉપર રહેલું બે લીટર પાણી એ પોતાની ગરમી દ્વારા વરાળ થઇ હવામાં ઊડાડી મેલે છે. એને વિજ્ઞાનની ભાષામાં ૧,૨૦૦ કીલો કેલરી ગણવામાં આવે છે. બેશક, એ ત્યારે બને જ્યારે બે ચોરસફૂટ જગ્યા ઉપર લીલા રંગના પાન એ સૂર્યકિરણોને ઝીલવા હાજર હોય ! સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાંદનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહયલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં ફસાવી [સમાવી] લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા શર્કરા-ગ્લુકોઝ તૈયાર કરે છે.
જેટલો સૂર્યપ્રકાશ આવે છે તે તમામનો સો એ સો ટકા ઉપયોગ કરી શકીએ તો રોજની ૧,૨૫૦ કીલો કેલરી શક્તિ દર ચોરસફૂટે તૈયાર થાય. [એ ગણતરીએ એક ટંકનું એટલેકે અર્ધા દિવસનું ભોજન] પણ તે અઘરું છે. આટલા મોટા આવતા શક્તિ ધોધનો માત્ર એક જ ટકો જો લીલા પાંદડાં દ્વારા ઉપયોગમાં લઇ શકીએ તો પણ રોજની સાડાબાર કીલો કેલરી એકઠી કરી શકીએ અને તેટલામાંથી મોટાભાગના ઝાડ-પાન ત્રણ ગ્રામ સુકું વજન મેળવે છે.
પાકનું બાળપણ અને વૃધ્ધાવસ્થા બાદ કરી પુખ્તતાના માત્ર એકસો દિવસ ગણીએ તો પણ રોજના ત્રણ ગ્રામના હિસાબે 300 ગ્રામ સુકું વજન વનસ્પતિ બનાવી શકે છે. તેના ૧/૩ ભાગ એટલે કે ૧૦૦ ગ્રામ વજન પોતાના શ્વસન આદી કાર્યશક્તિમાં ખર્ચે છે. બીજો 1/3 ભાગ – મૂળ, લાકડું, જેવા પોતાના શરીરના બંધારણમાં વાપરી છેલ્લો બાકી રહેતો 1/3 ભાગ-યાને કે 100 ગ્રામ વજન ઉત્પાદનના રૂપમાં આપે છે. પછી તે અનાજ હોય, ફળ હોય કે લીલા શાકભાજી હોય. ક્યો પાક કેટલા લાંબા આયુષ્ય વાળો છે તે પ્રમાણે તેની જીંદગાના યુવાનીના દિવસો દરમ્યાન વધુમાં વધુ સૂર્યપ્રકાશ વાપરી જાણે તેટલું તે વિક્રમી ઉત્પાદન મેળવવામાં સક્ષમ બને છે.
કોણ કેટલું વજન આપે ? = જો અનાજ હોય તો તેમાં ૯૦ ટકા ધાન્ય અને ૧૦ ટકા પાણી હોય, એટલે કે ચોખા, જુવાર, ઘઉં, બાજરી, મકાઇ વગેરે ધાન્યપાકોમાં ૧૦૦ દિવસ બાદ દર ચો.ફૂટે ૧૦૦ ગ્રામ વજન મુજબ ૧૦ ચો. ફૂટમાંથી ૧ કીલો વજન આપવાની ત્રેવડ સૂર્યશક્તિ ધરાવે છે.
મગફળી જેવા તેલીબિયાના પાકમાં ૫૦ ગ્રામ તેલમાં ૧૦૦ ગ્રામ અનાજ જેટલી કાર્યશક્તિ મળે છે. તેથી તેવા બીજા પાકના મળતાં વજનની સરખામણીએ તૈલીપાકમાં અર્ધું જ વજન મળે.એટલે ૧૦ ચો ફૂટના બદલે ૨૦ ચો.ફૂટમાં ૧ કીલો શીંગદાણા મળે. અને દ્રાક્ષ જેવામાં ૧૦૦ ગ્રામ સુકા વજનમાં ત્રણગણું પાણી ઉમેરીએ તેવો લચીલો પદાર્થ હોય છે. એટલે ૧ ચો ફૂટમાં ૪૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ તૈયાર થઇ શકે. ટામેટા, કાકડી, તરબૂચ વગેરેમાં ૯૦ ટકા પાણી હોય છે. વળી તે બધાના છોડવા-વેલા પોતાના શરીર માટે બહુ ઓછું વજન વાપરવાવાળા હોવાથી બાકીનું વધારાનું વજન ઉત્પાદનના ફાળે જ ખર્ચતા હોવાથી એ બધા પાકો વર્ષભરમાં ૫-૬ કીલો વજન આપી જાણે છે. તે જ રીતે શેરડી જેવા પાકો 1 ચો ફૂટે અઢી કીલો મુજબ વર્ષેદહાડે એકરે 100 ટન શેરડી ઉત્પન્ન કરી શકે.
આપણે કૃષિક્રાંતિ લાવનારાઓએ, કંઇક આગવું વિચારનારા પ્રયોગશીલ ખેડૂતોએ આપણા વિસ્તારને અનુકુળ લેવાતા પાકોમાં વધુને વધુ સૂર્ય પ્રકાશ પાકના પાંદડાંઓ કેમ શોષી શકે એવા નુસ્ખા અને પધ્ધતિઓ શોધી કાઢીને વ્યાપકપણે વપરાતા થાય તેમ ન કરવું જોઇએ ? ચાલો વિચારીએ ! વિચારશું તો ઉપાયો જરૂર મળી રહેવાના મિત્રો !
સૂર્યપ્રકાશનું માપ કેમ કાઢવું ? = પ્રકાશની તીવ્રતા માપવા માટેનું પરિમાણ છે –“ફૂટ કેંડલ’’. એક હજાર સળગતી મીણબત્તીઓ એક ફૂટની ફેરીપર જેટલો પ્રકાશ આપે તેને એક હજાર ફૂટકેંડલ પ્રકાશ કહેવાય. કેલીફોર્નિયામાં દ્રાક્ષપર થયેલ સંશોધનની વિગતમાં એવું જણાવાયું છે કે દ્રાક્ષના પાન ૭,૦૦૦ ફૂટકેંડલથી વધારે પ્રકાશ વાપરી શકતા નથી.આપણે ત્યાં મહારાષ્ટ્ર-ગુજરાત જેવા પ્રદેશોમાં પડતો સૂર્યપ્રકાશ આશરે ૧૧,૦૦૦ ફૂટકેંડલ જેટલો છે. એટલે મહારાષ્ટ્રના ખેડૂતોએ, ખાસ કરીને ત્યાંના પ્રયોગ પરિવારે દ્રાક્ષ પાસે વધુ પ્રકાશ વપરાવવાના કાર્યક્રમો આરંભ્યા અને અગાઉ જ્યાં દ્રાક્ષની વેલીના પાન મંડપ ઉપર માત્ર આડા, ઊભા અને ત્રાંસા- એમ ત્રણ થરે ગોઠવી દીધા પછી, હજુ પણ કેટલોક સૂર્યપ્રકાશ જમીનપર પરાવર્તિત થઇ પાનની નીચેની સપાટીને મળે તેવી વ્યવસ્થા ગોઠવી, અને એક એકરે જ્યાં 16 ટન દ્રાક્ષ મળતી હતી તેની જગ્યાએ 30 ટન લેવાના પ્રયોગો સફળ બનાવ્યા.
શું આપણે આવું ન કરી શકીએ ? કેમ નહીં ? આપણે આવું જરૂર કરી શકીએ. કેવી રીતે તે જોઇએ…………………………….
[1] ચાલુ ખેતીપાકોના વાવેતર વખતે ચાસની યોગ્ય દિશા પસંદ કરીને = .
મોસમી પાકોમાં કેટલાક થોડા ઉંચા-ઊભા વધતા અને બે ચાસ વચ્ચે વધુ અંતર રાખી વવાતા પાકો જેવા કે –તલ, કપાસ, એરંડા જેવા પાકોમાં વાવેતર વખતે આપણે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે કે ચાસની દિશા ઉત્તર-દક્ષિણ રાખી હોય તો ? કઇ રીતે રાખવાથી વધુમાં વધુ વખત સૂર્યપ્રકાશ ચાસના છોડના દરેક ભાગો પર પડશે તેનું નીરીક્ષણ કરી વાવેતેર કરવું જોઇએ. નહીં કે ખેતરનો પનો જે દિશાએ લાંબો હોય તે દિશાને ઉત્તમ ગણીને ! કેટલાક ચોમાસે વવાતા, શિયાળે વવાતા, અને ઉનાળે વવાતા ટુંકાગાળાના છતાં ચાસથી વાવેતર થતું હોય તેવા પાકોમાં આ મુદ્દાનું ધ્યાન રખાયું હોય તો દસ-બાર ટકા ઉત્પાદન આપમેળે માત્ર યુક્તિથી જ વધુ મળવાની શક્યતા છે.
[2] નાના પાકોને મોટા પાકોની બગલમાં ઉછેરીને =
વનસ્પતિ જગતમાં જોવા મળતી અનેક વિવિધતાઓ માંહ્યલી એક એ પણ છે કે કોઇ ઝાડ-છોડને વધુ સૂર્યપ્રકાશ ફાવે છે તો કોઇને ઓછો ! કેળ અને અનાનસ થોડા આછા પ્રકાશમાં પણ સારું ઉત્પાદન આપી શકે છે. લીંડીપીપરને પણ ઓછો પ્રકાશ ફાવે છે. આવા નાના પાકોને બીજા વૃક્ષપાકોની બગલમાં નીચે વાવીને-ઊંચા વધતાં અને નીચા રહેતાનું મિશ્ર વાવેતર કરીને સૂર્યપ્રકાશનો વધુ લાભ લેવાનું ન ગોઠવી શકીએ ?
આદુ, હળદર. અને આંબા હળદર પણ તલક છાંયડો વધુ પસંદ કરે છે. બગીચાના ઝાડના ખામણાંમાં આવા છોડના વાવેતરથી આપણે બમણો પાક ન લઇ શકીએ ? જમીન ઉપર ઉગતા ઘાસને પણ પ્રમાણમાં ઓછા સોર્યપ્રકાશની જરૂર પડતી હોય છે. બે વૃક્ષોની લાઇનો વચ્ચે, જ્યાં જમીન નબળી હોય અને બીજો આંતરપાક લેવો ન પોસાય તેમ હોય ત્યાં ઘાસને છૂટથી થવા દેવું જોઇએ. તેનો ઉપયોગ જરૂર હોય તો ચારા તરીકે, અને નહીંતો વાઢીને ત્યાંને ત્યાં પાથરીદેવાય તો પણ જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે. આવી જગ્યાઓમાંથી નિંદામણ માની ઘાસને મૂળસમેત ઉખાડી નલેવું
3] વાવેતરના ઊંચા-નીચા માળ ગોઠવીને =
પ્રાયોગિક ધોરણે કેટલાક નવા પ્લાંટેશન એવા ના કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના સીતાફળ અને દાડમ જેવા અને બન્નેના ખાલામાં [વચ્ચેની જગ્યામાં] નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ, શાકભાજી કે ઘાસચારાના પાકો ઉગાડીએ ! આવી ઊંચી, મધ્યમ અને નીચી વિવિધ ત્રણથરી ઉંચાઇએ રહેતા પાકોની મિશ્રખેતી કરી હોય તો આવું જ કંઇક થાય ને ? ઉપરથી આવતો સીધો પ્રકાશ ઉપલા માળવાળા સાગ જેવા ઝાડ વાપરે, તેથી નીચે આવેલો પ્રકાશ શૃપટાઇપના ફળવાળા દાડમ જેવા પાક વાપરે, અને બધામાં થી ગળાઇ ગળાઇને આવેલો સૂર્યપ્રકાશ નીચલા માળના શાકભાજી, કઠોળ કે ઘાસચારાના પાકો વાપરે. સૂર્યપ્રકાશની ખેતી માટે આ ત્રણ માળનો પ્રયોગ કરવા જેવો છે. પ્રયોગ રૂપે કંઇક જરૂર કરી જોઇએ અને અનુભવની આપ-લે કરીએ..
[4] વૃક્ષ-વેલાના પાંદડાંને વધુ સપાટી મળે એવું કરીએ =
વૃક્ષોનું વાવેતર ક્યારેય એટલું બધું ઘાટું –નજીક નજીક અંતરથી ન કરીએ કે જેથી તે ગીચ બની જાય. થોડું વધુ અંતર રાખી રોપાણ કર્યું હોય તો દરેક વૃક્ષની ઘટા ગોળ-પૃથ્વીના અર્ધગોળાકાર જેવી થઇ શકે. જમીનની સાવ સીધી સપાટ સપાટી કરતાં ઝાડની ગોળાઇ વાળી સપાટી બનવાથી તેનું ક્ષેત્રફળ વધારે ચોરસફૂટ થાય. એટલે એકંદર રીતે ઉત્પાદનમાં એટલો વધારે સૂર્યપ્રકાશનો લાભ મળી શકે.
વેલાવાળા પાકો-તુરિયાં, કારેલાં, ટીંડોરાં, કંકોડાં, ગલકાં, દૂધી વગેરેના વેલાને સીધા જમીનની સપાટી ઉપર પથરાવા દેવા ઉપરાંત વચ્ચે વચ્ચે સૂકા ઠરડાંના ટેકા ખોડી, વેલાને તેના પર ચડાવીએ તો સૂર્યપ્રકાશ મેળવતાં પાંદડાંનું ક્ષેત્રફળ વધી જાય, એટલે ઉત્પાદન આપણને સવાયું-દોઢું સહેજે મળે ! તમે નિરખજો ! કૂવાના ગાળના ઢગલા ઉપર પથરાઇ ગયેલા કે શેઢાની વાડ્યના ઝાળાં માથે ચડી ગયેલા શાકભાજીના વેલાને વધુ ફળો લાગવા એ આ રીતે વધુ ઝીલી લેવાતા સૂર્યપ્રકાશનું જ કારણ હોય એવું તમે પણ ચોક્કસ અનુભવી શકશો . ટામેટા અને મરચી જેવા ઢુંગલું થઇ નમી પડતાં છોડને આડો પડી જતાં અટકાવી, ઊભો ને ઊભો રહે તે માટે ચાસ પર લોખંડનો તાર બાંધી કપડાના લીરા કે સુતળીથી બાંધી લટકાવી દેવાથી સૂર્યપ્રકાશ મેળવતી સપાટી વધારી શાય છે અને એનો બહુમોટો લાભ ઉત્પાદનમાં મેળવી શકાય છે.
[5] પાંદડાંનો રંગ વધુ વખત લીલો રહે તેવી અનુકુળતા કરીને =
છોડ કે ઝાડને ખાતર, પાણી અને સંરક્ષણ એવી રીતેપૂરા પાડવા કે છોડ કાયમ માટે પૂરેપૂરો નિરોગી અને ખડતલ રહે. સંપૂર્ણ સ્વસ્થ છોડના પાનનો રંગ હંમેશા વધુમાં વધુ વખત લીલો રહી શકતો હોય છે. અને લીલો રંગ સૂર્યપ્રકાશને ફસાવવાનું અને ખોરાક બનાવવામાં વાપરી જાણવાનું બહુમૂલું કામ કરી જાણે છે. એટલે આપણા ખેતીપાકો વધુ વખત હરિયાળા-લીલા રહે એવું કરવાની મહેનત લઇએ.
અને છેલ્લે =
પૃથ્વી પર આવનારી સૂર્યશક્તિને દિવસ દરમ્યાન વાપરી લેવામાં [એકઠી કરી લેવામાં] ન આવે તો રાત્રી પડતાં તે અનંત વિશ્વમાં ઉત્સર્જિત થઇ વિલીન થઇ જાય છે. એથી જ્યાં જેટલો સૂર્યપ્રકાશ પડે છે ત્યાં તેટલાને કેમ વધારે ને વધારે વાપરી જાણવો તે વિખરાઇ જતા ધનને સાચવી લેવા જેવી તાકીદની બાબત છે. તેની તાકાત તો રોજના ૩ ગ્રામ સુકા વજનની ગણતરીએ વરસભરમાં ૧,૯૮૦ ગ્રામ સુકું વજન આપી શકવાની છે. આપણે ક્યા ક્યા પાકો દ્વારા અને કઇ કઇ પધ્ધતિઓથી સૂર્યપ્રકાશને પકડી રાખવો તે આપણે વિચારી નક્કી કરવાનું રહ્યું.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
