ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પ્રવાસ માનવજીવનનું મહત્ત્વનું અંગ છે, જે તેને રોજિંદી, એકધારી દિનચર્યાથી કામચલાઉ મુક્તિ આપે છે. આવું વરસોથી આપણે સાંભળતા, વાંચતા અને સમજતા આવ્યા છીએ. અલબત્ત, હવે પ્રવાસ એક વિશાળ ઉદ્યોગ બની ગયો છે. એ કંઈ આજકાલનું નથી, પણ પહેલાં એ મર્યાદિત સ્થળ કે પ્રદેશ પૂરતું મર્યાદિત હતું. હવે બદલાતા સમયમાં પ્રવાસીઓ સતત નવાં નવાં સ્થળોની શોધમાં રહે છે, બીજી તરફ શાસકોને પણ પ્રવાસ ઉદ્યોગમાં મોટો લાડવો દેખાઈ રહ્યો છે. જરા વિચારી જુઓ કે કોઈ સ્થળે ઢગલામોઢે પ્રવાસીઓ જતાઆવતા રહેતા હોય એ સ્થળની શી હાલત થાય? ગણતરીના દિવસ પૂરતા રહેવા-ફરવાનું હોય એટલે સ્વચ્છતાનો ગંભીર પ્રશ્ન કાયમી બને. જે તે સ્થળના પર્યાવરણ પર પણ વિપરીત અસર થતી રહે. સ્થાનિકોને રોજગારી મળે એ એકમાત્ર લાભની સામે નુકસાન અનેકગણું થતું રહે. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પર્યાવરણ અંગે અલગથી સમજાવવું પડે એવું નથી, કેમ કે, એક યા બીજા કારણોસર તેની વિપરીત અસરોનો પરચો આપણને મળતો રહે છે. આમ છતાં, પ્રવાસને વધુ ને વધુ ઉત્તેજન આપવાની, અને તેના થકી આવક વધારવાની નીતિઓ ઘડાતી રહે છે.

ઑક્ટોબર, ૨૦૨૪માં કર્ણાટક સરકારે નવી પ્રવાસન નીતિની ઘોષણા કરી, જેના વિવિધ આંકડા જોવા જેવા છે. ૨૦૨૪થી ૨૦૨૯ એમ પાંચ વર્ષ માટે અમલી બની રહેનારી આ નવી નીતિમાં દેશના પ્રવાસીઓની સંખ્યા વધારીને વાર્ષિક ૪૮ કરોડે અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વીસ લાખે પહોંચાડવાનું લક્ષ્ય છે. વર્તમાન આંકડો અનુક્રમે ૨૮ લાખ અને ચાર લાખ છે. આને કારણે પ્રત્યક્ષપણે ૪૭,૦૦૦ રોજગાર ઊભા થશે, જે ૭,૮૦૦ કરોડનું રોકાણ ખેંચી લાવશે. આંતરાષ્ટ્રીય સ્તરના પ્રવાસીઓને આકર્ષવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે કર્ણાટક સરકારે ૧,૩૪૯ કરોડ ફાળવ્યા છે.
આ રાજ્યમાં ૩૨૦ કિ.મી.નો સમુદ્રતટ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન છે. નવી નીતિમાં સાહસ, સંસ્કૃતિ, વાનગી અને સ્વાસ્થ્ય જેવા વૈવિધ્યપૂર્ણ વિષય આધારિત સ્થળોને વિકસાવવામાં આવશે. ‘એક જિલ્લો એક સ્થાન’ અંતર્ગત રાજ્યના તમામ ૩૧ જિલ્લામાં ઓછામાં ઓછા 31 મુખ્ય સ્થળો વિકસાવવામાં આવશે, જેથી પ્રત્યેક જિલ્લાને આ નીતિનો લાભ મળી શકે.
આ ઉપરાંત જળ, સ્થળ અને હવા આધારિત કુલ પચાસ સાહસને લગતાં સ્થળો વિકસાવવાનું આયોજન છે. કૉફી બોર્ડ ઑફ ઈન્ડિયા ‘કૉફી ટુરિઝમ’ના મહત્ત્વના સ્થળ તરીકે કર્ણાટકને વિકસાવવા સજ્જ થઈ રહ્યું છે. ઓછામાં ઓછા પચાસેક આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળાઓમાં ભાગ લઈને રાજ્ય પોતાની ઉપસ્થિતિ થકી પોતાની ક્ષમતા અને આકર્ષણને વિશ્વ સમક્ષ રજૂ કરવા ધારે છે.
આ બધું કાગળ પર રૂડુંરૂપાળું જણાય છે, પણ વાસ્તવિકતા વિશે વિચાર કરવા જેવો છે. આ રાજ્યમાંથી પસાર થતો પશ્ચિમ ઘાટ અત્યંત સંવેદનશીલ પર્યાવરણ ધરાવે છે. અત્યારે પ્રવાસ સિવાયના અન્ય વિકાસપ્રકલ્પો થકી તેની પરનો ખતરો વધી રહ્યો છે.
એક સમયે પ્રવાસન સ્થળ તરીકેનો વિકાસ મહત્ત્વનું પરિબળ બની રહ્યું હતું, પણ પ્રવાસીઓનો બેકાબૂ ધસારો કેવળ પર્યાવરણને જ નહીં, બીજી અનેક બાબતોને નુકસાન કરે છે. સ્થાનિક સંસ્કૃતિ તેમાં અગ્ર ક્રમે મૂકી શકાય. કોઈ પણ નૈસર્ગિક સ્થળનું સૌંદર્ય પ્રવાસન સ્થળ તરીકેના તેના વિકાસ પછી સતત નષ્ટ થતું રહે છે એ અનેક સ્થળે પુરવાર થયેલી હકીકત છે. કર્ણાટકના કોડગૂ અને ચિક્કમગલૂરુ જેવા વિસ્તારો અત્યારે પ્રવાસીઓના જબ્બર ધસારાનો ભોગ બની રહ્યા છે.
પ્રવાસ નીતિમાં મોટે ભાગે આવક અને રોજગારને લગતા આંકડા જાહેર કરવામાં આવે છે, પણ જે તે સ્થળની જાળવણી માટે શું કરવામાં આવશે એ જણાવાતું નથી, કેમ કે, એનું ખાસ મહત્ત્વ કદાચ કોઈને મન હોતું નથી. મોટા ભાગના પ્રવાસીઓ ફરવા નીકળે ત્યારે પોતાની આદતો સાથે લઈને નીકળે છે. તેમને વિવિધ સુવિધાઓ જોઈએ છે, નાણાં ખર્ચવા તેઓ તૈયાર હોય તો ગમે એવી અસંબદ્ધ માગણીઓ પણ કરે છે, અને સ્થાનિકો આવક ગુમાવવાની બીકે કે આવક મેળવવાની લાલચે એ પૂરી કરે છે, જેની સીધી અસર એ સ્થળના પર્યાવરણ અને જૈવપ્રણાલિ પર પડે છે.
કર્ણાટકે આજ સુધી પ્રવાસના ઉત્તેજન માટે ઘણો પ્રચાર કર્યો છે, અને વિવિધ પ્રવાસી આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ હકીકત છે કે વિવિધ યોજનાઓના અમલીકરણ, ઉત્તરદાયિત્ત્વ, અને વિવિધ સમુદાયોની સામેલગીરી બાબતે તેની ક્ષતિઓ વિશે વ્યાપક અસંતોષ છે. પ્રવાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા સહુના હિતનો વિચાર કરીને આયોજન થવું જરૂરી છે.
એમ થાય કે ન થાય, નવી નીતિ ઘોષિત થઈ ગઈ છે, અને એનો અમલ પણ કદાચ શરૂ થઈ જશે. શું કર્ણાટક કે શું ગુજરાત! પર્યાવરણની સ્થિતિ અને પ્રવાસ ઉદ્યોગનું ચિત્ર ખાસ જુદું નથી. આંકડાની માયાજાળ પુષ્કળ છે, પ્રસારમાધ્યમોમાં બધું રૂડુંરૂપાળું દેખાય છે, અને વાસ્તવિકતા કંઈક અલગ.
કોવિડ પછીના સમયગાળામાં જાણે કે લોકો પણ પુષ્કળ સ્થળો ખૂંદવા લાગ્યા છે. સેલ્ફીઓ અને રીલથી સામાજિક નેટવર્કિંગ માધ્યમો ધમધમે છે. સૌને એ જ દર્શાવવું છે કે પોતે અમુકતમુક સ્થળે જઈ આવ્યા. લોકોની આ માનસિકતાનો બરાબર લાભ લેવાય છે. આખી વાતમાં ક્યાંય પર્યાવરણ કે જૈવપ્રણાલિ પ્રત્યેની નિસ્બતનું નામોનિશાન નથી. છે તો બસ, મોટા મોટા આંકડા-પ્રવાસીઓના, આવકના, અને ન જાણે શેના શેના!
આ પ્રવાહ ઓસરે એવાં કોઈ લક્ષણ કળાતાં નથી. આથી તેનું જે પરિણામ આવે એ ભોગવવાની તૈયારી રાખીને, વિકાસ નામના જનાવરની દોટ જોઈને હરખાવા સિવાય બીજો કોઈ ઊપાય બચ્યો નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૧૨– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
