નલિની નાવરેકર
‘ગાય-બળદના છાણની જેમ માનવ મળ-મૂત્રનો ઉપયોગ જો આપણે ખાતર માટે કરી શકીએ તો તે ગામડાંની સૌથી મોટી સેવા થશે.’
– ગાંધીજી
‘મનુષ્યનાં મળ-મૂત્રનો સારો ઉપયોગ કરવાથી ખેતીનું ઉત્પાદન પ્રતિ-વ્યક્તિ વીસ રૂપિયા વધશે. જો એક હજારની વસ્તીનું ગામ હોય તો ગામનું ઉત્પાદન વીસ હજાર રૂપિયા વધી જશે.’ (આ આંકડા સ્વતંત્રતા મળી તે અગાઉના છે.)
– વિનોબા ભાવે
અંત્યોદયની દૃષ્ટિથી ભંગીકામ કરવાનો સંકલ્પ વિનોબાજીએ લીધો હતો. ૧૯૪૫ની સાલમાં વિનોબાજી જેલમાંથી છૂટીને આવ્યા ત્યારે તેમણે જે દૃશ્ય જોયું તેને તેઓ ભૂલી શકતા ન હતા. એક રેલવે સ્ટેશનની પાસેના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ખુલ્લામાં કોઈ શરમ-સંકોચ વિના શૌચક્રિયા કરી રહ્યા હતા. વિનોબાજીના મન પર આની ઊંડી અસર થઈ.
૧૯૪૯ની સાલથી તેઓ પવનાર રહેવા આવી ગયા હતા. ત્યારે પવનારથી ૩ કિ.મી. દૂર આવેલા સૂરગાંવમાં તેમણે ભંગીકામ કરવાનું શરૂ કર્યું. ગામમાં ખુલ્લામાં પડેલું મેલું ઉઠાવવાનું, તેને ખાડામાં નાખીને તેના પર માટી નાંખવી; પછી સ્નાન કરી, મંદિરમાં દર્શન કરીને પાછા ફરતા. સૂર્ય ઊગે નહીં એવું કદી બનતું નથી. એ જ રીતે નિયમિતતાથી વિનોબાજી આ કામ કરતા હતા. વીસ વર્ષ માટે તેમણે આ સંકલ્પ કર્યો હતો; જેમાં એક પેઢી બદલાઈ જાય. તેની સાથે માનસિકતા પણ બદલાય. બાળકોને યોગ્ય સંસ્કાર-વિચાર મળે. આ કામ વિનોબાજી ‘ઉપાસના’ માનીને કરતા હતા. આની સાથે સાથે તેલઘાણી, ગૌશાળા જેવાં કામો પણ શરૂ કર્યાં હતાં.
આ વિષય પર સૌથી પહેલીવાર જ્યારે ધ્યાન ગયું તેની એક વાર્તા છે. ૧૯૧૮ની વાત છે. ત્યારે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં પણ ‘ભંગી પાયખાનાં’ હતાં. પાયખાનામાં એકત્ર થયેલ મેલું ઉપાડવાનું કામ ‘ભંગી’ લોકો જ કરતા હતા. એક દિવસ વહેલી સવારમાં બાળકોબાજી (વિનોબાજીના ભાઈ) પાયખાના તરફ ગયા. ત્યાં તેમણે જોયું કે ભંગીનો છોકરો રડતો રડતો એક બાજુ ઊભો છે. પૂછ્યું તો વધુ રડવા લાગ્યો. તેને થયું હવે વઢ ખાવી પડશે. તેને સાંત્વન આપીને ફરીથી પૂછ્યું તો તેણે જણાવ્યું કે પોતાના બિમાર પિતાને બદલે તે મેલું ઉપાડવાના કામે આવ્યો છે. પરંતુ તેનાથી આ મેલું ભરેલ ડબ્બો ઉંચકાતો નથી. બાળકોબાજીનું દિલ પીગળી ગયું. વિચારોનું ચક્ર ચાલુ થયું. તેમણે કહ્યું ‘રડ નહીં, તું જા, આજથી આ કામ અમે જ કરી લઈશું.’ આશ્રમમાં તો ખળભળાટ મચી ગયો. પરંતુ વિનોબાજીએ બાળકોબાજીને સાથ આપ્યો. ગાંધીજી બહારગામ ગયા હતા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બધી હકીકત જાણીને કહ્યું, ‘આ બહુ સારું કામ કર્યું, આ તો આપણે કરવું જ જોઈએ. ત્યારથી ગાંધીજીના આશ્રમમાં પોતાનાં પાયખાનાં પોતે જ સાફ કરવાનું શરૂ થયું અને ભંગી આવવાના બંધ થયા.
આ પ્રકારના કામ પાછળ ગાંધી-વિનોબાની દૃષ્ટિ એ હતી કે જે અપરિહાર્ય છે, તેનો તિરસ્કાર કરવા કરતાં એવી વ્યવસ્થા ઊભી કરવી કે કોઈને પણ આવી ઘૃણાસ્પદ પદ્ધતિથી કામ ન કરવું પડે. મળનું વ્યવસ્થાપન વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય અને મળમૂત્રમાંથી ઊંચી કોટીનું ખાતર નિર્માણ થાય.
ઇંદોરના સ્વચ્છતા સપ્તાહમાં માર્ગદર્શન માટે વિનોબાજીએ અપ્પાસાહેબને બોલાવ્યા હતા. અપ્પા પટવર્ધન ગાંધીવિચારના આગલી હરોળના સમાજસેવક હતા. તેઓ સફાઈના ક્ષેત્રમાં નિષ્ણાત ગણાતા હતા. દેશ આખામાં જે ભંગીમુક્તિ આંદોલન વ્યાપક બન્યું તેમાં અપ્પાસાહેબના કામનો મોટો ફાળો હતો. એમ.એ.માં સુવર્ણપદક પ્રાપ્ત થયેલ એવા અપ્પાસાહેબે વર્ષો સુધી પોતે ભંગીકામ કર્યું હતું. તેમની પ્રેરણાથી અનેક લોકો/કાર્યકર્તાઓએ મેલું સાફ કરવાનું કામ વર્ષો સુધી વ્રતપૂર્વક કર્યું. પરંતુ આવી રીતે માત્ર ભંગીકામ કરતા રહેવાથી સમસ્યાનો હલ નહીં આવે, આ બાબત ધ્યાન પર આવતા અપ્પાસાહેબે સફાઈના વિષયમાં નવાં સંશોધનો પણ કર્યાં : કિસાન સંડાસ, ગોપુરી સંડાસ, સોપા સંડાસ જેવા એક કરતાં એક ચઢિયાતા પ્રયોગ તેમજ સંશોધનો તેમણે કર્યાં. ગાંધી સ્મારક નિધિ તથા સરકાર દ્વારા તેનો સારો પ્રચાર-પ્રસાર પણ થયો.
નાસિકના ભાઉ નાવરેકરજી સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓ એક સારા કલાકાર, મૂર્તિકાર, ગાયક તેમજ આદર્શ શિક્ષક હતા. પરંતુ કલાના કામ કરતાં પણ દેશની ગંદકી દૂર કરવાનું કામ – દેશને સ્વચ્છ કરવાનું કામ વધુ મહત્ત્વનું છે એમ વિચારીને એ કામમાં તેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું. તેમણે સેવાગ્રામમાં નઈતાલીમ દ્વારા ચાલતું પ્રશિક્ષણ લીધું જેમાં ગ્રામસફાઈનું ઊંડાણથી અધ્યયન કરવા મળ્યું. ગાંધી-વિનોબાના વિચારોનો સ્પર્શ તેમને થયો. આમ સમગ્ર સ્વચ્છતા એ જ ભાઉ નાવરેકરજીના જીવનનું લક્ષ્ય બની ગયું.
‘મનુષ્યના મળમૂત્રથી એટલું ઉત્પાદન થઈ શકે કે જેના થકી ગામના કાર્યકર્તા રાજા જેવું સમૃદ્ધ જીવન જીવી શકે તેમ છે. આ મારે સિદ્ધ કરી બતાવવાનું હતું, પરંતુ આ એક સપનું જ રહી ગયું.’ – (ગાંધીજીની હત્યા પછી અન્ય જવાબદારીઓ આવી પડતાં વિનોબાજીને સુરગાંવનું કામ બંધ કરવું પડ્યું, તે વખતે તેમણે આ કહ્યું હતું.) વિનોબાજીનું આ વાક્ય ભાઊના મનમાં પાકું થઈ ગયું. અને તેમનું કામ આ દિશામાં આગળ વધતું રહ્યું.
ચિંતન, પ્રયોગ, કામ કરતા કરતા શૌચાલયનો એક નવો નમૂનો એમણે વિકસિત કર્યો – ‘નાયગાંવ ખાદઘર’ ! ‘ખાદઘર’ શબ્દ જ સ્વયં-અર્થપૂર્ણ છે. અને તે વખતે ભાઊ જ્યાં રહેતા હતા તે ગામનું નામ હતું ‘નાયગાંવ’ !
નાસિક શહેરમાં ભાઊએ ‘ખાદઘર’ બનાવવામાં માર્ગદર્શન પૂરું પાડ્યું. કેટલીક જગ્યાએ ભંગી પાયખાનાં હતાં તેનું રૂપાંતર નાયગાંવ ખાદઘરમાં કરવામાં આવ્યું. ઘણાં ઘરોમાં નવાં શૌચાલયો બનાવવામાં આવ્યાં. નગરપાલિકાના સાર્વજનિક શૌચાલય પણ આ પદ્ધતિથી બનાવવામાં આવ્યાં. બીજા જિલ્લાઓમાં પણ આનો પ્રચાર-પ્રસાર થયો. ગાંધી સ્મારકનિધિએ ‘ખાદઘર’ અંગેની પુસ્તિકા છાપી. ભારતભરમાં હજારો નાયગાંવ ખાદઘર બન્યાં. સરકાર તરફથી તેને માન્યતા પણ મળી અને અનુદાન પણ મળ્યું. આમ આ કાર્યક્રમનો ખાસ્સો ફેલાવો થયો. અને ભંગીમુક્તિ, સ્વચ્છતા તેમજ ખાતરનું ઉત્પાદન એ ત્રણેય બાબતો આ ખાદઘર દ્વારા લાદી શકાઈ.
આગળ જતાં ભાઊ નાવરેકરજીએ હૉસ્પિટલ, નિશાળો, ગ્રામ-પંચાયત માટે પાયખાના સાથે જોડેલા બાયોગેસ પ્લાંટ પણ બનાવ્યા.
ડૉ. સુહાસ માપુસકર પૂના પાસે આવેલા દેહુગાવમાં સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવતા હતા. આ કામ સાથે તેમણે ગામમાં લોકશિક્ષણનું કામ પણ શરૂ કર્યું. ‘બહાર બેસવાને બદલે પાયખાનાનો ઉપયોગ કરો’ – આ કામ માટે દવાખાનાને નોટિસ મળી. તો નોકરી છોડીને પૂરો સમય ગામમાં કામ કરવાનું શરૂ કરી દીધું. પછી તો ઘેરઘેર શૌચાલય બનાવ્યાં. ‘મલપ્રભા’ બાયોગેસ પ્લાંટનો નમૂનો બનાવ્યો. મળ, મૂત્ર, ગંદુંપાણી અને કચરો બધાનું એકસાથે વ્યવસ્થાપન થઈ શકે તેવી ‘ડોસિવૅમ’ પદ્ધતિ વિકસિત કરી.
સ્વતંત્રતા મળ્યા પહેલાંના સમયમાં ડૉ. બાપટ સરકારી નોકરી છોડીને આંધળગાંવ નામના ભંડારા જિલ્લાના ગામમાં આવીને વસ્યા. ત્યાં સર્વોદય સમિતિ દ્વારા સંચાલિત ધર્માદા દવાખાનામાં તેમણે કામ શરૂ કર્યું. ત્યારબાદ ગામની સ્વચ્છતાની દૃષ્ટિએ આખા ગામમાં પાયખાનાં બનાવડાવ્યાં. ધીમે ધીમે બીજા તાલુકાઓમાં પણ શૌચાલયો બનતાં ગયાં. તેમણે સફાઈ માટે લોકશિક્ષણના વર્ગો પણ ચલાવ્યા.
ગુજરાતમાં ઈશ્ર્વરભાઈ પટેલ હરિજન સેવક સંઘના સફાઈ વિદ્યાલયના પ્રાચાર્ય હતા. તેમણે બહુ મોટાં કામો કર્યાં. શહેરો તેમજ ગામડાઓમાં વ્યાપક સ્તરે જુદા જુદા પ્રકારનાં પાયખાનાઓ બનાવ્યાં. જેથી નદીઓ પ્રદૂષિત ન થાય અને ભંગીઓની જરૂર પણ ન પડે. તેમજ ખાતર પણ મળે એવાં શૌચાલયો બનાવ્યાં. આગળ જતાં સરકારની યોજનાઓને લીધે તેમનું કામ વધુ વ્યાપક બન્યું. હજારો લોકોને આ કામની તાલીમ પણ આપી.
બિહારના બિંદેશ્ર્વર પાઠકજીનું કામ જરા જુદા પ્રકારનું છે. બજાર, રેલવેસ્ટેશન, બસસ્ટેંડ જેવાં સાર્વજનિક સ્થળો માટે ‘પે એન્ડ યુઝ’ પ્રમાણે ‘સુલભ શૌચાલય સંકુલ’ યોજના તેમણે ચલાવી. માત્ર બિહાર જ નહીં, આખા દેશમાં તે કાર્યાન્વિત થઈ.
આખા દેશમાં બીજા અનેક મહત્ત્વના કાર્યકર્તાઓ થઈ ગયા જેમણે સફાઈ તથા મળ-મૂત્ર વ્યવસ્થાપનના કામને પ્રાધાન્ય આપીને તે અંગે નિષ્ઠાપૂર્વક કામ કર્યું. મુ.ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે, જુગતરામ દવે, મનસુખલાલ જોબનપુત્રજી, શિવાભાઈ પટેલ, રામેશ્ર્વરી નહેરુજી, શ્રી કૃષ્ણદાસ શાહ, વલ્લભસ્વામીજી, જીવનલાલ જયરામદાસજી, મલકાનીજી, વિયોગીહરિજી, જી.રામચંદ્રન, એવાં ઘણાં નામો છે જેમણે સફાઈના કામમાં પોતાનો ફાળો આપ્યો.
સાથે સાથે જુદી જુદી સરકારી યોજનાઓ દ્વારા પણ કેટલાંક કામો થયાં. આમ કુલ મળીને ઘણું મોટું કામ થયું છે. છતાં ઘણું બાકી છે, હજી પણ સપનું અધૂરું છે.
આજકાલ ઘણી વાર પૂછવામાં આવે છે કે ‘શું ગાંધીવિચાર આજે પણ ઉપયોગી છે ?’ શું આપણે પણ એવું કહીશું ? – આ રીતે મળમૂત્રનું વ્યવસ્થાપન કરીને ખાતર બનાવવાનું કામ આજે કોને ગમે છે ? ન તો આશ્રમોમાં આ કામ કરવાની ધગશ દેખાય છે ન તો ગામમાં કામ કરનારા કાર્યકર્તાઓ આ વિષયને મહત્ત્વ આપે છે.
પરંતુ જ્યાં સુધી માણસ છે, ત્યાં સુધી તેના મળ-મૂત્રના વ્યવસ્થાપનનો પ્રશ્ન તો રહેવાનો. અને મળમૂત્રનું ખાતર બનાવવા સિવાય તેના વ્યવસ્થાપનનો આનાથી વધુ સારો વિકલ્પ શો હોઈ શકે ?
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જુલાઈ, ૨૦૨૪
