વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

સાંજના સોનેરી કિરણો પીપળાની ડાળીઓ વચ્ચેથી ચળાઈને ધરતી સુધી માંડ પહોંચતા હતા. પવનની હળવી થપાટથી ગલગલિયાં થતાં હોય એવી રીતે પીપળ-પાન જાણે હસી રહ્યાં હતાં. બખોલના માળાનાં પંખીઓ નિરાંતમાં હતાં.

વૃક્ષની નીચે આસમાન તરફ તાકી રહેલ રામારાવ આંસુ જાણે  સાચવી રાખવાની જણસ હોય એમ એને રોકવાની મથામણમાં હતા. આમ તો ચાર વર્ષ પહેલાં પોતાની પત્ની, સૌની નાની આશ્રમ ગઈ ત્યારે આંખ ભીની નહોતી થઈ તો આજે નાની ઠીક થઈને પાછી આવે છે ત્યારે કેમ? આજે તો આનંદ થવો જોઈએ ને? નહોતો થતો.

પીપળાની નીચે નાનીનો દીકરો વીનુ, પુત્રવધૂ અનુરાધા, પૌત્ર રંગા સમેત આખી મંડળી છેલ્લા કલાકથી નાનીની રાહ જોઈ રહી હતી.

“રંગા, નાની બોલાવે તો પણ એની પાસે ન જતો.” અનુરાધા દીકરાને વારંવાર સમજાવતી હતી. પુત્રવધૂની વાતથી રામારાવ અકળાયા.

‘જ્યારે ડૉક્ટરોએ પણ નાની સ્વસ્થ છે એવું કહી દીધું પછી હવે શું છે?’ એ અનુરાધાને કહેવા જતા હતા ને નાનીની બસ આવતી દેખાઈ. ચબૂતરા પર ચહલપહલ મચી.

બસ ફાટક પાસે ઊભી રહી, ભૈયારામનો હાથ પકડીને નાની ઉતરી. સૌએ દૂરથી જ નાનીનું સ્વાગત કરી ને ઘર તરફ પ્રયાણ કર્યું.

ચાર વર્ષ પહેલાં નાની આશ્રમ ગઈ ત્યારે એણે વિચાર્યુંય નહોતું કે કુષ્ઠરોગની સારવારથી સાજી થઈને એ ઘેર પાછી આવશે. જતાં પહેલાં ઘરની દરેક ચીજ, ઘરનાં ચોતરા પાસે પીપળાના ઝાડ નીચે ગણેશજીની જૂની મૂર્તિ સુદ્ધાંને અંતિમ વાર સ્પર્શી લીધી હતી. આજે પાછાં આવવાની ખુશીથી નાનીનો ચહેરો આનંદથી ચમકતો હતો.

ઘરે પહોંચીને ગણેશજીની મૂર્તિ પાસે દગડ પરિવારની પરંપરા મુજબ અનુરાધાએ દીવો પ્રગટાવ્યો. મૂર્તિ હતી તો ખંડિત છતાં દીવાના પ્રકાશમાં એની આભા વધી. ચાર વર્ષે આજે ફરી જાણે મૂર્તિમાં રામારાવને શક્તિનો આભાસ થયો. એમણે મનોમન ગણેશજીનો આભાર માન્યો. નાનીએ મસ્તક નમાવી વંદન કર્યા.

“મને વિચાર આવતો કે, ગણેશજીની પાસે કોઈ દીવો કરતું હશે કે કેમ?” નાની બોલી.

“તું જેમ છોડીને ગઈ હતી, બધું એમ જ ચાલે છે.” રામારાવે જવાબ આપ્યો.

નાનીએ ખુશ થઈને અનુરાધા તરફ જોયું. અનુરાધાની પાછળ સંતાઈને જરા અમસ્તું ડોકું કાઢીને નાની તરફ જોતા પૌત્ર તરફ નજર ગઈ. રંગાને જોઈને નાની રાજી રાજી થઈ. ચાર વર્ષમાં કેટલો મોટો થઈ ગયો ! નાનીએ વહાલથી રંગાને બોલાવ્યો.

“રંગા, અહીં આવ.” નાનીએ રંગાને બોલાવ્યો, પણ અનુરાધાનો પાલવ છોડીને એ આગળ ન આવ્યો.

“ભૂલી ગયો હશે કદાચ. ચાર વર્ષ થયાં ને, ઓળખી જશે પછી તો કેડો નહીં મૂકે.” અનુએ રંગાને પોતાની હજુ વધારે પાછળ ધકેલ્યો.

પગથિયાં ચઢવા નાનીએ હાથ લંબાવ્યો. વીનુએ ભૈયારામને આગળ ધકેલ્યો. ભૈયારામનો હાથ પકડીને નાની ઉપર ચઢવા માંડી, એટલામાં ગૌશાળામાંથી રંભાના ભાંભરવાનો અવાજ સંભળાયો.

“જોયું કેવી ઓળખી લીધી મને?” નાની ખુશ થઈને પગથિયાં ચઢવાના બદલે રામારાવ સાથે ગૌશાળા તરફ ચાલી. ગાયને વહાલથી પંપાળીને ઘરમાં આવી.

“નાની, તમારે હવે કોઈ કામ કરવાનું નથી. તમારે ફક્ત આરામ કરવાનો છે.” અનુ બોલી.

“કોણે વીનુએ કહ્યું?” નાની હસી પડી. આજે એ અતિ આનંદમાં હતી.

સાંજે દૂધનું વાસણ લઈને એ ગૌશાળા તરફ જતી હતી ને અનુએ રોકી.

“આ શું કરો છો? વાસણ મૂકી દો. કહ્યું’તું ને કે, તમારે કામ નથી કરવાનું. માત્ર આરામ કરવાનો છે.”

“અરે, પણ કેમ? ત્યાં આશ્રમમાં તો હું રસોઈ બનાવતી હતી.” નાની બોલી.

“ત્યાં તો ડૉક્ટર હોય. અહીં કંઈ થયું તો દોડધામ કોણ કરશે?” અનુ અકળાઈ.

“કંઈ નથી થવાનું.” કહીને નાની આગળ વધી.

“એક વાર કહ્યું ને, વાસણ મૂકી દો.” અનુના અવાજમાં કડકાઈ ઉમેરાઈ.

નાનીએ વાસણ મૂકી તો દીધું, પણ જાણે અપમાન થયું હોય એમ દિલમાં એક ટીસ ઊઠી. એ અંદર  ઓરડામાં જઈને રડી પડી. રાત્રે એક નિશ્ચય કર્યો. આ મારું ઘર છે, સૌએ મારો આદેશ માનવો પડશે. આશ્રમમાં દસ-પંદર જણની રસોઈ બનાવતી હતી તો અહીં મહેનત કેવી?

વહેલી સવારે ઊઠીને લોટ બાંધી રોટલા ઘડવા માંડી. અનુ જાગી ત્યારે ચૂલા પાસે રોટલાની થપ્પી જોઈ.

“કોણે બનાવ્યા?”

“મેં.” નાનીએ જવાબ આપ્યો.

અનુ સન્ન થઈ ગઈ. નાની એની ચિંતા કર્યા વગર સફાઈમાં લાગી ગઈ.

બપોરે ઘરના પુરુષોએ જમી લે પછી અનુ અને નાની જમવા બેસતાં. આજે અનુએ નાનીની થાળી પીરસીને આપી અને પોતાની થાળી લઈને નાનીથી જરા અંતર રાખીને જમવા બેઠી. નાનીને જરા અજુગતું લાગ્યું તો ખરું, પણ આજે એ પોતાની મસ્તીમાં હતી. કેટલા વખતે એ ઘરમાં બેસીને, ઘરનું ખાવાનું ખાઈ રહી હતી.

“બધાંએ રોટલા ખાધા, કોઈ કંઈ બોલ્યું? “ નાનીએ અનુને સવાલ કર્યો.

“હા, સરસ બન્યા છે એવું એમણે અને બાપુજીએ કહ્યું.”

નાનીના ચહેરા પર રોનક છવાઈ. અનુ બોલ્યા વગર ખાતી રહી, પણ એની નજર નાનીના ચહેરા પર, આંગળીઓ પર ફરતી રહી. નાના નખ, ટેઢીમેઢી આંગળીઓ, ચહેરા પર સફેદ ડાઘના ઉઝરડા દેખાયા.

જમીને નાની અંદર ગઈ તો વીનુને જોયો.

“કેવા લાગ્યા મારા હાથના રોટલા?”

“સારા લાગ્યા.” વીનુ બોલ્યો.

નાની ખુશ થઈને વરંડામાં જ્યાં રામારાવ ટહેલતા હતા ત્યાં પહોંચી. ફરી એ જ સવાલ.

“કેવા લાગ્યા આજના રોટલા?”

રામારાવ જવાબ આપે એ પહેલાં એનું ધ્યાન વીનુ પર ગયું અને એ સહેમી ગયા. હવે નાનીને દાળમાં કઈંક કાળું નજરે આવવા માંડ્યું. અંદર જઈને ઉંઘવાનો પ્રયાસ કર્યો, પણ એ રડી પડી.

સાંજે દૂધનું વાસણ શોધવા માંડી. સાફ કરવાના વાસણોની સાથે દૂધનું વાસણ, લોટનો ખાલી ડબ્બો જોયો. એને નવાઈ લાગી કારણકે, સવારે તો લોટનો ડબ્બો ભરેલો હતો તો અત્યારે અહીં કેમ?

વિચાર આવ્યો, પણ પછી દૂધનું વાસણ લઈને ગૌશાળા તરફ ગઈ. ગાય પાસે એણે બનાવેલા રોટલા નજરે પડ્યા. ઘીસ ખાઈને નાની એ જ સમયે ત્યાંથી ચાલી આવી. ઘરમાં આવીને દૂધનું વાસણ પટકી, આંગણાં બાંધેલા હીંચકા પર જઈને બેઠી. આંખમાંથી આંસુનું પૂર રેલાયું.

‘ઓહ, તો એણે ઘડેલા રોટલા હવે ગાય જ ખાશે ?’

સૌ કહેતા કે એને કુષ્ઠરોગ થયો છે. એની સારવાર માટે એટલે તો એ ચાર વર્ષ આશ્રમમાં રહી. નાનીને આશ્રમ યાદ આવ્યો. ત્યાં તો સૌની સાથે ડૉક્ટર પણ એણે બનાવેલી જ રસોઈ ખાતા હતા. એણે બનાવેલી રસોઈ ખાવામાં ડૉક્ટરને બાધ નહોતો પણ ઘરનાંને …?

જ્યારે એ પાછી આવતી હતી ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે, એનો રોગ ચેપી નહોતો. એ સૌની સાથે હળીમળી, રહી શકશે, પણ અહીં તો ઘરનાં જ એનાથી અંતર રાખતા હતા !

ઊંઘ નહોતી આવતી છતાં જાતને સંભાળતી પથારી ભેગી થઈ.

રાત્રે પગરવથી એ જાગી. રામારાવ દીવો પ્રગટાવતા હતા. નાનીએ પતિ તરફ હાથ લંબાવ્યો. પત્નીનો લંબાવેલો હાથ જોઈને એણે ઝટપટ પોતાની પથારી દૂર કરી દીધી. આટલો સ્પર્શ પણ નહીં? નાનીનાં ગળામાંથી ડૂસકું નીકળી ગયું અને એ ક્યાંય સુધી રડતી રહી. બીજી રાત્રે પણ થોડાં અંતરે પાથરેલી બે પથારીઓ નજરે આવી.

“તો કાલે પણ આમ જ હતું?” એણે રામારાવની પથારી તરફ નજર કરી. એક ઘેરો, ઊંડો નિસાસો નાખીને એ પડખું ફેરવી ગઈ.

સવારે રામારાવ જાગ્યા ત્યારે જોયું કે, નાની તો એનાથી પહેલાં જાગી ગઈ હતી, પણ હતી ક્યાં?

વીનુ…..” રામારાવે બૂમ મારી. વીનુ દોડતો આવ્યો. બધા રૂમ ફરી વળ્યો. નાની એકપણ રૂમમાં નહોતી. વીનુ બહાર આવ્યો. પીપળાની નીચે ગણેશજીની મૂર્તિ પાસે દીવો પ્રગટેલો જોયો. ગણેશજીના મસ્તક પર ચંદનનો ટીકો હતો, સૂંઢ પર જસવંતીના ફૂલો હતાં.

ક્યાં ગઈ હશે? ચારેકોર તપાસ કરી. સમાચાર મળ્યા કે, કોઈએ નાનીને અમરાવતી જતી બસમાં ચઢતી જોઈ હતી.


જયવંત દલવી લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.