આશા વીરેન્દ્ર
ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં સ્તબ્ધતા છવાયેલી હતી. કેસ તો મુન્ની એટલે કે, વીસેક વર્ષની ઘરકામ કરતી છોકરીનાં ખૂનનો હતો એટલે લોકોને એમાં ઝાઝી લેવાદેવા ન હોય પણ એ છોકરી જાણીતા ન્યૂઝ રીડર અમીત ભટ્ટાચાર્યને ઘરે કામ કરતી હતી એ અહીં ભેગા થયેલા લોકોના રસનો વિષય હતો. અમીત સર એકલા જ રહેતા હતા. એમની પત્ની ક્યાં રહે છે કે એમની સાથે કેમ નથી રહેતી એવી પડપૂછમાં મુન્ની કદી પડી નહોતી. એ તો સવાર પડે ને ‘ગુડ મોર્નિંગ સાહેબ’ એમ બોલતીક ને વાવાઝોડાંની જેમ પ્રવેશે. થોડી થોડીવારે અમીત પાસે આવીને ‘સાહેબ, ખબર છે, ગઈકાલે શું થયું? અમારી ઝૂપડપટ્ટીમાં તો મોટી બબાલ થઈ ગઈ. પછી તો છે ને તે પોલીસ બોલાવવી પડેલી..’ એમ કરતી કોઈ ને કોઈ કથાની શરૂઆત કરતી. એક લોકપ્રિય અને પ્રસિધ્ધ ન્યૂઝ રીડર હોવા છતાં અમીત એની વાતો રસપૂર્વક સાંભળતો રહેતો. ક્યારેક એની તરફથી સરખો હોંકારો ન સંભળાય તો મુન્ની ખિજાઈ જતી,
‘તમે તો મારી વાત સાંભળતા જ નથી. ચાલો, જવા દો. મારે કંઈ વાત કરવી નથી.’ એ રિસાઈને કહેતી.
મુન્ની જરાક મોડી થાય કે અમીતના બાલ્કનીમાંથી ડ્રોઈંગરૂમમાં અને ડ્રોઈંગરૂમમાંથી બાલ્કનીમાં આંટાફેરા ચાલુ થઈ જતા. ‘આજે કેમ મોડું થયું?’ એવા સવાલનો જવાબ એ વિસ્તારથી આપતી, ‘લે, અમારેય ઘર-બાર, કામ-કાજ કંઈ હોય કે નહીં સાહેબ? કો’ક દિવસ ઘરમાં કોઈ નરમ-ગરમ પણ હોય. આ જુઓને, માને બે-ત્રણ દિવસથી એટલી ઉધરસ થઈ ગઈ છે કે નથી પોતે સૂતી ને નથી બીજાંને સૂવા દેતી. આખી રાત ખોં ખોં કરે છે. આખી રાતનો ઉજાગરો થ્યો બોલો સાહેબ…’ વાત અધૂરી રાખીને એ આમ તેમ જૂએ ત્યારે ખબર પડે કે સાહેબ તો બાથરૂમમાં ઘૂસી ગયા છે.
મુન્ની ઘરમાં પગ મૂકે એટલે અમીતને લાગતું કે એનાં નિર્જીવ ઘરમાં જાણે પ્રાણ ફૂંકાયો. ધીમે ધીમે કરતાં એ એને માટે અને ઘર માટે સંજીવની બની ગઈ હતી. તો સામે મુન્નીનેય ‘સાહેબ’ નો એટલો સધિયારો હતો, એટલી હૂંફ હતી કે,’સાહેબને જરા જેટલીય અગવડ ન પડવી જોઈએ’ એ એનો જીવનમંત્ર બની ગયેલો. ઘરમાં એનાં મા-બાપ પણ બડબડ કરતાં, ‘તારે તો અમે બધાંય પછી,પહેલા તારા સાહેબ! ન જોઈ હોય તો મોટી સાહેબવાળી!’ મોઢેથી ભલે આમ કહેતાં પણ એ બંને સારી રીતે જાણતાં હતાં કે, આમ થવું સ્વાભાવિક જ છે. વળી એમાં એમનો રાજીપો પણ હતો. એટલે જ, એટલે જ, જ્યારે સાહેબનાં ઘરમાંથી દીકરીની ચૂંથાયેલી લાશ મળી ત્યારે પળવાર માટેય એમનાં મનમાં સાહેબનું નામ નહોતું આવ્યું. પોલિસને આપેલાં નિવેદનમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું,
‘સાહેબ તો દેવતા સમાન છે. મુન્ની એમને ત્યાં ત્રણ-ચાર વરસથી કામ કરે છે.એમને નજર બગાડવી જ હોત તો ક્યારની બગાડી ન હોત? એ તો એને પોતાની દીકરી જ સમજતા હતા.’ મુન્નીનાં મા-બાપનાં બયાને તો પહેલા જ અમીતને નિર્દોષ સાબિત કરી દીધો હતો પણ એ ઉપરાંત ચાલેલી તપાસમાં બહાર આવ્યું કે, આ બન્યું ત્યારે અમીત તો મુંબઈમાં હતો જ નહીં. એ તો એના કામે દિલ્હી ગયો હતો. એટલે એ કોઈ રીતે શંકાના દાયરામાં આવતો નહોતો.
રસોડાનાં પ્લેટફોર્મ પરથી મળી આવેલા મોબાઈલના ઈનકમીંગ કૉલ્સ તપાસતાં છેલ્લા બે દિવસમાં પંદરથી વીસ વખત કોઈ પરેશના જ ફોન આવ્યા કરેલા. દર વખતે પચીસ-ત્રીસ મિનિટ વાતો ચાલેલી. પરેશનો પત્તો મેળવતાં વાર નહોતી લાગી. મુન્નીનાં ઘરની નજીક આવેલી નરશી નાથની ચાલમાં રહેતો ટપોરી ટાઈપનો છોકરો. ખાસ કંઈ કામધંધો કરતો નહીં. નવરો બેઠો બીડી ફૂંક્યા કરતો અને આવતી- જતી છોકરીઓને પટાવવાની કોશિશ કર્યા કરતો. મુન્નીની હત્યા થયાના આઠ જ કલાકમાં, હજી તો અમીત દિલ્હીથી આવ્યો પણ નહોતો ત્યાં પોલિસે એની ધરપકડ કરી લીધેલી. મુન્નીની મા હિબકાં ભરતાં ભરતાં કૉર્ટમાં સ્ટેટમેંટ આપતી હતી,
‘મને ખબર હતી કે, સાહેબ બહારગામ ગયા છે ને મુન્ની ઘરની સાફ-સફાઈ માટે ઘરમાં એકલી જ છે. સાહેબને તો કેટલીય વાર બહાર જવાનું થયા કરે એટલે આવું તો વારે ઘડિયે બનતું પણ દર વખતે બે’ક કલાક થાય એટલે હું ફોન કરતી કે, કામ પત્યું કે નહીં? તું કેટલીવારમાં આવે છે? ઘર બરાબર બંધ કરજે … એવું બધું. તે દિવસે પણ મેં એને ફોન કરેલો પણ…’
‘પણ મુન્નીના મોબાઈલના ઈનકમીંગમાં તો તમારો નંબર નથી ને તમે કહો છો કે…’
‘સાહેબ, મોબાઈલ તો એને અમીત સાહેબે ગઈ દિવાળી પછી અપાવેલો. ત્યાં સુધી તો હું કાયમ ઘરના નંબર પર જ ફોન કરતી. આમ પણ મને મોબાઈલનો લાંબો લાંબો નંબર જોડવાનું અને મોબાઈલ પર વાત કરવાનું ફાવતું જ નથી.’
‘અચ્છા, તો તમે લેંડલાઈન પર ફોન કરેલો એમ જ ને?’
‘ના સાહેબ, અમીત સાહેબનાં ઘરના ફોન પર.’
‘હા, હા, એટલે લેંડલાઈન જ.’ આવી પરિસ્થિતિમાંય સરકારી વકીલના ચહેરા પર મજાકભર્યું સ્મિત આવી ગયું પણ તરત વાત સંભાળી લેતાં એમણે પૂછ્યું, ‘હા, તો લેંડલાઈન પર , એટલે કે,ઘરના ફોન પર તમારે મુન્ની સાથે શું વાત થઈ હતી?’
સવાલ સાંભળતાંની સાથે મુન્નીની માની આંખો વરસી પડી. ‘વાત જ ક્યાં થઈ સાહેબ? રીંગ વાગ્યા જ કરી, વાગ્યા જ કરી… મને થયું કે, હમણાં એ આવી જ જશે .આવે એટલે ભેગાં બેસીને જમશું પણ…’
‘એ વખતે લગભગ કેટલા વાગેલા?’
‘એકદમ યાદ નથી સાહેબ, પણ જમવા ટાણું થયેલું એટલે દોઢ- પોણા બે વાગ્યા હશે.’ વકીલે જજસાહેબને નોંધ લેવા વિનંતી કરી કે, પરેશનો છેલ્લો ફોન બાર વાગ્યાની આસપાસ આવેલો.
‘એ આવી નહીં તો તમે એકવાર પણ એના મોબાઈલ પર ફોન ન કર્યો?’
‘કરવો’તો સાહેબ, પણ એણે કોઈ ચબરખીમાં નંબર લખેલો એ બધે ગોતી વળી પણ મળી જ નહીં. એવુંય હોય કે હું એકદમ રઘવાયી થઈ ગયેલી એટલે મને નહીં મળી હોય. એ અઢી વાગ્યા સુધીય ન આવી એટલે મેં એના બાપુને કીધું કે, ચાલોને, આપણે સાહેબને ઘરે જઈને જોઈ આવીએ કે, છોકરી ગઈ ક્યાં?’
‘તમને એમ ન થયું કે, કદાચ કોઈ બહેનપણીને ત્યાં કે તમારા કોઈ સગાવહાલાને ઘરે ગઈ હશે?’
‘ના સાહેબ મારી દીકરી એટલી ડાહી કે, સવારે ઘરેથી સીધી સાહેબને ત્યાં જાય ને ત્યાંનું કામ પતાવીને પછી ઘર ભેગી. એ સિવાય અમને કહ્યા વિના એ ક્યાંય જાય જ નંઈ.’
‘તો તમે અને તમારા પતિ મિ. અમીત ભટ્ટાચાર્યને ઘરે ગયાં પછી ત્યાં શું થયું, શું જોયું એ તમામ વાતો યાદ કરીને નાનામાં નાની લાગતી માહિતી પણ જજસાહેબને અને નામદાર કૉર્ટને જણાવો.’
મુન્નીનાં મા-બાપે જઈને જોયું ત્યારે બારણું અંદરથી બંધ હતું. કેટલુંય ઠોક્યું, આડોશી-પાડોશીય ભેગાં થયાં ને અ6તે પોલિસે આવીને બારણાંનું લૉક તોડ્યું ત્યારે એમની દીકરી… કહેતાં કહેતાં મુન્નીની મા બેહોશ થઈને ઢળી પડી. એના બાપે આગળ વાત કરી, બેડરૂમના પલંગ પર મારી પારેવા સરખી મુન્નીની ચુંથાયેલી લાશ જોતાં જ સમજાઈ ગયું કે, કોઈ હવસખોરે એને વીંખી નાખી હતી, પીંખી નાખી હતી અને અંતે ગળે ટૂંપો દઈને બારણું ખેંચીને ભાગી છૂટ્યો હતો. મારી દીકરીના હત્યારાને આકરી સજા કરજો સાહેબ, મારી પારેવડીને ન્યાય અપાવજો.તમારે પગે પડું છું. કહેતાં કહેતાં એ લાચાર બાપ છૂટ્ટે મોઢે રડી પડ્યો.
‘યોર ઓનર, મારે આ બાબતમાં કંઈક કહેવું છે. મને બોલવાની પરવાનગી મળી શકશે?’ સૌનાં આશ્ચર્ય વચ્ચે અમીતે પોતાની જગ્યાએ ઊભા થતાં પૂછ્યું. સાક્ષીનાં પીંજરામાં આવીને ગીતાની સાક્ષીએ શપથ લીધા પછી થોડા તરડાયેલા અવાજે, પૂરેપૂરી ગંભીરતાથી એણે કહ્યું, ‘મુન્નીનું ખૂન મેં કર્યું છે.’
કૉર્ટરૂમમાં હો હા મચી ગઈ.ત્યાં હાજર લોકોને શાંત રહેવાની આજ્ઞા કરી જજે અમીતનેજે કહેવું હોય એની રજૂઆત કરવાની સંમતિ આપી પણ એ પહેલાં વકીલે એને પ્રશ્ન કર્યો,
‘મિ. ભટ્ટાચાર્ય, આ કેસના મુખ્ય આરોપી પરેશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. કેસ તો સહેલાઈથી ઉકલી જ ગયો છે. વળી તમે તો બનાવનાં સ્થળે હાજર જ નહોતા. તો તમે ખૂની કેવી રીતે હોઈ શકો?’
‘શરૂઆતથી માંડીને મારી વાત કરવાનો સમય આપી શકશો જજસાહેબ?’ જજે રજા આપ્યા પછી એમણે વાત આગળ ચલાવી.
‘મુન્ની પંદર-સોળ વર્ષની હશે ને મારે ઘરે કામ પર આવવા લાગી હતી. મારાં પત્ની અને હું અંગત કારણોસર લગ્નનાં થોડાં વર્ષો પછી અલગ થઈ ગયેલાં અને કોઈ સંતાન પણ ન હોવાથી હું એકલો જ રહું છું.’
ત્યાર પછીની અમીતની કેફિયતમાં કઈ રઈતે મુન્નીએ એનાં ઘરને પોતાનું બનાવી લીધું, એની પસંદ-નાપસંદ, ગમા-અણગમા બધું સમજીને એ છોકરીએ કેવી રીતે એનાં દિલમાં સ્થાન મેળવ્યું એ વિગતે કહ્યા બાદ એ મૂળ વાત પર આવ્યો.
‘દિવાળીના તહેવારો નજીક આવતા હતા એ પહેલાંથી મુન્ની મને કહ્યા કરતી, ‘સાહેબ આ અખતે દિવાળીએ મને બીજું કાંઈ નથી જોઈતું બસ, મને એક મોબાઈલ અપાવજો.’
‘તારે વળી મોબાઈલની શું જરૂર? તું ક્યાં ઓફિસમાં કામ કરવા જાય છે?’
‘એ હું કાંઈ ન જાણું. મને મોબાઈલ જોઈએ છે એટલે જોઈએ છે, બસ. તમને ખબર નહીં હોય સાહેબ, પણ રસ્તા આળવા પેલી ચંપા આવે છે ને એની પાસે પણ સેમસેમ કે એવું કંઈ કહે છે ને એવો મોબાઈલ છે. એક મારી પાસે જ નથી.’ પછી આંખો નચાવતી કહેવા લાગી, ‘મારે પણ બધા પાસે વટ ન મારવો હોય? મારેય બધાંને બતાવવું હોયને કે મારી પાસેય મોબાઈલ છે.’
‘આટલી વાત થયા પછી ય મેં કંઈ એનું સાંભળ્યું નહીં અને દર વર્ષની માફક બે જોડી કપડાં, મીઠાઈ, રોકડ રકમ બધું એની સામે મૂક્યું તો એણે હાથ પણ ન લગાડ્યો અરે, એ ચીજો સામે જોયું પણ નહીં. મને પણ ગુસ્સો આવ્યો. મને થયું કે મેં જ એને ખોટા લાડ લડાવીને બગાડી છે. આમ ને આમ એની બધી જીદ પૂરી કરીશ તો એક દિવસ એ મારે માથે ચઢી બેસશે. એની આવી દાદાગીરી હું નહીં ચલાવી લઉં. આ વખતે હું એની આગળ ઝૂકી જઈશ તો એ નીત નવી માગણી કર્યા કરશે. થોડા દિવસ જવા દે. આવશે એની મેળે ઠેકાણે ને લઈ જશે આ આપેલું બધુંય. આમેય એને કપડાંનો કેટલો શોખ છે! લલચાયા વિના રહેશે નહીં. પણ એ તો વટનો કટકો. પેલું બધું લઈ જવાની વાત તો દૂર, એણે તે દિવસથી મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું. કામ બધું કરતી એમ જ એકદમ વ્યવસ્થિત કરે પણ એવી રીતે મૌન રહે જાણે સત્યાગ્રહ ન માંડ્યો હોય!
દિવસ જતા ગયા એમ મારી અકળામણ વધતી ગઈ. એના કલબલાટ વિના ઘર સૂનુંસૂનું લાગતું હતું. સતત ચીં ચીં કરતી ચકલી સાવ મૂંગી થઈ ગઈ હતી. અંતે મારાથી ન રહેવાયું અને એક દિવસ એને માટે મોબાઈલ લઈ જ આવ્યો. તે દિવસનો એનો આનંદ જોયો હોય સાહેબ! થેંક યુ, થેંક યુ કહેતી જાય ને મોબાઈલના સ્ક્રીન પર હાથ ફેરવતી જાય. મોબાઈલ હાથમાં આવતાં જાણે એની દુનિયા જ બદલાઈ ગઈ. એ જાણે સીધી-સાદી યુવતીમાંથી ઊડાઊડ કરતું પતંગિયું બની ગઈ. મોબાઈલથી શું શું થઈ શકે ને કેવી રીતે થઈ શકે એની માહિતી મેળવતી ગઈ, બધાંને પોતાના નંબરની લ્હાણી કરતી થઈ ગઈ અને અગત્યના (એની દ્રષ્ટિએ) નંબરો સેવ કરતી થઈ ગઈ. પોતાની પાસે મોબાઈલ છે એ વાતથી એ મગરૂર હતી.
હવે કામકાજમાં એનું મન પહેલાંની જેમ લાગતું નહોતું. પહેલાં એ ગુડ મોર્નિંગ કરતી ઘરમાં દાખલ થતી એને બદલે હવે હું દરવાજો ખોલું ત્યારે મારી સામે જોયા વિના એ ઘરમાં આવતી અને ત્યારે પણ એની ફોન પરની વાત અખંડપણે ચાલુ જ રહેતી. આખો વખત ક્યાં તો એની પર કોઈનો ફોન આવ્યો હોય ક્યાં તો એણે કોઈને ફોન કર્યો હોય ને એ લાંબી લાંબી વાતોમાં મશગૂલ હોય. એક દિવસ આમ જ ગેસ પર મૂકેલું દૂધ ઊભરાવાની તૈયારીમાં હતું ને એ ફોન પર વાત કર્યા કરતી હતી એ જોઈને મારાથી બૂમ પડાઈ ગઈ-‘એ મુન્ની મોબાઈલ! જરા ધ્યાન રાખ.’
એ ખૂબ હસી ને મને કહે, તમે આપેલું નામ મને બહુ ગમ્યું. મુન્ની મોબાઈલ! મ એ મ. કેટલું સરસ લાગે છે નહીં? એ ખુશ હતી પણ હું ખુશ નહોતો. રહી રહીને મને થયા કરતું કે એને મોબાઈલ અપાવીને મેં કંઈક ભૂલ કરી છે. આ અલ્લડ છોકરીને આ રમકડાંના ભયસ્થાનોનું ભાન નથી. કોઈ વખત એ એને કારણે મુશ્કેલીમાં ન આવી પડે તો સારું. ઘણી વાર હું એને સમજાવવાની કોશિશ કરતો, ‘મુન્ની, તને મોબાઈલ અપાવ્યો તો ખરો પણ આટલી લાંબી લાંબી વાતો કર્યા કરે છે તે હું કંઈ તારા મોબાઈલનું બીલ નથી ભરવાનો, યાદ રાખજે!’ વળી એક વાર એમ પણ કહ્યું કે, જેને તેને તારો મોબાઈલ નંબર આપ્યા કરે છે એવું ન કરાય. અજાણ્યાને નંબર આપી દેવામાં જોખમ છે.’ પણ એના હાવભાવ પરથી મને ખ્યાલ આવતો કે, આ બાબતમાં કંઈ પણ સાંભળવાની એની તૈયારી નથી.
પહેલા તો આ પરેશ સાથે એને ફક્ત આંખની ઓળખાણ હતી પણ મોબાઈલ હાથમાં આવ્યા પછી એણે પરિચય વધાર્યો. બેઉ એકબીજાને ફોન કર્યા કરતાં. ફોન પર નક્કી કરીને ચોરીછૂપીથી ક્યારેક મળી પણ લેતાં એવી મને ગંધ આવતી ખરી પણ એ બાબતમાં મેં ચૂપ રહેવાનું નક્કી કરેલું. એમ ને એમ જ પરેશે મારી ગેરહાજરીની વાત જાણી લીધી. હું ઘરમાં નથી એ વાત એ એણે જાણી લીધા પછી એને ઘરે બોલાવવામાં કદાચ મુન્નીની સંમતિ હોઈ શકે પણ એને કલ્પના ક્યાંથી હોય કે, આ રીતે ઘરનાં એકાંતમાં એને બોલાવવાનું આવું ભયંકર પરિણામ આવશે?
માટે જ કહું છું યોર ઓનર કે, મોબાઈલ અપાવીને મારી મુન્ની મોબાઈલની હત્યા મેં જ કરી છે, એની હત્યાનાં મૂળમાં હું છું, હું જ છું…’ કહેતાં કહેતાં અમીત ભટ્ટાચાર્ય ભાંગી પડ્યા.
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
