દીપક ધોળકિયા

ગાંધીજીને માત્ર સમુદ્રમાં મીઠું પકવવાથી સંતોષ નહોતો. ખાસ કરીને સરકારે એવો દાવો કર્યો કે સત્યાગ્રહ અસરકારક નહોતો રહ્યો અને મોટી ભીડ તો એમને જોવા માટે સમુદ્રકાંઠે એકઠી થઈ હતી.  આથી એમણે હવે બીજો દાવ ખેલવાનું નક્કી કર્યું. ધરાસણામાં મીઠું બનાવવાનું કારખાનું હતું. એમણે આ કારખાનું બંધ કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું! ગાંધીજી સરકારને જલદ પગલાં લેવાની ફરજ પાડતા હતા!

દાંડીના દરિયેથી મીઠું ઉપાડ્યા પછી ચાર અઠવાડિયે એમણે વાઇસરૉયને પત્ર લખીને ધરાસણાના મીઠાના કારખાના પર ‘દરોડો’ પાડવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. તે પછી તરત એમની ધરપકડ કરી લેવાઈ. નહેરુ, સરદાર પટેલ વગેરે બીજા નેતાઓને પણ પકડી લેવાયા.

પરંતુ ધરાસણાના કારખાના પર હલ્લો બોલવાની યોજના ચાલુ રહી. ગાંધીજીએ ૭૬ વર્ષના વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીને એની નેતાગીરી સોંપી અને એમની સાથે કસ્તૂરબાને ગોઠવ્યાં. પણ બન્ને ધરાસણા પહોંચે તે પહેલાં જ એમની ધરપકડ કરી લેવાઈ અને ત્રણ-ત્રણ મહિનાની સજા આપવામાં આવી.

એમના પછી સરોજિની નાયડુ અને મૌલાના અબૂલ કલામ આઝાદ પર સત્યાગ્રહીઓને દોરવણી આપવાની જવાબદારી આવી. બધી તૈયારી થઈ ગઈ હતી. માર પડવાની જ હતી પણ સામે હાથ ઉગામવાનો નહોતો. એટલે મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ ઘાયલ થવાના હતા. આથી ડૉક્ટરી સારવારની વ્યવસ્થા પણ કરી લેવાઈ. સ્ટ્રેચરો, ખાટલા વગેરે પણ મંગાવી લેવાયાં.

પહેલા દિવસે તો સત્યાગ્રહીઓ કારખાના તરફ ગયા. પોલીસે એમને ધકેલી દીધા કે પકડી લીધા. તે પછી બધા એ જ જગ્યાએ ૨૮ કલાક બેઠા રહ્યા. હવે એમણે વ્યૂહ બદલ્યો અને અગરોની આસપાસ કાંટાળા તારની વાડો બનાવી હતી તે તોડવાનું શરૂ કર્યું, તે સાથે જ સિપાઈઓ એમના પર તૂટી પડ્યા.  કોઈનાં માથાં ફૂટ્યાં તો કોઈના પગ. લોહી એટલું વહ્યું કે સ્ટ્રેચરો ઓછાં પડ્યાં.

અમેરિકન પત્રકાર વેબ મિલર આ ઘટનાનો સાક્ષી હતો. એણે રિપોર્ટ મોકલ્યા તે પહેલા દિવસે તો પ્રગટ ન થયા, કારણ કે બ્રિટિશ સરકારે સેન્સરશિપ લાગુ કરી દીધી હતી. મિલરે સેન્સરશિપ હોવાનું જાહેર કરી દેવાની ધમકી આપી તે પછી એમનો પહેલો રિપોર્ટ છપાયો. તે સાથે જ દુનિયામાં ૧૩૫૦ છાપાંઓમાં આ સમાચાર ચમક્યા અને દુનિયામાં અરેરાટી  ફેલાઈ ગઈ. નિર્દોષ, અહિંસક સત્યાગ્રહીઓ પર હુમલાની ઠેકઠેકાણે ભારે ટીકા થવા લાગી. મિલરે રિપોર્ટ આપ્યો કે,

“હું જ્યાં ઊભો હતો ત્યાં મને સત્યાગ્રહીની ખોપરી પર લોખંડ ચડાવેલી લાઠીનો પ્રહાર સંભળાતો હતો. મને ઊબકા આવવા લાગ્યા. જોનારાના મોઢામાંથી આહ અને ઓહ નીકળી જતાં હતાં પણ એક પણ સત્યાગ્રહીએ સામે હાથ ન ઉગામ્યો. ઘાયલોને લેવા માટેનાં સ્ટ્રેચરો ઓછાં પડ્યાં એટલે  સ્વયંસેવકો એમને કામળામાં ઊંચકીને લઈ જવા લાગ્યા. કામળા પણ લોહી નીતરતા હતા. ત્યાંથી એમને  પ્રાથમિક સારવાર પછી હૉસ્પિટલ લઈ જવાતા હતા. હૉસ્પિટલમાં મેં ઘાયલોની સંખ્યા ગણી. ૩૨૦ ઘાયલ થયા હતા.  કેટલાયને પોલીસે ગુપ્તાંગો પર લાતો મારી હતી. એ પીડાથી કણસતા હતા. બે સત્યાગ્રહીઓનાં ત્યાં જ મૃત્યુ થયાં.”

સરદાર વલ્લભભાઈનાં માતા

મીઠાના સત્યાગ્રહનું કેન્દ્રસ્થાન દાંડી રહ્યું, પરંતુ ગુજરાતમાં બીજાં આંદોલનો પણ થવા લાગ્યાં. ખાસ કરીને સૂરતનો બારડોલી જિલ્લો અને ભરૂચનો જંબુસર જિલ્લો મોખરે રહ્યાં. બારડોલીમાં ગામડાંમાં ખેડૂતોએ જમીન મહેસૂલ ન આપવાનું આંદોલન ચલાવ્યું. પોલીસના અત્યાચારનો સપાટો સરદાર વલ્લભભાઈનાં એંસી વર્ષનાં માતાને પણ લાગ્યો. એ રાંધતાં હતાં ત્યારે સિપાઈઓ એમના રસોડામાં ઘૂસી ગયા અને બધું ઢોળી નાખ્યું, માટીનાં વાસણો ફોડી નાખ્યાં અને જે કંઈ વાસણો મળ્યાં તેમાં કેરોસીન ભરી દીધું. સરદાર એ વખતે હજી જેલમાં જ હતા.

ધોલેરા સત્યાગ્રહ

૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ ૨૧ સત્યાગ્રહીઓની ટુકડી સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ઘોષણા સહિત, પોલીસોની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરી, તેમની પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું. તેમને થોડો સમય કસ્ટમ હાઉસમાં બેસાડી રાખી, છોડી દેવામાં આવ્યા. અમૃતલાલ શેઠ પર કેસ ચલાવી અઢી વર્ષની સજા કરવામાં આવી. બળવંતરાય મહેતાની સરદારી હેઠળ મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓની ટુકડી ૧૩ એપ્રિલની સવારે નીકળી. તેણે મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બળવંતરાયની ધરપકડ કરી, ધંધૂકામાં કેસ ચલાવી બે વર્ષની સજા કરવામાં આવી. આશરે દોઢ મહિનાની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી, દેવીબહેન પટ્ટણી, ભીમજીભાઈ સુશીલ, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા (સોપાન) જેવા અગ્રણીઓને જેલમાં મોકલવા છતાં લડતનો જુસ્સો ચાલુ રહેવાથી પોલીસે ધોલેરા, ધંધૂકા, બરવાળા અને રાણપુરની સત્યાગ્રહની છાવણીઓ પર છાપા મારી, છાવણીઓ કબજે કરવાથી ધોલેરાના સ્મશાનમાં છાવણી શરૂ કરી. કુલ આઠ મહિના સુધી સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવ્યો. આ દરમિયાન સત્યાગ્રહીઓ ઉપર પોલીસોએ અમાનવીય અત્યાચારો ગુજાર્યા.

૧૯૩૦ના ગુજરાતના શહીદો

સવિનય કાનૂન ભંગનું આંદોલન તે પછી પણ ચાલતું રહ્યું. આખા દેશમાં પોલીસના દમનને કારણે અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યા.  આપણે બધાને અંજલિ આપીએ. અહીં ૧૯૩૦નાગુજરાતના શહીદોનાં નામ જેટલાં મળી શક્યાં તેટલાં આપ્યાં છે, કારણ કે પોલીસના રેકૉર્ડમાં હોય – જેમનાં મૃત્યુ સ્થળ પર જ થયાં હોય અથવા જેલમાં થયાં હોય તેમનાં નામ જ મળી શકે. ઘણાને બહુ ખરાબ હાલતમાં છોડી મૂક્યા હોય અને પાછળથી એમનાં ઘરે મૃત્યુ થયાં હોય. એમની માહિતી એકઠી કરવાનું બહુ કપરું કામ છે. એ સૌની ક્ષમા માગી લઈએ.

૧. બાપુરાવ અંગાપુરકર – ગામ કરાડી (જિ. નવસારી). પ્રાથમિક શાળાના શિક્ષક. ધરપકડ પછી પોલિસના અત્યાચારને કારણે શહીદ થયા.

૨. ભાઇલાલ દાજીભાઈ પટેલ – ગામ પતીજ, જિ. ખેડા. ધરાસણાના સત્યાગ્રહી. એમને પોલીસે લાઠીઓ મારી. લાતો મારી. એ બેહોશ થઈ ગયા અને અર્ધા કલાકમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

૩. ભાણ ખેપુ હુલ્લા – મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના, પણ સૂરત જિલ્લાના કિસ્મોડા ગામે રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા અને ગંભીર ઈજાઓનો ભિગ બન્યા. ૧૦મી જૂને એમનું મૃત્યુ થયું.

૪. ગોરધનભાઈ રણછોડભાઈ – ભરૂચ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગનાં આંદોલનોમાં સક્રિય રહ્યા. વિદેશી કપડાંની હોળી, દારૂના પીઠાં પર પિકેટિંગ, મીઠાનો સત્યાગ્રહ વગેરેમાં ભાગ લેતા હતા.  એમની ધરપક્ડ પછી સાબરમતી જેલમાં મોકલી દેવાયા. ત્યાં બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા.

૫. હરિલાલ શાહ – મૂળ મુંબઈના, પણ સૂરતમાં રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના લાઠી પ્રહારમાં મૃત્યુ પામ્યા.

૬. ઈશ્વરલાલ વૈરાગીવાળા – આંદોલનમાં ભાગ લેવાને કારણે બે વર્ષની સખત કેદની સજા આપીને વિસાપુર જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમની તબીયત લથડી એટલે અહમદનગર લઈ જવાયા. ત્યાં ૭ ડિસેમ્બર ૧૯૩૨ના રોજ હૉસ્પિટલમાં મૃત્યુ થયું.

૭.જેઠાભાઈ પટેલ – ગામ જલસામ, જિ, ખેડા. સાબરમતી જેલમાં પોલીસના અત્યાચારને કારણે ૯મીડિસેમ્બર ૧૯૩૨ના રોજ એમનું મૃત્યુ થયું.

૮.  જેઠાલાલ જાયેડભાઈ – ખેડા જિલ્લો.  ૧૯૩૨માં ગેરકાનૂની ઠરાવેલું કોંગ્રેસનું સાહિત્ય એમની હોટેલમાંથી મળ્યું. કારાવાસ અને દંડની સજા મળી. જેલમાં ગંભીર બીમારી લાગુ પડી અને ૧૯૩૨માં મૃત્યુ પામ્યા.

૯. મનસુખલાલ – ગોધરા, જિલ્લો પંચમહાલ. ૧૯૩૧માં ધરપકડ થઈ. જેલમાં ગંભીર બીમારીનો શિકાર બન્યા અને અમદાવાદની એક હૉસ્પિટલમાં ખસેડ્યા, ત્યાં એમનું મૃત્યુ થયું.

૧૦. નરહરિભાઈ પટેલ – ગામ ઊદ, જિલ્લો ખેડા. ૧૯૩૧માં ગામમાં મીઠાનો સત્યાગ્રહ કર્યો. પોલીસે ગોળીબાર કરતાં સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું.

૧૦. નરુથ નાથ – (નામ સ્પષ્ટ નથી) – ગામ કોસ્મોડા, જિ. સૂરત. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના મારથી ઘાયલ. ૧૩મી જૂન ૧૯૩૦ના મૃત્યુ થયું.

૧૧. રતિલાલ વૈદ્ય – ગામ ધોલેરા, જિ. અમદાવાદ. ઉંમર ૧૬ વર્ષ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગમાં સક્રિય રહ્યા. એમને પકડીને યરવડા જેલમાં મોકલી દેવાયા. ત્યાં ભારે સખત મજૂરીને કારણે મૃત્યુ પામ્યા.

૧૨. ત્રંબકલાલ – સરખેજ (અમદાવાદ)ના રહેવાસી. ઉંમર વર્ષ ૧૮. આંદોલનમાં સક્રિય. સાબરમતી જેલમાં  ૧૯૩૦ના ઑગસ્ટમાં મૃત્યુ થયું.

૧૩. ત્રિવિક્રમ – ગામ જંબુસર (ભરૂચ). મે અને જુલાઈ દરમિયાન કેટલાય કાર્યક્રમોમાં ભાગ લીધો. ઑગસ્ટ ૧૯૩૦માં સાબરમતી જેલમાં મૃત્યુ.

૧૪. વિઠ્ઠલભાઈ દલ્લુભાઈ પટેલ – નવસારીના વતની. અંભેટી (બારડોલી તાલુકો)માં રાષ્ટ્રીય શાળાના શિક્ષક. ૧૯૩૦ના જંગલ સત્યાગ્રહમાં ભાગ લીધો. તે પછી મીઠાનો સત્યાગ્રહ પણ કર્યો. એ વખતે પોલીસના મારથી ગંભીર ઈજા પામ્યા અને ૧૯૩૦ની ૨૩મી ઍપ્રિલે મૃત્યુ થયું.

—–

(મીઠાના સત્યાગ્રહને પગલે પગલે – પણ અલગ રીતે – પઠાણોની અહિંસક વીરતા  અને એક સત્યાગ્રહી આર્મી ઑફિસર ચંદ્ર સિંહ ગઢવાલીની કથા માટે વિશે જાણવા આગામી ૬૨મા પ્રકરણની રાહ જૂઓ).

૦૦૦

પ્રકરણ ૫૭, ૫૮, ૫૯ અને ૬૦ માટેના સંદર્ભની સૂચિઃ

(લેખકની આ પહેલાંની ‘ભારતની ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ’ શ્રેણીના ભાગ ૩નાં પ્રકરણ ૪૮થી ૫૧માં આ સંદર્ભોનો ઉપયોગ કર્યો છે).

૧. Martys of India, Vol 4 (Maharashtra, Gujarat, Sindh)

૨. Centenary History of Indian National Congress Part II -1919-1935 edited by B. N. Pandey

૩. Natives beaten down by police in India salt bed raid – Webb Miller’s report

૪. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૨, નવજીવન ટ્રસ્ટ

૫. મહાદેવભાઈની ડાયરી  ભાગ ૧૩, નવજીવન ટ્રસ્ટ

૬. https://www.mkgandhi.org/civil_dis/dandi_march.htm

૭. https://upsctree.com/history-dharasana-satyagraha/

૮. (મહેબૂબ દેસાઈ – https://gujarativishwakosh.org/ધોલેરા)

૯. An Autobiography – Jawaharlal Nehru Chapter 29 page no. 209. First Edition April 1936.

૧૦. http://www.researchguru.net/volume/Volume%2012/Issue%202/RG144.pdf

૧૧. https://www.thehindu.com/news/national/tamil-nadu/when-rajaji-defied-the-salt-law/article11629453.ece

૧૨. India’s Struggle for Independence. Bipan Chandra et el. 1857 – 1947.

૧૩. Deshapriya Jatindra Mohan Sengupta (Makers of India series) by Padmini Seengupta, Publications Division, Government of India.

૧૪. Does Anyone Remember Abbas Tyabji?By Anil Nauriya (લેખકના અંગત સંગ્રહમાંથી)

૧૫. https://100years.upi.com/sta_1930-05-21.html

0૦૦

દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી